ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/૧૯૩૫ ની કવિતા
૧૯૩૫ની કવિતામાંથી ચૂંટણી
ભાવવૈવિધ્ય
(પૃથ્વી)
ઘરે ! રખડુ ઠામઠામ ભટકંત પાછો ફરેઃ
ફરે ધણ સમોઃ ‘અસૂર થયું’ એમ ઉતાવળો,
દરેક ડગલે ૨જો થળથળોનિ ખંખેરતો;
ફરે ખગ સમોઃ ‘હજી નભ સુહામણૂં’ એમ એ
સમીપ પણ નીડ બ્હાર જરિ સાંધ્ય શોભામહીં,
પ્રસારિ ફફડાવી પાંખ, રચિ વર્તુલો સેલતો;
ફરે જન મુમુક્ષુ જેમઃ ‘પરધામ’થી અન્ય તે,
ઈહ-સ્થલ બધાં સમાન, ઉરનો વિસામો ન કો,
વિરાગ મનમાંહ્ય એમ ‘ઘર’-વ્હાલ મંદાવતો;
ફરે વિધુર શો: ફરી અનુભવંત જૂનો વ્રણ;
ફરે-નિજ પડ્યાં મુકેલ લઘુ મોટ કર્તવ્યમાં
નવા ઉજમથી ફરી સડસડાટ લાગી જવા.
પતી રખડઃ જીવ એકલ, ઘરે તું પાછો ફરે;
તરંગ લહરે દિલે તુજ ક્યા ક્યા આ પળે !
(નવચેતન)બલવન્તરાય ક. ઠાકોર
આથમણી બારી
(અંજની)
ઉત્તર દખ્ખણ અને ઉગમણાં,
ભલે ભીડજો બારીબારણાં,
એક રાખજો ખુલ્લી મારી
આથમણી બારી.
(મિશ્ર)
પ્રકાશની સ્વારી વધાવવાને
ના પૂર્વ કે ઉત્તર દખ્ખણે જવાં
પડે, હસીને દિશ સર્વ ઉલ્લસી
ઝીલી રહે સિંચન તેજપ્રાણનાં.
રે, કિંતુ આ ઓસરતા પ્રકાશે
દિશા નિચોવાઈ જતી બધી લહું.
સ્નેહીસગાંનાં ભડદ્વારમાંથી
લહ્યું બધું જીવન ઊગી ખીલતું,
એ અસ્ત થાતી રવિની પ્રભાને
ધારી રહે પશ્ચિમ એકલી જ.
છેલ્લી કળા એ કિરણોની જોવા
છે કામની આથમણી જ બારી,
એના સુના હું વિરમી ઉછંગમાં
જોઈશ આ આથમતી જ જિંદગી.
ત્યાં આથમંતું જગને નિહાળવા
પ્રાર્થું છું હું અંતરબારી કોઈની.
(અંજની)
ઉદય બપોર તણા સુખભવને
ભલે ભિડાતાં દ્વાર જીવને,
કોક ખુલ્લી પણ ર્ હેજો મારી
આથમણી બારી.
(કુમાર)સુન્દરમ્
દ્વિરંગી જ્યોત
(રાગ માઢઃ તાલ ગઝલ-પશ્તો )
ધ્રૂજી ધ્રૂજી જળે ને ધગધગે
જગે જીવનની રસજ્યોતઃ
જળે જળે છતાં લળી ઝગઝગે,
એવી જીવનની અમીજ્યોત ! –(ધ્રુવ)
સોનલ કોડિયે અમૃત ભરિયાં,
કિરણ વણી મહીં વાટ;
વેદનઝાળથી તે સળગાવી,
જળતી ઝગે જગપાટ રે,
એવી જીવનની અમીજ્યોત. (૧)
અંદર અમૃતરસભર છલકે,
ઉપર વેદનઝાળઃ
અમૃતપાન કરે તે જળે હો,
સંતોનો પંથ કરાળ રે !
એવી જીવનની અમીજ્યોત. (૨)
અંધારે ઉગશે તારલા ને
કાંટે ફોરશે ફૂલ;
જળવું જગતને બારણે ને
ઝબકી લઈ થવું ગૂલ રે!
એવી જીવનની અમીજ્યોત. (૩)
દારૂણ વેદના હોયે ભલે પણ,
અંતર બળ દે એ જ;
વાદળવહન વિના નહિ વૃષ્ટિ ને
અગ્નિ વિના નહિ તેજ રે !
એવી જીવનની અમીજ્યોત. (૪)
ક્યાં લગી જળતું આ જીવન જાશે,
ક્યાં છે એ પ્રશ્નનું કામ ?
જ્વલન જશે તો એ જ્યોતે બુઝાશે:
ક્યાં રહેશે જીવનનામ રે ?
એવી જીવનની અમીજ્યોત. (૫)
જીવનજોગી હો ! દિલડું જળાવતો
અમૃત પીજે એ એમ !
જ્યોતિફુવારા એ ઊડશે ને કરશે
સહુનું કલ્યાણ ને ક્ષેમ રે !
એવી જીવનની અમીજ્યોત. (૬)
(ગુજરાત)અરદેશર ફરામજી ખબરદાર
વિરાટ પૂજન
(મિશ્રજાતિ)
અસ્તોદયે ઉદ્ભવતા પ્રકાશના વાઘા વિભો! તારી વિરાટમૂર્તિને ધરૂં;–વળી ઈન્દ્રધનુની મેખલા.
પીસીપીસી કોટિક કાળી વાદળી કોડે કરૂં કજ્જલ કૃષ્ણવર્ણી, સળી લહી સોનલ દામિનીની કીકી કરૂં મોહન ! મોહિનીભરી.
શતાબ્દીઓના શતલક્ષ આંટે ગૂંથેલ, ઉત્ક્રાન્તિની અપ્સરાએ વિનાશ ને સર્જન મૌક્તિકે મઢ્યું મહાકાળનું મંદિલ મસ્તકે ધરી, અનંતદર્શી અવકાશ-આયને તારૂં બતાવું પ્રતિબિંબ ઓ પ્રભુ !
ઉર્વી ઉરે પીયૂષ છાંટનારી પીયે ધરૂં દ્વાદશ મેઘઝારી. નૈઋત્યની મંદ સમીર-દોરીએ તરંગની ફેનલ ઝૂલવાળા સમુદ્રના ચંદરવા હિલોળીને પંખા કરૂં ગંભીર ગાન ગાતા.
લૈ વ્યોમની વિશ્વવિરાટ થાળી મધ્યે મૂકું સૂરજચંદ્ર દીવડા, ઉતારતો વિશ્વસ્વરૂપ આરતી ઘંટા બજાવું ઘન ગર્જનો તણી.
ખોબે ભરી સુન્દર તારકો ને વિભો ! વધાવું નવલક્ષ અક્ષતે. પ્રફુલ્લતા પંકજપુષ્પ શો હું લોટી પડું લોચન પાંદડી મીંચી.
પડ્યો પડ્યો પાવન પાવલે પિતા ! તારી કૃપાના શતસિંધુ યાચું; ના બિન્દુએ તાત ! લગીર રાચું.
પૂજ્યો તને કૈં પૃથિવીપટેના પુણ્યાત્મનોએ નિજ શક્ય સૌ કરી, –નિજ લભ્ય સૌ ધરી;
તેં તો રીઝી દેવ ! દરેકને દીધાં કૃપા તણાં કેવળ કેડિયાં ભરી; જે હોમતાંમાં જગકષ્ટ-જ્વાલે ઊડી ગયાં છમ્ છમ્ થઈ સનાતને!
ને સૃષ્ટિને શીતલ શાન્તિનાં રહ્યાં સ્વપ્નોજ;એ શાશ્વત પ્યાસ ના શમી, એ આહ આ અંતર દાહતી રહી. ... ... કંકાવટી કોમલ ઉરની કરી ભાવાર્દ્ર આ કલ્પન-તર્જની ભરી વિરાટનાં વિદ્ય વિદારવાને હું આદરૂં તારૂં વિરાટ પૂજનં.
રમણિક અરાલવાળા (કુમાર)
વર્ષા
(ઈન્દ્રવંશ)
આકાશના મેઘ નવામ્બુ સીંચતા, ગંભીર ઘોષે નભદુંદુભિ ગડે, સૌદામિની આરતિ વ્યોમમાં ધરે, નિસર્ગને મંદિર શા મહોત્સવે ? ને તોરણો આભતણી અટારીએ ગૂંથાય કૈં ઈન્દ્રધનુપ્રકાશનાં, બિછાત નીલા કિનખાબની ભરી બુટ્ટાની વેલી વનરાજિ કાં સજે ? મયૂર વૈતાલિક ગાન ગાઈને પદે પદે નૃત્યથી તાલ હીંચતા, ગીતાવલિમાં ઉર આશ સીંચતા ટ્હૌકે બપૈયા કઈ તે વધાઈને ? ગાઓ બજાવો ઉજવો મહોત્સવ ! વર્ષા તણો નૂતન મંગલોત્સવ !
