સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ

From Ekatra Foundation
Revision as of 03:08, 11 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૪. ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ

ગુજરાતી સાહિત્યની હાસ્યરસના વિષયમાં સિદ્ધિ-મર્યાદાની સમીક્ષા કરીએ ત્યારે હાસ્યરસના નિષ્પાદનમાં ઉચ્ચ કોટિ પ્રાપ્ત કરવાનું કાર્ય કેટલું દુષ્કર છે અને એને સામાન્યતામાં સરી પડવાનો ભય કેટલો પ્રબળ છે એની પ્રતીતિ થાય છે. સંસ્કૃત જેવા અન્ય અનેક પ્રકારોએ સમૃદ્ધ સાહિત્યમાં પણ ઉચ્ચ કોટિની સ્વતંત્ર સંપૂર્ણતઃ હાસ્યરસની કૃતિઓનો અભાવ છે એ જોઈને આપણે ગુજરાતી સાહિત્યની એ ક્ષેત્રમાં અવિકસિત દશા છે તેનો ખેદ ઓછો કરી શકીએ. પણ પાશ્ચાત્ય-સાહિત્યના સંપર્ક અને પરિશીલને પણ આપણા સર્જકોમાં ઉચ્ચ હાસ્યરસના નિષ્પાદન માટે, અને સાહિત્યરસિકોમાં એની પરખ અને કદર માટે, સંતોષજનક સામર્થ્ય પ્રગટાવ્યું નથી એ વિચાર કરીએ ત્યારે ખેદ પાછો આવીને ઊભો રહે છે. ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનાં નાટકો છે. હાસ્યરસની જૂજ નવલિકાઓ છે. હળવી વિનોદલક્ષી હાસ્યરસની કોટિએ પહોંચતી નિબંધિકાઓ પણ છે. હાસ્યરસનો પ્રવાહ અવિચ્છિન્ન વહેવડાવે એવી માત્ર બે કે ત્રણ નવલકથાઓ છે. જૂની રંગભૂમિએ નાટકોના ઉપવસ્તુમાં હાસ્યતત્ત્વને જેવું આવડ્યું તેવું જાળવી રાખ્યું હતું એ આપણે જાણીએ છીએ. વર્ષે વર્ષે થતી નાટ્યસ્પર્ધાના આજના સમયમાં ત્રિઅંકીઓનો અને એથી વિશેષ એકાંકીઓનો જે ફાલ વધ્યો છે તેમાં લેખક, પ્રયોજક અને પ્રેક્ષકગણ હસાવવાની અને હસવાની દિશામાં ખાસ હોંશથી વળે છે એ પણ સુવિદિત છે. જેને પ્રેમાનંદે અને દલપતરામે, નવલરામે અને રમણભાઈ નીલકંઠે હસાવ્યું છે, જેને જ્યોતીન્દ્ર અને ધનસુખલાલ તથા નવીનોમાં પટવા, બકુલ ત્રિપાઠી, ભગવત્‌ ભટ્ટ અને હરિપ્રસાદ વ્યાસ આજે પણ હસાવે છે કે નરમ વિનોદ પીરસે છે, એ ગુજરાત હાસ્યવિમુખ હતું કે છે એમ કહેવું તે વધારે પડતું થાય. પણ હાસ્યરસિક કૃતિઓનું પ્રમાણ કેટલું છે અને એમાંથી સાંપડતા હાસ્યરસનો પ્રકાર કેવો છે એ જોઈએ ત્યારે સિદ્ધિની મર્યાદા સ્વીકાર્યા વિના ચાલતું નથી. કોઈ પણ કૃતિમાં નિષ્પન્ન થતા હાસ્યરસની ઉચ્ચાવચ કક્ષા શી છે એ એના વિભાવાનુભાવાદિના પ્રકાર ઉપરથી જાણી શકાય. આ અનુભાવ અને વિભાવ ઉપર હાસ્યરસના નિષ્પત્તિ અને એનો કક્ષાનિર્ણય વિશેષ આધાર રાખે છે. આપણાં પ્રાચીન રસશાસ્ત્રો હાસ્યના સ્મિતથી અતિહસિત સુધીના છ પ્રકાર ગણાવે છે તે મૂળમાં હસવાની ક્રિયાના, હાસ્યના અનુભાવોના, પ્રકારો છે. પણ અનુભાવનો પ્રકાર ભાવના પ્રકારમાંથી પરિણમે છે તેથી એ સ્મિતાદિ હાસ્યપ્રકારો મનોગત ભાવના તારતમ્યના સૂચક બને છે. આ પ્રકારનો સંબંધ હસનાર વ્યક્તિની સામાજિક ઉચ્ચનીય કક્ષા જોડે પણ આપણાં શાસ્ત્રો દર્શાવે છે અને સ્મિત તથા હસિત ઉત્તમ પુરુષનાં, વિહસિત અને અવહસિત (કે ઉપહસિત) મધ્યમ પુરુષનાં, અપહસિત તથા અતિહસિત તે નીચ પુરુષનાં હોય એમ કહે છે, એમાં હસનાર તે મૂળતઃ પ્રેક્ષક નહિ પણ અભિનેતા, અનુકર્તા. અને એ અનુકર્તાની-અભિનેતાની-ઉચ્ચનીચ કક્ષા અનુકાર્યની કક્ષામાંથી એટલે કે એને ભજવવાની ભૂમિકાની કક્ષામાંથી પરિણમે છે. આમ જે ભૂમિકાનો દરજ્જો હોય તે જ અભિનેતાનો બનતો હોઈને સ્મિતાદિ હાસ્યપ્રકારો ભૂમિકાના દરજ્જાને અનુસરે છે. અર્થાત્‌ જેવી ભૂમિકા તેવા ભાવ અને જેવો ભાવ તેવા અનુભાવ એ સંબંધ દ્વારા, અનુભાવના સ્મિતાદિ પ્રકારો હાસ્યરસના પ્રકારો બને છે. આ પ્રમાણે, પ્રથમ દૃષ્ટિએ જે સ્મિતાદિ પ્રકારો હસવાની ક્રિયાના પ્રકારો છે અને જણાય છે તે ભૂમિકાના (અર્થાત્‌ સ્થાયી ભાવનો જે આલંબનવિભાવ તેના અથવા યોગ્યતર રીતે, તેના આશ્રયના) અને એ દ્વારા આન્તરભાવના પ્રકારો જોડે સંબંધ રાખતા અને એમાંથી પરિણમતા સમજાય છે. પણ હાસ્યરસના પ્રકારનો નિકટતમ આધાર એના વિભાવના પ્રકાર ઉપર રહે છે. તેથી હાસ્યની કક્ષાના નિર્ણય માટે ગુજરાતી સાહિત્યમાંના હાસ્યરસની ક્યાં કયાં કેવી ઉચ્ચનીચ કક્ષા છે એ જોવા માટે આપણે વિભાવને આધારે કક્ષાનિર્ણય કરીશું એ વધારે યોગ્ય થશે. માનવજીવનના વર્તનવ્યવહારની અનેક વિચિત્રતાઓ, વિલક્ષણતાઓ, અને નિર્બળતાઓ હાસ્યના પ્રકટ વિભાવ પૂરા પાડે છે. હાસ્યનિષ્પાદક તત્ત્વ શરીરની વિસંષ્ઠુલતામાં હોય કે વિકલતામાં (અંગવૈકલ્યમાં) હોય; ઇન્દ્રિયોપભોગની જીહ્‌વાલૌલ્ય જેવી અતિમાત્ર આસક્તિમાં અને તજ્જન્ય પરવશતામાં હોય; બધિરતા, દૃષ્ટિમન્દતા કે એવી કોઈ ઇન્દ્રિયગત ન્યૂનતામાં હોય; કામલોભાદિકના અતિરેકમાં અને એમાંથી પરિણમતા વિચિત્રભાસી વર્તનમાં હોય, કે દંભ, અભિમાન આદિ સ્વભાવ વૈચિત્ર્યમાં અને દંભનો સ્ફોટ કે ગર્વનું ગલન થતાં નીપજતી દુસ્વસ્થામાં હોય; એક બાજુ અમુક પરિસ્થિતિ અને અવસ્થા, અન્યતઃ એથી પ્રતિકૂલ વર્તનવ્યવહાર એ બે વચ્ચેની વિસંગતતામાં હોય; વર્તનની અથવા વાણીની વિચિત્રતામાં, વિકલતામાં પ્રકટ થતા અજ્ઞાનમાં કે બુદ્ધિમાન્દ્યમાં હોય; પ્રસંગોચિત, અપેક્ષિત ઘટનાથી વિરૂપ, વિપરીત કે પ્રતિકૂલ ઘટના બની જતાં નીપજતી કફોડી સ્થિતિમાં હોય; આમ હાસ્યરસના આવા અને એવા બીજા અનેક વિભાવો હોઈ શકે છે. એ વિભાગો કોઈવાર સ્વયમેવ, તો કોઈવાર કવિઓ અથવા સર્જકે દાખવેલા નિરૂપણકૌશલ દ્વારા, હાસ્યસાધક બને છે. સર્જક પણ કાં તો પોતાનાં જ વચનો દ્વારા અથવા પાત્રના મુખમાં મૂકેલાં વચનો દ્વારા હાસ્ય સાધે છે. ગુજરાતી સાહિત્યમાં થયેલી હાસ્યરસની ઉપાસનાને કઈ ઉચ્ચાવચ કક્ષમાં બેસવાનો અધિકાર સાંપડે એ જાણવા માટે પ્રથમ આપણે હાસ્યના ઉપર જણાવેલા વિભાવોમાંથી કયા ઉચ્ચકોટિના અને કયા ઊતરતી કોટિના હાસ્યના વિભાવો બની શકે એનું દિગ્દર્શન કરીશું અને પછી ગુજરાતી સાહિત્યમાં કયા વિભાવોનો વિશેષ ઉપયોગ થયો છે એ જોઈશું. આ દ્વિવિધ પરીક્ષાથી ગુજરાતી સાહિત્યમાંના કયા રચના પ્રકારોમાં કઈ કક્ષાનો હાસ્યરસ સધાય છે એ ‘ભૂયોદૃષ્ટ્યા’ આપોઆપ સ્પષ્ટ થશે. માનવવ્યવહારની વિચિત્રતાઓ અને વિલક્ષણતાઓમાંથી, કે અંગવિકલતામાંથી, કે ઇન્દ્રિયની અશક્તિમાંથી અથવા પરવશ બનાવતી પ્રબલતામાંથી, કે કામલોભાદિક મનોવિકારોના અતિરેકમાંથી અથવા દંભગર્વાદિમાંથી જે હાસ્ય નિષ્પન્ન થાય તે સામાન્ય કોટિનો (હાસ્યરસ) હોય છે. સાધારણ સમાજથી વિલક્ષણ જણાતો પારસી-વોરા-વાણિયા અદિ કોમોનો વ્યવહાર કે વાણીપ્રયોગ જ્યારે હાસ્યનિષ્પત્તિ માટે ઉપયોગમાં લેવાયો છે ત્યારે એમાંથી નિષ્પન્ન થતો હાસ્યરસ ઊતરતી કોટિનો રહ્યો છે. એ જ વિધાન બધિરતાદિ ઇન્દ્રિયવૈકલ્યને લાગુ પડે છે. પરિસ્થિતિ કે અવસ્થા અને વર્તન-વ્યવહાર વચ્ચેની પ્રકટ અસંગતિને હાસ્યનો વિભાવ બનાવવામાં આવે ત્યારે પણ ઉત્તમ હાસ્યરસ સિદ્ધ થતા નથી. વૃદ્ધનું તરુણોચિત વર્તન, પુરુષનો સ્ત્રીવત્‌ વ્યવહાર, હાસ્ય ઉપજાવે, પણ એ હાસ્યની કક્ષા ઊતરતી રહે. અજ્ઞાન કે મૂર્ખ માણસનો બાલિશ વ્યવહાર પણ ઉચ્ચ કક્ષાના હાસ્યનો વિભાવ બની શકે નહિ. અસાધારણ કલાસામર્થ્ય આ વિભાવોને પણ સારા, ઉચ્ચ કક્ષામાં પ્રવેશી શકે તેવા, હાસ્યના સાધક બનાવી શકે તો એ અપવાદભૂત સિદ્ધિ ગણાય. સાધારણતઃ આ વિભાવો