સંકેતવિસ્તાર/સુરેશ જોષીની સાહિત્યિક પ્રતિભા અને ગુજરાતીમાં તેમનો પ્રભાવ
(સુરેશ જોષીથી સુરેશ જોષી, લે. સુમન શાહ)
ડૉ. સુમન શાહે પોતાની પીએચ.ડી.ની ઉપાધિ માટે તૈયાર કરેલો બૃહત્ શોધનિબંધ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ શીર્ષકથી પ્રગટ કર્યો છે, અને એ પ્રકાશન સાથે તેમની ગતિશીલ અભ્યાસવૃત્તિ એક નવું સોપાન સિદ્ધ કરતી દેખાય છે. આ પૂર્વે ૧૯૭૩માં ‘ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો’ (અધ્યયનગ્રંથ), ૧૯૭૫માં ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’ (સંપાદન), ૧૯૭૬માં ‘અવરશું કેલુબ’ (નવલિકાસંગ્રહ) અને ૧૯૭૭માં ‘–નવ્ય વિવેચન પછી’ (વિવેચનવિચાર) – એ પ્રકાશનોથી આપણા અભ્યાસીઓનું તેમણે સારું ધ્યાન ખેંચ્યું હતું. અદ્યતન સાહિત્ય પ્રત્યેની તેમની બળવાન રુચિવૃત્તિ, છેક તાજેતરમાં ખેડાઈ રહેલી વિદ્યાઓ જોડેની તેમની નિસ્બત, અને તીવ્રતાથી પ્રતિભાવો પાડતી તેમની તરલ સંવેદનપટુતાનો એમાંથી સારો પરિચય મળી ચૂક્યો હતો. પ્રસ્તુત શોધનિબંધનું અભ્યાસક્ષેત્ર છે – ‘સુરેશ હ. જોષી : તેમનું સાહિત્ય અને તેનો ગુજરાતી સાહિત્ય પરનો પ્રભાવ’. તેમના અભ્યાસ વિષયનો વ્યાપ આ મૂળ શીર્ષકમાં બરાબર સૂચવાઈ જતો હતો. પણ પ્રસ્તુત શોધનિબંધનું પ્રકાશન કરતાં ડૉ. સુમને તેને, ઉપર નિર્દેશ્યું છે તેમ, ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ એવું વિલક્ષણ, જો કે તેમનાં આગળનાં પ્રકાશનોનાં શીર્ષકો જોતાં સ્વાભાવિક, એવું શીર્ષક આપ્યું છે. પ્રસ્તુત શીર્ષકથી તેમને કદાચ એમ સૂચવવું હશે કે સુરેશ જોષીની સાહિત્યિક પ્રતિભા અને તેમનો સાહિત્યિક પુરુષાર્થ આપણા સાહિત્યમાં અનન્ય પુરવાર થયાં છે, અને તેમણે આરંભેલી અદ્યતનવાદી ‘પરંપરા’ તેમનામાં જન્મી અને તેમનામાં જ વિરમી ગઈ છે! પોતાના શોધનિબંધ માટે ડૉ. સુમને સ્વીકારેલો આ વિષય, આપણા વિવેચનસંશોધનની અત્યારની પરિસ્થિતિ જોતાં, ઘણો મહત્ત્વનો જણાઈ આવે છે. આપણા સ્વાતંત્ર્યોત્તર સમયના અદ્યતનવાદી સાહિત્યના મુખ્ય પ્રણેતા તરીકે પ્રતિષ્ઠિત થયેલા ડૉ. સુરેશ જોષીની સમગ્ર સાહિત્યિક પ્રવૃત્તિઓનું અવલોકન કરવાનો, તેમ જ તેમની સાહિત્યવિષયક આગવી વિચારણાઓનું સંકલન કરવાનો, તેમનો આ મહત્ત્વપૂર્ણ પ્રયત્ન છે. આપણે જાણીએ છીએ કે સુરેશ જોષીની સાહિત્યવિચારણામાં શુદ્ધ કળા, કેવળ સર્જકતા અને અહેતુક રૂપનિર્માણના તેમના કેન્દ્રીય ખ્યાલો પ્રવર્તક બળ બની રહ્યા છે; અને તેમની સર્જકપ્રવૃત્તિ આવી ચોક્કસ સંપ્રજ્ઞતાથી પ્રેરાયેલી છે. પરંપરાગત વિવેચનની વિભાવનાઓ કરતાં આ ખ્યાલો મૂળભૂત રીતે જુદા પડે છે. આવી રીતે આપણા સ્વાતંત્ર્યોત્તર સાહિત્યને મોટો વળાંક આપનાર એક પ્રતિભાશાળી સાહિત્યકારના સર્જન-વિવેચન આદિ ક્ષેત્રના પુરુષાર્થો અને ગુજરાતીમાં તેમના પ્રભાવનો સમગ્રતયા અને વ્યવસ્થિત રૂપે અભ્યાસ થવાની ઘણી મોટી જરૂરિયાત હતી. આ દૃષ્ટિએ ડૉ. સુમનનો આ અભ્યાસ આવકારપાત્ર બની રહે છે. આ શોધનિબંધ મુખ્યત્વે ત્રણ વિસ્તૃત પ્રકરણોમાં વહેંચાયેલો છે, અને દરેક પ્રકરણ વિષયના મુદ્દાવાર નાના ખંડોમાં વિભાજિત છે. આરંભનાં બે ટૂંકાં લખાણો – ‘નિવેદન’ અને ‘આમુખ’ – પ્રસ્તુત અધ્યયનવિષયના પ્રવેશ જેવાં છે. જ્યારે અંતના ‘ઉપસંહાર’માં ડૉ. સુમનની સમાપનરૂપ ટૂંકી વાત રજૂ થઈ છે. એ રીતે, આ શોધનિબંધની ખરી તપાસ અને તેને લગતી ચર્ચા-વિચારણાઓ વચલાં ત્રણ બૃહદ્ પ્રકરણોમાં આવી જાય