ધીરેન્દ્ર મહેતાની કવિતા/શબ્દને સ્પર્શું જરા

Revision as of 03:17, 20 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૨.
શબ્દને સ્પર્શું જરા

શબ્દને સ્પર્શું જરા ત્યાં તો બળું છું,
એટલે શું આમ કાયમ ઝળહળું છું?
રાખ થઉં તો તગતગું છું મોગરો થઈ,
જ્યોતમાં હું એ વિના ક્યારે મળું છું?
પૂછવાની અન્યને કૈં શી જરૂરત?
જે કહે નિઃસ્તબ્ધતા, હું સાંભળું છું.
હા, સપાટી પર તરંગોમાં હતો હું,
ને હવે આ હું જ તો જળમાં ભળું છું.
કોઈયે કૈં પણ ન જાણે એ રીતે બસ,
વાદળાંની પર જઈ એ... ત્યાં ઢળું છું.
એક દી જે જોઈને રોયા કબીરા,
એ જ ચક્કી જો, હજીયે હું દળું છું.
મેરું જેવો કેમ હોઉં, છું મનુષ્ય,
સ્થિર લઈ કાલે હતો, આજે ચળું છું.
ભોંય સરસો આમ તો રહું છું જડાઈ,
પણ અડે જ્યાં લ્હેરખી ત્યાં તો લળું છું.
૨૧-૯-૧૯૯૭