તનસુખ ભટ્ટ (કુમાર)
આકર્ષણો
(ઉપજાતિ)
લાંબા દિને વાદળ વ્યોમ ઘેરે ફિક્કી દિશાઓ ગરભાયલી ર્ હે; ને ગ્રીષ્મવૃક્ષો ફળભાર થાક્યાં વર્ષાવતારે ઉર રાહ જોતાં.
ખેડૂગણો ખેતર સાંતી હાંકે, ને બાળકો માંડવીશીંગ ફોલે; બી વાવલે જ્યાં વહુ દીકરી મા, સોહામણાં પાધર શેરીઓ આ.
બીઆં થયાં ઉત્સુક ઊગવાને, સંજીવનો કોમળ ચૂગવાને; પૃથ્વી વિષે સ્વત્વ સમર્પણે શું તાજાં કરીને તનડાં પ્રફુલ્લે !
ઊંચા નભે શીત હિમાદ્રિઓમાં સ્વપ્ને સૂતાં મેઘલ બિન્દુઓ જે જાગી જઈ અંતરકંપનોએ સૌ ઊતરે છે મળવા બીઆંને.
ચૈતન્યનાં સુંદર ‘કર્ષણો જ જગે નવાં જીવનવર્ષણો દે.
દેશળજી પરમાર (કુમાર)
ગુજરાત
(પૃથ્વી)
ભમો ભરતખંડમાં, સકળ ભોમ ખૂંદી વળી ધરાતલ ઘુમો, ક્યહીં નહિ મળે રૂડી ચોતરી પ્રફુલ્લ કુસુમો તણી, વિવિધ રંગવસ્ત્રો ભરી, સરોવર, તરુવરો, જળભરી નદીઓ ભળી મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળીઃ પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુર્જરી ! ભરી તુજ કુખે મનોરમ વિશાળ લીલોતરી સદા હૃદય ઠારતી; અવર કો ન તુંપે ભલી;
નહિ હિમસમાધિમાં શિખર નીંદરે કે ખરે ઉષા કમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમા નથી, ઘણું નથી, પરંતુ ગુજરાતના નામથી સદા સળવળે દિલે, ઝણઝણે ઉંડા ભાવથી સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા, અરે, લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.
ચન્દ્રવદન મહેતા (ઊર્મિ)
આજનું કૂજન
(મિશ્ર)
તેં આજને કૂજન શું ભર્યું કે મારે ઉરે એ પલમાં વસી ગયું ? અને હજી યે વિલસી તહીં રહ્યું? એવું ભર્યું તે તુજ કૂજને શું?
વસંતની મંગલ આરતી સમી મેં સાંભળી છે સ્વધાર તાહરી; ને સાંભળી છે પ્રિય સંગ તારી પ્રશ્નોત્તરોની અથવા નકામી અખંડ વાતોતણી ધાર સૂરની; ને ચૈત્રની ચાંદનીમાં તરન્તી, ઝીલી છ મેં કૂજનધાર તારી અર્ધી નિશાએ, અધજાગતે ઉરે. છતાં ન તેમાંય મને મળેલ તે અને રચ્યું જે ઉરથી અદીઠ તે આજે મને સાંપડિયું અચિન્તવ્યું.
તેં આજને કૂજન એ ભર્યું જ શું?
આજે નથી માદક વાયુ માઘનો, પ્રદોષ વા શીતળ ચૈત્રનો નથી, નથી વિલાસી ય વસન્ત આજ કૈં.
છતાંય શા ઉમળકા વસી ગયા તારે ઉરે કે બળતા બપોરે વૈશાખના, તેં તુજ કાવ્ય રેલ્યું? ને કાવ્યમાં યે કહ્યું એવું તે શું હજીય કે અન્તર મારું ગુંજતું?
વિષાદ તારા ઉરમાં વસેલ શું તેં ઠાલવ્યો ? વા પ્રિયસંગમાણી સુકોમળી કે પળ સાંભરી તને ? કે માનવીનાં ઉર ખિન્ન માંહે ઉત્સાહ કો નવ્ય જ પૂરવાને માધુર્ય તેં કૂજનમાં વહાવ્યાં ? વા તું નિરૂદ્દેશ જ એ લવી ગઈ?
નથી, નથી એ તુજ ભેદ પામવા, ઉકેલવા એ તુજ કોયડા નથી; માધુર્યની અસ્ફુટ મુગ્ધતા આ મારે નથી શું બસ કે હું ચૂં—થવા બેસી જઊં કોમળ કાવ્ય તાહરૂં? મારે નથી એ કરવી સમીક્ષા, મીમાંસવું માદેવ માહરે નથી.
હું આજનું કૂજન મુગ્ધ તારું ભરી જ મારે ઉર, સાચવીશ શકે, ક્યારેક હું જીવનના બપોરે બળી રહું અંદરબ્હાર ત્યારે ઊઠે ઉરે એ મુજ ને વસી રહે વસી રહે ને વિલસી તહીં રહે.
મન:સુખલાલ ઝવેરી ( ગુજરાત )
પ્રેમસિંહાસન
(પૃથ્વી)
અમેય ધનસ્વામીઓ વિભવ માન ચર્ણે ધરી ઉભા શિર ઝુકાવતા નયનનેહના ભિક્ષુઓ; વિલાસભર અંતરે રસપિપાસુ કલ્પી તને સમગ્ર જગની ધરી રસવિલાસ સામગ્રીઓ; અને કવનમાં જ જીવન સમગ્ર ડૂબાવતા, ધર્યું કવનમાં ગૂંથી, કવિઉરે મૃદુ કાવ્ય; ને પ્રિયે પ્રકૃતિપૂજકે પ્રકૃતિ સર્વના સાર શાં ધર્યાં કુસુમ કોમળાં મઘમઘાટ રંગે ભર્યાં. સમગ્ર જગવૈભવે દિવસરાત્રિ ડૂબેલ એ નહિ ઉર લસ્યું પ્રિયે ! તુજ, તથાપિ એ અર્પણે, ‘અકિંચન હું છું, નથી ઉર વિના કશું પાસ તો ધરું ચરણ તાહરે ઉર સ્ફટિક શું, ચાલશે?’ હસ્યું ઉર, લકસ્યાં નિરાશ ચખ શબ્દ મારા સૂણી અમોલ મુજને જ તેં અરપ્યું પ્રેમસિંહાસન.
પ્રહ્લાદ પાઠક (ગુજરાત)
કવિને
હૈયે તારે ઝગે દીવડો એનાં તેજ ભલે જગ રાજે, અમારે માર્ગમાં દીવડો થાજે. આંખ અમારી ભરેલ અંધારાથી સાચી દિશા નવ ભાળે, તેજનાં અંજન આંજતો જાજે. પૃથ્વીથી ઊડતો તારલા ચન્દ્રને આંગણે કોક દી જાજે, જગનો થાકયો વિસામો ખાજે. દીન ને પીડિત રક્તચુસાયેલ માનવી મોતને બાઝે, એને અમર ચેતના પાજે. જેના અચેતન જીરણ, તેહના હાથ દોડી તું સ્હાજે, એની ટેકણલાકડી થાજે. દુ:ખદારિદ્રનાં ધારણ ભેદવા તું તારી બંસરી વાજે. કાળની આગળ આગળ ધાજે. બોલે પ્રજાના પ્રાણ, અભિનવ બોલ તેના સહુ સ્હાજે, એને ઉર ઘૂંટીઘૂંટી ગાજે. આકાશ, સાગર, અદ્રિના અંકમાં જ્યાં જવું હોય ત્યાં જાજે, ગીતો તો માનવબાલનાં ગાજે. લોભ મ રાખતો, થોભ મ રાખતો, નિત નવું નવું ગાજે, તારાં અન્તર ઠાલવી જાજે.
बादरायण (પ્રસ્થાન)
જીવંત કાલ-અંતરે
(ગુલબંકી)
વહે સમીર તીક્ષ્ણ તીર અંગ અંગ વીંધતો, ધ્રુજે શરીર, દાંત કડ્કડે હું એમ હીંડતો; કોટ જાકિટે ન ટાઢ માર રોકી હું શકયો, ગળે વિંટાળી શાલ લેશ તો ય ના ટકી શકયો.
દીધા ભરાવી હાથ કાખમાં, તથાપિ આંગળાં ગયાં ઠરી જ હિમથી થયાં શું જાણે પાંગળાં ! અને, હું જાઉં ગામસીમ, જોઉં ઝાડઝુંડવાં ઊભાં તહીં વિચિત્ર રૂપ, નગ્ન કાષ્ટઠુંઠ શાં ?
