સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/કાવ્યનું સ્વરૂપ

From Ekatra Foundation
Revision as of 01:49, 11 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. કાવ્યનું સ્વરૂપ

કાવ્યનાં અનેક લક્ષણો અપાયાં છે એ દૃષ્ટિભેદનું પરિણામ છે; કાવ્યની મૂલવણીમાં ઐકમત્ય અનેકવાર નથી થતું એ રુચિભેદનું પરિણામ છે. સંસ્કારભેદને પરિણામે પ્રામાણિક રુચિભેદ ઊપજે એ સમજી શકાય એવી વાત છે પણ પૂર્વગ્રહ, ગતાનુગતિકતા, કવિની પ્રતિષ્ઠા, રાગદ્વેષ, વાડાબંધી એવાં તત્ત્વોનો કાવ્યની મૂલવણીમાં પ્રવેશ થાય તો તે અનિષ્ટ છે. કાવ્યના સ્વરૂપનું અને તત્ત્વનું પાક્ષિક એટલે કે આંશિક દર્શન લક્ષણની વિવિધતા માટે જવાબદાર છે. એવા આંશિક દર્શનથી બંધાતી વ્યાખ્યા અપૂર્ણ અને અપર્યાપ્ત બને છે. લક્ષણ અપર્યાપ્ત હોય, રમણીયતાના કારણ તરીકે કાવ્યના અમુક તત્ત્વને પ્રાધાન્ય આપતું હોય, છતાં એ આંશિક સ્વરૂપદર્શન દ્વારા પણ કાવ્યનું મૂલ્યાંકન ખરું બન્યું હોય, એ અસંભાવ્ય નથી. કારણ કે સાચા સહૃદય મીમાંસકની કાવ્યજ્ઞતા, એની હૃદયસૂઝ, કાવ્યની ખરી મૂલવણી માટે પર્યાપ્ત નીવડી હોય તો પણ અમુક કાવ્ય શા માટે ગમ્યું, એ કાવ્યમાં કાવ્યત્વ કયા તત્ત્વમાં રહેલું છે, એવું પૃથક્કરણ અપર્યાપ્ત હોય તો કાવ્યનું ગુણગ્રહણ અચૂક હોવા છતાં પણ એનું લક્ષણ અપર્યાપ્ત ઘડાય છે. રમણીયતાસાધક તત્ત્વો અનેક હોય છે. કોઈક કાવ્ય એની પદ્યરચનાની મનોહરતાને લીધે રમણીય લાગે; બીજું કાવ્ય એના લલિત લયવાહી પદ્યબંધને કારણે ગમી જાય; અન્ય કાવ્યમાં વળી અલંકારરૂપે પ્રકટ થતી કલ્પના આકર્ષક બને; કોઈ કાવ્યનો અન્તર્ગત-ભાવ વાચકના હૃદયતંત્રમાં સમભાવભર્યો ઝણઝણાટ જન્માવે; કોઈ કાવ્ય એના વાચ્યાર્થમાં નિગૂઢ રહેલા વ્યંગ્યાર્થને લીધે રમણીય બને. રીતિસંપ્રદાયે શબ્દરચનાની વિલક્ષણતાને મહત્ત્વ આપ્યું હતું. વક્રોક્તિ સંપ્રદાયે અર્થની અભિવ્યક્તિમાં રહેલા વૈચિત્ર્યને અને એ વૈચિત્ર્ય સાધવામાં સમર્થ બનતી વાણીની વક્રતાને પ્રધાન્ય આપ્યું હતું આ વક્રોક્તિ જેના મૂળમાં છે એવા અર્થાલંકારોને કાવ્યનું રમણીયતાસાધક પ્રધાનતત્ત્વ માનનારાઓ અર્થગત કલ્પનાને મહત્ત્વ આપીને કાવ્યના આન્તરતત્ત્વની નિકટ પહોંચ્યા હતા. કાવ્યનું સૂક્ષ્મતર આન્તરતત્ત્વ, હૃદયને સ્પર્શતું હશે છતાં, આ અલંકારસંપ્રદાયે કરેલ લક્ષણમાંથી કાવ્યસ્વરૂપ છટકી ગયું હતું. એ સૂક્ષ્મતર તત્ત્વ છે કાવ્યગત ભાવમયતા અને વાચકમાં પણ એ ભાવનો પ્રતિઘોષ ઉપજાવવાનું કાવ્યનું સામર્થ્ય. કાવ્યમાં વ્યક્ત થતો ભાવ વાચકના હૃદયમાં પણ પ્રતિફલિત થાય, એ ભાવની વાચકને યથાર્થ અનુભૂતિ થાય, ત્યારે જે આનંદ અનુભવાય છે એમાં જ કાવ્યની સાચી રમણીયતા છે એવું સમજાયું અને ભાવાનુભૂતિથી નિષ્પન્ન થતા અને ભાવથી પણ પર એવા આનંદ રૂપે અનુભવાતા આ તત્ત્વને ‘રસ’ એવું નામ અપાયું અને અન્ય તત્ત્વોને મુકાબલે આ રસતત્ત્વની સૂક્ષ્મતરતાનો સ્વીકાર થયો. રસની આ આનંદમય અનુભૂતિને ગૌરવ અપાયું એ તો યોગ્ય હતું. પણ એ સંપ્રદાયમાં કાવ્યના નિર્માણની પ્રક્રિયા કરતાં એના રસના અનુભવતે વિશેષ મહત્ત્વ અપાયું. એ ભાવની અભિવ્યક્તિ અથવા વ્યંજના સાધવા માટે અને એ ભાવનું વાચકના હૃદયમાં