છે. એ પૈકી પહેલા પ્રકરણમાં સુરેશ જોષીના સર્જનાત્મક સાહિત્યનો, નવલિકા લઘુનવલ કવિતા અને સર્જક નિબંધ એ ક્રમમાં, વિચાર કર્યો છે. બીજા પ્રકરણમાં તેમના વિવેચનસાહિત્યનો વિસ્તૃત અને ઝીણવટભર્યો અભ્યાસ રજૂ કર્યો છે. ત્રીજામાં તેમની પૂરક પ્રવૃત્તિઓ લેખે સામયિકોનું સંપાદન, ગ્રંથસંપાદન, અનુવાદ, સંશોધન આદિ પ્રવૃત્તિઓનો તેમ જ તેમની આ જાતની સર્વ પ્રવૃત્તિઓના આપણા સાહિત્ય પર પડેલા પ્રભાવનો ખ્યાલ કર્યો છે. આ આખાય અધ્યયનમાંથી સુરેશ જોષીની એક અખંડ સાહિત્યિક પ્રતિભા સારી રીતે ઊપસી આવે છે. ડૉ. સુમનનો વિશેષ પ્રયત્ન તે સુરેશ જોષીની સાહિત્યવિચારણાને એક સુગ્રથિત સિદ્ધાંતરૂપમાં રજૂ કરવાનો રહ્યો છે. અલગ અલગ ગ્રંથો અને લેખોમાં વેરવિખેર પડેલી તેમની વિચારણાઓને વ્યવસ્થિત રૂપમાં મૂકી આપવાનો આ પ્રયત્ન જેટલો ઉત્સાહભર્યો છે, તેટલો જ સંનિષ્ઠ પણ છે. સુરેશ જોષીના સર્જનવિવેચનની અવલોકનકારોએ જે જે ટીકાઓ કરી હતી કે જે જે વાંધાઓ ઊભા કર્યા હતા તેનો પ્રતિવાદ પણ તેમણે કર્યો છે – ઘણા અભિનિવેશપૂર્વક કર્યો છે – અને, એ રીતે સુરેશ જોષીની સાહિત્યમીમાંસાને સુપ્રતિષ્ઠિત કરવાનો તેમનો મોટો પ્રયત્ન રહ્યો છે. એ પ્રયત્નમાં એક અભ્યાસી તરીકે ડૉ. સુમનની સજ્જતાનો જો નિકટવર્તી પરિચય શક્ય બન્યો છે, તો તેમની વૈયક્તિક રુચિ-અરુચિઓ કે આગ્રહો-દુરાગ્રહો પણ પ્રસંગે તીવ્રતાથી છતા થઈ જતા જોવા મળ્યા છે. પ્રથમ પ્રકરણમાં સુરેશ જોષીની નવલિકાઓને ડૉ. સુમને પ્રથમ વિચાર કર્યો છે. એક રીતે એ સમજાય તેવી વાત છે. સુરેશ જોષીની સર્જકપ્રતિભા તેમણે ખેડેલાં બીજાં સ્વરૂપોની તુલનામાં નવલિકાસ્વરૂપમાં વધુ સમય સક્રિય રહી છે, અને તેમની પ્રયોગશીલ વૃત્તિ એમાં વિશેષ નોંધપાત્ર પરિણામો લાવી શકી છે. તેમનો પ્રથમ નવલિકાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ ૧૯૫૭માં પ્રગટ થયો, તે સાથે આપણી નવલિકાનો જાણે કે કાયાકલ્પ થઈ ચૂક્યો હતો. એ પછી ‘બીજી થોડીક’ (૧૯૫૮), ‘અપિ ચ’ (૧૯૬૪) અને ‘ન તત્ર સૂર્યો ભાતિ’ (૧૯૬૭) એમ નૂતન ઉન્મયો પ્રગટાવતી નવલિકાઓના બીજા ત્રણ ગ્રંથો આપણને તેમની પાસેથી મળ્યા. એમાં નવલિકાસ્વરૂપની તેમની આગવી શોધ તો હતી જ, પણ એ સાથે પોતાને પ્રિય એવી કળા વિશેની ખોજ પણ ચાલતી હતી. ‘ગૃહપ્રવેશ’ની પ્રસ્તાવના એ દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહે છે. ડૉ. સુમને સુરેશ જોષીની કળા અને સર્જકતાવિષયક વિચારણાઓને પૂરતી લક્ષમાં લઈ તેમની નવલિકાનાં નૂતન કળાતત્ત્વોની ઓળખ કરાવવાનો સારો પ્રયત્ન કર્યો છે. સુરેશ જોષીની નવલિકાઓમાં તેમણે બે સ્થિત્યંતરો – પ્રથમ ‘ગૃહપ્રવેશ’ અને ‘બીજી થોડીક’નું, અને બીજું તે પછીની રચનાઓનું – નોંધ્યાં છે. એમાં પાછળની કૃતિઓ ડૉ. સુમનને વધુ કળાત્મક સિદ્ધિઓવાળી લાગી છે. તેમણે આ બંને સ્થિત્યંતરોને લક્ષમાં રાખી સુરેશ જોષીની વિકસતી સર્જકતાનો સુપેરે પરિચય કરાવી આપ્યો છે. સન્નિધિકરણ જેવી રચનારીતિનો વિનિયોગ, રચનાપ્રક્રિયાનાં ઘટકતત્ત્વો રૂપે કલ્પનો અને પ્રતીકોનો વિન્યાસ, કપોલકલ્પિતની દિશામાં તેમની સર્ગશક્તિનો વિસ્તાર, અને ઘટના, પાત્ર, સ્થળ, કાળ આદિની બદલાતી વિભાવના એ મુદ્દાઓને દૃષ્ટિમાં રાખી તેમણે સુરેશ જોષીની કૃતિઓનો ઠીક ઠીક ઝીણવટથી વિચાર કર્યો છે. અહીં તેમની સૂક્ષ્મ રસજ્ઞતાનો નિકટતાથી પરિચય મળી જાય છે. કેટલીક કૃતિઓનું હાર્દ તેમણે ખૂબ નજાકતતાથી ખુલ્લું કરી આપ્યું છે. સુરેશ જોષીની કળા અને સર્જકતાનો આ રીતે પરિચય કરાવવામાં તેમની વિવેચનદૃષ્ટિ સ્ફૂર્તિ અને ઉષ્માનો અનુભવ કરાવે છે. તો આપણી વિવેચનાએ આ સમૃદ્ધ ઉન્મેષોની યથાર્થ રૂપમાં ઓળખ કરી નથી એ બાબત તેમને ખિન્ન પણ બનાવી દે છે. એટલે પરંપરાગત દૃષ્ટિના કે નવી દૃષ્ટિના જે કોઈ સમીક્ષકે આ નવલિકાઓમાં દોષ બતાવ્યા છે, કે એ વિશે ટીકાઓ કરી છે ત્યારે, તેની સામે તેમનો રોષ છતો થઈ જતો દેખાશે. અદ્યતનવાદી સાહિત્યનો આપણે ત્યાં પ્રસાર થયો તે સાથે આપણા સાહિત્યરસિકોમાં નવી કળાદૃષ્ટિ અને નવી રસવૃત્તિ અંગીકાર થતાં ગયાં છે. એ રીતે પરંપરાગત દૃષ્ટિના વિવેચનાત્મક અભિગમથી અદ્યતનવાદી સર્જક-વિવેચકનો અભિગમ મૂળભૂત રીતે બદલાતો દેખાય તો એમાં ઝાઝું આશ્ચર્ય ન હોય. અને, આ આખી બદલાતી વિવેચનાત્મક આબોહવાને બરાબર લક્ષમાં લઈએ, તો પછી પરંપરાગત દૃષ્ટિના અવલોકનકારો આ નવલિકાઓને યથાર્થ રૂપમાં ઓળખી શક્યા ન હોય તો પણ, તેમની સામે રોષ વ્યક્ત કરવાને ખાસ કારણ રહેતું નથી. અને સંભવ છે કે, પરંપરાગત વિવેચનાએ એ કૃતિઓ વિશે જે વિવેચનાત્મક નિર્ણયો બાંધ્યા તેમાં સત્યનો અંશ હોય પણ. પણ ડો. સુમન આવી ટીકાઓથી વ્યગ્ર બની જતા હોય છે, ત્યારે તેની પાછળ તેમનો સ્વમતાગ્રહ છતો થઈ જાય છે, અથવા અસહિષ્ણુતા બહાર આવી જાય છે. ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ એ બે લઘુનવલોના અધ્યયનમાં પણ ડૉ. સુમનની સૂક્ષ્મ રસવૃત્તિનો સરસ પરિચય થઈ જાય છે. આ બે કૃતિઓમાં નારી, પ્રેમ અને મૃત્યુ એ ત્રણ ‘સત્ત્વો’ની રહસ્યમયતા જ સુરેશ જોષીની સર્જકતાનું મુખ્ય પ્રેરક બળ બની રહી છે એ વાત તેમણે ઘણી માર્મિક રીતે ઉકેલી બતાવી છે. કૃતિના રસકીય સંદર્ભો ઉકેલવામાં અહીં પણ તેમની ઉષ્માભરી દૃષ્ટિ કામ કરી રહી દેખાય છે. પરંપરાગત નવલકથા કે લઘુનવલ કરતાં આ કૃતિઓનો સર્જનાત્મક ઉન્મેષ એટલો તો વિલક્ષણ છે કે આપણું વિવેચન એનો મુકાબલો (encounter) શી રીતે કરવો તેની પદ્ધતિ વિશે જ કેટલીક વાર વિમાસણ અનુભવતું દેખાશે. સુરેશ જોષીએ સાહિત્યપ્રકારને માત્ર ‘aesthetic category’ કે ‘વિશિષ્ટ રચનારીતિ’ તરીકે ઓળખાવ્યો છે. ડૉ. સુમન પણ આ કૃતિઓના અધ્યયનમાં વિવેચનના રૂઢ ખ્યાલો ત્યજી આગવી રીતે મુકાબલો કરવા પ્રવૃત્ત થયા દેખાય છે; જો કે પ્રકારલક્ષી અભિગમનો સૈદ્ધાન્તિક અસ્વીકાર કરવા છતાં આ કૃતિઓની ચર્ચાવિચારણામાં તેમની એના સ્વરૂપ વિશેની સભાનતા છતી થઈ જાય છે જ. ‘મરણોત્તર’ની સમીક્ષામાં એક પ્રસંગે તેમને એમ કહેવાનું પ્રાપ્ત થાય છે : “આખી રચના આ પદ્ધતિએ એક સાહિત્યકૃતિની કક્ષાએ રહીને નોંધપાત્ર એવા આધ્યાત્મિક અનુભૂતિવિશેષને આકારિત કરે છે તે નાનીસૂની વાત નથી. ‘છિન્નપત્ર’ જો મુસદ્દો હતી તો આ એક સ્વયંપૂર્ણ એવી લઘુનવલ છે.” (પૃ. ૯૫) ચારેક પૃષ્ઠો ૫છી એ કૃતિ વિશે તેઓ કહે છે : “ ‘મરણોત્તર’ એક પ્રયોગશીલ કૃતિ હોઈને ‘લઘુનવલ’ ‘નવલ’ કે ‘લાંબી-ટૂંકી વાર્તા’ જેવા કોઈ પણ સંસિદ્ધ માળખામાં ન બેસે તે સમજાય તેવું છે; અને તેથી આ કૃતિને એવા કશા સાહિત્યપ્રકારવિષયક વિવેચન (generic criticism)નો લાભ આપી શકાશે નહિ.”