સ્વતઃ ઉચ્ચ હાસ્યના વિભાવો નથી. સ્વયમેવ જેમાં ઉચ્ચ હાસ્ય સાધવાની યોગ્યતા નથી એવા આ વિભાવોને, હાસ્યનિષ્પાદનમાં વિશેષ કે ત્વરિત સરળતા મેળવવા ખાતર, એના વાસ્તવિકરૂપે નહિ પણ વિડંબનામય રૂપે રજૂ કરવામાં આવે ત્યારે તો હાસ્યની એ ઊતરતી કોટિમાં કૃત્રિમતાના દોષનો ઉમેરો થાય છે. અમુક વિશિષ્ટ કોમની વાણીવર્તનની વિલક્ષણતાની, અમુક માનવની કામવશતાની લોભીવૃત્તિની કે દંભમયતાની વિડંબના કરવાથી સધાતો હાસ્યરસ નીચી કક્ષાનો હાસ્યરસ બની જાય છે. આ વિભાવોમાંથી દંભ અને અભિમાન એ વિભાવો એવા છે ખરા કે જેનો કુશળ ઉપયોગ થાય–દંભનો સ્ફોટ સ્વાભાવિક ક્રમે સ્વયમેવ થાય કે ગર્વનું ગલન વિશિષ્ટ પ્રકારે થાય–તો એમાંથી કુશળ કલાકાર સારો હાસ્યરસ સાધી શકે. ધાર્યું હોય કાંઈ અને બને કાંઈક બીજું, અમુક ઘટનાની ખાતર આવશ્યક જણાતી સામગ્રી યોજી હોય પણ બને એથી કાંઈ જુદી જ ઘટના, એ દશાવૈચિત્ર્ય એના સ્થૂલરૂપે સામાન્ય કક્ષાનો હાસ્યરસ ઉપજાવે પણ નિપુણ સંવિધાયક એમાં સૂક્ષ્મ પ્રસંગપરંપરાનું આયોજન કરીને એને ઉચ્ચ પ્રકારના હાસ્યરસનો વિભાવ બનાવી શકે. હાસ્યરસના વિભાવોની આ ગણના સંપૂર્ણ હોવાનો દાવો તો ન જ કરી શકે, એ દિગ્દર્શન જ હોઈ શકે. વિભાવો આ કે એવા અન્ય ગમે તે હોય; જે વિભાવો એમાંની પ્રકટ હાસ્યપ્રેરકતાને લીધે અનાયાસે બહુજનને હસાવે એવા હોય તેનો ઉપયોગ વધારે થાય એ સ્વાભાવિક છે. એમાંથી નિષ્પન્ન થતો હાસ્યરસ સામાન્ય કે ઊતરતી કોટિનો થઈ જતો બચે તો તે કલાકારના કલાકૌશલ્યથી. આ વિભાવોથી નીપજતા હાસ્યરસની અનુભૂતિ દરમ્યાન ભાવકના ચિત્તમાં, હાસ્યરસના અનુભવની સાથોસાથ, અન્યની અપકૃષ્ટતાનું અને પોતાની ઉત્કૃષ્ટતાનું, કે એવી કોઈ મનોવૃત્તિનું ભાન હોય કે ન હોય એ પ્રશ્ન હાસ્યરસની મીમાંસાના અંતરંગમાં સ્થાન પામવાને યોગ્ય નથી. રસનિષ્પત્તિની અને રસાનુભૂતિની શાસ્ત્રસંમત પ્રક્રિયામાં રસાનુભવની ક્ષણે ભાવકના ચિત્તમાં આવી આગંતુક વૃત્તિઓનો અવકાશ સ્વીકારાયો નથી. આવી આગન્તુક વૃત્તિ વિલીન ન થાય, જાગ્રત રહે, તો ભાવકના તદ્‌ભાવનની અથવા સર્જકના રસનિષ્પાદનસામર્થ્યની ઊણપ ગણાય. જેમાં સમભાવ અર્થાત્‌ sympathy અનુભવાય એ હાસ્યરસ ઉત્તમ પ્રકારનો એ મત પણ રસાનુભૂતિની પ્રક્રિયાએ સ્વીકારેલ વિગલિતવેદ્યાન્તર જેવી દશાથી બાધિત બને છે. સમભાવ એટલે તદ્‌ભાવભાવન એવો અભિપ્રાય હોય તો જુદી વાત છે. ઉત્તમ હાસ્યરસનો સાધક સર્જક આવા પ્રકટ વિભાવોને આશ્રયે સર્વથા રહેતો નથી. માનવજીવનની આવી વિચિત્રતા, વિલક્ષણતા, વિકલતા, એની અત્યુક્તિ અથવા વિડંબના એ ઉત્તમરસનો ઉત્તમ વિભાવ નથી. એવો કુશળ ઉત્તમ-હાસ્યરસ-નિપુણ સર્જક સમગ્ર માનવજીવનને—એટલે કે પોતે વસ્તુરૂપે સ્વીકારેલા સમગ્ર જીવનખંડને—એના યથાર્થરૂપે, ન અત્યુક્ત ન વિડંબિત એવા સ્વરૂપે જ નહિ પણ વૈચિત્ર્ય વૈલક્ષણ્ય વૈકલ્ય વગેરેથી રહિત એવા સ્વાભાવિકરૂપે, પોતાના હાસ્યરસનો વિભાવ બનાવે છે. અને ક્વચિત્‌ જો એ પોતે સ્વીકારેલા સ્વાભાવિક માનવજીવનપ્રસંગને, પોતાની પ્રતિભાથી, સવિશેષ ચમત્કારકરૂપે, સજે તો પણ એ ભાવકને રવાભાવિક જ જણાય એવી દક્ષતાથી સજે. ગુજરાતી સાહિત્યની પ્રસિદ્ધ હાસ્યરસિક કૃતિઓમાં કયા વિભાવોનો ઉપયોગ થયો છે એ જોઈએ તે પહેલાં વિભાવને અંગે થોડીક સ્પષ્ટતા કરીશ. પાત્ર, પરિસ્થિતિ, પ્રસંગ, વાણી એવાં જે હાસ્યોત્પાદક તત્ત્વો આપણે સ્વીકારીએ છીએ તે સર્વે વિભાવ ખરા; પણ પરિસ્થિતિ અને પ્રસંગ એ ઉદ્દીપન વિભાવ છે, વાણી એ આંતર-ભાવને પ્રકટ પ્રતીત કરાવતો અનુભાવ છે. અને પાત્ર આલંબનવિભાવ છે. એક