સંક્રમણ કરવા અર્થે ઉચિત ભાષા, પદ્યરચના વગેરે જે સામગ્રીનો કવિ ઉપયોગ કરે છે એના ઉપરથી ખસીને દૃષ્ટિ વાચકની અનુભૂતિ ઉપર ઠરી. કવિપ્રતિભા, કવિની ભાવાનુભૂતિ, વાણીપ્રભુતા, પદ્યનિર્માણચાતુરી, અર્થસમૃદ્ધિ વગેરે કાવ્યનાં સ્વરૂપ-સાધક, અને અનુભૂતિનું સમર્પણ કરવામાં સફલ બનતાં તત્ત્વોના કરતાં—અર્થાત્‌ કાવ્યનિર્માણની પ્રક્રિયાના કરતાં—ભાવકને એમાંથી કેવી અનુભૂતિ થાય છે, એ અનુભૂતિ શી રીતે થાય છે એ—અર્થાત્‌ ભાવકની અનુભૂતિની પ્રક્રિયા—આ રસસંપ્રદાયમાં વધારે મહત્ત્વનો વિષય બની. ધ્વનિસંપ્રદાયે કાવ્યના શબ્દથી અને વાચ્યાર્થથી ઘણું વધારે મહત્ત્વ આપ્યું. એમાં રહેલા અને એમાંથી વ્યક્ત થતા વ્યંગ્યાર્થને;—પદાવલિની મનોહર રચનાને ધ્વનિરૂપ મુખ્ય કાવ્યપ્રયોજનનું એક સાધન જ માનવામાં આવી; વાચ્યાર્થરૂપે રજૂ થતા વર્ણનને વ્યંગ્યાર્થથી નિકૃષ્ટ સ્થાન આપવામાં આવ્યું; અલંકારને ધ્વનિનો—વ્યંગ્યાર્થનો વ્યંજક, એનો પરિચારક ગણવામાં આવ્યો અથવા વ્યંગ્યાર્થનો એક ઉપપ્રકાર માનવામાં આવ્યો; રસાનુભૂતિમાં વ્યંજનાવ્યાપારની પ્રવૃત્તિ પારખવામાં અને સ્વીકારવામાં આવી; અને ભાવની અને રસની વ્યંજનાની અર્થાત્‌ ધ્વનિની કાવ્યના ઉત્તમતાસાધક તત્ત્વ તરીકે ઉચ્ચતમ પદવીએ પ્રતિષ્ઠા કરવામાં આવી. જેમ અન્યોન્યથી સ્પર્ધા કરતા અનેક રાજાઓને પોતાના વશમાં આણીને કોઈ ચક્રવર્તી પોતાનું સામ્રાજ્ય જમાવે એમ આ ધ્વનિસિદ્ધાંતે પદ્યરચનાને, વર્ણનાત્મક સ્વાભાવોક્તિને, વિચિત્રતાસાધક વક્રોક્તિને અને એમાંથી નિષ્પન્ન થતા કલ્પનાત્મક અલંકારોને અને હૃદયઆવર્જક ભાવાનુભૂતિને પોતાનાં વશવર્તી બનાવ્યાં, પોતાના સેવકને સ્થાને મૂક્યાં, અને પોતે પોતાનું સર્વોપરિ આધિપત્ય જમાવ્યું. ચક્રવર્તી રાજાધિરાજ હોય તો પણ અન્ય રાજાઓ પોતપોતાના નાના પ્રદેશ પૂરતા રાજપદના અધિકારી રહે; તે પ્રમાણે આ ધ્વનિનું સર્વોપરિ આધિપત્ય સ્વીકારાયા છતાં લલિત મનોહર પદાવલિને, લયમધુર પદ્યરચનાને નિપુણતાભર્યા વસ્તુવર્ણનને, કલ્પનામય અલંકારને અને આનંદમય રસાનુભૂતિને પણ પોતપોતાના વિષયમાં કાવ્યકોટિમાં ગણાવાનો અધિકાર મળ્યો. પણ આ બધાં તત્ત્વો ધ્વનિનામક રાજાના સેવકને, પરિચારકને, ઉપકારકને સ્થાને રહ્યાં. ધ્વનિ અંગી બન્યો; આ તત્ત્વો એ અંગીની સેવા કરનારાં, શોભા વધારનારાં અંગો થઈ રહ્યાં. હું આ લખું છું તેવામાં રેડિયોમાં ગવાતા ગીતના મધુર સ્વરો કાનમાં પ્રવિષ્ટ થયા. એ સ્વરોની મધુરતાએ શ્રવણનું અને મનનું રંજન કર્યું પણ હૃદયનું અને બુદ્ધિનું તર્પણ એ ગીત-કાવ્યગત અર્થથી જ થઈ શક્યું. ગીતના શબ્દોમાં એ અર્થસમર્પણનું સામર્થ્ય હતું; એ શબ્દો દ્વારા વ્યક્ત થતા અર્થમાં હૃદયને સ્પર્શનારું અને હૃદયને તથા બુદ્ધિને તૃપ્ત કરનારું તત્ત્વ હતું. ગીતગાયનમાં સ્વરાવલિનો આશ્રય લેવાયો તે ન લેવાયો હોત તો પણ શબ્દાર્થયુગલની હૃદયબુદ્ધિને તૃપ્ત કરવાની શક્તિ અન્યૂન રહેત. સ્વરાવલિ એમાં સહાયક બની હોય તો પણ એનું સ્થાન ગૌણ હતું. તૃપ્ત કરવાના સામર્થ્યનો નિવાસ શબ્દમાં અને અર્થમાં હતો. પ્રધાન તત્ત્વ હતું અર્થ; શબ્દ એ અર્થની અભિવ્યક્તિનું આવશ્યક અને અનિવાર્ય સાધન હતો. અનેકવાર એવું બને છે, કે શબ્દમાં અને અર્થમાં હૃદયને તથા