ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/રા. સા. મહીપતરામ રૂપરામ નીલકંઠ

From Ekatra Foundation
Revision as of 03:29, 2 February 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મહીપતરામ રૂપરામ નીલકંઠ

એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ, જન્મ તા. ૩જી ડિસેમ્બર સન ૧૮૨૯ ના રોજ સુરતમાં થયો હતો. એમના પિતાનું નામ રૂપરામ ઉમિયાશંકર નીલકંઠ હતું અને એમનાં માતુશ્રી મહિપતરામને દોઢ વર્ષના મૂકીને મૃત્યુ પામેલા એમના કાકાની સ્થિતિ પ્રથમ સારી હતી; પણ સન ૧૮૩૬ ની મ્હોટી આગમાં સઘળી મિલ્કત, ઘરબાર વગેરે તારાજ થતાં, તેમની સ્થિતિ તંગ થઈ પડી હતી. રૂ. ૬ ના માસિક પગારે જકાત ખાતામાં તેઓ નોકરી કરતા. મહીપતરામે છ વર્ષની વયે વિદ્યાભ્યાસ શરૂ કરેલો અને સન ૧૮૫૪ માં એલ્ફીન્સ્ટન ઇન્સ્ટિટયુટની ત્રીજા વર્ષની પરીક્ષા ઉંચે નંબરે પાસ કરી હતી; નિશાળખાતામાં ટુંકા પગારની નોકરી કરતે કરતે તેમણે અભ્યાસ આગળ વધારેલો, સન ૧૮૫૦ માં સુરતમાં હતા તે વખતે “પરહેજગાર" નામનું પત્ર તે એડિટ કરતા હતા; અને મુંબઈ ગયા બાદ બુદ્ધિવર્ધક સભા, જ્ઞાન પ્રકાશક મંડળી, સ્ટુડન્ટસ લિટરરી અને સાયન્ટિફિક સોસાઈટી વગેરેમાં ઉત્સાહભર્યો ભાગ લેતા. કરસનદાસ પરગામ જતાં તેમનું “સત્ય પ્રકાશ” કેટલોક સમય ચલાવેલું તે પછી સન ૧૮૫૭ માં અમદાવાદ હાઈસ્કુલના એક્ટિંગ હેડમાસ્તર નિમાઈ, પાછળથી ડેપ્યુટિ એજ્યુકેશનલ ઇન્સ્પેકટર થયા હતા. એ વખતે એમને રાવ સાહેબનો ઈલ્કાબ સરકારે બક્ષેલો; સન ૧૮૫૯ માં એમણે હોપ વાચનમાળા કમિટીમાં કામ કર્યું હતું, ત્યારબાદ સન ૧૮૬૦ માં ટ્રેનિંગ શાળાઓનો અનુભવ મેળવવા સરકારે તેમને ઈંગ્લાંડ મોકલ્યા હતા; જે તે સમયે એક સાહસ હતું; તે બદલ જ્ઞાતિ તરફથી એમને પુષ્કળ વેઠવું પડેલું પણ નાહિંમત ન થતાં તે સઘળું તેમણે સહન કરેલું, ભોળાનાથભાઈએ એમને હિમ્મત બહાદુર કહેલા તે ઉપમા એમણે અક્ષરસઃ સારી પાડી હતી.

સન ૧૮૬૧ માં તેઓ અમદાવાદ ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે નિમાયલા; તેમજ સરકારખાતા તરફથી ભાષાન્તર કરવાનું કામ તેમને સોંપાયેલું હતું.

એક બાહોશ કેળવણી નિષ્ણાત તરીકે તેઓ આખા ગુજરાતમાં જાણીતા થયા હતા, એટલું જ નહિ પણ ગુજરાતમાં કેળવણીનો પ્રચાર કરવામાં એમણે બહુ સંગીન કાર્ય કર્યું હતું; અને વિશેષમાં એમના હાથ નીચે ભણી ગયેલા સ્કૉલરો ઉપર એમના ઉન્નત અને પવિત્ર સંસ્કાર પાડેલા કે સૌ કોઈ એમનું નામ આજે પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે છે.

એમનાં ઉત્તમ કાર્યની કદર તરીકે નામદાર સરકારે એમને સન ૧૮૮૫ માં સી. આઈ. ઈ; નો ઈલ્કાબ બક્ષ્યો હતો.

‘ગુજરાત શાળાપત્ર’ એમના પ્રયાસથી અસ્તિત્ત્વ પામેલું; અને એક સાહિત્યકાર તરીકે એમણે રચેલાં પુસ્તકો “વનરાજ ચાવડો,” “સધરાજ જેસંગ,” અકબર ચરિત્ર” અને “ભવાઈ સંગ્રહ” ગુજરાતી સાહિત્યમાં સદા યાદગાર રહેશે. તે ઉપરાંત સંખ્યાબંધ પાઠયપુસ્તકો સરકારી કેળવણી ખાતા માટે તૈયાર કર્યાં હતા.

