નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ચકલી ગીત

Revision as of 02:54, 2 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચકલી ગીત

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું ચીં ચી થી અળગા થવાય છે-? ના...રે...ના
બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરેતો ચકલીની માફક નવાય છે ના...રે...ના

ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણીધરતી ને સમદર ને વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,
સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.
પૂર્વાપર સંબંધો ચકલીને કન્યાના બંધાયા કઈ રીતે ? એવું કંઈ કોઈને પૂછાય છે ના...રે...ના

ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે, બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે
ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?
સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની આંખોથી, ચકલીને ભાગી શકાય છે ના...રે...ના

ખાલીખમ્મ કમરામાં ચક્લીનું ઊડવું ને પાંખોનું ફરફરવું ચીં ચી થી અળગા થવાય છે-? ના...રે...ના