બુદ્ધિને તૃપ્ત કરવાનું સામર્થ્ય ન હોય તો પણ શ્રવણને મધુર લાગતી સ્વરાવલિ મનોરંજન કરનારી બની જાય છે. એ કારણે અનેક ગીતે અર્થદૃષ્ટિએ અધિકૃત નહિ એવી પ્રતિષ્ઠા મેળવી જાય છે. પણ એ પ્રતિષ્ઠા કાયમની બનતી નથી. શબ્દાર્થની રમણીયતા ન હોય તો કેવળ સ્વરમાધુર્યથી મેળવેલી પ્રતિષ્ઠા ટકી શકતી નથી. ભાવાનુભૂતિના વ્યાપારમાં સ્વરમાધુર્ય પણ પોતાની સેવા સમર્પે છે, પણ સ્વરમાધુર્ય કાવ્યનું અનિવાર્ય તત્ત્વ નથી. કાવ્યમાં અર્થનું જે સ્થાન છે, એ અર્થના સાધન તરીકે શબ્દનું જે સ્થાન છે, તેવું સ્થાન સ્વરાવલિનું નથી. રેડિયોમાં બીજી ચીજ આવી : “વૈષ્ણવજન તો તેને રે કહીએ,” પરાઈ પીડ હરનારા, પરધનને લોષ્ટવત્‌ અને પરસ્ત્રીને માતૃવત્‌ ગણનારા, રાગદ્વેષ રહિત, સમદૃષ્ટિ, એકોતેર કુળના તારક એવા ‘વૈષ્ણવજન’નું, ઉત્તમ કોટિના મહાપુરુષનું ગુણગાન કોને ના ગમે? પણ જે ગમે છે તે એ ગુણગાન છે; એવા ગુણોથી યુક્ત મહાત્મા પ્રત્યે આપણને પૂજ્યભાવ છે એ એ ગીતને મનગમતું બનાવવામાં મોટો ભાગ ભજવે છે. કેવળ વાચ્યાર્થ, આપણા પક્ષપાતને કારણે, આપણને રુચિકર નીવડે છે. એમાં મનોહર પદાવલિનું કે વક્રોક્તિનું કે અલંકારસાધક કલ્પનાનું, કે હૃદયાવર્જક ભાવનું, કે એ બધા સેવકગણની સેવા સ્વીકારીને કાવ્યનું આત્મભૂત તત્ત્વ બનતી વ્યંજનાનું પ્રાધાન્ય નથી. આપણને આવો વૈષ્ણવજન ગમે છે, તેથી આ પદ પણ ગમે છે. કેવળ ગદ્યમાં એ વર્ણન થયું હોત તો પણ ગમત ખરું; પણ પદ્યરૂપે રજૂ થતું વર્ણન આપણને સત્વર અભિમુખ બનાવી શકે છે. પણ એ પદ્યનું, એ સ્વરાવલિનું, કર્તવ્ય ત્યાં સમાપ્ત થાય છે. દાસીની માફક દોરીને કમનીયતત્ત્વ તરફ લઈ જવામાં એનું કર્તવ્ય પૂર્ણ થાય છે. જે કમનીયતા છે તે કમનીયતત્ત્વમાં છે, આ દાસીમાં નથી. લયમધુર પદ્યરચના અને કર્ણમંજુલ સ્વરાવલિ માત્ર દૂતી છે. રસાસ્વાદના, આનંદાનુભૂતિના, હૃદયબુદ્ધિના તર્પણના અન્તર્ગૃહમાં એનો પ્રવેશ નથી. જેને રામનામ શું તાળી લાગી છે એને મોહમાયા વ્યાપતાં નથી; જેને કાવ્યના આત્માનો સાક્ષાત્કાર થયો છે એ સહૃદયભાવક પદ્યરચનાની અને સ્વરમાધુર્યની મોહમાયામાં લપટાઈ જતો નથી. કાવ્યના આત્માના સાક્ષાત્કાર માટે સંસ્કારી સહૃદયતા આવશ્યક છે. સંસ્કાર ન્યૂન હોય તા ન્યૂન કક્ષાની કૃતિમાં પણ કાવ્યત્વનો ભ્રમ ઊપજે. કાંઈક—પૂ. ગાંધીજીના કથન પ્રમાણે કોશિયો પણ સમજે તેવી પણ ગાંધીજીને સરળ વાણી સાથે અભિપ્રેત હશે તેવી કવિત્વપ્રભા વિનાની—સહેલી શૈલી ગમી હોય, કાંઈક પોતાને મનગમતો એવો વિચાર કે ભાવ–પણ બુદ્ધિને તર્પે કે હૃદયને હલાવે એવી સંપત્તિ કે વ્યંજના વિનાનો—ઉત્તાન રીતે રજૂ થઈ ને સદ્યોગ્રાહ્ય બન્યો હોય; કાંઈક પોતાના ગળામાં રમી રહેલો પરિચિત રાગ ગાવા મળ્યો હોય; આવી આવી આપાતરમણીય પણ કાવ્યની સ્વરૂપસાધક ચમત્કૃતિ વિનાની સામગ્રી સાંપડી હોય, એટલે એવી કૃતિ વાંચીને ડોલનારા ઘણા છે. દાખલા તરીકે આ કાવ્ય જુઓ :

“ભલા જાણી અમે ભાઈ,
તમારે આંગણે આવ્યા;
ખબર પૂછો જરા તેમાં,
તમારું શું જવાનું છે?
અમે પણ આપની પેઠે,
રહ્યાથી આ દશા પામ્યા;
વિચારી લ્યો જરા તેમાં,
તમારું શું જવાનું છે?
પ્રભુવિણ આપવા લેવા,
ન જોઈ શક્તિ કોઈની;
નિમિત્ત બનશો જરા તેમાં,
તમારું શું જવાનું છે?”