(પૃ. ૯૯) આ બે અવતરણોમાંથી ‘મરણોત્તર’ના સાહિત્યસ્વરૂપ અંગેની ડૉ. સુમનની ઊંડી દ્વિધાવૃત્તિ પ્રગટ થતી જોઈ શકાય. અને છતાં, આ કૃતિના અવલોકનકારોએ આ વિશે પોતાની રીતે સમીક્ષા કરવાના પ્રયત્નો કર્યા છે ત્યારે તેમના મુદ્દાઓને તેઓ પૂરા સમભાવથી અવલોકી શક્યા નથી. સુરેશ જોષીની કવિતા વિશેનો વિવેચનવિચાર પ્રમાણમાં સ્વસ્થ રીતે થયો છે. તેમની કવિતાને ‘કવિવિવેચકનું કવિતાસ્વપ્ન’ કહીને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિઓનો સંકેત આપી દીધો છે. તેમના સર્જકનિબંધોની ચર્ચાવિચારણા પણ ઘણી વ્યવસ્થિત અને દૃષ્ટિસંપન્ન છે. સુરેશ જોષીના લલિત ગદ્યમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવપરિસ્થિતિ વિશેના રમણીય ભાવ-પ્રતિભાવોનો પણ સરસ રીતે પરિચય આપ્યો છે. એમાં સંસ્કૃતિ અને માનવપરિસ્થિતિ વિશે સુરેશ જોષીએ કેળવેલાં વિચારવલણો કે દૃષ્ટિબિંદુઓ જોડે આપણે સર્વથા સંમત ન પણ હોઈએ. છતાં ડૉ. સુમને તેમની આ બધા વિષયોની વિચારણાઓનો શક્ય તેટલા પ્રામાણિક રૂપમાં પરિચય કરાવવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. સુરેશ જોષીના સર્જનાત્મક સાહિત્યની અનેકવિધ પ્રાપ્તિઓ અને સમૃદ્ધિઓ હોવા છતાં આપણા વિવેચને તેની યથાર્થ રૂપમાં કે યથાર્થ પરિપ્રેક્ષ્યમાં ઓળખ કરી નથી એવી ડૉ. સુમનની ફરિયાદમાં ચોક્કસ તથ્ય છે. અને એ પણ ખરું કે અદ્યતનવાદી નૂતન ઉન્મેષોને યથાર્થ રૂપમાં પામવાને કે પ્રમાણવાને વિવેચનાના રૂઢ વિભાવો ઉપકારક ન નીવડે કે અપ્રસ્તુત બની રહે. એટલે પરંપરાગત વિવેચનના રૂઢ અભિગમમાં આંતરિક રીતે જ અમુક મર્યાદા પડી હતી. એટલે આ વિશે તીવ્રપણે સભાન એવા ડૉ. સુમને કૃતિઓને જોવાને સર્વથા અરૂઢ ‘અભિગમ’ સ્વીકાર્યો છે. સાહિત્યપ્રકારોનાં રૂઢ લક્ષણો તેમણે લક્ષમાં રાખ્યાં નથી, તેમ પ્રકારલક્ષી વિવેચનનો માર્ગ પણ ત્યજી દીધો છે. સાહિત્યપ્રકારની રૂઢ વિભાવના (કે વિભાવનાઓ)થી કૃતિ તરફ ન જતાં, કૃતિનું ‘વર્ણન’ કરતાં કરતાં એમાંથી ઉત્ક્રાન્ત થતા સાહિત્યપ્રકારને એાળખવા તરફની તેમની ગતિ રહી છે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે કૃતિના મૂલ્યાંકનમાં તેમને ખાસ રસ નથી, તેમનો મુખ્ય પ્રયત્ન કૃતિનું ‘વર્ણન’ આપવાનો રહ્યો છે. પહેલા પ્રકરણની તેમની વિસ્તૃત ચર્ચાવિચારણાઓ આ કૃતિઓનાં કળાતત્ત્વો વિશેના ‘વર્ણન’માં રોકાયેલી છે. અહીં સદ્ય તરલ પ્રતિભાવો પાડતી સંવેદનપટુતાનો આ૫ણને સતત પરિચય મળતો રહે છે. પણ સાહિત્યકૃતિઓનું મુખ્યત્વે ‘વર્ણન’ આપવાની આ વિવેચનરીતિ તાત્ત્વિક ભૂમિકાએ તેમ પ્રત્યક્ષ વિવેચનની ભૂમિકાએ પણ કેટલાક ચર્ચાસ્પદ મુદ્દાઓ ઊભા કરી આપે છે. પહેલી વાત તો એ કે વિવેચનમાં સ્પષ્ટ ‘ધોરણો’ કે એવા કોઈક નિશ્ચિત ‘માળખા’ના અભાવમાં કૃતિનું ‘વર્ણન’ કેટલે અંશે કાર્યસાધક નીવડી શકે તે પ્રશ્ન છે. વળી, કૃતિના વિવેચન અર્થે ‘બહારથી’ આણેલાં ‘ધોરણો’ નહીં પણ કૃતિમાં નિહિત રહેલાં ‘ધોરણો’ શોધી કાઢવાં જોઈએ, એવી ભૂમિકા પણ તાત્ત્વિક દૃષ્ટિએ કેટલી નભી શકે તે વિચારવાનું રહે છે. ભાવસમૃદ્ધ કળાકૃતિને એકથી વધુ પાસાં કે પરિમાણો હોય છે, તેના આકારની સંકુલતામાં શબ્દ, અર્થ, વિચાર, લય, રૂપક, કલ્પન, પ્રતીક, મિથ, પાત્ર, શૈલી, રચનારીતિ આદિ અનેકવિધ તત્ત્વો સમાઈ રહ્યાં હોય છે, તો એનો અવલોકનકાર આ બધી જ વિગતોનું ‘વર્ણન’ હાથ ધરશે કે એ પૈકીની અમુકને જ લક્ષમાં લેશે? વળી, આ વિગતોનો પુરસ્કાર-તિરસ્કાર કેવળ યાદૃચ્છિક જ હશે કે કૃતિને પ્રમાણવાનો કોઈ ‘નિયમ’, કોઈ ‘ધોરણ’ કે એવી કશીક ‘વિભાવનામૂલક સંપ્રજ્ઞતા’ એમાં કામ કરી રહી હશે? અને એમ પણ બનશે કે, કૃતિ વિશે ‘વર્ણન’ રજૂ કરનારાં વિધાનોમાં જ અમુક સંજ્ઞાઓ મૂલ્યનિર્દેશક હોય. તાત્પર્ય કે, વિવેચનલેખે કૃતિનું ‘વર્ણન’ જ પર્યાપ્ત છે, કે