પડે છ ટાઢ, તોય એ નવાં ન વસ્ત્ર શે ધરે ? ડીલે ધરેલ ઓઢણાં ઉતારીને ઊભાં રહે ! વિચારૂં: બીક તેહને રહે જે કોટરક્ષણે ઝિલંત ઘાવ જે ઊભે જીવંત કાલ–અંતરે !
રમણલાલ સોની (કુમાર)
ઘનશ્યામ કાં?
(મિશ્ર)
થયા ઘનશ્યામ હશે પ્રભુ કાં ? ન સૂર્ય ને તારકમંડળોનો અંગે ધર્યો ઉજ્જવલ જ્યોતિ–રંગ, ગ્રહ્યો નહિ મંગળનો ય લાલ, પીતાંબરે સજ્જ ન તોય પીળો ચાહ્યો નહિ સ્વર્ણ પ્રભાત કેરો, સંધ્યા તણો ના ભગવો વિરાગી, લીલો ન લીધો વનદેવતાનો, ન ભૂખરો ભૂતળની વિભૂતિનો; કાં લીધ કાળો જ અપૂર્વ કાયે ? શું વિશ્વ–સંતાપ નિવારવાને સ્વદેહ ગાળી નિજ પ્રાણ અર્પતા મેઘોતણું માન વધારવાને, ને ત્યાગના રાગ તણી વસંતો સ્વાર્થો તણા આક્રમણે વધેલા વેરાન ખંડે પ્રગટાવવાને દેવે વધાવ્યો ઘનરંગ કાળો ? કે વિશ્વના વાસ મહીં વસેલા ને કામના પોષણથી વધેલાં પાપો નિવારી શુચિતા વધારી ભક્તોતણી સર્વ; પરંતુ ‘બાપડાં ક્યાં પપ રહેશે?’ કહીને દયાથી નિવાસ કીધો નિજમાં જ એમને શું રંગ તેથી બદલાઈ કાળો થયો હશે પાવનકારી દેહનો ? દિશા તેણો દોર લઈ બધાંને બાંધી વિનાશે ઘસડી જનાર જે કાળ તેને જઠરે પચાવ્યો. તેથી જ શું કાજળરંગ કાળનો આકાશ અંગ પરે છવાયો ? વા પ્રેમકેરો અવતાર એવી, સ્વાત્માર્પણે નિત્ય મચી રહેલી રાધાતણી લોચનતારકાની એકાગ્રતાએ પ્રભુરૂપ ઘેર્યું: તેથી શું સૌન્દર્ય અનાદિ કેરૂં લેપાઈ તારામણિરંગથી એ બની ગયું શ્યામ છતાંય કોટિ કામો થકી યે અભિરામ આવ્યું ? આથી જ જો શ્રીધરરંગ કાળો, તો કો ન લાગે ઘનશ્યામ વ્હાલો ?
પૂજાલાલ (ગુજરાત)
સિંધુને
(શિખરિણી)
‘અમાવાસ્યા આજે ગગનપથ ચંદા ન નિસરે છતાં શાના સિંધુ ? તુજ શરીર રોમાંચ ઉપડે? જઈ આજે શાને ખડક પર તું દીપ જગવે, વધાવાને આભે કવણ પગલાં રત્ન ઝગવે?’ ‘અમાવાસ્યા જાણું ગગનપથ ચંદા ન નિસરે સ્મૃતિ પૂર્ણિમાના મિલન તણી કિન્તુ ઉર ચડે; જઈ આજે એથી ખડક પર હું દીપ પ્રકટું’ અને રત્નો મારાં મિલનપથ માંહી સહુ જડું. અમાસે જીવું છું પરમ સુખથી એ સ્મરણના અને પૂર્ણિમાએ ભરતી સુખની છે મિલનના.
પ્રહલાદ પારેખ (કૌમુદી)
રૂપિયાની હિકાયત
(ગઝલ)
જ્યારથી પેદા થયો હું ત્યારથી પગલું ભર્યું, તન ઉપર મેં માહરા પહેરન મયફીનું ધર્યું;
બાંધી લાખો દોસ્તી, એકે નિભાવી ના પલે, છું કમાયો હું બહુ પણ ના કશું મેં સંઘર્યું!
છાંટતી ગાલે ભુકી જે શાહદો છલકાયલી, તે ભુકીના રંગ જેવું અંગ મારૂં વિસ્તર્યું;
ખાદિમોના ખાદિમોની છે ઉઠાવી ખિદમતો, ના છતાં, અપસોસ, મેં કૈં કારણે ભારે કર્યું!
માહરા રૂત્બા પ્રમાણે બિર્દ ના મેં મેળવી, માહરૂ જેવો થઈ મેં માહરૂં મન છેતર્યું!
સેંકડો વેળા અપાયો હું હતો રિશ્વતમહીં, ગર્ચે મારી છાતી પર છે શાહનું સર કોતર્યું!
કોઇએ નાખ્યો મને કસબણતણા કબ્જામહીં, કોઈએ ખુર્દો કરી મુજ, જામમાં શરબત ભર્યું!
કોઈએ મૂકી મને ચાખી જુગારીની મઝા, કોઈએ ખોઈ મને જાંસોઝ હોવું આદર્યું;
કોઈએ ગર્દન ગુમાવી, કોઈએ ખાઈ નીઝા, છોડી મહોબ્બત મહારી ના તે વગર મોતે મર્યું!
કે વખત પાછા મળીશું આપણે જ્યારે પતીલ, તે વખત બીજું જ કૈં કહેવું હશે મારે ઠર્યું!
પતીલ (કૌમુદી)
ઊડવા દો
ઊડતાં પંખીડાંને ઊડવા દો, સંતો, ઢળતાં પાણીડાંને ઢળવા રે જી.
ઊઘડે કમળ ઊંડા જળના કાદવમાં, કાદવ કાઢી કરશો કોરું ના જી.
મૂંગી માનું છોરૂં ગાતું જ જનમે, વેલાને વળગે કોળું, મારા સંતો. ઊડતાં પંખીડાને ઉડવા દો જી.
પથ્થર-પેટથી ઝરણું ઝમે, પેલા કંજૂસનો સૂત દાતાર રે જી.
કાળી અમાસે શોભે દીવાળી, લોઢું ઘડે સોનાથાળ, મારા સંતો ઊડતાં પંખીડાંને ઊડવા દો જી.
ભલું ને ભૂંડું ભેગું જગમાં જોયું, ભાયા, ખાંડણિયે દાડમ ખાંડ્યાં રે જી.
જીવતા જીવનની નવી રે નિશાળે, નવલા પાડા અમે માંડ્યાં, મારા સંતો, ઊડતાં પંખીડાંને ઊડવા દો જી.
ભલું રે હોજો, હોજો ભૂંડું ગમે ત્યાં, અમારી આશા અમ આધારજી,
સઘળાંને સાથે લઈ સંઘ અમે કાઢ્યો, ટોચને જ તાકવાનો નિરધાર, મારા સંતો, ઊડતાં પંખીડાંને ઊડવા દો જી.
કોયા ભગતે જૂની કંઠીઓ તોડી નાખી, વચલી દોરી રાખી ઝાલી રે જી.
ઉજમાળી જિંદગી જીવવા મથું, બધી દુનિયાને ગજવામાં ઘાલી, મારા સંતો, ઊડતાં પંખીડાને ઉડવા દો જી.
સુન્દરમ્ ( કૌમુદી )
રખોપાં
કાચી રે છાતીનું આ ધબકારવું રે હો જી, આ તો સઘળા ઉંધા છે ઉતપાત; હું ને રે ચડેલો તું તો ચાકડે હો જી! ક્યાંથી સૂઝે તુંને સૂધી વાત ? જેણે રોપ્યાં તે શું ના રખવાળશે હો જી ?
છો ને રે જગવગડે ઊઠી સામટી હો જી, ધખભખ કરતી ધસતી ભૂંડી લાહ્ય; ઘેલો રે ગાજન્તો છો ને વાયરો હો જી, ધ્રુજન્તો ધરણીને તોખાર; જેણે રે રોપ્યાં તે શું પરજાળશે હો જી?
તૂટી છો પડતા રે બારે મેહુલા હો જી, વીજલજીભે વિશ્વ બધું ય ગ્રસાય; આંખુંથી જોનારા જશે પાધરૂં હો જી, પરખંદા પારખશે જીવનતાર; જેણે રે રોપ્યાં તે તો રખવાળશે હો જી!
ભયની રે ભભૂતિ અંગે ચોળજે હો જી, ભવવેરાને રમતો ભમતો બાપ— જા જે રે જીવનના ખેલો ખેલતો હો જી, સતને રે એંધાણે જોજે આપ; હૈયે હૈયે રામરખોપાં આદુનાં હો જી.
