ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. નારાયણ હેમચંદ્ર
એઓ જ્ઞાતે (ખત્રી) બ્રહ્મક્ષત્રિય, મૂળ દિળના વતની, પણ એમનું ઘણુંખરું જીવન મુંબઈમાં વ્યતિત થયું હતું. તેમના પિતા હેમચંદ્ર સાધારણ સ્થિતિના હતા; તે એન્જીનિયર હતા; અને એક મેલું રૂ સારું કરવાના સાંચાના માલિક હતા અને ધંધાર્થે મુંબઈમાં આવી વસ્યા હતા. એમના માતુશ્રીનું નામ નંદકોર હતું; અને તે બહુ દયાળુ અને ધર્મનિષ્ઠ હતાં. એમને લખતાં વાંચતાં તો નહોતું આવડતું; પણ સારી રીતે ઉનની તોપીઓ ભરી જાણતા અને એ રીતે દરરોજનો એક રૂપિયો મેળવી શકતા.
સાત આઠ વર્ષની વયે નારાયણને ગામઠી શાળામાં મૂકવામાં આવ્યા હતા, નવ વર્ષની ઉંમરે એંગ્લો વર્નાક્યુલર શાળામાં તે દાખલ થયલા; પણ નિશાળે જવું તેમને ગમતું નહિ; તેથી ઘણીવાર શાળાના નામે બહાર ફર્યા કરતા.
બારેક વર્ષના તે થયા ત્યારે તેમના પિતાનું મૃત્યું થયું; તે પછી એમને યજ્ઞોપવિત અપાયું; અને તુરતજ એમનાં માતુશ્રી દેવલોક થયાં તેથી તે એમના મામાને ત્યાં રહેવા ગયા.
મામાને ત્યાં ગયા પછી તેઓ શેઠ સોરાબજી બંગાળીના કારખાનામાં એન્જીનીયરીંગનું કામ શિખવા માસિક રૂ. ૫) ના પગારથી રહ્યા હતા; ત્યાંથી જી. આઈ. પી. રેલ્વેની વર્ક શૉપમાં ગયલા; અહિં તેમનો વાચનનો શોખ ખૂબ વધેલો; અને તે અર્થે તેમને જે પૈસા મળતા, તેમાંથી ચોપડીઓ ખરીદતા; કરસનદાસ મૂળજી રચિત દેશાટન નામનો નિબંધ વાંચવામાં આવતા, મુસાફરી માટે ઈચ્છા ઉદ્દભવેલી તેમને પગાર બાપાને ન આપતાં પોતાને ફાવે તેમ તે ખર્ચતા. વર્તમાનપત્રો વાચતા એટલું જ નહિ પણ સામાજિકસુધારા અર્થે સ્થપાયેલી મંડળીઓમાં તેમજ પ્રાર્થના સમાજમાં હાજરી આપતા. એમાંથી લેખ લખવાને તેઓ દોરાયલા અને “નૂરે આલમ” માસિકમાં " જગદારશી” નામક એક લેખ લખેલો. આ નવા શોખે એમને કારખાનું છોડાવ્યું અને તેઓ વાંચવા સાંભળવા, હરવાફરવામાં તેમના દિવસો વ્યતિત કરવા લાગ્યા. મામાના આગ્રહથી કાંઈક વ્યાપારી કામ શિખવા લાગ્યા; પ્રથમ ઘડિયાળીનું કામ શિખ્યા, પછી વિજળીથી ગિલિટ કરવાનું શિખ્યા; પણ એકેય ધંધામાં ઠરી ન રહ્યા. એટલે મામા ઠપકો આપવા લાગ્યા, તેને લઈને તેઓ ઘર છોડીને નાશી ગયા, પાછા મુંબાઈ ફરી પૂર્વવત્ સાનાર્જન કરવા માંડયું. બ્રાહ્મધર્મનું જ્ઞાન મેળવવા લાગ્યા તેમ મરાઠી શીખીને ‘સુબોધ પત્રિકા’માં લેખો લખવાનું શરૂ કર્યું.
આ સમયે દયાનન્દ સરસ્વતી, કેશવચંદ્ર સાથે એાળખાણ થઈ; અને નવીનચંદ્ર રૉય તો તેમને પોતાની પાસે રાખી, સાધનો આપી, એમની પ્રવૃત્તિને ઉત્તેજી. સન ૧૮૭૫ માં તેમની સાથે તેઓ અલ્હાબાદ ગયા; અહિંથી હિન્દી અને બંગાળી પુસ્તકોનાં ગુજરાતી તરજુમા કરવાનું કામ આરંભ્યું. તેમનું જીવન તદ્દન સાદું એક સાધુ જેવું હતું. પોષાકમાં માત્ર એક. પંચીયું, એક કપડું શરીરપર, માથે મખમલની ટોપી અને પગમાં દક્ષણી જોડા એટલું તેમને બસ હતું.