કૃતિને પ્રમાણવાને જરૂરી ‘ધોરણો’ જે તે કૃતિમાંથી જ શોધી લેવાં જોઈએ – એ જાતની વિચારસરણી philosophy of criticismના કેટલાક વિશિષ્ટ પ્રશ્નો ઊભા કરી આપે છે. અહીં એવા કોઈ પ્રશ્નને સ્પર્શવાને અવકાશ નથી. પણ સુરેશ જોષીની કૃતિઓ જોડે તેમણે જે રીતે પ્રત્યક્ષ કામ પાડ્યું છે અને જે રીતે કૃતિઓ વિશે ‘વર્ણન’ રજૂ કર્યું છે તેમાં તેમ જ આ કૃતિઓ વિશેના ટીકાકારોની સામે તેમણે જે રીતે પ્રતિવાદો કર્યા છે તેમાં, કેટલીક મુશ્કેલીઓ અનુભવાય છે. અહીં તેમની ચિંતન-વિવેચનની પ્રક્રિયા કે પદ્ધતિનો પ્રશ્ન પડેલો છે એમ પણ જોઈ શકાશે. તેમના ભાષાકીય આવિર્ભાવોનું, તેમની શૈલી અને નિરૂપણરીતિનું, બારીકાઈથી અવલોકન કરનારને એમ દેખાઈ આવશે કે વિવેચનવિચાર દરમ્યાન તેમનામાં સંચલિત થતો માનસિક પ્રવેગ અનેક વાર શબ્દાર્થોનાં પ્રાચુર્યોમાં પરિણમ્યો છે. એવે પ્રસંગે ચિંતનની સુરેખતા અને વિશદતા ઘટી છે કે વિચારની પ્રમાણભૂતતા જોખમાઈ છે કે અભ્યાસીને આવશ્યક એવી દૃષ્ટિની સમતુલા કંપી ઊઠી છે. એવાં સ્થાનોમાં શબ્દાળુતાનું આક્રમણ પણ જોવા મળશે. વળી સુરેશ જોષીની કૃતિઓનો પુરસ્કાર કરવાની વૃત્તિ જાણ્યેઅજાણ્યે તેમને બોદી વાક્છટા કે વાગ્મિતામાં ખેંચી ગઈ હોય એવાંયે અનેક દૃષ્ટાંતો મળી આવશે. આવાં વાગ્મિતાભર્યાં વચનોનુ વિવેચનાત્મક મૂલ્ય ચર્ચાસ્પદ બની રહે છે : નીચેના સંદર્ભો, માત્ર દૃષ્ટાંત લેખે. (૧) “ ‘ગૃહપ્રવેશ’ની મોટા ભાગની રચનાઓમાં સર્જકનું મન ઉપર્યુક્ત પૂર્ણ વાસ્તવના સંદર્ભમાં ambivalence of emotion – ભાવશબલતાનું ચિત્રણ કરવામાં લાગેલું હતું – અને એ દિશામાં સસંકલ્પ એમણે પોતાની સર્જકતાને સક્રિય બનાવેલી હતી. પરંતુ અભિવ્યક્તિવિષયક આ સચ્ચાઈની સાથોસાથ પરંપરાપુષ્ટ સમાજજીવનની તરાહોમાં સંસિદ્ધ થઈ આવેલાં પોકળ જીવનમૂલ્યો સામેનો એમનો પ્રચ્છન્ન વિદ્રોહ પણ એમાં ભળેલો જોઈ શકાય છે, એ સામાજિક દંભ અને જૂઠાણાનાં સ્તર આ રચનાઓમાં ઉત્તરોત્તર ચેરાતાં જાય છે, છેદાય છે; કહેવાની નીતિ અને કહેવાતી શ્લીલતાના કાંઠા તોડીને પાત્રો ‘સ્વ’ને પૂર્ણપણે પામવાની દિશામાં કટિબદ્ધ થાય છે – ‘સમાજ’ નામના ચોકઠાની બહાર તેઓ છલકાય છે, રીતરસમો અને નીતિનિયમોને છેડચોક ઉલ્લંઘી જતાં જણાય છે...... મોટા ભાગની રચનાઓમાં આ જ કારણે સામાજિક સમ્બધોની શૃંખલાઓ પણ ફગાવી દેવાઈ છે, અથવા નામશેષ કરાઈ છે. કાં તો આ પાત્રો એ સમ્બન્ધોની પોકળતાને પામી ગયાં છે અથવા તો સમ્બન્ધોની જડ સીમાઓ બહાર પણ ઘણુંબધું જીવાતું હોય છે એવા કોઈ સમ્યક્ ખ્યાલોમાં રમમાણ હોય છે.” (પૃ. ૪૮–૪૯.) (આ અવતરણમાંની વાગ્મિતા સ્વયંસ્પષ્ટ છે. વિવેચનવિચારની પ્રમાણભૂતતા આથી જોખમાય જ છે.) (૨) “... નવલકથાને તેમણે અનિવાર્યપણે માનવીય સંદર્ભ સાથે જોડી જ છે, બલકે એ સંદર્ભ એની પૂરી સંકુલતા અને સંદિગ્ધતા સહિત અવતારવાનું સૂચવ્યું છે, અને જાતે તો એવો પડકાર અવશ્ય ઝીલી લીધો છે. તેમની સમાજનિરપેક્ષતા કે ઘટનાબહુલ પરિચિત વાસ્તવને વિશેની વાજબી સૂગ આમ અમાનવીય નથી. અને તેથી જ ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ બંને રચનાઓ, અનુક્રમે પ્રેમ અને મરણ જેવા દુર્દમ્ય પરિબળોની બધી જ સંકુલતાઓને વૈયક્તિક ચેતનાની ભૂમિકા પર નિરૂપે છે... ‘અ પિ ચ’, ‘ન તત્ર સૂર્યો ભાતિ’, ‘કથાચક્ર’ અને ‘છિન્નપત્ર’માં જોવા મળેલો એ ઉદ્રેક અહીં નવાં જ પરિણામો સહિત વિકાસ પામ્યો છે. એમની સર્જકતા સ્થળ-કાળ-ઘટનાપાત્ર આદિને