સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/વિવેચક રામનારાયણ પાઠક

From Ekatra Foundation
Revision as of 16:23, 5 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વિવેચક રામનારાયણ પાઠક

‘દ્વિરેફ’, ‘શેષ’, ‘સ્વૈરવિહારી’ જેવાં ઉપનામોથી વાર્તા, કવિતા અને નિબંધ જેવાં સ્વરૂપોમાં સર્જનક્ષેત્રે કલમ ચલાવનારા રામનારાયણ વિશ્વનાથ પાઠક ગુજરાતી સાહિત્યમાં મૂર્ધન્ય વિવેચક તરીકે વધુ પ્રતિષ્ઠિત છે. સંખ્યા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ એમનું વિવેચન કાર્ય નોંધપાત્ર છે. એમની વિવેચન કારકિર્દી (ઈ.સ. ૧૯૨૨થી ઈ.સ. ૧૯૫૫) લગભગ ૩૩ વર્ષ જેટલી દીર્ઘ રહી છે. પાઠકસાહેબના વિવેચનને સમજવા માટે આપણે એનું વર્ગીકરણ કરીએ. પાઠકસાહેબનું વિવેચન મુખ્યત્વે ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. (૧) સિદ્ધાંતવિવેચન (૨) સ્વરૂપવિવેચન (૩) ગ્રંથાવલોકનવિવેચન પ્રસ્તુત વિભાગ ઉપરાંત એમની પાસેથી પિંગળશાસ્ત્ર વિષયક મળેલ અભ્યાસ એમના સર્જન વિવેચન જેટલો જ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી છે. પ્રથમ આપણે પાઠકસાહેબના સિદ્ધાંતવિવેચન વિશે જાણીએ. કાવ્યની શક્તિ, જીવન અને સાહિત્યનો તેમ જ સત્ય અને કાવ્યનો સંબંધ, કાવ્યમાં ભવ્યતા અત્યુક્તિ આદિનું સ્થાન, મમ્મટની રસમીમાંસા, ક્ષેમેન્દ્રનો ઔચિત્ય વિચાર આ સર્વ વિશેની તેમની વિચારણા સૈદ્ધાંતિક વિવેચનના ધ્યાનાર્હ નમૂના છે. ‘કાવ્યની શક્તિ’ અને ‘કાવ્ય અને સત્ય’માં કાવ્યપર્યેષણા છે. ‘કાવ્યની શક્તિ’ લેખમાં પાઠકસાહેબની કાવ્ય એટલે કે વાઙ્‌મયસર્જન સમગ્ર વિશેની વિભાવના દાર્શનિક સર્વગ્રાહિતાથી રજૂ થઈ છે. તેઓ આપણી વિવેચનપ્રવૃત્તિ વિશે સ્પષ્ટ રીતે માને છે કે એક, “પશ્ચિમનું વિવેચન-સાહિત્ય જેમ લાંબા ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થયું છે, તેમ આપણું પણ આપણા પ્રાચીન ઇતિહાસ પર પ્રતિષ્ઠિત થવું જોઈએ.” બીજું, “અંગ્રેજી દ્વારા પશ્ચિમના કલામીમાંસા (Aesthetics)ના જે ગ્રંથો ઉપલબ્ધ થાય છે તેનાથી આપણું વિવેચનસાહિત્ય ઊંડું થવા પ્રયત્ન કરે છે પરંતુ આમ થવામાં કંઈક સંસ્કૃત સાહિત્યની ઉપેક્ષા થતી જણાય છે.” (કાવ્યની