સુંદરજી ગો. બેટાઈ (કૌમુદી)
સ્વ. બહેન…ને
(મિશ્ર)
નિર્દોષ ને નિર્મળ આંખ તારી, હતી હજી યૌવનની અજાણી, કીધો હજી સાસરવાસ કાલે– શૃંગાર પૂરો કરીઓ ચિતા મહીં. ૧
કૂંળી હજી દેહલતા ન પાંગરી, કિશોર ભાવે ઉર આ વરેલું, પ્હેરી રહે જીવનચુંદડી જરા, સરી પડી હાથ મહીંથી ચુંદડી. ૨
સંસારના સાગરને કિનારે ઊભી અહીં અંજલિ એક લીધી, ખારું મીઠું એ સમજી શકે ત્યાં, સરી પડ્યો પાય સમુદ્રની માં’હી. ૩
શિશિર આવે ક્રૂર કાળ આવે, રે પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે, એ પુષ્પથી યે તુજ દેહ કૂંળો— વસંતની ફૂંલ મહીં વિરામતા. ૪
વસંત જે પ્રાણ પ્રકાશ પૂરતી, વસંત તે શેં જીવલેણ નિવડી! સ્મૃતિ કદી વિસ્મૃતિમાં ભલે ફરે કુટુંબની તો નવમંજરી ગઈ. ૫
હરિશ્ચંદ્ર ભટ્ટ ( પ્રસ્થાન )
ડોલરના ફૂલને
તને ચાહ્યું છે મેં શિશુહૃદય કેરાં સ્મિત મહીં; ઉનાળાની સાંજે નિતનિત લયાવું ઘર મહીં અને પાણીયારે તુજ મૃદુ પડાને પરહરું; સવારે તારા એ વિવશ વપુને દેવચરણે ધરાવે બા, હોંશે પછી પ્રભુપ્રસાદી સમજતાં ધરું હું કંઠે એ તુજ મધુર માળા-સ્વરૂપને.
યુવાનીમાં જ્યારે— ઉનાળાની લાંબી-ક્ષણસમ-રજાઓ મલપતી પધારે ત્યારે આ ઘર તરફ મારા પગ વળેઃ અને ત્યાં પત્નીની હૃદયસુખવાંછા છિપવવા લયાવું સાંજે હું નિતનિત તને, હોંશ ઉરની ધરી વેણી ગુંથું મુજ પ્રિયતમાના અલકમાં, તુફાનોમાં પાછાં, મનભર છલે જે રજનીમાં, વિખાતાં વેણી તું અલક લટથી ભિન્ન બનતું, પથારીમાં મૂંગું વિવશ ચિમળાતું, અમ ઉરે તમા ના કૈં તેની, દિલભર અમે મસ્ત રહીએ, અમારા આનંદો તવ સુરતીઘેને મઘમધે;
છતાં— વિસારી દે વ્હાલા ! તુજ હૃદયની એ વિષમતા ! હવે વૃદ્ધાવસ્થા, હૃદય ધરતીનાં રજકણે મળી જવા ઝંખે, નહિ જ ગમતું કૈં નયનને;
ઉનાળામાં પાછીઃ ત્યજાતી પર્ણોથી તરુવરતણી શીતળ ઘટા, ઝળઝળ બળે અંતર દિશા,
તહાં તારી પેલી સુરભિ વિહરે ઉષ્ણ અનિલે, પરંતુ આશાઓ રહી ન ઉર સત્કાર કરવા.
અને...... હવે કો સાંજે કાં નવ હૃદયની ઈચ્છિત પળે ઢળેલાં ગાત્રે કાં મુજ જીવનનાં શેષ સ્મરણે બધી ઢોળી દેજે તુજ હૃદય કેરી સુરભિને.
સ્વપ્નસ્થ ( પ્રસ્થાન )
અસુરૂં ઐક્ય
(શિખરિણી)
વીણા ! તારા ગાને ઝણઝણી મને જાગૃત કર્યો સુતેલાને; ઊઠી, લઈ કર તને જ્યાં બજવવા ગયો ત્યાં તું રૂઠી, મગરૂર મને ખોખરી બજી; અને મ્હારી ત્હારી સુભગસુરસન્ધિ નવ થઈ.
છતાં કંઠેજાગ્યા સભર સ્વરસંગીતરવને મિલાવા તું સાથે અવિરત મથ્યો; ઉત્સુક બની ગતો આલાપી મેં અગણ, પણ તું નીરવ દિલે રહી, મારી મોંઘી વિનવણી ઘણી તેં અવગણી.
–ફરી આજે તું તો મૃદુલ તવ ઝંકાર કરતી મથે શાને મારી મૃત હૃદયતંત્રી જગવવા ? નિમંત્રે શા સારૂ બસુર સુર સંવાદી કરવા મને મિથ્યા ? ના ના, સમય ન વીણા ! કાળ પલટ્યો.
શમ્યાં મારાં મીઠ્ઠાં હૃદયગીત સર્વે રડીરડી, હવે તે શાં ગાવાં ? સરીગમ તણી ના સ્મૃતિ રહી!
નંદલાલ જોષી (નવચેતન)
શ્રીજીનો ભક્ત
(પૃથ્વી)
‘ખમો વરસ આટલું, ગણ ઘણો થશે બાપલા; તમે ય ધરમી થઈ અકજ શીદ કોપો ભલા? જુવાર કણ ના બચી, નગદ-વ્યાજ ક્યાંથી ભરૂં? પલેગ ભરખી ગયો પરભુએ દીધો બેટડો જુવાન, મજ રંગની સકળ મૂડી લૂટી ગયો.’ પટેલ નયનો ભર્યાં, શબદ કંઠ રૂંધી રહ્યા.
‘અલ્યા!’ હકમચંદ ક્હેઃ ‘નગદ લઈ જતાં લાજ ના, અને ટટળતો હવે ? મનખ જો ભલો, લાવને બધી રકમ સામટી ! ધમફંડની એ બધી તને ન પચશે કદી. મગન એક ચાલ્યો ગયો; નવીય ઉપડી જશે; પરભુ ન્યાય સાચો કરે. પલેગ હિમ જો નડ્યાં, કરમ-ભોગ એ તાહરાં, મને ન ગમ એ બધી.’ વચન બોલતાં શેઠીએ લલાટ પર છાપિયાં તિલકછાપ ‘શ્રીજી’ કહી !
ઠાકોર ચોકશી (કુમાર)
કાવ્યની મૂર્તિ
(ખંડ–સ્ત્રગ્ધરા)
“કૌમાર્યે તેં રચીને ગગનપટલને વીંધતી કલ્પનાનાં, કાવ્યો કેવાં બહાવ્યાં ભૂતલ પર રહી ચૌદ લોકોત્તરોનાં? ને સાધી જ્યાં ઉમંગી પ્રણય હસત શી, આત્માતંત્રી સખી-ને મધુર બજત–શી, પ્રાણજ્યોત્સના લસંતી, ત્યાં-ય-તારી-વહંતી સકળ કવનની ધાર છેડો ગ્રહંતીઃ ઊંચી એ કલ્પનાઓ ક્ષણમહીં વિરમી, અંતરોર્મિ શમી શું?” જગતજન વદે.
શી રીતે હું પ્રિયા ઓ ! અબુધ મનુજની ભીતરે એ ઉતારૂં? “મારી આ જીંદગીનું અખૂટ બળભર્યું, અમિત રસઝર્યું કાવ્ય તું મૂર્તિમંત, જાગતું દિગ્દિગંતઃ
તેથી આ આત્મને હું અજીવ શબદથી, નીરસ કવનથી જાણીબૂઝી ઉગારૂં.”
મોહિનીચંદ્ર (ગુજરાત)
યમશિબિકાને
આપણ બન્ને એવા દેશનાં વાસી જ્યાં ન્હોતા ‘હું તું’ ના ભેદઃ એક દહાડો મારી આંખ મીંચાણી ને પોઢ્યો માતાજીને પેટ.
ત્યારે મેં પારણીયું પેખી; રમતો, તને ઘૂઘરે દેખી.
માતાપિતાએ નિશાળમાં મૂકયો, કંઈક મેળવવાને જ્ઞાન; ખેલ ખેલ્યાના ખ્યાલમાં જ્યારે, ત્યારે ભૂલ્યો કાંઈ ભાન;
હૈડે મારા હિતને લેખી, મહેતાજીના હાથમાં દેખી.
પીઠી ચોળીને હું માહ્યરે પેઠો, લાવવા શોક્યનું સાલ; ચૉરીનાં વાસણો સાચવીને વ્હાલી, ત્યારે કીધી તેં કમાલ !
વરમાશીનું રૂપ તેં લીધું, કન્યા સામે આસન દીધું.
તાપ, શિયાળો ને વર્ષા વેઠી રૂડી કીધી ઓરડીઓને છાંય; હીંચકો થઈને હીંડોળે હીંચોળ્યો ને ખુરશી ઑફિસમાંહ્યઃ
કલમ થઈને હાથમાં ખેલી, વિદ્યા તારે મ્હોડે વસેલી.