હંમેશાં એક પ્રકારના ચૈતસિક વાસ્તવમાં ઓગળતા મૂકી દે છે અને પછી તો કલ્પનગઠિત સૃષ્ટિનો શુદ્ધ પ્રસાર જ અનુભવાય છે. અને તેને પરિણામે, એવા રોમેન્ટિક ઉદ્રેકોને વાયગ્ય કે આગન્તુક ગણવાનું અશક્ય બની જાય છે.” (પૃ. ૬૨.) (અહીં સુરેશ જોષીની લઘુકથાઓનાં કળાત્મક રૂપો અને માનવીય વાસ્તવના સંબંધોની જે ચર્ચા થઈ છે તેમાં વિવેચનની સુરેખતા અને ચોકસાઈ જોખમાયાં જ છે. સુરેશ જોષીએ સૈદ્ધાન્તિક ભૂમિકાએ કથાસાહિત્યમાં માનવસંદર્ભોની પૂરી સંકુલતા અને સંદિગ્ધતાઓનો સ્વીકાર કર્યો હોય તો પણ, તેમની રોમેન્ટિક ઉન્મેષોવાળી સર્ગશક્તિ ચૈતસિક વાસ્તવને જ વધુ અનુલક્ષે છે. પણ ભૌતિક વાસ્તવિકતા કે ઐતિહાસિક વાસ્તવિકતાનું અનુસંધાન એમાં તૂટી જતું હોય છે એટલે, તેમની કથાસૃષ્ટિ વધુ તો ‘વાયવ્ય’ જ લાગે છે, એમ નોંધવાનું પ્રાપ્ત થાય છે.) (૩) “આવા સ્થળકાળની નવી જ પ્રતીતિને સાર્થક ભાવે બૃહત્થી બૃહત્તરની દિશામાં વિસ્તારતા સર્જનકર્મને સુરેશભાઈએ રચનાના ઋત વડે સુનિયંત્રિત રાખ્યું છે, બલકે રચનાના મર્મને પણ અપાર્થિવ અને વાયવ્ય થતો રોકવામાં તેઓ પૂરા સફળ થયા છે. બંને રચનામાં એ આછુંપાતળું વસ્તુ છે તે ન્યૂનતમ માનવીય સંદર્ભને ઉપસાવવાની સાથોસાથ પ્રેમ અને મરણ વિશેના રહસ્યોદ્ઘાટનોને મૃર્ત, નક્કર અને સંવેદ્ય બનાવી આપે છે – ‘મરણોત્તર’માં કે ‘છિન્નપત્ર’માં મરણ કે પ્રેમ જેવાં સંકુલવેદનો વિભાવનામૂલક પરિપાટીએ વિકસીને શુષ્ક મીમાંસા ન બની રહેતાં કલાકીય સંકુલતા સમેતનો પૂરો ઇન્દ્રિયસંવેદ્ય અવબોધ બની રહે તેની નવલકથાકારે ભારે કાળજી લીધી છે.” (પૃ. ૬૩.) (અહીં પણ સૂક્ષ્મ વિવેચનદૃષ્ટિ વાગ્મિતાની પ્રચૂરતાથી ખંડિત થતી હોવાનું સમજાશે.) ડૉ. સુમનની વિવેચનવિચારણા પ્રતિવાદની ક્ષણોના તેમના બળવાન અભિનિવેશને કારણે આ જ રીતે અનેક પ્રસંગે સમતુલન ગુમાવી બેસતી હોય એમ સમજાય છે. પરંપરાગત કે નવી દૃષ્ટિના કોઈ પણ સમીક્ષકે સુરેશ જોષીના સર્જનાત્મક સાહિત્ય વિશે ટીકાઓ કરી છે ત્યારે, આગળ નિર્દેશ કર્યો છે તેમ, તેમના વિવેચનાત્મક અભિગમોમાં કે દૃષ્ટિબિંદુમાં કશુંક પણ સત્ય છે કે કેમ તે વિશે પૂરા સમભાવથી તપાસ કરવાનું તેમણે સ્વીકાર્યું દેખાતું નથી. સુરેશ જોષીની નવલિકાઓમાં અમુક કલ્પનો અને પ્રતીકોનો ફરી ફરીને વિનિયોગ થયો છે, અને તેમાંથી મોનોટોની જન્મી છે એવી ફરિયાદમાં ઝાઝું તથ્ય નથી એમ ગણી તેને બાજુએ રાખીએ, પણ એ રચનાઓ ‘વાયવ્ય’ કે ‘અમૂર્ત’ બની જાય છે કે ‘પાણીથીયે પાતળી’ બની ગઈ છે એ મતલબની ફરિયાદ સદ્ગત મડિયા, ભોળાભાઈ કે દિગીશ જેવા મર્મજ્ઞો તરફથી આવી હોય ત્યારે, એ વસ્તુની અવગણના થવી જોઈતી નહોતી. આ અંગે છેવટે એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે અહીં આટલા વિસ્તૃત અધ્યયન અને વાદવિવાદ પછીયે, સુરેશ જોષીના સર્જનાત્મક સાહિત્યના વિવેચન-મૂલ્યાંકન માટે હજી ઘણો અવકાશ રહી જ જાય છે. ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ એ શીર્ષકનું બીજું વિસ્તૃત પ્રકરણ આ શોધનિબંધનું એક ન્યૂ ક્લિઅસરૂપ લખાણ છે. સુરેશ જોષીના સર્જન-વિવેચનના સમગ્ર પુરુષાર્થો જ્યાં કેન્દ્રિત થાય છે તે ‘રૂપનિર્માણ’ની વિભાવના, અને તેના પર આધારિત સાહિત્યમીમાંસાનો કહો કે કળામીમાંસા (aesthetics)નો, ઝીણવટભર્યો વિચાર કરવાનો ડૉ. સુમનનો સમર્થ પ્રયાસ છે. સુરેશ જોષીનાં પ્રત્યક્ષ વિવેચનો તેમજ તેમની અલગ અલગ સૈદ્ધાન્તિક ચર્ચાઓમાંથી એક સુગ્રથિત સિદ્ધાંત