પાત્ર આલંબનવિભાવ હોય, અન્યપાત્ર ભાવનો આશ્રય હોય. ગુજરાતીમાં હાસ્યરસની ઉપાસના નાટકમાં વિશેષ થઈ છે, કવિતામાં ઓછી થઈ છે, નવલકથામાં એથી પણ ઓછી થઈ છે. હાસ્યરસિક નવલિકા લખનારા અનેક નથી. હળવી વિનોદમય કે હાસ્યરસિક નિબંધિકા (અથવા કેટલાક કહે છે તે પ્રમાણે નિર્બન્ધિકા) એ સાહિત્ય–પ્રકાર પ્રમાણ–દૃષ્ટિએ વધારે ખેડાયો છે. દલપતરામકૃત ‘મિથ્યાભિમાન’ નાટકના હાસ્યનો વિભાવ નાયકનું મિથ્યાભિમાન છે, જે રાત્રિ-અન્ધ નાયકને પોતાની ન્યૂનતા છુપાવવાને પ્રેરીને અનેક શારીરિક આફતમાં નાખે છે, અપમાનભર્યા પ્રસંગોમાં પણ જેમ તેમ માનનો દાવો કરતા મિથ્યાવ્યવહારમાં પ્રેરે છે–જે ‘જીવરામ ભટાઈ’ તરીકે મશહૂર છે. નવલરામે મોલિયરના મૉક ડૉક્ટરના અંગ્રેજી અનુવાદ ઉપરથી ગુજરાતીમાં ઉતારેલું પ્રહસન ‘ભટનું ભોપાળું’ મૂલ ફ્રેન્ચ લેખકની ઓથ હોવાને કારણે ‘મિથ્યાભિમાન’ નાટક જેવી સ્થૂલ કક્ષાએ નથી ઊતરતું. પણ આ નાટકો ઉત્તમ હાસ્યરસની કૃતિ ગણાવાનાં અધિકારી નથી. રમણભાઈના ‘રાઈનો પર્વત’ નાટકમાં મંજુલનું પાત્ર જે હાસ્યરસ ઉપજાવે છે તેમાં રૂઢિગુલામોના વ્યવહારના વિડંબનનું તત્ત્વ છે. ત્યાર પછીના ધંધાદારી નાટકોમાંના ‘ફારસ’ના પ્રસંગો, બધા યાદ તો નથી તો પણ, ઉત્તમ પ્રકારના હાસ્યને સાધતા હોય એ સંભાવ્ય નથી. ઉપરાંત એ Sub-plotમાં રહેલ હાસ્ય સમગ્ર કૃતિને હાસ્યરસિક કૃતિનું સ્થાન ન અપાવી શકે. રૂઢિઓને ઉપહાસવિષય બનાવતાં મુનશીનાં સામાજિક નાટકો, અને ચંદ્રવદનનાં પ્રહસનો, માનવવર્ગના વ્યવહારની વિચિત્રતાને હાસ્યનો વિભાવ બનાવે છે. ચુનીલાલ મડિયાનું ‘હું ને મારી વહુ’, યશોધર મહેતાનાં ‘મંબોજંબો’ અને ‘ઘેલો બબલ’ એ નાટકો વિશે પણ, તેમ જ અત્યારની ‘અવેતન’ અથવા નવી રંગભૂમિ ઉપર રજૂ થતાં મૌલિક કે રૂપાન્તરિત પ્રહસનો વિશે પણ, એમ નહિ કહી શકાય કે એમાં લેખકની જીવનસમીક્ષક દૃષ્ટિએ યથાસ્થિત માનવજીવનમાંથી પ્રસંગો લઈને, વૈચિત્ર્ય કે વૈલક્ષ્યનો આશ્રય લીધા વગર, એના જીવનદૃષ્ટ સ્વરૂપને પરિષ્કૃત કરીને હાસ્યરસ પ્રકટાવ્યો છે. જ્યન્તિ દલાલની માનવમાનસના વ્યાપારનું પૃથક્કરણ કરતી, અને મર્મગામી કટાક્ષના દ્વારથી ઈષદ્‌ હાસ્યને પ્રવેશવા દેતી નાટ્યકૃતિઓ પ્રચલિત પ્રહસન પ્રકારથી પોતાની વિશિષ્ટતા જાળવે છે. પણ એવી માર્મિકતાનો, હસવા જ માગતા પ્રેક્ષકોને કોઈ રીતે હસાવવા એવી લોકાનુરંજની બહુ હળવી રીત સ્વીકારી બેઠેલી આજની રંગભૂમિ ઉપર, અવકાશ નથી. વળી, જેમાં આંગિક અને વાચિક અભિનય દ્વારા હાસ્યનું સદ્યઃપ્રકટન કરવું પડે છે. એવાં પ્રહસનો સ્થૂલલક્ષ્ય વિભાવોનો ઉપયોગ કરે એ આ સાહિત્ય પ્રકારમાં દુર્નિવાર છે. આ કારણે ધનસુખલાલ મહેતાને આપણા નિત્યપરિચિત સમાજજીવનના યથાસ્થિત સ્વરૂપમાંથી અત્યુક્તિ કે વિડંબન વિનાનો અને જેને મેં ‘સંધ્યાટાણે’ની પ્રસ્તાવનામાં દૃષ્ટનિષ્ઠ કહ્યો છે તેવો, સર્જકપ્રતિભાસાધ્ય ઉચ્ચ કક્ષાનો હાસ્યરસ સાધવામાં નાટકોમાં નથી મળી તે સફળતા નવલિકાઓમાં મળી છે. મટુભાઈ કાંટાવાળાની ‘નારદ’ તખલ્લુસથી લખેલી વાર્તાઓ પ્રસ્તુત ઘટનાના અણધાર્યો વળાંકથી કે પરિણામથી હાસ્યના કરતાં વિશેષ આશ્ચર્ય ઉપજાવનારી નીવડે છે. ગોકુલદાસ રાયચુરાની, ‘દાલચીવડા’ની વાતો વાર્તાવસ્તુમાં કલ્પનાના રંગ પૂરીને કંઈક આશ્ચર્યની સાથે વર્તનવૈલક્ષણ્યથી હાસ્ય ઉપજાવે છે. આપણી નવલકથાઓમાં હાસ્યરસ પ્રધાનસ્થાને તો ભલે ન હોય પણ ગણનાપાત્ર પ્રાસંગિક સ્થાન પણ પામતો નથી. નંદશંકરે દાંભિક વ્યવહાર દ્વારા, અને મહીપતરામે દેડકાના પ્રસંગમાં અહિંસાચુસ્ત વણિગ્જનની અવદશા થાય છે તેના