ચૂમ્યો, છોડ્યું સિત્કારમાં સંગીત, ભમતાં ઉપાડ્યો તેં ભાર; રક્ષણ કીધું મારા હાથમાં રહીને, ઘડપણના આધાર !
બની મ્હારાં દ્વારને ડેલી; પેટી થઈને સાચવી થેલી !
પરણી આવી તેં તો પટકુળ પ્હેરી રૂડાં, રોટી બનાવે ને ખાય; મારે કાજે તેં તો અન્ન પકાવાને, ભડભડ બાળી તારી કાય!
અંતે બાકી રાખ રહેલી; માંજ્યાં મારાં ઠામ તપેલી.
વેંઢાર્યો વિકટ વગડો વ્હાલીડી તેં મ્હારા મિલનને મિષ; મારા કાજે તેં તો કરવત મુકાવી ને હોંશે કપાવ્યું શિષ.
તિતિક્ષામાં તારા જેવી; કહે બીજી કોણને કહેવી?
મારાં માનેલાં તે ન્યારાં ઊભાં ઊભાં, રોવે ઢાંકી ઢાંકી મુખ; સ્વાર્થ સંભારીને આંસુડાં સારે, કોઈ ના’વે સન્મુખ.
એવે ટાણે સ્હોડમાં આવી; કાયા મારી સાથે બંધાવી.
આગ પેટી, ઊભાં દૂર, અટુલાને એકલડીનો આધાર; સ્હોડમાં ચીર સંગાથી વ્હાલીડી ‘હું તું’ નો બન્યો એકાકાર.
ઉડી સાથે વાયરે વાતાં; પાછાં જૂના દેશમાં જાતાં.
દેવકૃષ્ણ જોષી (નવચેતન)
જ્ઞાન–તૂલ અને પીંજારો
(અનુષ્ટુપ્)
સ્થૂલની નગ્નતા ઢાંકી અનેરો ઓપ આપતું, મોહ-શીતથી લાધેલા ભીતિકંપ શમાવતું.
પડેલા હૃદયે કો કો શોણિતસ્ત્રાવી ઘાવને, પાટાપીંડીરૂપે લાગી તુર્ત દર્દ શમાવતું,
બાળો તોય અરે એનો સ્વભાવ પલટાય ના ! રાખરૂપે બને તોયે વ્રણ સર્વ રુઝાવતું.
સાંગ આદ્યન્ત રે’તું એ પદાર્થે તેથી દીપમાં પરમેશે ગણ્યું ગ્રાહ્ય-ભેદ શો ‘જ્ઞાન’ ‘તૂલ’ માં ?
સ્વભાવ શુદ્ધ ને જો કે સૂક્ષ્મ ને શ્વેત છે સદા; ઉપેક્ષાથી રજોયુક્ત અવાવરુ બને કદા.
–તદા અલખ પીંજારો એકનિષ્ઠાથી સાધવો, ઘટમાં લક્ષ્ય ઊંચું લૈ યંત્રકીલક બાંધવો.
રજોયુક્ત બધો જ્ઞાન-તૂલ-રાશિ જણાવવો, આંત્રની તાંત બાંધીને પીંજારાને જ પ્રાર્થવો.
પીંજરો કાળ-ધોકાથી છણે, વીંઝે ઊડે રજ; ધોકે ધોકે વળી ઊઠે તાર-નાદ સમો સ્વર.
રજોવિયુક્ત, ઉલ્લાસે, તૂલ ઊંચે ઊડી રહે ! ઘટમાં આંત્રની તાંત, ‘तत्त्वं तत्त्वं’ વદી રહે’
પ્રતાપરાય પ્ર. પંડયા (પ્રસ્થાન)
કાળવાણી
ભજન ગાયા સાદ તાણીરે ઓ સંતો વા’લાં ! નો રે થિયો રામ રાજી. ગાવી હવે કાળવાણી રે ઓ ભગતું વા’લા ! મેલી હવે રામકા’ણી.
ડાબી ને જમણી સંતો અખિયાં સરિખિયાંરે, એક હસે, બીજી રડતી રે—ઓ સંતો વા’લાં૦
રાય ને રંક ભાઈ રામનાં બાળકડાં રે, રકોની રોટી રાયે ભરખીરે–ઓ સંતો વા’લાં૦
ભજન બહુ ગાયાં ભગતો ! ભેદ ભાંગ્યા સંતો ! રાહ પાડી રાત આખી રે—ઓ સંતો વા’લાં૦
દાના ભગતના રે દલમાં, દાવાનળ લાગ્યો રે, ગાયે હવે કાળવાણી રે–ઓ સંતો વા’લાં૦
ઓ સંતો વા’લાં ! નો રે થિયો રામ રાજી. ગાવી હવે કાળવાણી રે,
ઓ ભગતું વા’લાં ! મેલી હવે રામકા’ણી.
હૃદયકાન્ત (પ્રસ્થાન)
સ્મૃતિસ્વપ્ને
જવાનીના જિગરને હું હતો દરિયે ઉછળતો જ્યાં — તરંગોને સૂરે સંગીતની ધૂને ધમકતો જ્યાં —
નીતરતો નેહને નીરે સરલ નિર્મલ થનકતો જ્યાં— દીઠું અલમસ્ત અફલાતૂન પ્રથમ દિલ કોકનું મેં ત્યાં !
જિગરનું પાંદડું નાનું થડકતું રાતદિન કુંજે— અરંગી ચિત્રરેખાને અનામી અક્ષરે ગુંજે; ભરી મુજ નેનમાં એને નિહાળું ધ્યાનમાં હરદમ— વીતેલી જીંદગીની યાદની, જોને! ચડે દિલ ગમ !
અહો! દિલનો દિવાનો હું: ન દુનિયામાં-ન દુનિયાનો– તુફાને જીંદગીને ઝૂલતાં ઝીલું અજબ સાનો— જુદાઈની અગમ ગમને ગહન ઘેરાઉં એ વેળે— ઝૂકું આરામગાહે ઊંઘમાં લ્હેરૂં સ્મૃતિસ્વપ્ને !
લલિત (કૌમુદી)
ઉમર ખય્યામની રુબાઈઆત
- ચૂંટણી :
કલ્પાંત શો ખય્યામ ! જીવન ધૂળ છે, જીવ એમ બળાય, સોનામૂલ છે. રહેમત પ્રભુએ પાપીઓ માટે કરી, પાપી નથી તે, ર્ હેમના હકદાર છે!
... ... અવળા પડેલા જામ શું આકાશ એ જન્મ-મૃત્યુ ભેટીએ જેની તળે, તેની દયા લેવા કદી ઊંચું ન જો, આપણા જેવું જ તે નિર્માલ્ય છે.
સ્વ. અંબાલાલ ગેાવિંદલાલ (પ્રસ્થાન)
મને કૈં પૂછો ના—
મને કૈં પૂછો ના— તમારા પ્રશ્નોના અપરિચિત ઉરના શ્વસનથી— લજાતી વેલીને કંઈ જ્યમ અચિંત્યું અડી જતાં, બિડાયે સૌ પર્ણો, કુમળી સહુ ડાળી વળી જતી; ખરે ! તેવા મારા હૃદય સુકુમારાંકુર બધા મિંચાતા, ખેંચાતા વિષમદિશ, ગૂંચાઈ પડતા, અને ખુલ્લાં ભાનુકિરણ થકી એ વંચિત થઈ, થતા મૃત્યુ પામ્યા સમ જડ; મને કૈં નવ પૂછો !
મને કૈં પૂછો ના— તમારા પ્રશ્નોનો ધ્વનિ ઉરમહીં પેસી જઈને— બિજાપૂરી પેલા ઘૂમટ મહીં કોઈ ધ્વનિ થતાં ખૂણાખાંચામાંથી અગણિત અજાણ્યા અસમજ્યા અવાજો ચોપાસે ઘૂમીઘૂમી હૂકાહૂક કરતા — તમારે એક્કેકો ધ્વનિ ત્યમ પ્રવેશ્યે હૃદયમાં અજાણ્યા કૈં ખુણા નવનવ સવાલો ડણકતા, અને મારો જૂનો ઘૂમટ ડગતો ! કૈં નવ પૂછો !
મને કૈં પૂછો ના— તમારા પ્રશ્નાઘાતથી ઊંડું ઊંડું ઊતરી જતાં— દિયે જેવો કોઈ ડૂબકી દરીયાના તલ ભણી, મહીં ચોપાસેથી જલ અનુભવે ભીંસ કરતું, ઉઘાડી આંખે એ અધૂરૂં વળી અસ્પષ્ટ નિરખે, ન દીઠાં ઓથારે પણ કદી જુએ સત્વ વરવાં; હું એ એવાં દેખું વિકટ વરવાં સત્વ હૃદયે હતાં ? આવ્યાં ? કે આ ડુબકીથીજ ભાસ્યાં ? નવ પૂછો.