નવીનચંદ્રને તેઓ પોતાના ગુરૂ માનતા અને તેમની સહાયથી તેઓ આખું હિન્દુસ્તાન ફર્યા હતા. એજ પ્રવાસના શોખે એમને ઇંગ્લાંડ દોર્યા હતા; જોકે અંગ્રેજીનું નહિ જેવું જ્ઞાન હતું; એ રીતે ચારચાર વાર વિલાયત અને અમેરીકાની મુસાફરી તેમણે કરી હતી.
જે કાંઈ શિક્ષણ મળેલું તે ઉપલક કામ પુરતું, પણ સારા સારા વિદ્વાનોના સહવાસમાં આવતા, તેમની જ્ઞાનજીજ્ઞાસા બહુ વિકસેલી; અને તેમનો એ ગુણ હતો કે જે કાંઈ સારું પુસ્તક એમના વાંચવામાં આવે તેનો તેઓ તુરત જ ગુજરાતીમાં તરજુમો કરતા. ઉભય ભાષાનું સારું જ્ઞાન નહિ તેથી તેમાં ઘણી અશુદ્ધિઓ આવતી; તેમ તે ભાષા પણ દોષભરી જણાતી. તોપણ એ કાળે બંગાળી સાહિત્યનો ગુજરાતી વાચકને પરિચય કરાવવાનો યશ શ્રી નારાયણને ઘટે છે. લગભગ ૨૦૦ પુસ્તકો રચ્યાં છે, જેમાંનાં બહુ થોડાં હાલમાં વંચાય છે, વા જેનાં નામો લોકોના જાણવામાં આવે છે. સાહિત્યરસિકોને એક “હું પોતે” એ આત્મવૃત્તાંતનો ગ્રંથ ઉપયોગી થશે.*[1]
મરણપર્યંત તેઓ બ્રહ્મચારી રહ્યા હતા; અને ઉત્સાહ અને ઉત્સર્ગ એ એમનો મુદ્રાલેખ હતો. સન ૧૯૦૯ માં એમનું અવસાન થયું.
- ૧ રાજ્ય ઉત્પતિ તત્ત્વ
- ૨ ઉપયોગી પુરુષ
- ૩ કેશવચરિત્ર
- ૪ જનહિતકારિણી સ્ત્રીઓ
- ૫ જોન સ્ટુઅર્ટ મીલ
- ૬ થિયોર પાર્કરનું જીવનચરિત્ર
- ૭ દોરાનું જીવનચરિત્ર
- ૮ ધાર્મિક પુરુષો
- ૯ પ્રખ્યાત સ્ત્રીઓનાં ગુણકિર્તન
- ૧૦ ફાધર ડામિયેનનું ચરિત્ર
- ૧૧ બોધકચરિત
- ૧૨ વીરમંડળ ભા. ૧-૨
- ૧૩ સદ્ વર્તનશાળી બાળકો
- ૧૪ સદ્ વર્તનશાળી પુરુષો
- ૧૫ સદ્ વર્તનશાળી સ્ત્રીઓ
- ૧૬ સેમ્યુઅલ જૉનસન
- ૧૭ સીતા ચરિત્ર
- ૧૮ સ્ત્રીઓનાં સારાં કામો
- ૧૯ સ્વદેશ પ્રેમી પુરુષો
- ૨૦ હિન્દુ સ્ત્રીઓનું યશોગાન
- ૨૧ હું પોતે
- ૨૨ આપણા પૂર્વજો
- ૨૩ પ્રાચીન ભારતખંડનો મહિમા
- ૨૪ વૈદિક આર્યસમાજ
- ૨૫ પૂરુ વિક્રમ નાટક
- ૨૬ શકુન્તલા
- ૨૭ વિક્રમોર્વશી
- ૨૮ કમળ કુમારી
- ૨૯ કર્ણ સુંદરી
- ૩૦ છોકરાનાં સારાં કામ
- ૩૧ જયસિંહ
- ૩૨ દુર્ગેશનંદિની
- ૩૩ નાની મીઠી વાતો
- ૩૪ પ્રેમ તરંગ
- ૩૫ મા અને છોકરા
- ૩૬ મૃણાલિની
- ૩૭ યોગ જીવન
- ૩૮ રામચરિત
- ૩૯ રૂપનગરની રાજકુંવરી
- ૪૦ વાસવદત્તા
- ૪૧ વિવિધ મીઠી વાતો
- ૪૨ વૈદ્ય કન્યા
- ૪૩ સદ્ગુણ આદર્શ
- ૪૪ સદ્ બોધ વાર્તાવલી
- ૪૫ તુલના
- ૪૬ નાટય ચર્ચા
- ૪૭ સૌંદર્ય તત્ત્વ
- ૪૮ કાવ્ય તત્ત્વ
- ૪૯ કાવ્યચર્ચા
- ૫૦ સાહિત્યચર્ચા
- ૫૧ અરાઢપુરાણ
- ૫૨ આધ્યાત્મિક વિજ્ઞાનતત્ત્વ
- ૫૩ આર્યધર્મ નીતિ
- ૫૪ ઉપનિષત્
- ૫૫ કઠોપનિષત્ નો સાર
- ૫૬ ખ્રિસ્તી ધર્મનીતિ
- ૫૭ જરથોસ્ત ધર્મનીતિ
- ૫૮ દર્શનશાસ્ત્ર સંબંધી ચર્ચા
- ૫૯ નવલકારોપનિષત્
- ૬૦ બ્રાહ્મધર્મ
- ૬૧ બ્રાહ્મધર્મનાં વ્યાખ્યાન
- ૬૨ બ્રાહ્મધર્મ મત અને વિશ્વાસ ભા.૨
- ૬૩ બ્રાહ્મધર્મનાં વ્યાખ્યાન ખંડ ૧
- ૬૪ બ્રાહ્મધર્મ મત અને વિશ્વાસ
- ૬૫ શ્વેતશ્વેતરોપિનિષદના સાર
- ૬૬ સદ્ ધર્મ
- ૬૭ આર્ય ધર્મનીતિ ચાણાક્ય નીતિસાર
- ૬૮ અંગ્રેજો પાસેથી શીખવાના ગુણ
- ૬૯ કેવી રીતે દેશની ચઢતી કરવી?
- ૭૦ કેવી રીતે બાળકને શિક્ષણ આપવું?
- ૭૧ કેવી રીતે વંશમાં સારાં છોકરાં ઉત્પન્ન કરવા?
- ૭૨ જાતિભેદ અને ભોજન વિચાર
- ૭૩ ધર્મનીતિ
- ૭૪ પરોપકારી અબળાઓ
- ૭૫ પુનર્વિવાહ શાસ્ત્ર સંમત છે.
- ૭૬ પ્રેમચર્ચા
- ૭૭ પ્રેમતત્ત્વ
- ૭૮ બ્રહ્માંડતત્ત્વ
- ૭૯ માનુ કર્તવ્ય
- ૮૦ વિવાહ તત્ત્વસિંધુ
- ૮૧ સમાજ ઉત્પતિ તત્ત્વ
- ૮૨ સ્ત્રીઓનાં સારાં કામો
- ૮૩ સ્ત્રીજાતિ વિષે વિવેચન
- ૮૪ સ્ત્રીહિત શિક્ષા
- ૮૫ સંસાર ધર્મનીતિ
- ૮૬ બાહ્ય વસ્તુ સાથે માનવ પ્રકૃતિના સંબંધ વિષે વિચાર
- ૮૭ હત તત્ત્વ વિવેક
- ૮૮ વિવિધ જ્ઞાન
- ૮૯ જીવોત્પત્તિ તત્ત્વ
- ૯૦ જીવજંતુ અને વનસ્પતિની અજાયબીઓ
- ૯૧ બૈજક તત્ત્વ
- ૯૨ મધુમક્ષિકા તત્ત્વજ્ઞાન
- ૯૩ સૂર્ય
- ૯૪ શિક્ષણશાસ્ત્ર
- ૯૫ બાળમહાભારત
- ૯૬ બાળબોધક વાર્તાઓ
- ૯૭ સદ્બોધ વાર્તાવલી
- ૯૮ અપરાધ તત્ત્વ
- ૯૯ ગાયન તત્ત્વ
- ૧૦૦ સંગીત ચર્ચા
- ૧ રાજ્ય ઉત્પતિ તત્ત્વ
- ↑ * આધાર વિદેહી ગુજરાતી સાક્ષરો; તેમજ જુઓ નારાયણ હેમચંદ્ર વિષે શ્રીયુત રમણીક મહેતાના છૂટક સ્મરણો અને શ્રી. કૃષ્ણરાવ દિવેટિયાનું નારાયણ વિષે વ્યાખ્યાન – બુદ્ધિપ્રકાશ સન ૧૯૧૧. અંકો માર્ચ અને ઑક્ટોબર.