નયન હ. દેસાઈની કાવ્યસંપદા/સૂરજને ઘેરી ઘેરીને...
સૂરજને ઘેરી ઘેરીને
સૂરજને ઘેરી ઘેરીને આ સાંજ ક્યાં જશે?
પડછાયા પે’રી પે’રીને આ સાંજ ક્યાં જશે?
રાત્રિના દેવતાઓ દીવા થૈ જશે હવે
અંધારું વેરી વેરીને આ સાંજ ક્યાં જશે?
લોકો તો થાક્યાપાક્યા દીવાલોમાં સૂઈ જશે
બોલાવી શેરી શેરીને આ સાંજ ક્યાં જશે?
આકાશ આ તરફ અને અવકાશ ઑ તરફ
ધુમ્મસને વ્હેરી વ્હેરીને આ સાંજ ક્યાં જશે?
ઘંટારવોમાં સૂર્યની ચીસો ડૂબી ગઈ
રણકાવી દે’રી દે’રીને આ સાંજ ક્યાં જશે?
.