‘શેષ’ (પ્રસ્થાન )
સુલેખા
દુર્ભિક્ષ ગાજે, જગ ત્રાસી ઊઠ્યું, નદી, તળાવે જળ સર્વ ખૂટ્યું, અંગાર જેવું અવકાશ આખું, ને પ્હાડ સર્વે સળગી ઊૅઠીને જાણે બન્યા કોટિક વહ્નિ જિહ્વા ! સૂર્યો કંઈ લાખ પરાર્ધ જાણે ક્ષણેક્ષણે તૂટી પડી ધરાપે ફેલાવતા રૌદ્ર પ્રચંડ ઝાળ! ૮
ઢોરો તણું રક્ત બધું તવાયું, ને ઠામઠામે નજરે પડે રે કંકાળ ટોળાં ! નભમાં ઊૅડન્તાં પંખીતણા પ્રાણ સુકાય કંઠે; બળીજળી તે ફફડાવી પાંખો તૂટી પડે ભૂતલ કાળખોળે ! શબ્દો શમ્યા સૌ, બધું શૂન્ય ભાસે- દેખાય ના જીવન ક્યાંય ભોમે ! ૧૬
રત્નાવતી એક જ કૈંક જીવે, તેનો પ્રતાપી નૃપ ચંદ્રસેન— કૂવો સુકાયો નથી એ નરેશનો, જોકે સુકાઈ અમીરાશિ રેણુકા. ને રેણુકાના તલમાં અશાન્ત અંગારઆંધી ઊછળે પ્રજાળી કાંઠે ઉભાં ઝાડ, લતા, ફૂલોને ! ૨૩
ટોળે વળે રાજમહેલ સામે પ્રજા બધી તે તરસે રિબાતી; દોડે, પડે, આપસમાં લડે બધાં- માતા ભૂલે બાળક, પુત્ર ભૂલે માતાપિતાને – નિજના જ પ્રાણો મથે બચાવા- ન બીજાંની કોને ચિન્તા ઉરે છે, નિજ ક્ષેમ માત્ર દિએ બધે એકજ ઘોર સૂત્ર ! ૩૧
રાજા વિચારેઃ “મૂકું ચોકીપ્હેરો ! ખૂટી નહીં તો ક્ષણમાં જશે બધું કૂવાનું પાણી, મરશું કમોતે ! દેવું ઘડો એક જ પાણી લોકને. એથી રહેશે જળ આ બચી અને જશે પ્રજા મારી બચી બિચારી !” ૩૭
રત્નાવતી એમ થયું બચી તે, રપરન્તુ રત્નાવતી પાલવે ક્યાં ગામોતણી ભીષણ વેદનાઓ ચીરીચીરીને ઉર વિશ્વકેરું વ્યાપી રહે ચોદિશ થોકેથોકે ! અસ્વસ્થ ના એ કરી શકે કૈં; લોકો તણા તે સૌ કાન બ્હેરા ! ૪૪
રાજાની દાસી મણિકણિકાની પુત્રી સુલેખા, અતિ નાની બાળ, ન સાત પૂરાં વરસે થયાં હજી, ઉદાર ભોળાં નિજ નેણ માંડી વિકાસી નાનું મુખ સાંભળી રહી એ વેદનાના પડધા, અને તે અસ્વસ્થ ધ્રૂજી રહ્યું હૈયું નાનું ! ૫૧
શોચે સુલેખાઃ “કરું એક કામ જેથી બચે લોક તૃષાર્ત સર્વ! સવારથી તે દિનરાત કેરી બેસી સુલેખા રહી રાહ જોતી ! ૫૫
પહેરેગીરો સર્વ ઉંઘી ગયા છે, મૃત્યુ સમી શાન્તિ બધે જણાય ! આકાશમાં તારકવૃન્દ મૂગાં નિઃસ્તબ્ધ ઊભાં નિરખી ધરાપે? નિહાળતી ને નિજ માર્ગમાં ઉભી
અમાસ ઔત્સુક્ય ભરી પ્રશાન્ત ! ધીમે પગે નાજુક બાળ નાની, છુપાતી કુવે પળતી સુલેખા !– નાજુક નાના કરમાં ઘડૂલો, ને દોરડીની ઝૂંડી ઝૂલતી ખભે, મુખે પ્રભા દિવ્ય રહી છવાઈ ને નેણમાં ઉત્સુકતા ભરેલી ! ૬૭
ભરી ઘડો સદ્ય પળે સુલેખા માથા પરે બેડલું રાખી હોંસે- તૃષાર્ત શુષ્કા વહતી જહીં હતી વેરાન, ખિન્ના, જળશૂન્ય રેણુકા ! ખાલી કરીને ઘડુલો નદીમાં વિચારી બાળા ગભરુ રહી તે– “લઈ જશે આ જળ નક્કી રેણુકા પિડાય પેલાં તરસે જનો જ્યાં !” ને હોંસમાં તે ફરી દોડી બાલિકા ભરી ઘડો ખાલી કર્યો નદીમાં ! ને પાંચ, પચ્ચીસ, પચાસ, વેળા ફરીફરીને જળ ઠાલવી રહી ! ને રેણુકા તે જળ પી જઈ બધું, વધુ તૃષાથી રહી પાણી માગી ! ૮૧
“નક્કી ઉગારું!” ગગણે સુલેખા ! ને રાત્રિકેરો રથ ભવ્ય પંથે ઊભો રહ્યો ત્યાં ક્ષણ એક જોતો ઝઝૂમતાં વાદળ શ્યામ વ્યોમે ?
સ્નેહરશ્મિ (કિશોર)
વિનાશ
ઉભાં સરલ શાંત સૌ: સમૂહ માંહિ તાલિ તરુ સહોદર છતાં ગ્રહી અટલ છેક એકાકિતા. વ્યથા પ્રકૃતિની કદી ઉલટી ઘોર તોફાનમાં ભરે ગગનકંદરા, વિવશ કંપની ચોદિશા, ભમે ભ્રમિત મેઘ ને સમસમી ઘુમે વાયુ જ્યાં ભીના તિમિરમાં સુતું જગત સર્વે આક્રંદતું. ઉદાસીન નહિ છતાં શિર સદૈવ ઉત્તુંગથી ઉભાં તરુગણો બધાં: વિરલ ધીર સ્વાતંત્ર્યથી.
સ્થિતિ જનપદે જુદી. અમે મનુજનો બધાં રૂઢિમઢેલ સંબંધમાં લપાઈ જીવતાંઃ સદા શિથિલ સ્વાસ્થ્યને ઝંખતાં.
અશાંતિ કદી ક્રાંતિની નગરમાં ઉડે વાયકા જળાવી અસુયા, ભીતિ, પ્રબલ ક્રોધ અન્યોન્યમાં ઉઠે કમકમી જનો: જીવિત-લક્ષણો ચૂકતાં ભુલે સરવ ભાનને “નિજ” મહિં થતાં મગ્ન જ્યાં મચે રુધિર જંગ ને વિકલ ચિત્યથી ઘૂમતાં હણે અવર પ્રાણને સહુજ ખાકમાં શામતાં.
રવિશંકર (શરદ)
ઝરુખાની બત્તી
ઝરુખાની બત્તી પ્રગટ થઈ ને દ્વાર ઉઘડ્યું, પહેરેલાં ઝીણાં, જરકશી, ગુલાબી ગવનમાં; રૂપાળું, રંગેલા અધરભરિયું મુખ મલક્યું.
જરા આછી આછી સ્વરહલક હેલે ચડી ગઈ, બિડાયેલાં એનાં નયન ચમક્યાં, નૃત્ય પ્રગટ્યું, પછી વાચા દીધી ફરકતી લટોએ પવનને; નવાં કેસુડાંની હસતી પ્રતિભા ઓષ્ટદ્વયપે છવાઈને જાણે પુરુષપગલાંને ચુમી રહી. પડયું’તું બત્તીમાં હૃદય બળવા કામી જનનું, લપેટાયું સૂકું, શરીરશબ આછાં ગવનમાં, ન’તી લાલી સ્ત્રીત્ત્વે પ્રકટ પ્રભુતાયે નવ હતી, હતી એનાં ગોરાં વદન પર જવાલા સળગતી, પતિતા તું? ના, ના; પતિત મન મારુંજ નબળું. અમારે તો તારી ચરણરજથી પાવન થવું.
ઈન્દુલાલ ગાંધી (શરદ)
દ્રોહી
‘પુરાણી પ્રીતિ હું નિરખું સખી ! તારાં નયનમાં, વિધિ વાંછે તોયે કદી ન મુજને થાવું વિખુટાં ? ભૂલ્યે શું વ્હાલા એ વચન વણમાગ્યાં દઈ વળ્યો હતો વા એ મારો ભ્રમ પ્રણય-ઉન્માદ અથવા ? અરે, મારે આજે અણદીઠી ભૂમિમાં વિચરવું, ૫ ન સંગાથી સાથી વિકટ પથ એકાકિ અબલાઃ હિમાળે ધ્રુજંતી ભમું ભમું ન કેડી કહીં મળે નિરાંતે ભૂલી તું ગત સ્વજન, સ્વપ્ને પડી રહે!’ કહી રોતી ચાલી, ઝટ લઈ દીધી દોટ, ઉડી તે, ઉડ્યો હું યે એની પૂંઠળ ઉતરી એ ખીણ વિશે; ૧૦ હું યે મીંચી આંખો ધબ દઈ કુદ્યો કિન્તુ ગબડ્યો, ભીંજાયો સ્વેદે ને ઝબક ઉઘડી આંખ; ઝબકયો નિહાળી બે આંખો ટગમગી રહેલી છવિ મહીં, અમારાં બન્નેની ગત પ્રણયગાથા કથી રહી. ૧૪
ચિમનલાલ ગાંધી (શરદ)
ન્યાય
(મન્દાક્રાંતા)
“છે કો’ આનું ?” શિશુ ભણી તહીં અંગુલિથી બતાડી, ઊંચે સાદે તરત પુરુષે તોરમાં બૂમ પાડી. ઉઠી ત્યાં તો કંઈક મહિલા ને ગઈ જ્યાં અગાડી, ન્યાયાધીશે વળી ફરી પૂછ્યું; “બાળની કોણ માડી?” જેવું પેલું શિશુ નજરમાં આવ્યું ત્યાં એક નારી ૫ દોડી પ્હોંચી હરિણી સરખી, બોલતી “બાળ મ્હારી!” “લાડિલી રે! ગઈ કહીં હતી એકલી માત છોડી ? ના, ના, હાવાં નહિં તજું કદી પ્રાણુની તું જ દોરી!” ચાંપી છાતીસરસી, નયને અશ્રુની ધાર ચાલી, ચૂમીઓથી બહુજ મુંઝવી બાળકીને સુંવાળી. ૧૦ ઘેલી માતા વિસરી ગઈ એ ન્યાયને મંદિરે છે; ભાને ભૂલી ચમકી ગઈ જ્યાં જોયું કો બાળ લે છે. “ના, ના, આપું નહિં કદી હવે બાળુડું પ્રાણ મ્હારૂં!” લીધું હૈયે, ઝપટભરથી છેડલા માંહી ઢાંક્યું. ત્યાં તો પૂછે, “સરલ ભગિની ! બાળ આ છે તમારું? ૧૫ લાવો ત્યારે, શપથ લઈને સૌ પુરાવા હું માનું.” ન્યાયાધીશે વચન વદતાં બ્હાવરી આંખ ફાડી, જૂએ માતા ભયભીત બની આસપાસે બિચારી ! શું પૂછ્યું તે સમજ ન પડી, થાય તે શું ન સૂઝે; બ્હીતી બ્હીતી, નયન ગળતાં અશ્રુને દીન પૂછેઃ ૨૦
( શિખરિણી ) “પુરાવો હું આપું ? નિજ શિશુ તણી હું જ જનની! કહે આ શું બાપુ! સમજ ન પડે આપ મનની ! નથી આ શું મ્હારી ? હું જ અહીં; પુરાવો ન બસ છે?” વહે અશ્રુધારા, હૃદય રસ વાત્સલ્ય છલકે !
( મન્દાક્રાન્તા ) મૂંગી મૂંગી રડી રહી, વિચારે તહીં માત ભોળીઃ ૨૫ જશે પાછી બહુ શ્રમ કરી જે અહોરાત્ર ખોળી ! “ભાઈ, સૂણો દસ દિવસથી બાળને રોજ શોધું; નિદ્રા અન્ને નવ લીધું સુખે, જ્યારથી બાળ ખોયું. જાણે શું કો, જનનીહૃદયે શી વ્યથા થાય જ્યારે, હૈયા જેવું નિજ શિશુ કહીં આમ ખોવાય ત્યારે.” ૩૦ ‘મ્હારૂં વ્હાલું ?’ હૃદયસરસું ચાંપતી બાળ ચારૂ, રોતી રોતી, ‘શિશુ નથી બીજા કો’નું? કહે, ‘છેજ મ્હારું!’
( અનુષ્ટુપ્ ) વધારે વેણ ના પાસે, વદે ના માત બ્હાવરી; શિશુને ચાંપતી હૈયે, રોતી ચૂમે ઘડી ઘડી.
(શાર્દૂલ ) “જાઓ, બાઈ! ગૃહે નથી, શિશુ ત્હમારૂં,” ન્યાયદાતા, કહે; આંસુ એ નથી કાયદા મહિં પુરાવો, માતૃવાત્સલ્ય કે,” “માતાના વળી હેતથી ય સબળો કેવો પુરવો હશે!” કહેતી માત વળે લઈ શિશુ ત્યહાં સિપાઈ સામે છએ.
( અનુષ્ટુપ્ ) “ નથી આંસુ વિના બીજો પુરાવો બાઈની કને, શિશુ આપી શકાયે ના,” ન્યાયાધિશ તહીં ભણે. ઝુંટાવ્યું બાળ માતાથી, ક્હાડી બ્હાર બીચારીને, “મ્હારૂં બાળ! શિશુ મ્હારૂં!” પુકારી ઉપરે પડે.
સનાતન જ. બુચ. (ઉર્મી)
સૃષ્ટિસમ્રાટ્
(રાગ સોરઠ)
વિરમે તિમિરભરી ભયરાત, ઉતરે ઉષા ચુમિત પ્રભાત–વિરમે.
મેહ સુષુપ્તિ પ્રમાદ ભર્યાં મન, નવ જીવનમાં કરે નિમજ્જન, બલ સોન્દર્ય સમાધિ વિરાજન, ઝીલે દિવ્ય પ્રતાપ–વિરમે.
નયન તૃપ્ત ઉષ્મા વિચિ ઝીલી, આત્મકમલ ઉઘડ્યું પૂર ખીલી, બંસી અનાહત રસીલી ગુંજે, શબ્દબ્રહ્મ તણી વાત-વિરમે.
કામ ક્રોધ ભય લોભ વિલાતાં, અભય અખંડાનંદે ગાતાં, દિનનિશ રસમસ્તીમાં ન્હાતાં, શમી ગયા ઉત્પાત-વિરમે.
સવિતુ પ્રભુનાં ભર્ગ વરેણ્યં, મંગલભર વેરંતાં કુમકુમ, જ્યોતિ ઝળકે ઝગમગ અનુપમ, અનવધિ રસસંપાત-વિરમે.
ઉઘડ્યું એક અનંત સિંહાસન, દિવ્ય મુકુટ કો ઉતરે પાવન, નટીનટ નાચે ઘુમધુમ બની એ, સૃષ્ટિ તણા સમ્રાટ્-વિરમે.
રમણલાલ વસંતલાલ દેસાઈ (માનસી)
હું
(પૃથ્વી)
અણું હું જગમાંહ્યનું, જગ અણુ મહા વિશ્વનું, અને સકલ વિશ્વ એ તવ શરીરના અંશ શું; છતાં મુજ શરીરના પ્રબળ વેગથી હું ચહું અમેય સહુ માપવા, અલભ પામવા હું મથું રવિ શશી સમોવડી દિવસ રાત કેવી ઝગે– પ્રભો ! જગતવીટતી તવ સુકીર્તિ નીલાં નભે ! તદા તિમિર–વીંઝતો, ઝબકદીપ હાથે ગ્રહી ધસું જગત દોરવા, પળ ન જોઉં પાછો ફરી. ક્યહાં તવ જયશ્રીની અચલતા, સમુલ્લાસતા, અલિપ્ત તુજ રૂપની, રસિકતા, લીલા, ભવ્યતા !– છતાં ઘડીક રાચવા બહુ મથું, પડું, આખડું, વિલુબ્ધ મદઘેનમાં અચિર વૈભવોને ચહું હસે છ મુજ દર્પપે? સદય તું મને જોય શું? ભર્યા સભર ઊરથી પ્રણયહેલી વર્ષાવશું ?