રચી જોવાનો આ ઉપક્રમ એક રીતે ખૂબ જ મહત્ત્વનો બની રહે છે. સુરેશ જોષીની રૂપની વિભાવના, તેની ઉપપત્તિઓ અને તેના ફલિતાર્થો, રૂપનિષ્ઠ વિવેચનની પદ્ધતિ, અને માનવપરિસ્થિતિ, વર્તમાન સંસ્કૃતિ કે યુગચેતનાના સંદર્ભે રૂપની વિભાવનાની પ્રસ્તુતતા – આદિ અનેક મુદ્દાઓનો અહીં ડૉ. સુમને વ્યવસ્થિત વિચાર કર્યો છે. અહીં પણ સુરેશ જોષીની કૃતિલક્ષી વિવેચનાઓ પ્રથમ લક્ષમાં લીધી છે : કૃતિ પરથી વિભાવ તરફ જવાનો તેમનો અભિગમ અહીં પણ જોવા મળશે. એ જ રીતે રૂપની વિભાવનાને નવલકથા-નવલિકા જેવા વિશિષ્ટ સાહિત્યપ્રકારોના અવબોધ જોડે સાંકળી આપવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે; જો કે નવલકથાના સંદર્ભે સુરેશ જોષી પોતાની રૂપની વિભાવના વિકસાવીને એ સ્વરૂપના વિવેચનનું કોઈ ચોક્કસ માળખું રચી આપી શક્યા નથી કે નવલકથાની ભાષા વિશે તેમના વિવેચનમાં ઝાઝો વિચાર થયો નથી કે આપણા સ્વાતંત્ર્યોત્તર કથાસાહિત્યની પ્રત્યક્ષ વિવેચના તેમણે ખાસ આપી નથી, એ પ્રકારની અપ્રાપ્તિઓ કે અપેક્ષાઓના પ્રસંગોપાત્ત નિર્દેશો આ અધ્યયનમાં મળે છે, પણ સુરેશ જોષીના આ વિવેચનાત્મક ખ્યાલોની તાત્ત્વિક ભૂમિકાએથી સમીક્ષા કરવાનું કે તેની તર્કકઠોર ચકાસણી કરવાનું તેમને કદાચ આવશ્યક લાગ્યું નથી. અહીં તેમનો મુખ્ય પ્રયત્ન તો સુરેશ જોષીની અલગ અલગ ગ્રંથો અને લેખોમાંની વિચારણાઓનું આકલન અને સંકલન કરવાનો જ રહ્યો છે. પણ આ જાતનો તેમનો પ્રયત્ન પણ ઓછા મહત્ત્વનો નથી. એક વિવેચક અને કળામીમાંસક તરીકે સુરેશ જોષીની ભૂમિકા સમજવામાં આ પ્રકરણ મૂલ્યવાન પ્રદાન કરે છે. આપણા બદલાતા વિવેચનાત્મક સંદર્ભમાં એથી જરૂરી પરિપ્રેક્ષ્ય તેઓ ઊભો કરી શક્યા છે. આપણા વિવેચનને રસકીય અભિગમ બતાવીને, કૃતિના પ્રાણભૂત તત્ત્વલેખે રૂપને પ્રતિષ્ઠિત કરીને અને સાહિત્યેતર વિચારણાઓ પરથી કૃતિસંદર્ભ પર બધું લક્ષ્ય રોકીને, તેમણે આપણા વિવેચનની મૂળભૂત રીતે દિશા જ બદલી નાખી છે. સુરેશ જોષીનો આ વિવેચનપુરુષાર્થ તાત્ત્વિક દૃષ્ટિએ તેમ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણો મહત્ત્વનો રહ્યો છે. ડૉ. સુમને એ વાત અહીં સમર્થ રીતે રજૂ કરી છે. સુરેશ જોષીએ સાહિત્યની કળા વિશે જે બધી ચર્ચાઓ વિકસાવી છે તેને આધુનિક માનવપરિસ્થિતિ, યંત્રસંસ્કૃતિ અને સાંસ્કૃતિક હ્રાસનાં કેટલાંક નિરાશાવાદી વિચારવલણો જોડે આંતરિક સંબંધ રહ્યો છે. આ જાતનાં વિચારવલણો પાછળ અસ્તિત્વ વિશેનો તેમનો અમુક ચોક્કસ દૃષ્ટિકોણ રહ્યો દેખાશે. તાત્ત્વિક ભૂમિકાએથી તેમની આ બધી વિચારણાઓમાં કેટલાક ધરમૂળથી જ ચર્ચાસ્પદ કે ચિંત્ય મુદ્દાઓ પણ મળી આવશે. અને તેમણે આગવી રીતે જે કળાવિચાર વિકસાવ્યો તેમાં પણ તેમની સમસ્ત ભૂમિકા જોડે સંમત થવાનું મુશ્કેલ લાગશે. તેમની મીમાંસામાં કેન્દ્રસ્થાને રહેલો ‘રૂપ’નો વિભાવ ઘણે અમૂર્ત દેખાય છે. ‘રૂપ’ની કોઈ દૃઢનિશ્ચિત તર્કચુસ્ત વ્યાખ્યા ન આપી શકાય, તેનું બહુ બહુ તો ‘વર્ણન’ થઈ શકે એવી કંઈક તેમની ભૂમિકા રહી છે. પણ આપણો આગ્રહ તો આવાં ‘વર્ણનો’માંયે શક્ય તેટલી તાર્કિક સંગતિ માટેનો છે. સુરેશ જોષીએ ‘રૂપ’નાં રજૂ કરેલાં ‘વર્ણનો’ની ભૂમિકા પ્રસંગે પ્રસંગે બદલાતી દેખાશે. ‘રૂપ’ એટલે ‘સ્વયં રસનિષ્પત્તિની પ્રક્રિયા’ એ એક ભૂમિકા; ‘રૂપ’ એટલે ‘કૃતિનાં ઘટકોની અન્વિતિવિશેષ’ એ બીજી ભૂમિકા; ‘રૂપ’ ‘એટલે કૃતિમાં રહેલો કોઈ actualizing principle એ ત્રીજી ભૂમિકા. આ ત્રણ ભૂમિકાની ઉપપત્તિઓ અને ફલિતાર્થો જુદાં છે. અહીં પ્રશ્ન ‘રૂપ’ની વિભાવનાનું શક્ય તેટલું સુગ્રથિત માળખું રચી આપવાનો છે. સુરેશ જોષીએ સર્જનપ્રક્રિયાનાં જે વર્ણનો રજૂ કર્યાં છે તેમાં પણ એકસરખી ભૂમિકા જળવાઈ નથી. કદાચ મોટો પ્રશ્ન તે કળાકૃતિ અને વાસ્તવિકતાના અતિ તરલ સંબંધોની વ્યાખ્યાનો છે. સુરેશ જોષીએ કળામાં વિષયવસ્તુનું ‘તિરોધાન’ કે ‘વિલીનીકરણ’ ઇચ્છ્યું છે. ‘ઉપમેય’ના ‘નિગરણ’નો તેમનો ખ્યાલ પણ આ જ વિચાર રજૂ કરતો દેખાશે. પરિચિત વાસ્તવિકતાનું કળામાં ‘રૂપાંતર’ થાય છે એમ તેઓ કહે છે અને તે ભૂમિકા પણ આ ખ્યાલનું સમર્થન કરતી લાગશે. વળી ‘લાગણી’નો માત્ર ‘બીબાં’ તરીકે જ ઉપયોગ કરવાનો છે એ ખ્યાલ પણ તેમના ઉપરના ખ્યાલોનો વિસ્તાર માત્ર લાગશે. પણ આત્યંતિક કોટિએ આ વિચારો કળાને નક્કર માનવીય પરિસ્થિતિ અને માનવીય અનુભૂતિથી અળગી કરી દે એવું એક ભયસ્થાન એમાં રહેલું છે. ‘લાગણી’ કે ‘અનુભૂતિ’ને રૂપબદ્ધ કરવી એ એક ભૂમિકા થશે, ‘લાગણી’ને માત્ર ‘બીબું’ તરીકે યોજી તેમાં નવું ‘content’ ભરતાં જવું એ બીજી જ ભૂમિકા થશે. કળાનિર્માણમાં આ રીતે એક તબક્કે બાહ્ય જીવનની પરિસ્થિતિ – ભૌતિક વાસ્તવિકતા – અને તેની સાથેના માનવીય મુકાબલાઓમાંથી જન્મતી પ્રતિક્રિયાઓ અને તદ્જન્ય સંવેદનાઓનો relevance લુપ્ત થઈ જાય એવી દહેશત રહે જ છે. આપણે અહીં નકરા વાસ્તવવાદ (realism) કે પ્રકૃતિવાદ(naturalism)ની હિમાયત કરતા નથી, પણ કળાની રૂપનિર્મિતિ છેવટ સુધી સ્પર્શક્ષમ નક્કર વાસ્તવિકતા જોડેનો અનુબંધ જાળવી રાખે એવી અપેક્ષા વ્યક્ત કરવા ચાહીએ છીએ. કેવળ ચૈતસિક પ્રક્રિયામાં અમૂર્ત સ્તરે ગતિ કરતાં કરતાં આવા અનુબંધ તૂટી જાય તો ત્યાં રસની ક્ષમતા પણ લુપ્ત થાય એવું ભયસ્થાન છે જ. ત્રીજા પ્રકરણમાં સુરેશ જોષીએ સર્જનવિવેચનની પોતાની મુખ્ય પ્રવૃત્તિઓની સાથોસાથ સાહિત્યનાં સામયિકોનું કરેલું સંપાદન, સાહિત્યગ્રંથોનું સંપાદન, અનુવાદ આદિ જે વિવિધ પ્રવૃત્તિઓ કરી તેનો પણ ઠીક વિગતે પરિચય આપવામાં આવ્યો છે. સુરેશ જોષીના સમસ્ત સાહિત્યિક પુરુષાર્થને પર્યાપ્ત રૂપમાં સમજવાને આ પૂરક પ્રવૃત્તિઓનો વિચાર ઉપકારક નીવડે છે. એ પ્રકરણના છેવટના ભાગમાં સુરેશ જોષીના સર્વ પુરુષાર્થોનો આપણા સ્વાતંત્ર્યોત્તર સાહિત્ય પર કેવો અને કેટલો પ્રભાવ રહ્યો તેનો અંદાજ કાઢવાનો એક પ્રયત્ન છે. સાહિત્યની કળા જેવી અતિ સૂક્ષ્મ કોટિની ચૈતસિક પ્રવૃત્તિ અમુકતમુક સર્જક કે વિવેચક પર કેવો પ્રભાવ પાડી શકી છે કે તેને કેવી રીતે પ્રેરક બની શકી છે તેનો ચોક્કસપણે નિર્ણય કરવાનું લગભગ અશક્ય છે, અને એ વાતથી ડૉ. સુમન પૂરા સભાન દેખાય છે. એટલે સુરેશ જોષીના સાહિત્યિક પુરુષાર્થનો સમકાલીન કવિઓ, વાર્તાકારે અને વિવેચકો પર પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કેટલો પ્રભાવ હશે તેની ચર્ચા તેમણે ઘણી સાવધાની રાખીને કરી છે, અને તે છતાં એમાંનાં કેટલાંક નિરીક્ષણો ચર્ચાસ્પદ બની શકે એમ છે. સુરેશ જોષીના સમસ્ત સાહિત્યિક પુરુષાર્થોને, તેમની વિશિષ્ટ સાહિત્યિક પ્રતિભાને, યથાર્થ રૂપે ઓળખવામાં આ શોધપ્રબંધ સારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા પૂરી પાડે છે, અને એ રીતે એનું આપણે મન મોટું મૂલ્ય છે. અને વળી, એ પ્રતિભાશાળી સાહિત્યકારના પુરુષાર્થોને ઉકેલવાના તેમના આ પ્રયત્નમાં આપણા અદ્યતનવાદી સાહિત્યની ચોક્કસ ભૂમિકા અવગત કરવાનો લાભ મળી જાય તે તો વળી વધારાનો.
૦ ૦ ૦