વાણીની સુગમતા; શબ્દોની સરળતા એની એની ઉચિત ગોઠવણીથી નિષ્પન્ન થતો સરલવાહી લય; કાવ્યમાં કેટલાકને જરૂરી લાગતી, “ભલા-ભાઈ,” “આંગણે આવ્યા” એમાં છે તેવી, આછી વર્ણ સગાઈ; કડી કડીને અંતે આવતી “તમારું શું જવાનું છે” એ ઉક્તિ અને એના પુનરાવર્તનથી થતું દૃઢીકરણ; રચનાની ગેયક્ષમતા; અને અર્થમાં રહેલો, ભલે આછો અને ઉપરચોટિયો, જીવનના એક નાના પ્રદેશનો પરામર્શ; આ તત્ત્વોને ગુણપક્ષે મૂકીને આ કાવ્ય સાંભળીને માથું ડોલાવનારા ઘણા હોય છે. આ પ્રકારની રચના લોકપ્રિય બની જાય છે—અમુક વર્ગના કંઠમાં રમતી બની જાય છે—એ આપણે જાણીએ છીએ. ‘કેશવકૃતિ’માંના અને ‘મણિકાન્ત કાવ્યમાલા’માંનાં કાવ્યો આ પ્રકારનાં છે, જો કે આ કાવ્ય એ બેમાંથી એકમાંનું નથી; આ તો એક અન્ય ‘રાજકવિ’ તરીકે એળખાતા કે પોતાને ઓળખાવતા કવિની કૃતિ છે. આટલાં લોકપ્રિયતાસાધક તત્ત્વો હોવા છતાં આ કાવ્યમાં અર્થની કે અલંકારનો ચમત્કૃતિ નથી, ચર્વણક્ષમ અર્થઘનતા નથી, હૃદયને સ્પર્શી જતો ભાવ નથી, છુપાઈને હેરતો અને હેરીને લલચાવતો વ્યંગ્યાર્થ નથી. આ કાવ્યની પડખે દયારામનું “શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું” એ કાવ્ય મૂકો. તરત કહેશો કે આગલી રચનાથી દયારામની આ રચના ચડિયાતી છે, અને એ સાચું છે. જો કે એક દૃષ્ટિએ જોતાં, આગલી રચનામાં દયારામના આ કાવ્યથી એક ગુણ વધારે છે. આગલા કાવ્યમાં જે જીવનપરામર્શ છે તે વ્યાપક છે, સાર્વજનીન છે; જ્યારે દયારામના કાવ્યમાં જે પ્રસંગ છે તે કાળા કૃષ્ણથી છેતરાયેલી ગોપીના જ અનુભવને લગતો છે; છતાં બેમાં દયારામનું કાવ્ય આપણને વધારે ગમે છે. એનાં કારણો છે, દયારામના કાવ્યની કડીઓમાં માત્ર અનેક કાળા પદાર્થોનો ઉલ્લેખ છે અને એને ત્યજવાની ગોપીની પ્રતિજ્ઞા છે, છતાં એ બધા ઉલ્લેખોને સાંધનારો એક તંતુ છે તે આ કાવ્યને સમગ્રતા અને એકતા અર્પે છે. એ તન્તુ છે ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો મૃષાકોપ, વ્યાજકોપ. કાળા કૃષ્ણે છેતરેલી ગોપી જેટલી કાળી વસ્તુ તે બધીમાં કૃષ્ણના જેવું કપટ હશે એમ કહીને એ વસ્તુઓને વર્જવાનો નિશ્ચય કરે છે. પણ આ કોપ કૃષ્ણને વશ કરવામાં નિષ્ફળ બનવાને કારણે ઊપજેલો છે—ખરો કોપ નથી. ગોપીની ખરી લાગણી તો પ્રેમની છે. એ પ્રેમ ગોપીની કાયમની વૃત્તિ છે, આ કોપ ક્ષણભરનો છદ્મકોપ છે—કાવ્ય શાસ્ત્રમાં विवोक्क નામે ઓળખાતો, ઇષ્ટ વસ્તુમાં પણ અનાદર દાખવતો, ભાવ છે. ગોપી જાણે છે કે નથી એનો આ કોપનો દેખાવ ટકવાનો, નથી એની પ્રતિજ્ઞા નભવાની : “દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, પણ મન કહે જે પલક ન નિભાવું”; કાવ્યમાં રહેલો આ ભાવ કાવ્યની બધી કડીઓને સાંધનારો તંતુ બને છે. આવું એકાદ તત્ત્વ કાવ્યને રમણીયતા અર્પે છે એનો એક દાખલો નરસિંહના કાવ્યમાંથી લઉં છું :

“જાગીને જોઉં તો જગત દીસે નહીં,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે,
બહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.”