શક્તિ, પૃ. ૨૨૪) એટલે માત્ર પશ્ચિમના જ વિચારોને અનુસરવાને બદલે આપણે આપણા કાવ્યશાસ્ત્રનો પણ અભ્યાસ કરવો જોઈએ. આપણે એનો અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી આપણું વિવેચન માત્ર પશ્ચિમના વિચારોના પડઘારૂપ બની રહેશે. સ્વતંત્ર રીતે આગળ વધશે નહીં. ‘કાવ્યની શક્તિ’ લેખમાં કાવ્યની શક્તિનાં વિવિધ પાસાંની ચર્ચા કર્યા પછી પાઠકસાહેબે મુકેલાં કેટલાંક નિરીક્ષણો સમસ્ત સાહિત્યને લાગુ પડે છે જુઓ : “સમસ્ત આત્મચૈતન્યનો ઉત્કર્ષ અનુભવાવવો એ કાવ્યનું કામ છે, એ કાવ્યની શક્તિ છે.” (કાવ્યની શક્તિ, પૃ. ૯૩) “મનુષ્યને સંપૂર્ણતા તરફ — તેની અંતિમ સિદ્ધિ તરફ લઈ જવો એ કાવ્યની શક્તિ છે, એ તેનો અધિકાર છે, એ તેનું સાફલ્ય છે.”(કાવ્યની શક્તિ, પૃ. ૯૪) સિદ્ધાંતવિવેચન સંદર્ભે નમૂનારૂપ પ્રસ્તુત વિચારોને જાણ્યા પછી પાઠકસાહેબની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનો અભ્યાસ કરતાં એમની સાહિત્યવિવેચન અને વિવેચક વિશેની માન્યતાઓ આપણે તારવી શકીએ. પાઠકસાહેબનો વિવેચનવિચાર ગાંધીયુગીન સંસ્કારસંદર્ભથી ઘૂંટાયેલો છે. તેઓ માને છે કે વિવેચન સાહિત્યને શુદ્ધ રાખનારું પરિબળ છે. વિવેચનની પ્રવૃત્તિમાં કલાહિતની સાથોસાથ સમાજહિતનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. કૃતિનિષ્ઠવિવેચનની સાથે સાથે તેઓ પરંપરાનિષ્ઠ અને ઐતિહાસિક વિવેચનની પણ જીકર કરે છે. તેઓ માને છે કે વિવેચનનો પ્રાદુર્ભાવ આનંદમાંથી થયેલો છે એટલે એનું લક્ષ્ય પણ આનંદ જ છે. વળી, વિવેચનમાં પ્રથમ સ્થાન તેઓ સર્જનને જ આપે છે. વિવેચન સર્જન જેટલું સ્વાયત્ત નથી. સૌંદર્યાનુભવની સાથે રસાનુભવ – આસ્વાદકર્મને તેઓ મહત્ત્વનું ગણે છે. પ્રસ્તુત સંદર્ભમાં રામનારાયણની વિવેચના વિશે જયંત કોઠારીએ કરેલું નિરીક્ષણ જાણવા જેવું છે. “પાશ્ચાત્ય અને અત્રત્ય બંને સાહિત્યશાસ્ત્રનો વિનિયોગ રામનારાયણની વિવેચનામાં છે, પરંતુ એમાં પરોપજીવિતા નથી, પ્રાપ્ત વિચારને એ પોતીકો બનાવીને રહે છે, પોતાની સૂઝથી એના નવા પરિણામો-પરિમાણો એ પ્રગટ કરે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર વિશેની વિચારણા આ દૃષ્ટિએ નોંધપાત્ર છે. એમાં એમનો પ્રયત્ન