વિડંબન દ્વારા, કર્યો છે તેવો હાસ્યજનક અર્થાત્‌ હાસ્યપ્રેરક પ્રયત્ન ક્યાંક ક્યાંક થયો હોય તે ભલે; એમ તો ગોવર્ધનરામે પણ પૂજારી મૂર્ખદત્તના વર્તનવર્ણનમાં હાસ્યનાં આછાં તત્ત્વો મૂક્યાં છે. પણ સમગ્રતયા હાસ્યપ્રધાન બનતી નવલકથાઓ આપણે ત્યાં મુખ્ય બે જ છે : રમણભાઈ રચિત ‘ભદ્રંભદ્ર’ અને ધનસુખલાલ તથા જ્યોતીન્દ્ર રચિત ‘અમે બધાં’, એમાં ‘ઓલિયા જોશી’ની ‘નકો નગરિયો’ એ હાસ્યકથા ઉમેરી શકાય. રૂઢિસંરક્ષક વર્ગના વ્યવહારની અને સંસ્કૃતપ્રચુર ભાષાની, અત્યુક્તિપૂર્ણ, કૃત્રિમતાની કોટિને સ્પર્શતી વિડંબના એ છે ‘ભદ્રંભદ્ર’ના હાસ્યરસનો વિભાવ. એ કથામાં વાચકને પેટ પકડીને હસાવે એવી હાસ્યનિષ્પત્તિ છે એની ના નહિ. પણ એ કથાનો હાસ્યરસ તે એક પક્ષે કરેલી અન્ય પક્ષની ઠઠ્ઠાનો, પક્ષકારની દૃષ્ટિનો, હાસ્યરસ છે. એ નવલકથાના હાસ્યરસને સર્વાન્ટિસના હાસ્યરસની પંક્તિમાં સ્થાન આપીએ તે નભે, પણ ડિકન્સના ‘પિક્‌વિક્‌ પેપર્સ’ના હાસ્યરસની હરોળમાં તો ન મૂકી શકાય. સૂરતી મધ્યમવર્ગીય કુટુંબના જીવનપ્રસંગોને હાસ્યરસિક શૈલીએ નિરૂપતી કથા ‘અમે બધાં’માં અત્યુક્તિનું કે વિડંબનાનું પ્રમાણ અત્યલ્પ, બલ્કે નહિ જેવું, રાખીને સૌષ્ઠવયુક્ત હાસ્યરસનું નિષ્પાદન થયું છે. કેટલાંક પ્રકરણોમાં ઘટનાનું યથાસ્થિત અને સૌષ્ઠવયુક્ત સ્વરૂપ નથી જળવાયું. આ ગ્રન્થની રચનામાં બે લેખકોનો હિસ્સો છે, પ્રત્યેકે અમુક અમુક પ્રકરણો સ્વતંત્ર રીતે રચીને કથાનું સાતત્ય વિચ્છિન્ન ન બને એ રીતે ગોઠવ્યા છે, એ જ શૈલીના વૈષમ્યનું કારણ છે. ગુજરાતી કવિતાના વિશાળ વિસ્તારમાં હાસ્યરસની શોધ કરવામાં સૂક્ષ્મદર્શક યંત્રની મદદ લેવી પડે એવી સ્થિતિ છે. એનો અર્થ એમ નહિ કે એમાં હાસ્યરસ એવો સૂક્ષ્મ છે, પણ હાસ્યરસના પ્રસંગો અત્યંત વિરલ છે, તેથી શોધવા મુશ્કેલ છે. નરસિંહ મહેતાનું ‘બાળા રે વરની પાલખી’ એ પદ હાસ્યપર્યવસાયી ગણાય કે કેમ એ શંકાસ્પદ છે. કદાચ એમાં હાસ્યનો આભાસમાત્ર છે તે ઊલટો કરુણની ઘેરાશને વધારનારો બનતો જણાય. સ્મશાનયાત્રા જેવા શોકમય અવસરને વરયાત્રાનું રૂપક આપીને વિષયનો ઉપક્રમ કરતું આ પદ મૃત્યુને જાણે હસી કાઢવાને શીખવતું હોય એ પ્રકારના વર્ણનમાં પ્રવૃત્ત થાય છે – પણ સ્વયં હાસ્યપ્રેરક બનતું જણાતું નથી. હાસ્યરસને કવિતામાં પ્રસંગપ્રાપ્ત છતાં ગણનાપાત્ર સ્થાન આપવાની પહેલ પ્રેમાનંદે કરી. નળાખ્યાનમાં, રણયજ્ઞમાં, મામેરામાં, સુદામાચરિત્રમાં હાસ્યના પ્રસંગો પ્રેમાનંદે ઝડપ્યા છે. મામેરામાં તો નાગરીનાતને હસતી અને હસાવતી બતાવીને પ્રેમાનંદે પરિણામમાં એને હાસ્યપાત્ર બનતી દર્શાવી છે. મામેરા માટે જતા ભોળા ભક્ત નરસિંહની ગાડામુસાફરી, અને કૃષ્ણ પાસે જતા અને ત્યાંથી પોતાની પત્ની પાસે, પાછા ફરતા એવા જ ભોળા સુદામાની વિમાસણ; આ પ્રસંગો પ્રેમાનંદે નિરૂપેલા બીજા હાસ્યપ્રસંગોથી સવિશેષ ઉલ્લેખનીય છે, કારણ કે એમાં કેવળ ટોળટીખળ નથી, પણ ભલે જરાક અત્યુક્તિવાળુ છતાં બહુધા જેવી છે તેવી હકીકત રજૂ કરતું, કરુણની ભૂમિકામાં હાસ્યના વેલબુટ્ટા ગૂંથતું, વર્ણન છે જે ઉચ્ચ કક્ષાની દિશામાં જતા હાસ્યરસની વાનગી ચખાડે છે. દલપતરામે કેટલાંક કાવ્યોમાં સાદી પ્રસંગસામગ્રીમાંથી સરળ શૈલીમાં હાસ્યની નિષ્પત્તિ કરી છે. એ હાસ્યપ્રકાર કેવળ વૈચિત્ર્યને કે વિડંબનને કે અસંગતિને ટેકે ટકી રહેલો નથી. પણ એની ઉચ્ચતા પ્રસંગની અને શૈલીની સરળતાને લીધે જ વણપારખી રહી જાય એ સંભવે છે, જો કે સાચા રસપારખુઓએ દલપતના હાસ્યરસને પારખ્યો છે અને મૂલવ્યો છે. નવલરામે