આ પદનાં પહેલાં ત્રણ ચરણોમાં, જેને કહેવું હોય તો નીરસ કહી શકાય તેવું, તત્ત્વજ્ઞાનનું ટૂંપણું છે. પ્રથમ બે પંક્તિમાં જ્ઞાનની શુષ્કતાની પ્રતીતિ થવાને બદલે કાંઈક અન્ય ભાવની અનુભૂતિ થાય એવી શક્યતા છે, પણ “ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે” એ ત્રીજું ચરણ એ શક્યતાને ટાળનારું બને છે જાગીને જોઉં, જગત; ઊંઘમાં, અટપટા; ભોગ, ભાસે; એ શબ્દો વર્ણસગાઈને કારણે કાનને ગમે છે; પણ એ તો સહેલાઈથી સાધી શકાયેલું બાહ્યતત્ત્વ છે. કાવ્યનું સાચું તત્ત્વ ચોથા ચરણમાં પ્રકટ થાય છે; “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” એમાંના લટકાં કરે એ શબ્દો અમૂર્તને મૂર્ત કરે છે, જે જડ છે તેમાં રસિકતા આણે છે, અને પદને પણ લટકાળું બનાવે છે. આ શબ્દોથી પ્રકટ થતું લટકાળું ચિત્ર વાચકને ચમત્કૃતિનો અનુભવ કરાવે છે—અને એ ચમત્કૃતિનો રમણીય અનુભવ સમગ્ર કાવ્યને, એની અન્ય શબ્દાર્થસામગ્રીમાં નથી એવી, રમણીયતા અર્પે છે. બ્રહ્મનાં આ લટકાંમાં વાચકની બુદ્ધિને આહ્‌વાન છે, પણ વાચ્યાર્થ એવો વિશદ છે, એથી પ્રકટ થતું ચિત્ર એવું મનોહર છે, કે જેનું હૃદય તૃપ્ત થયું છે એવો વાચક બુદ્ધિ-સમક્ષ રહેલો જ્ઞાનનો કોયડો ઉકેલવામાં પણ આનંદ માને છે. નહિ તો “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” એ શબ્દોનું તાત્પર્ય સમજવું ઘણું અઘરું છે. નરસિંહના આ પદમાં પ્રતિભાનો એક ઝબકાર અન્યથા જ્ઞાનગહન કાવ્યને રમણીયતાનું તત્ત્વ અર્પે છે. ન્હાનાલાલની આ પંક્તિઓમાં પણ એવી ઘટના જણાશે :

“અંધારી રજનીમાં ઊઘડે ઉરનાં બારણાં રે લોલ,
ઝૂલે રસપારણાં રે લોલ.”

“ઉરનાં બારણાં ઊઘડે” એ વચનમાં અલંકૃતિતત્ત્વ છે એ રમણીયતા સાથે અધિકતર અર્થવત્તા સાધે છે એ તો છે જ; પણ ઉરનાં બારણાંના ઊઘડવા પછી એ ઉરના ભીતરમાં શું છે, શું પ્રકટ થાય છે, એ સૂચવનારું “ઝૂલે રસપારણાં રે લોલ” એ વચન કાવ્યને નિશ્ચિતરૂપે ભાવવ્યંજનાની કોટિમાં મૂકી દે છે. એ વચન ન હોય તો આ દ્વારઉદ્‌ઘાટનને ગીતાના “या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी” એ તત્ત્વજ્ઞાનવચનની પંક્તિમાં બેસતું કોઈ અટકાવી શકે નહિ. પણ “ઝૂલે રસપારણાં” એ વચન સૂચવે છે, કે બાહ્યદૃષ્ટિનું આવરણ કરનારો રાત્રિનો અંધકાર જે આંતરદૃષ્ટિને ખોલે છે એ છે કોમળ ભાવની દૃષ્ટિ; ઉરનાં દ્વાર ઊઘડતાં અંતર્નિગૂઢ ભાવ પ્રકટ થઈને વહેવા લાગે છે અને રસિકતા હિંડોળે ઝૂલવા લાગે છે. ન્હાનાલાલના “ચંદ્રીએ અમૃત મોકલ્યાં રે લોલ” એ “ફૂલડાં કટોરી” કાવ્યમાંની પ્રત્યેક પંક્તિ અને પંક્તિમાંનો પ્રત્યેક શબ્દ પ્રકટ વાચ્યાર્થમાં નિગૂઢ રહેલા વ્યંગ્યાર્થનો વ્યંજક બને છે એ તો સદ્‌ગત નરસિંહરાવે પોતાના એ કાવ્યના વિસ્તીર્ણ વિવેચનમાં બતાવ્યું છે. આજે બહુ પ્રચલિત થયેલો ‘પ્રતીક’ શબ્દ ઉપયોગમાં લઈને કહું તો એ કાવ્યના શબ્દનો વાચ્યાર્થ વ્યંગ્યાર્થની પ્રતીકપરંપરા રજૂ કરે છે. ચંદ્રી, અમૃત, અંજલિ, ફૂલડાંકટોરી એ પ્રત્યેક શબ્દનો વાચ્યાર્થ વ્યંગ્યાર્થનું પ્રતીક બનીને આવે છે. ચંદ્રી એટલે ચંદ્રિકા જ નહિ પણ ઈશ્વરની પ્રસાદી; અમૃત એટલે ચંદ્રકિરણમાં રહેલી સુધા નહિ પણ પ્રભુપ્રસાદમાં રહેલી સંજીવની; અંજલિ એટલે માત્ર માણસના હાથનો ખોબો નહિ પણ સંસારી માનવને લભ્ય પાર્થિવ સાધન; ફૂલડાંકટોરી એટલે માત્ર પુષ્પગૂંથ્યું પાત્ર નહિ પણ પ્રકૃતિએ અર્પેલું નૈસર્ગિક સૌંદર્યવાળું