વિઠ્ઠલદાસ કુટમુટિયા (ઊર્મિ)
અંધાના ઉદ્ગાર
(શાર્દૂલવિક્રીડિત)
ચૂમાયો રવિ જે ઉષામુખ વડે ધીમે ધીમે ઉગ્ર થૈ આવીને મધ-અન્હમાં જ ઠરતો થાતો પછી નમ્ર તે. વર્ષાવે પુનમે શશી રુપતણી છોળો બની મસ્ત ને છોભિલો પડી શ્યામ રંગ–પટમાં સંતાડતો મુખને. વર્ષે છે જવ મેઘ એકજ સ્થળે વર્ષે પુરા જોશમાં, બીજે ઠામ જઈ ઠરે ગગનમાં ઠંડો બનીને અરે. થોડા માસ મહિં વસંત ખિલશે પુષ્પે અને પર્ણમાં, ને ટ્હૌકાર કરે ય કોકિલ ઘણા આંબા તણા મ્હોરમાં. જો તો ના રવિ છેક, તેજ વિહિને થાવું પડે અસ્તને, મસ્તીમાં રમતાં શશી, વન બધાં અંધારમાં આથડે. મારીને પલકાર એક સઘળો પાછા છુપાવું પડે; તેથી મધ્ય રહી અખંડિત બની રોવું ન કેમે ઘટે. જોતાં સર્વ દિસંત અંધ પ્રકૃતિ ઉંડાણથી ત્યાં નકી. તો, તો બાહ્યથી અંધ હું ચખ વિના ઊંણું લહું કાં પછી ?
કાનજીભાઈ પટેલ (ઊર્મિ)
ક્યાંહાં પ્રભુ ?
(વંશસ્થ)
ક્યહાં પ્રભુ? કય્હાં પ્રભુ? કય્હાં ? પુકારતો, ઢૂંઢ્યો બધે, ના તદપિ તું લાઘતો; ભમ્યો ઊંડા કોતર મૃત્યુમુખ શાં, કરાડ સીધી, કપરી વળી ચડ્યો. વીંધ્યાં જટાજૂટ સુગીચ જંગલો, ભેંકાર કૈં ભેખડમાંહિં આથડ્યો; ભકતે રચ્યાં મંદિરમાં વળી જઈ, ભીના હ્રદેથી તવ ભક્તિ મેં કીધી; તથાપિ ના તું જડતાં મને ક્યહીં, “પ્રભુ ક્યહાં?” એકલ હું વિચારતો. વિચારતાં ચિત્તમહિં ઊંડું ઊંડું, ઉરે ઊઠે ગેબી અવાજ માહરે: “ન લભ્ય તારા તપથી કઠોરથી, ન લભ્ય વા ભીનલ તારી ભક્તિથી; વસું હું ના મંદિરમાં, જ્યહિં, જનો હાંસી કરે મારી, વગાડી ટોકરી; ઢુંઢ્યાં મને વિશ્વમહિં, ત્યહિં વસું નહિં! વસું માનવતામહિં જ હું.”
પ્રજારામ નરોત્તમ રાવળ (કિશોર)
હૈયાની હોડલી
મારી હૈયાની હોડલી નાનીઃ સાગરરાજ ધીરા વહો. એમાં જોજો ભરાય ના પાણીઃ સાગરરાજ ધીરા વહો.
એને શઢ ને સુકાન નથી કોઈનાં રે, મેં તો શકુનની વેળા જોઈના રે, આવ્યું મનમાં ને નાવ છોડી મેલીઃ સાગરરાજ ધીરા વહો. મારે સંગી ન સાથ કોઈ બેલી; સાગરરાજ ધીરા વહો.
વાય વેગે સમીર બહાર ચારે દિશે, રાત અંધારી વાટ મને ના રે દીસે, ધ્રુવતારાને જોઈ તોય હાંકું સાગરરાજ ધીરા વહો. મારે જાવાની દિશ યાદ રાખું: સાગરાજ ધીરા વહો.
સોમાભાઈ ભાવસાર (કિશોર)
વણકરને
વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ કરગરી કહું તે ધ્યાનમાં લે, ના ભૂલીશ તારો ગુણ.
ભલા જો તું દેહ વણે મારો, વાણોતાણો વાપરજે સારો.
દેહનો સ્વામી હું બલધારી, જેવો દીસું બળવાન, તેવું વણી મને ખોળિયું દેજે, રાખજે ભાઈ ભાન.
ઘડી ઘડી ફાટે ને તૂટે, નકામાં તેજ એમાં ખૂટે.
તેજનો સ્વામી હું, ના વલખાં મારૂં રૂપને કાજ, રૂપના ભૂખ્યા કોઈને દેહે દેજે સ્વરૂપના સાજ.
વાણાતાણા હોય ભલે કાળા, રંગી એનાં પાડીશ ના ગાળા.
જાડા જાડા ને ચીકણા જોઈ, લેજે તું હાથમાં તાર,
ઝૂઝવા જાયે આતમ જ્યારે, અધવચ તૂટે ના તાર.
વાણાતાણા વજ્જરના કરજે, કુસુમોની કોમળતા ભરજે.
વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ, કરગરી કહું તે ધ્યાનમાં લે, ના ભૂલીશ તારો ગુણ.
ભલા જો તું દેહ વણે મારો, વાણોતાણો વાપરજે સારો.
જેઠાલાલ ત્રિવેદી (ઊર્મિ)
લાવા
પૃથ્વી પેટાળ તારે દવ નિત સળગે, અંતરે તોય તારે હાસે શે કૂંપળો આ હરિત ! મૃદુલ રે! અંકુરો કેમ ફૂટે? મારે હૈયેય લાવા પ્રતિદિન પ્રજળે, ના શમે ક્રોડ વાતે, બાળે ઊર્મિ,મધુરાં સ્વપન, પ્રિયતણી સંસ્મૃતિ રમ્ય,ઓ રે! માતા આ રંક કેરૂં ગુરુ પદ લઈ, કો ભાવ ઉદાત્ત પૂરો લાવાની ઝાપટે છો ઉર ડસડસતું, લોચને હાસ વેરે!
દુર્ગેશ શુકલ (પ્રસ્થાન)
બત્રીશા
(મંદ. શાર્દૂલ. સ્ત્રગ.)
પણે પીળાં સુમન ન મળે, દુઃખદારિધ્ર ભૂંડાં, જેનાં જીવન શુષ્ક છે શિશિરમાં, ખીલે વસંતે રૂડાં; વર્ષો વિત્યાં નયનજલમાં, અંગ પ્રત્યંગ કંપે, એવી ભારતમાતની શિશિરની ક્યારે વસંતે ઉગે? બત્રીશા પાંગર્યા જો રણભૂમિ ઉપરે પરિમલ પ્રસરે મુક્તિની પુણ્ય કુંજે !
(શરદ) ય.
શિવને
કદાચ કમભાગ્યથી પ્રબળ દુઃખ આવી પડે અસહ્ય, પણ ઝેરને જરૂર ધારી પીવું પડે, ગળે તવ ઉતારજો, મુખબહાર ના લાવજો, મને પ્રભુકૃપા કરી જરૂર એટલું આપજો.
સ્વ. પાર્વતીપ્રસાદ. વિ. વૈદ્ય (પ્રસ્થાન)
બે મુક્તકો
શોભા ભલેને જનચિત્ત માને, નિર્માણ કિંતુ ઉપયોગ માટે; તરુવરો ગ્રીષ્મ મહીં ધરે છે પર્ણો શિશિરે પણ ખેરવે છે.
બંધુદ્વયે આંતર યુદ્ધ જામ્યે, વિરાટ સૃષ્ટિ બહુ હાનિ પામે; વને ઘસાતાં તરુ અન્ય વૃક્ષે, પ્રચણ્ડ દાવાનળ સર્વ ભક્ષે.
રામપ્રસાદ શુકલ (કુમાર)
(૨) તૃણેતૃણ મહીં ભરેલ વનભૂમિની ધારણા, છૂપી ઉદધિબિંદુમાં, અખિલ સિંધુની યોજના; રહી સજીવ કોશમાં અખિલ દેહની ચેતના, પળેપળ વિરાજતી સકળ કાળની ભાવના.
જયંતિલાલ આચાર્ય (પ્રસ્થાન)
મુક્તક
કદિ તાતા તાપમાંહિ તાવે, મને દુઃખ નથી, નથી દુઃખ કસોટીએ ઘસી, કસી જોયાનું; તેલ ચણોઠીની સાથે ચતુરોએ મારો કરે, મોટું દુઃખ એજ, સહ્યું જાતું નથી મારાથી.
રસનિધિ (કૌમુદી)
બે પાદપૂર્તિઓ
ભણાવતો શિક્ષક ના સ્વ-બાલને, હજામ કાપે ન કદી સ્વ-બાલને, ન વૈદ્ય કેરાં સ્વજનો નિરામય, ‘परोपकाराय सतां विभूतयः’
બૈરી છ સાત પરણી, બહુ મોજ માણી, બુઢ્ઢા ગૃહસ્થ વદિયા સુગભીર વાણી; “લૌં વાનપ્રસ્થ, વિરમ્યું મન વાસનાથી, ‘સૌંદર્ય શું? જગત શું? તપ એજ સાથી.”
નટવરલાલ પ્રભુલાલ બુચ (પ્રસ્થાન)