નયન હ. દેસાઈની કાવ્યસંપદા/હોટલબૉયનું ગીત

From Ekatra Foundation
Revision as of 17:12, 22 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હોટલબૉયનું ગીત

એક પાછી રકાબી ફૂટી—
શેઠીઆના રોજરોજ કંકાસે ત્રાસીને
પાંચ સાત નોકરી છૂટી;
ડોલમાં હું ધબ્બ કરી બોળું છું હાથ અને
યાદ આવે છે ગામનું તળાવ;
કાચના પિયાલામાં સીમ ઊઠે ખખડી
એવો બને છે બનાવ;
બાદશાહી દેશી ને ફળફળતી બાફમાં
મહેકે છે મંજરી જૂઠી—

આયનામાં કાચ નથી હોતો ને હોય છે
શેઠીઆની આંખનો પહેરો;
ભીના કકડાથી હું સાફ કરું ટેબલ ને
યાદ આવે માવડીનો ચહેરો—
હોટલના બાંકડા પર ઝૂકે ગગન
એવી મને કોઈ આપો જડીબૂટી—
એક પાછી રકાબી ફૂટી—