પાત્ર. કવિના વક્તવ્યમાં રહેલું આ વ્યંજનારહસ્ય પ્રકટ થવામાં ‘જગમાલણી’ એ રૂપક સહાયક બને છે. કવિત્વહીન એક પદ્ય (“તમારું શું જવાનું છે.”) આપણે જોયું એ વિષે કાંઈ વિવેચનનો અવકાશ જ નથી. એમાં વિવેચનક્ષમ કાવ્યતત્ત્વનો ગંધ પણ નથી. તે પછી આપણે લીધું દયારામનું “શ્યામ રંગ સમીપે ન જાવું” એ પદ, એમાં કાળા કૃષ્ણના કપટીપણાનું, અને એથી થતા અનાદરનું, સર્વ કાળા પદાર્થોમાં આરોપણ છે. એ અનાદર તે ઇષ્ટ વસ્તુમાં પણ અનાદર દાખવતો विवोक्क નામનો ભાવ છે એ આપણે જોયું—પણ આ સ્થળે આપણું પ્રયોજન એથી નથી. કાળા કૃષ્ણના કપટનું અને એ વિવ્વોકરૂપ અનાદરનું અન્ય કાળા પદાર્થો ઉપર આરોપણ છે તેથી આપણું પ્રયોજન છે. કાળા કૃષ્ણ અને કાળા પદાર્થો કાળાશરૂપી સમાનધર્મથી સંકળાયેલા છે; કાળા કૃષ્ણનો જે અનુભવ થયો તે પૂર્વે અનુભવેલા કાળા પદાર્થોના સંસ્કારને તાજા કરે છે અને એમાં કૃષ્ણના જેવો કપટભાવ અગાઉ અનુભવ્યો નહોતો તે છતાં, એ પ્રત્યે પૂર્વે અનુભવેલી નહિ એવી, શંકાશીલતાની દૃષ્ટિ ઉત્પન્ન કરે છે. અહીં પ્રસ્તુત પ્રત્યક્ષ અનુભવનો વિષયભૂત કાળો કૃષ્ણ છે. એ વર્તમાન અનુભવ વર્ણસામ્યયોગે અન્ય કાળા પદાર્થોના પૂર્વાનુભવ-સંસ્કારને જાગ્રત કરે છે; અને વર્તમાન અને પૂર્વભૂત બંને અનુભવો એક જ પ્રકારની શંકાશીલતાથી સંકળાય છે. અહીં પૂર્વાનુભવ અને વર્તમાન અનુભવ, રેલવેના પાટાની માફક, સમાન્તરે રહે છે; અન્યોન્યથી સંયોજન પામતા નથી. નરસિંહની “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” અને ન્હાનાલાલની “ઊઘડે ઉરનાં બારણા” એ ઉક્તિમાં તત્કાલીન અનુભૂતિનું પૂર્વકાલીન અનુભૂતિના જાગ્રત થતા સંસ્કારો જોડે નિકટતર, ગાઢતર સંયોજન છે. ના, સંયોજન નથી, પણ એકને ખસેડીને બીજું બેસી જાય છે. લટકાં કરવાનો પૂર્વદૃષ્ટ કોઈ લટકાળી નારીનો કે લટકાળા બાળકનો ધર્મ પ્રસ્તુત પ્રસંગે બ્રહ્મમાં આરોપિત થયો છે; અને મકાનનાં દ્વાર ઊઘડવાના ધર્મનું ઉરમાં આરોપણ થયું છે. મેં આરોપણ શબ્દનો પ્રયોગ કર્યો તેથી અહીં રૂપક છે એવો મારો અભિપ્રાય સમજવાનો નથી. અતીત અને વર્તમાન માનસચિત્રોની સમાનાન્તર સ્થિતિ, એનું એથી નિકટતર સાહચર્ય, એ નિકટતર આવતાં થતું સંયોજન, અને એથી પણ આગળ વધતાં થતું પ્રત્યક્ષ દર્શનનું પૂર્વસંસ્કારમાં નિગરણ; આ સરણીમાં રૂપકનો ક્રમ સંયોજનક્રમ છે જ્યારે નરસિંહનાં અને ન્હાનાલાલનાં આ વચનોમાં તો વર્ણ્યમાન વસ્તુ પોતાનો ધર્મ તજીને પૂર્વાનુભૂત વસ્તુના ધર્મને સ્વીકારે છે. અત્યારના માનસચિત્રનું પૂર્વમાનસચિત્રમાં નિગરણ છે. અલંકારમાં પૂર્વમાનસચિત્ર અદ્યતન માનસચરિત્રની નજીક આવીને અથવા એથી સંયોજન સાધીને અથવા એનું નિગરણ કરીને, વાચ્યાર્થમાં ચમત્કાર અને અર્થસમૃદ્ધિ આણે છે. આવાં કાવ્યોમાં વાચ્યાર્થ મુખ્ય રહે છે, ચિત્રદ્વયનું નિકટત્વ, સંયોજન, એકીભવન અલંકારરૂપ બનીને વાચ્યાર્થને શોભાવે છે, સમૃદ્ધતર બનાવે છે. ધ્વનિકાવ્યમાં તે વાચ્યાર્થ ગૌણ અને અપ્રસ્તુત બની જાય છે. વ્યંગ્યાર્થ જ મુખ્ય બને છે. કવિ જે વ્યંગ્યાર્થ વ્યક્ત કરવા ઇચ્છે છે, એની અભિવ્યક્તિ માટે જ એ શબ્દોના વાચ્યાર્થનો ઉપયોગ કરે છે. અહીં એકાદ ચિત્રનું નહિ, સમગ્ર ચિત્રપરંપરાનું અન્ય અભિપ્રેત અર્થમાં નિગરણ થઈ જાય છે. ન્હાનાલાલનું ‘ફૂલડાંકટોરી’ કાવ્ય, અને ટાગોરનાં રહસ્યમય કાવ્યો, આનાં ઉદાહરણ તરીકે આપી શકાય. કાવ્યની વ્યંજનાનો ખરો વિષય છે ભાવ. કાવ્યપરિશીલનમાં