સરકારી અધિકારી તરીકે એમણે જે પ્રશસ્ય કાર્ય કેળવણીના ક્ષેત્રમાં કર્યું તે સિવાય જનસુધારણા અર્થે, સમાજ સુધારો અને ધર્મના વિષયમાં એમણે પ્રગતિમાન પ્રવૃત્તિ આદરી હતી, જે અસરકારક નિવડેલી; તેને લઈને તેઓ ખાસ સુધારક તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા.

વધુમાં એક નાગરિક તરીકે તેમની સેવા અનુકરણિય હતી, જે નીચેની હકિકત પરથી સમજાવશે.

“પ્રાર્થના સમાજ”ની સ્થાપનામાં તેમણે ભોળાનાથ સારાભાઈ સાથે ઉત્સાહભર્યો ભાગ લીધો હતો અને તેના તે મંત્રી અને પ્રમુખ પણ હતા. “વિધવા પુનર્લગ્ન સભા’ ના તે મંત્રી હતા, અને ‘હિંદુ સંસાર સુધાર સમાજ’ ના પ્રમુખ હતા. ‘નેશનલ ઈન્ડિયન એસોશિએશન’ ની ગુજરાત શાખાના તે મંત્રી હતા. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના મંત્રી તરીકે પંદર વર્ષ સુધી રહી સાહિત્ય સેવા કીધી હતી, મુસલમાનોમાં કેળવણીનો પ્રચાર કરવા તેમણે પ્રયત્નો કર્યા હતા. એન્જુમને ઈસ્લામના તે સેક્રેટરી હતા. “પ્રાણીઓનું ઘાતકીપણું અટકાવનારી સભામાં પણ તે હતા. અમદાવાદ મ્યુનિસિપાલીટીના તે કમિશ્નર હતા, અને ત્રણેક વર્ષ ચેરમેન પણ હતા. લોકસેવાના તેમણે ઘણાં કાર્યો કીધાં છે. સાબરમતીમાં પૂર આવેલું તે વખતના બચાવ ફંડના, આગના બચાવ ફંડના, પતના રોગી માટેના ફંડના, એવા અનેક ફંડના તે સેક્રેટરી હતા. (વિદેહી ગુજરાતી અક્ષરો પૃ. ૨૦)

એમાં વધારે ખુશી થવા જેવું અને મગરૂરી લેવા જેવું એ છે કે એમણે ઉપાડેલાં એ જનસેવાનાં કાર્યોને એમના પુત્ર અને પુત્રવધુ સર. રમણભાઈ અને લેડી વિદ્યાબ્હેને બહુ આગળ વધાર્યાં છે અને ખીલવ્યાં છે.

તા. ૩૦ મી મે, સન ૧૮૯૧ ના રોજ એઓ એકાએક કોલેરાના ભોગ થઈ પડેલા અને એમનું અવસાન થયું હતું.

એમના સ્મારક તરીકે મહીપતરામ અનાથાશ્રમ એમના મિત્રો અને શિષ્યો તરફથી સ્થાપવામાં આવેલું, જે ગુજરાતમાં આજે એક અગ્રગણ્ય સંસ્થા ગણાય છે.

: : એમની કૃતિઓ : :

(૧) પાર્વતીકુંવર આખ્યાન
(૨) કાવ્યદોહન
(૩) ભવાઈ સંગ્રહ
(૪) વનરાજ ચાવડો
(૫) સધરાજ જેસંગ
(૬) સાસુ વહુની લડાઈ
(૭) વ્યુત્પત્તિ પ્રકાશ પ્રવેશગ્રંથાવલિ
(૮) ભૂતળવિદ્યા
(૯) ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ
(૧૦) પદાર્થ વિજ્ઞાન
(૧૧) વિદ્યાપ્રવેશ ગ્રંથાવલિ
(૧૨) ખેતી
(૧૩) ભૂગોળવિદ્યા
(૧૪) ભૂગોળવિદ્યાનાં મૂળતત્ત્વો ભા. ૨
(૧૫) આરોગ્ય વિદ્યા
(૧૬) કેળવણી પ્રકાશ
(૧૭) શિક્ષાપદ્ધતિ
(૧૮) ઈંગ્લાંડની મુસાફરી
(૧૯) જગતનો પ્રવાસ
(૨૦) રાજનીતિ
(૨૧) ઈંગ્લાંડનો ઇતિહાસ
(૨૨) ગ્રીસ દેશનો ઈતિહાસ
(૨૩) જગતના ઇતિહાસની રૂપરેખા
(૨૪) ભરતખંડનો ઇતિહાસ
(૨૫) યુરોપનો ઇતિહાસ
(૨૬) અકબર
(૨૭) કરસનદાસ મૂળજીનું ચરિત્ર
(૨૮) ચેમ્બરકૃત ચરિત્ર નિરૂપણ
(૨૯) દુર્ગારામ મંછારામ