નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ભારે પગી ના’વા બેઠી તેનું ગીત
ભારે પગી ના’વા બેઠી તેનું ગીત
ઊઈમા હું તો ભારે પગી ને ના’વા બેઠી ઢોલ ઢબૂક્યો
ઊઈમા મારા તસતસ થાને તલ જેવો હાય સૂરજ ઊગ્યો,
સાસુજી રે સાસુજી તમે ધાજો રે ધાજો...
આવડું અમથું પાણીનું ટીપું સરવર જેવડું ટચલી આંગળી નાવડી જેવી
નાવણિયું તો આરસપા’ણનો મેલ ને એની બારીમાં હું એકલી જેવી
ઊઈમા મારા વીસ વરસના ખળખળ ઉપર વનરાજી લો કાંઠો ઝૂક્યો
સાસુજી રે સાસુજી તમે ધાજો રે ધાજો...
બૂડ્યો કળશ્યો પાણીમાં ને બૂડબૂડના બબડાટને બદલે આછો મીઠો
પગરવ સુણ્યો,
છુટ્ટા વાળથી મોતી નીતરે નખશિખ હું તો ભમ્મર વાદળ ટહુકા
સાથે મોરને ગુણ્યો,
ઊઈમા મેં તો ત્રાંબારૂંડીમાં મુખ જોયું ને ફૂલથી લથબથ રસ્તો ઊઘડ્યો
સાસુજી રે સાસુજી તમે ધાજો રે ધાજો...