બુદ્ધિનું તર્પણ ભાવાનુભૂતિનું સાધન માત્ર છે. કાવ્યનો અંતિમ ઉદ્દેશ આનંદ છે, pleasure છે, એ વિશે મતભેદ નથી. એ આનંદ ભાવમય છે, અથવા ચોક્કસાઈથી કહીએ તો કાવ્યગત ભાવના ગ્રહણમાંથી વાચક પણ ભાવમય બને અને એની ભાવમયતામાંથી નિષ્પન્ન થતો, ભાવના પ્રકારવિશેષનું પણ જેમાં સવિકલ્પક ભાન ન રહે એવો રસ-રૂપ નિર્વિકલ્પ આનંદ છે. કાવ્યના સ્વરૂપની વિચારણામાં, આ આનંદ, કાવ્યનો આ આસ્વાદ, ‘વાચકનિષ્ઠ’ છે એ ભૂલવું ન જોઈએ. આવો આસ્વાદ વાચકને અર્પવા માટે કવિ કઈ સામગ્રીનો ઉપયોગ કરે છે. એ જોવું તે કાવ્યસ્વરૂપના વિચારની સાચી દિશા છે. કવિની આ સામગ્રીમાં પદ્યસ્વરૂપનું, પદલાલિત્યનું, શબ્દની ચમત્કૃતિનું, કલ્પનાનું અને અર્થચમત્કૃતિનું, બુદ્ધિતર્પક વિચારસંભારનું અને ભાવવાહિતાનું ઉત્તરોત્તર અધિકતર મહત્ત્વનું સ્થાન છે. બાણના ગદ્યમાં અને ક્યાંક ક્યાંક ગોવર્ધનરામના ગદ્યમાં સાધારણતઃ પદ્યરૂપ કાવ્યમાં સાંપડતું હોય એવું કાવ્યતત્ત્વ સાંપડે છે. ત્યાં પદ્યસ્વરૂપ નથી, છતાં કાવ્યતત્ત્વ છે. આપણે જોયેલી પહેલી પદ્યકૃતિમાં (“તમારું શું જવાનું છે” એ કૃતિમાં) પદ્યનું સ્વરૂપ છે, પણ કાવ્યનું તત્ત્વ નથી. છતાં પદ્યસ્વરૂપ કાવ્યાનંદનો અનુભવ અર્પવામાં સહાયક બની શકે છે અને બને છે, પણ કાવ્યનંદની ભાવરૂપ સામગ્રી હોય તો. શબ્દની શ્રવણરંજક ચમત્કૃતિનો દાખલો છે દયારામનું “ચાલ વ્હેલી અલબેલી પ્યારી રાધે” એ પદ. પણ કેવળ શબ્દચમત્કૃતિથી સંતુષ્ટ થતી એવી કૃતિ ખરા કાવ્યતત્ત્વથી વંચિત રહે તો એ શબ્દચમત્કૃતિ કાવ્યધર્મની સાધનામાં અકિંચિત્કર બને છે. અર્થાલંકાર સ્વયમેવ ચમત્કારજનક બને છે અને કાવ્યાનંદનો આભાસ ઉપજાવે છે; પણ અલંકારથી અનુભવાતો ચમત્કાર એ પણ ખરા અંતિમ કાવ્યાનંદનું એક ઉપકરણ માત્ર છે. બુદ્ધિનિષ્ઠ અને બુદ્ધિગમ્ય ચિંતન અથવા વિચાર બુદ્ધિનું તર્પણ કરી શકે; કાવ્યનો હૃદયતર્પણ કરવાનો અને આનંદાનુભૂતિ કરાવવાનો જે ધર્મ છે તે એ વિચારતત્ત્વથી સ્વતઃ સાધી શકાતો નથી. એ આનંદ રસરૂપ છે, રસ ભાવજન્ય છે, અને કાવ્યગત ભાવનું વાચકહૃદયમાં અવિઘ્ન સંક્રમણ થાય ત્યારે જ અનુભવાય છે. વિચારતત્ત્વ એ આનંદનું એક અવાન્તર સાધન બને પણ સ્વયંમેવ, ભાવભાવનાના અભાવમાં, આનંદમાં ન પરિણમે. ઉપર આપેલી કાવ્યસ્વરૂપનાં તત્ત્વોની ક્રમિક સરણિમાં મેં વિચારને અન્ય પૂર્વગામી તત્ત્વોથી ઉચ્ચતર સ્થાન આપ્યું છે. દ્વિજોત્તમ જાતિને ઉચ્ચતમ સ્થાને વિચારપ્રધાન કવિતાને બેસાડવાના પ્રયત્નની આ મર્યાદા છે, કે વિચાર પોતે ઉચ્ચ છતાં ભાવને મુકાબલે ગૌણ સ્થાને રહીને ભાવનો પરિચારક અને ઉપકારક ન થાય, ભાવને સ્થાનભ્રષ્ટ કરીને પોતે એ સ્થાન છીનવી લે, તો એવી વિચારપ્રધાન કવિતા ઉત્તમ કવિતા થઈ શકતી નથી. વિચારપ્રધાન કવિતાના રાહબરે બતાવેલા રાહે થોડા જ કવિઓ વળ્યા છે. કેવળ લાગણીવેડાને કોઈ કાવ્યમર્મજ્ઞાતાએ કદી અતિઉચ્ચ પદવી આપી નથી. ઉત્તમ કોટિના કાવ્યના અભાવમાં ઊતરતી કોટિના કાવ્યથી ચલાવી લેવાય, દિલ બહેલાવી લેવાય, એવું જે મળ્યું તેથી નભાવી લેવાની વૃત્તિનો લાભ પોચટ લાગણીવાળાં કાવ્યોને મળ્યો હશે, તો તેવો જ લાભ વિચારપ્રધાન કાવ્યોને પણ મળ્યો છે. અર્થાત્‌ એ વિચારપ્રધાન કાવ્યોથી પણ, અન્ય કાવ્યપ્રકારનો અભાવ જોઈને, કાવ્યરસિકે ચલાવી લીધું છે. કાવ્યનિર્માણમાં ભાવનું મહત્ત્વ યથાવત્‌ સ્વીકારવામાં આવે અને પદ્યસ્વરૂપ, પદલાલિત્ય, શબ્દચમત્કૃતિ, અર્થચમત્કૃતિ, વિચાર, સંપત્તિ વગેરેને કાવ્યપ્રાણભૂત તત્ત્વ તરીકે નહિ પણ કાવ્યની બાહ્ય—આન્તર ઘટનામાં ગૌણ, અંગભૂત, પરિચારકરૂપ સામગ્રી તરીકે જ સ્વીકારવામાં આવે, ન એ તત્ત્વોને પ્રધાનસ્થાને ગણવામાં આવે કે ન એમને અવગણવામાં આવે, એ જરૂરનું છે, અને એટલું જ જરૂરનું એ છે કે કાવ્યના મૂલ્યાંકનમાં કેવળ અંધપરંપરાનું કે પ્રતિષ્ઠાનું અનુવર્તન કરવામાં ન આવે. કવિનું જીવનદર્શન સમૃદ્ધ હોય, ઉદાત્ત હોય; એની અનુભૂતિ કાવ્યાકાર પામતા પૂર્વાનુભવનું તાત્કાલિક અનુભવ જોડે સંયોજન સાધતી હોય; એ અનુભૂતિ કેવળ ઇન્દ્રિયજન્ય જ્ઞાનરૂપ રહીને ન અટકે, વિવેચન કે પૃથક્કરણ કે સારાસારવિમર્શરૂપ મનોવ્યાપારના પ્રદેશમાં જ ન રહે, બુદ્ધિજન્ય જ્ઞાનને સ્વરૂપે જ ન રહે; પણ, એ બધા ક્રમોમાંથી પસાર થઈને કે થતાં થતાં, કવિનું જીવનદર્શન એના હૃદયને દ્રવિત કરે, કૈંક ક્ષુબ્ધ કરે; એનો અનુભવ ભાવરંગે કે ઊર્મિરંગે રંગાય. એ અનુભવનું તત્ત્વ ભાવરંગે રંગાય એ કથન પર્યાપ્ત નથી—ઇન્દ્રિયાનુભવ, મનોવ્યાપાર, બૌદ્ધિક જ્ઞાન એના પરિણામરૂપે પ્રાપ્ત થતું તત્ત્વ પોતે હૃદયની અનુભૂતિરૂપ જ બની જાય, હૃદયની ઊર્મિ અને ભાવ જોડે એકરૂપ બની જાય, કાવ્યમાં એ ભાવરૂપે, પ્રધાનતયા, વ્યક્ત થાય. લૌકિક અનુભવના રાગદ્વેષ એમાં ન હોય. પ્રપંચની અર્થાત્‌ જીવનવ્યવહારની ઉપાધિ એમાં ન હોય, લૌકિક સુખસંવેદનાથી ભિન્ન એવી આનંદસંવેદના એમાં હોય અને ઉચિત શબ્દ-પદ્યરૂપ દ્વારા એ અનુભૂતિ અને એનો સહચારી આનંદ વાચકના હૃદયમાં સંક્રાન્ત કરવો એ કવિધર્મ બની જાય. કવિનું દર્શન, કવિનો અનુભવ આ કારણે લૌકિક પ્રકારથી વિલક્ષણ અલૌકિક ગણાય છે. સર્જન કરતા કવિની, અને એના સર્જનનું અનુસર્જન તથા ભાવન કરતા ભાવકની આ આનંદાનુભૂતિમાં, જીવનમાં જેની પૂર્તિ અશક્ય એવી, વિમલ, ઉચ્ચ વાસનાની કે ભાવનાની તૃપ્તિનો પણ અંશ હોય છે. આ પ્રમાણે કવિનો સર્જનવ્યાપાર અને ભાવકનો ભાવનવ્યાપાર એ સંવેદનાનો વ્યાપાર છે. કવિ સંવેદના અનુભવે છે, વાણીમાં વ્યક્ત કરીને ભાવકગમ્ય બનાવે છે અને ભાવક એનું ગ્રહણ કરે છે. આ સંવેદન કવિના પોતાના જીવનમાંથી, મનોમંથનમાંથી ઉદ્‌ભવેલું સ્વસંવેદન હોય, અથવા અન્યના જીવનના સંવેદનને આત્મસાત્‌ કરવાથી હૃદયગ્રાહક બનતું પરસંવેદન હોય. આ પરસંવેદન પણ પરના હૃદય-ધબકાર કવિના પોતાના હૃદય ધબકાર બન્યા હોઈને સ્વસંવેદનરૂપ બની ગયું હોય છે. કેવળ પાત્રમુખે રજૂ કરવાનું સંવેદન પણ, સર્વતઃ કે અંશતઃ, કવિનું સંવેદન બન્યું હોય છે, છતાં એ સંવેદન પાત્રે પાત્રે ભિન્ન પ્રકારનું હોવાથી, અને બે અન્યોન્ય વિરુદ્ધ પ્રકારના માનસોનું ભિન્ન સંવેદન કવિએ રજૂ કર્યું હોય ત્યારે કવિનું એ સંવેદનનું સ્વીકરણ આંશિક હોવાથી, એ સંવેદન પૂર્વ કહેલાં બે પ્રકારનાં સંવેદનોથી વિશિષ્ટ પ્રકારનું બને છે. એને આપણે પાત્રસંવેદન નામે ઓળખી શકીએ. Dramatic lyricsમાં પરિણમતું સંવેદન આ પ્રકારનું છે. આ અનુભૂતિ અને આ ભાવસંવેદન કાવ્યના આંતરતત્ત્વનું સર્વસ્વ ગણી શકાય. પણ જેમ આત્માને પોતાના લૌકિક જીવનવ્યવહાર માટે ઉચિત દેહની જરૂર પડે છે તેમ કાવ્યના આ આંતરતત્ત્વને પણ—એ અલૌકિક તત્ત્વને પણ—વાચકભાવકને ગમ્ય બનવાના લૌકિક વ્યવહાર માટે એને ઉચિત શબ્દની, શૈલીની અને પદ્યરચનાની જરૂર પડે છે. ઉચિત શબ્દની અને પદ્યસ્વરૂપની આ આવશ્યકતા પ્રત્યે કાવ્યનિર્માતાઓનું અને કાવ્યરસિકોનું લક્ષ રહે એ ઇષ્ટ છે. (વાઙ્‌મયવિમર્શ)