બાલગરબાવલીમાં ‘જનાવરની જાન’ જોડી છે તેમાં અન્યોક્તિનો આશ્રય લઈને કટાક્ષપૂર્ણ હાસ્યરસ, આછેરો હાસ્યરસ, સાધ્યો છે. બાલવયમાં લગ્ન કરવાના રિવાજ પ્રત્યે એમણે પોતાના કટાક્ષશસ્ત્રને ફેંક્યું છે. એ અર્થે બાલક વરરાજાને સ્થાને ‘બકરીબાઈના બેટડા’ને પરણાવવાનો, અને જાનૈયાઓને સ્થાને પશુઓને ગોઠવવાનો ઉપાય એમણે યોજ્યો છે. પણ કટાક્ષલક્ષી હોવા છતાં આ ગીત વર્ણનની વિગત અને શૈલીની હળવાશને લીધે કટાક્ષની તીક્ષ્ણતાને ઓછી કરીને હાસ્ય ઉપજાવનારું નીવડે છે. હાસ્યના ઉપાસક રમણભાઈની આછીશી કાવ્ય ઉપાસનામાં હાસ્યનો સહચાર નથી. પણ વીરરસના વિડંબનનાં ઉદાહરણો આપવા અર્થે રચેલાં, દૂધીનું ડીંટ કાપવાના તથા એરંડિયું પી જવાના ‘પરાક્રમ’ને વર્ણવતાં કાવ્યો વીરવિડંબનને હાસ્યની કક્ષાએ લઈ જાય છે. પણ એ કક્ષા ઉચ્ચ નથી, સામાન્ય છે. નરસિંહરાવે ‘સર્જતરાવની સુષુપ્તિ’ નામે હાસ્યમય ખંડકાવ્ય જેવું કાવ્ય રચ્યું તેના હાસ્યની ઉત્પત્તિ એક અકસ્માતમાંથી જન્મી છે, અને એવો અકસ્માત એ ઉચ્ચ હાસ્યરસનો વિભાવ ન ગણાય. રામનારાયણ પાઠકનું ‘નટવરલાલજી’ કાવ્ય પતિ-પત્ની વચ્ચેના વિનોદવ્યવહારમાં પતિની અસાવધાનતાને હાસ્યવિષયક બનાવે છે, પણ એ નિરૂપણમાં વિનોદથી વધે તેટલી હાસ્યરસની પર્યાપ્ત સામગ્રી નથી અને જે થોડી સામગ્રી છે તે ટીખળની સામગ્રી છે. છેકાપહ્‌નુતિ પ્રકારની રચનામાં હાસ્યના કરતાં વિષયને અન્તભાગમાં અનપેક્ષિત પલટો આપનારા ચમત્કારનું તત્ત્વ વિશેષ મહત્ત્વનું બને છે. જ્યોતીન્દ્ર દવેએ આવી છેકાપહ્‌નુતિઓ થોડીક રચી છે. ઉપરાંત પોતાના જ વ્યક્તિત્વને, પોતાની જ જાતને, વિલક્ષણ રીતે આલેખનારી ‘અલ્પાત્માનું આત્મપુરાણ’માંની એની પંક્તિઓ હાસ્યના એક વિશિષ્ટ પ્રકાર તરીકે ઉલ્લેખાઈ છે. એમાં વિડંબના હોય તો પોતાની છે, વિરોધાભાસમય વિચિત્રતા હોય તો તે પોતામાં આરોપાયેલી છે, નિન્દા હોય તો પોતાની છે. અને આ વિડંબના, વિચિત્રતા અને ગર્હણા વ્યાજસ્તુતિની રીતે વાચકની દૃષ્ટિએ સ્તુતિરૂપે પરિણમે છે. આ વિશિષ્ટ આત્મપરિહાસને હાસ્યની ઉચ્ચ કે સામાન્ય એવી કોઈ કક્ષામાં બેસાડવાને બદલે એને એના ‘જુદા ચોતરા’માં જ રહેવા દેવો પડશે. ખબરદારનાં ‘પ્રભાતનો તપસ્વી’ અને ‘કુક્કુટ દીક્ષા’એ નાનાલાલ શૈલીનું અનુકરણ કરતાં પ્રતિકાવ્યો છે અને ‘અવરોહણ’ એ બલવંતરાયના ‘આરોહણ’નું અનુકરણ કરતું પ્રતિકાવ્ય છે. એ પ્રતિકાવ્ય મૂળકાવ્યોની શૈલીનું સફળ અને સમર્થ અનુકરણ કરે છે પણ એમાં સ્થૂલ કે સૂક્ષ્મ કોઈ પ્રકારનું હાસ્ય અભિપ્રેત નથી. નથી એમાં કેવળ હાસ્યનિષ્ઠ વિડંબના કે નથી એમાં અન્ય પ્રકારે હોય તે ટીખળ. એ કાવ્યના વાચનથી જે આનંદ અનુભવાય છે તેમાં હાસ્યના કરતાં ખરા કાવ્યાનંદનો હિસ્સો વધારે છે. તાજા પ્રસંગોને અને તાજી ઘટનાઓને કટાક્ષનો અને હાસ્યનો વિષય બનાવતી પ્રાચીન આખ્યાન શૈલીની રચનાનો આરંભ કરસનદાસ માણેકે ‘વૈશંપાયનની વાણી’થી કર્યો. આ હાસ્યપ્રેરક આખ્યાન-પદ્ધતિનો ઉપક્રમ વર્તમાનપત્રોની વાચકોને રસિક વાચન પૂરું પાડવાની અપેક્ષામાંથી થયો હોઈને એકનું અનુકરણ અન્ય વર્તમાનપત્રોએ કર્યું. પરિણામે ‘અખા ભગત’ અને ‘ખુરસીદાસ’ (વેણીભાઈ પુરોહિત) અને અમદાવાદની ‘નારદ’ અને જુગા પંડ્યા એ લેખકોએ આ આખ્યાન પદ્ધતિને અપનાવીને અથવા પદપરંપરા દ્વારા વર્તમાન ઘટનાઓની હાસ્યરસિક સમીક્ષાની કતારો લખવા માંડી. આ પ્રાસંગિક રચનાઓ વિદ્યમાન પ્રસંગની લક્ષયોગ્ય લાક્ષણિકતાઓને ઉપસાવીને, ક્વચિત્‌ એને સંવાદયુક્ત પ્રાચીન કથાશૈલીના અનુકરણનું રૂપ આપીને, અંશતઃ વિડંબનનો આશ્રય પણ લેતી. તનમનીશંકર