નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ગઝલ : ઠુમરી
ગઝલ : ઠુમરી
ઢળતી બેલા પીળા પાને કાગળ આવ્યો આયે ન બાલમ;
કા કરું સજની હમને દિલનો દીપ જલાવ્યો આયો ના બાલમ.
ચાર દીવાલોની બગિયામાં ઝૂલત એકલતાનો ઝૂલો;
બાબુલ મોરા સૂખી ડારન પે ફૂલ લગાવ્યો આયે ન બાલમ.
આંખ હમારી ટપટપ ચૂઈ લૈ ઔર બજી ઊઠે છે પાંપણ;
સાંજ કરૈ કા? સૂર ના અજહૂ સમ પર આવ્યો આયે ન બાલમ.
સંગ હમારે પડછાયો ખેલત હૈ રમ તો ઊબ ગઈ સજની;
ઈક ઈક પલ દસ્તકસે હમને દાવ લગાવ્યો આયે ન બાલમ.
સાંજ હૂઈ ઔર કાંચ કા સૂરજ રાત કે આંગન શીશ પછાડે;
છતપૈ જૂઠી ભોર ભઈ ઔર કાગ ઉડાવ્યો આયે ન બાલમ.
શ્વાસની ઠુમરી ગાતાં ગાતાં છેલ્લી થાપ હૂઈ હૈયા પર;
ચાર કહારોં કે કંધે પર રાગ સજાવ્યો આયે ન બાલમ.