શિવે કાલિદાસના વિપ્રલંભશૃંગારપ્રધાન કાવ્ય ‘મેઘદૂત’ની યોજનાનું અનુકરણ કરતું ‘મૂષકદૂત’ કાવ્ય રચીને ભરતમુનિના ‘શૃંગારાનુકૃતિર્યા તુ સ હાસ્યઃ પરિકીર્તિતઃ’ એ કથનનું નિદર્શન આપ્યું છે. એમાં હાસ્ય છે, પણ એ સામાન્ય કોટિનો ગણાય એવો છે. દેવશંકર જોષીએ પણ પદ્યસ્વરૂપ હાસ્યનો કે વિનોદનો આસ્વાદ કરાવ્યો છે. રમણભાઈએ વિડંબનસાધિત હાસ્યરસનો સ્વાદ ચખાડીને ગુજરાતની જનતાની જે હાસ્યરુચિને પ્રદીપ્ત કરી એનું એ જ પ્રકારે તર્પણ કરનારા જે અનુગામી હાસ્ય ઉપાસકો આવ્યા તેમાં ઓલિયા જોશી, ‘મસ્તફકીર’, છોટાલાલ જાગીરદાર અને જદુરામ ખંધડિયા મુખ્ય છે. ક્વચિત્‌ ગુજરાતના શહેરી જીવનની, કે તે તે સંપ્રદાયની દિનચર્યાની, આલેખના; ક્યાંક પ્રાસંગિક ચિત્રો; ક્યાંક તત્કાલીન બનાવોનું કે ઘટનાઓનું વક્રદૃષ્ટિએ કરેલું નિરૂપણ; એવા એવા આ લેખકોના લેખોમાં માનવ-વ્યવહારનું હાસ્યસાધક બને એ પ્રકારનું અત્યુક્તિયુક્ત, વિડંબનાયુક્ત વર્ણન આવતું; ક્યાંક, દા. ત. ઓલિયા જોશીમાં, કથા કે પ્રસંગવર્ણન આવતું; ક્યાંક રમૂજી ટુચકાઓ આવતા; ક્યાંક હપતે હપતે આગળ વધતી અને ન્યૂનાધિક સાતત્ય જાળવતી કે સાતત્યનો આભાસ ઉપજાવતી લેખમાળા આવતી; ક્યાંક અન્યોન્યથી વસ્તુદૃષ્ટિએ અસંબદ્ધ એવા છૂટકા લેખમણકાઓ આવતા; અને આ રીતે હાસ્યરસની ઉપાસના અવિરત રહેતી. પણ એમાં લોકવ્યવહારનું વૈચિત્ર્ય કે અત્યુક્તિ કે વિડંબન એ મુખ્ય વિભાવો રહેતા તેથી એમાંનો હાસ્યરસ લોકરંજક હોવા છતાં ઉચ્ચકક્ષાનો સહજસાધ્ય હાસ્યરસ નહોતો બનતો. રમણભાઈ નીલકંઠે ‘હાસ્યમંદિર’માં સંવાદરૂપે અને પ્રસંગચિત્રરૂપે હાસ્યરસને અર્પ્યો છે તે ઉપરાંત હળવા હાસ્યરસિક નિબંધો પણ આપ્યા છે. ત્યારપછી ખેડાયેલા હાસ્યરસિક આનંદલક્ષી નિબંધોના પ્રકારની ઉત્પત્તિ—સર્વથા નહિ તો બહુધા—નિયતકાલિક પત્રસાહિત્યને આભારી છે અનેક દશકાઓ પહેલાં ‘ગુજરાતી’માં આવતી ‘બીરબલ’ રચિત ‘ભર કટોરા રંગ’ નામની કતારો; મસ્તફકીરના હાસ્યપ્રેરક કે કટાક્ષગર્ભ લેખો; ચંદ્રકાન્ત સુતરિયાના ‘નથ્થુભાઈના પરપોટા’; રામનારાયણ પાઠકને ‘સ્વૈરવિહાર’; જ્યોતીન્દ્ર દવેની ‘ગુપ્તાની નોંધપોથી’ અને ‘રંગતરંગ’ નામક શ્રેણી; મેઘાણીના ‘સાંબેલાના સૂર’ ગગનવિહારી મહેતાનાં ‘આકાશનાં પુષ્પો’; રમણલાલ દેસાઈનાં ‘ગુલાબ અને કંટક’; મુનિકુમાર ભટ્ટનું—પછીથી ‘ઠંડો પહોરે’ નામથી ગ્રંથસ્થ થયેલું–‘તૂલિકા પાટવ’; ચીનુભાઈ પટવા કૃત ‘પાનસોપારી’; મૂળરાજ અંજારિયાના પાશ્ચાત્ય ઢબના ચમચમતા ટુચકાઓ; એ હાસ્યરસિક લેખો અને નિબંધસંગ્રહોમાંના નિબંધો વર્તમાનપત્રની કતારો માટે લખાયા હતા. વજુભાઈ કોટકના, બકુલ ત્રિપાઠીના, પ્રબોધ જોશીના, રમણલાલ મહેતાના, ભગવત્‌ રામચંદ્રના અને વિનોદિની નીલકંઠના હળવા વિનોદમય કે હાસ્યરસિક નિબંધલેખો પણ પ્રથમ પ્રાકટ્ય માસિકોમાં પામ્યા હતા. આ સાહિત્યપ્રકારની સફળ ઉપાસના કરનાર, આગલી પેઢીના, જ્યેન્દ્રરાય દૂરકાળના નિબંધો પણ એ રીતે પ્રથમ પ્રકટ થયા હતા. નટવરલાલ બૂચની ‘રામરોટી’ કે ‘બનાવટી ફૂલો’એ કૃતિઓમાં સંગ્રહાયેલા નિબંધો પ્રથમ માસે માસે પ્રકટ થયા હતા કે નહિ એ જાણવામાં નથી આવ્યું. અન્ય સાહિત્ય પ્રકારોમાં ખ્યાતનામ એવા, અન્ય હળવા નિબંધ લખનારાઓમાં મુખ્ય છે ધૂમકેતુ (પાનગોષ્ઠી), નવલરામ ત્રિવેદી (કેતકીનાં પુષ્પો) વિજયરાય વૈદ્ય (નાજુક સવારી), ઉમાશંકર જોશી (ગોષ્ઠિ), રમણલાલ મહેતા (પંચાજીરી. બાળકોને હાસ્યરસ ચખાડનારામાં રમણલાલ શાહ, નટવરલાલ માળવી અને જીવરામ જોષી તથા ‘પ્રસાદ’ તખલ્લુસવાળા હરિપ્રસાદ વ્યાસ સવિશેષ ઉલ્લેખાર્હ છે. આ હાસ્યરસિક નિબંધ એ ગુજરાતના હાસ્યરસની અતિપ્રિય ક્રીડાભૂમિ છે, અને જ્યોતીન્દ્ર દવે એ ક્રીડાભૂમિના અગ્રણી ખેલાડી રહ્યા છે. અન્ય સાહિત્યપ્રકારોમાં જેમ તેમ જીવાદોરી ટકાવતો હાસ્યરસ આસાનીથી વિહરવાનો અવકાશ ક્યાંય પામ્યો હોય તો નાટકોમાં (પ્રહસનોમાં) અને હળવી હાસ્યલક્ષી નિબંધિકાઓમાં. આ બે પ્રકારોમાં પણ દૃશ્ય અને અભિનેય સ્વરૂપના નાટકમાં હાસ્યરસ જે કક્ષા ન જાળવી શક્યો તે કક્ષા જાળવવાની અનુકૂળતા નિબંધિકાએ કરી આપી છે. કારણ કે નિબંધિકા એ ગહનચિંતનમય નહિ તો વિચારપૂર્ણ જીવનસમીક્ષા કરનારો સાહિત્યપ્રકાર છે. એમાં વાસ્તવિક વસ્તુદર્શનને સ્થાને કાલ્પનિક દર્શન આવે, ભાષામાં સંદિગ્ધ અનેકાર્થતાનો આશ્રય લેવાય, કાર્યકારણનો ક્રમવિપર્યય થાય, દલીલમાં જાણી જોઈને તર્કચ્છલનો ઉપયોગ કરાય. આમ નિબંધિકાનો હાસ્યરસનિષ્પાદનનો પંથ સીધો સરળ નથી. એમાં ખરી કે કલ્પેલી ગેરસમજ, વિચારતંતુના અણધાર્યો મરોડ અને આમળા, દલીલોમાં જાણીજોઈને આવવા દીધેલી અસંગતિ, ગંભીર વસ્તુનું અગંભીર અને અગંભીરનું ગંભીર સ્વરૂપદર્શન, ઉચ્ચ વ્યક્તિનું નીચીકરણ અને નીચનું ઉચ્ચીકરણ, અલ્પ વિષયનો અધિક વિસ્તાર, જરાક બહાનું મળતાં થતું વિષયાન્તર, સંવાદોમાં જાણીજોઈને અણાતા ગૂંચવાડા, આવી અનેક યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આમ વિષયનું પોતાની વિશિષ્ટ, વક્ર કે અસામાન્ય દૃષ્ટિથી નિરીક્ષણ કરતો આ નિબંધિકાગત હાસ્યપ્રકાર એક રીતે દૃષ્ટિનિષ્ઠ છે – એટલે કે વિષયમાં રહેલ પ્રસિદ્ધ વૈચિત્ર્યનો કે વૈલક્ષણ્યનો આશ્રય ન શોધનારો પણ જ્યાં એ તત્ત્વો ન હોય ત્યાં કલ્પનારો સાહિત્ય પ્રકાર છે. પણ નિબંધિકાલેખકની દૃષ્ટિ વિષયને એના યથાસ્થિત સ્વરૂપે જોનારી અને એમાંથી હાસ્યનો વિભાવ ખોળી લેનારી નથી, પણ એ વિષયને એના યથાસ્થિત સ્વરૂપને બદલે પરિવર્તિત સ્વરૂપે જોનારી છે અને વિષયનું આવું પરિવર્તિત, અસામાન્ય, દર્શન અને સમર્પણ એ તો નિબંધિકાનું પ્રાણદ તત્ત્વ છે. આપણે વિભાવ-પ્રકારને અનુરોધે હાસ્યરસના ઉચ્ચાવચ પ્રકારો પાડ્યા તે પ્રમાણે નિબંધિકાનો હાસ્ય પ્રકાર કદી ઉચ્ચ હોય, કદી સામાન્ય હોય. નિબંધિકા લેખકને સ્વૈવિહારની છૂટ છે. આ નિબંધિકારૂપ સાહિત્ય પ્રકાર હાસ્યરસના નિષ્પાદનમાં અન્ય પ્રકારના કરતાં વધારે સેવા આપી રહ્યો છે. અન્ય સાહિત્ય પ્રકારોને હાસ્યરસની સેવામાં પ્રમાણદૃષ્ટિએ અને ગુણદૃષ્ટિએ નિબંધિકાને મળી છે તેટલી અને તેવી સફળતા નથી મળી એ વસ્તુસ્થિતિ સાહિત્યસ્વરૂપના ભેદનું પરિણામ છે. નવલકથા, નવલિકા, કાવ્ય એ સાહિત્યસ્વરૂપના સર્જક ઉપર બેવડી જવાબદારી પડે : એક તો એ કલાસ્વરૂપનું નિર્માણ કરવાની જવાબદારી, અને બીજી એમાંથી હાસ્યનિષ્પત્તિ સાધવાની જવાબદારી. નિબંધિકા લેખક એ બેવડી જવાબદારીમાંથી બચી જાય છે; એણે સ્વીકારેલું સાહિત્યસ્વરૂપ અન્ય સાહિત્યસ્વરૂપ માગે તેવી ઘડતરકલા માગતું નથી. આથી નિબંધિકા એ સ્વરૂપ, અન્ય સ્વરૂપોથી વિશેષ, હાસ્યરસની લીલાભૂમિ બને એ સ્વાભાવિક છે. નાટક પણ હાસ્યરસની ક્રીડાભૂમિ બનવાની યોગ્યતા ધારે છે. પણ જેમાં અભિનેતાના પ્રત્યક્ષ પ્રકટ અભિનયવ્યાપારનો આશ્રય લભ્ય છે એવું આ સાહિત્યસ્વરૂપ, નાટક, સામાન્યકક્ષાના કે ઊતરતી કક્ષાના હાસ્યરસના પ્રદેશને સહેલાઈથી રોકી શકે નહિ. નાટકો ઉચ્ચતર હાસ્યપ્રકારના નિષ્પાદનમાં સફળ બને; સળંગ સમગ્ર હાસ્યપ્રધાન નવલકથાઓ અને નવલિકાઓ સર્જાય અને એમાં પણ હાસ્યરસની કક્ષા ઉચ્ચ રહે; એ દિશામાં પ્રગતિ સાધવાનો આપણા ગુજરાતી સાહિત્યને અવકાશ છે.

(વાઙ્‌મયવિમર્શ)