સંસ્કૃતકાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનો આજને અનુલક્ષીને વિસ્તાર-વિકાસ કરવા તરફ રહ્યો છે ને એ માટે એમણે નવાં અર્થઘટનનો કર્યાં છે તથા આવશ્યક જણાયું ત્યાં કેટલુંક સંમાર્જન પણ કર્યું છે.” વિવેચનમાં સહૃદયતા અને સૌહાર્દને પાઠકસાહેબ મહત્ત્વ આપે છે. પ્રસ્તુત સંદર્ભમાં તેમના મતે વિવેચક કોઈ વાંકદેખો માણસ નથી. તે સર્જકનો મિત્ર છે. ખરો વિવેચક એ છે જે કલાકૃતિના ગુણ સમજી શકતો હોય એવા વિવેચકને કૃતિના દોષ કહેવાનો અધિકાર છે. રામનારાયણ વિવેચકની સુરુચિ પર વિશેષ ભાર મૂકીને જણાવે છે કે રુચિ ‘વિવેચનનું અંતરતત્ત્વ’ છે. પ્રસ્તુત સંદર્ભમાં (‘સાહિત્યલોક’ પૃ. ૩૨) પાઠકસાહેબના જ શબ્દો જુઓ. “વિવેચન દેવ આગળ ધરેલા દીપની પેઠે, સર્જનસાહિત્યનું અર્ચન કરે છે, તેના સૌંદર્યને સ્ફુટ કરે છે એટલું જ નહીં તેને જીવતું રાખે છે, વિવેચન એ સાચા જીવતા સાહિત્યસર્જનનો વાઙ્‌મય ધબકાર છે... વિવેચન અને સર્જન બંને પોતાના જમાનાની ફિલસૂફી ઘડે છે.” એ રીતે વિવેચનપ્રવૃત્તિને રામનારાયણ જજમેન્ટ — ચુકાદો આપવાની પ્રવૃત્તિ ગણતા નથી. વિવેચનપ્રવૃત્તિ કલાકૃતિનાં રસસ્થાનો અને વિશેષતાઓને ભાવક સમક્ષ ખોલી આપનારી પ્રવૃત્તિ છે. વિવેચનપ્રવૃત્તિને પાઠકસાહેબ જીવનથી નિરપેક્ષ જોતા નથી. સાથેસાથે કલાકૃતિનું પોતીકાપણું પણ સચવાય એનો પણ તેઓ આગ્રહ રાખે છે. સર્જનની જેમ વિવેચનમાં પણ તેઓ કળાતત્ત્વને પ્રાધાન્ય આપે છે. તેઓ માને છે સાહિત્યની કસોટી જેમ કળા છે તેમ વિવેચનની કસોટી પણ કળા છે. સાહિત્યનાં ઘટકતત્ત્વોની સાથે સાહિત્યનાં સ્વરૂપો વિશેનો વિમર્શ પણ પાઠકસાહેબે કર્યો છે. પહેલાં આપણે કાવ્ય વિશેની તેમણે આપેલી અત્યંત રસપ્રદ વિવેચના જોઈએ. એમના વિવેચનમાંથી થોડાં નિદર્શનો દ્વારા આપણે એમના વિવેચનમાં પ્રવેશીએ. જુઓ : ૧) રામનારાયણ રસને કૃતિનું ‘આંતરતત્ત્વ’ માને છે જે કાવ્યમાં વધારે રસ પડે તે કાવ્યનું મૂલ્ય ઊંચું એમ કહે છે. ૨) કાવ્યાનંદમાં તત્ત્વતઃ જીવનનો આનંદ જ અનુસ્યૂત હોવો જોઈએ. ૩) કાવ્યાનુભવથી જ માણસનું ચિત્ત સાત્ત્વિક બને છે, ભાવકનો ચેતોવિસ્તાર થાય છે. ૪) રામનારાયણ કાવ્યમાં સંયમ ખાતર સંયમમાં માનતા નથી. લાગણીના આવેશમાં બેફામ બનીને કવિ વર્તે તે તેમને માન્ય નથી. ૫) તેઓ નોંધે છે કે લાગણીનું કાવ્યમાં ભાવરૂપે સર્જન થતાં જ એમાં અખિલાઈભર્યા જીવનદર્શનનો પ્રવેશ સ્વાભાવિક બને છે. ૬) કાવ્યમાંનો કલ્પનાનો સ્વૈરવિહાર જીવનના કોઈ અપૂર્વ રહસ્યાનુભવને અવલંબીને જ હોઈ શકે. કાવ્યમાં વિલસતી કલ્પનાનો વાસ્તવિકતા સાથે સંબંધ હોવો અનિવાર્ય છે. ૭) કાવ્યમાં ભવ્યતા પ્રગટ થવી અત્યંત વિરલ છે. પાઠકસાહેબ ભવ્યતાને કાવ્ય સમસ્તમાં રહેલી કાવ્યપ્રેરણારૂપ લેખે છે. કાવ્યમાં ભવ્યતાની સમજ જગન્નાથના ખ્યાલને કેન્દ્રમાં રાખીને એમણે આપી છે. ૮) કાવ્યના ઉપાદાન સંદર્ભે સમજાવતાં પાઠકસાહેબ નોંધે છે કે કાવ્યનું ઉપાદાન વાણી છે. વિચારમાં વધુ ઊંડા ઊતરી ‘કાવ્યનું સૂક્ષ્મ ઉપાદાન’ ‘લાગણીમય વિચાર’ અથવા ‘વિચારનિષ્ઠ લાગણી’ હોવાનું પણ તેઓ જણાવે છે. વળી, કાવ્યે નૂતન અનુભવસંદર્ભ અનુસાર ઉપાદાનરીતિમાં પણ વિશેષતા સિદ્ધ કરવી અનિવાર્ય છે. ૯) રામનારાયણ કાવ્યકલાના કેન્દ્રમાં રહસ્યને મૂકે છે અને એ રીતે સર્જનવ્યાપારનો જ તેઓ મહિમા કરે છે. ૧૦) કવિના સર્જનવ્યાપારનું મહત્ત્વ દર્શાવતાં પાઠકસાહેબ જીવનદર્શનનું પણ મહત્ત્વ પણ સ્વીકારે છે. ૧૧) પાઠકસાહેબ કાવ્યના સત્ય સંદર્ભે માને છે કે કાવ્યમાં સત્યનું સૂક્ષ્મ સ્વરૂપ જીવંત થઈને કવિના હૃદયમાં સુંદર રૂપ લઈ પ્રગટ થાય છે. ૧૨) કાવ્યાનુભવથી માણસનું ચિત્ત સાત્ત્વિક બને છે ને એનો ચેતોવિસ્તાર થાય છે. ૧૩) કાવ્યનું લક્ષ્ય પાઠકસાહેબ સૌંદર્યને માને છે અને કહે છે કે સૌંદર્ય સાથેનો કાવ્યનો સંબંધ સંકુલ-ઊંડો છે. આ કાવ્યગત સૌંદર્ય તે સત્ય, શિવ, જ્ઞાન ઇત્યાદિથી વિભિન્ન કે વિરુદ્ધ નથી; પરંતુ ઉત્તમ કાવ્યકૃતિમાં તો ‘ટ્રુથ ઇઝ બ્યુટી એન્ડ બ્યુટી ઇઝ ટ્રુથ’ એવું સમીકરણ સિદ્ધ થઈને રહે છે. ૧૪) કાવ્યના રસાસ્વાદમાં લાગણી સાથે બુદ્ધિનો સમન્વય રામનારાયણ અનિવાર્ય ગણે છે. લાગણીના આવેશમાં કવિ કે ભાવક બેફામ વર્તે એ એમને સ્વીકાર્ય નથી. ૧૫) રામનારાયણે કાવ્યમાં વિલસતી કલ્પનાના વાસ્તવિકતા સાથેના સંબંધને અનિવાર્ય ગણાવ્યો છે. વળી, કહ્યું છે કે મહાન કવિ અને સાધારણ કવિ વચ્ચેનો ફરક કલ્પનાની વિશાળતાનો હોય છે. ૧૬) રામનારાયણ કવિના સમગ્ર સર્જનવ્યાપાર પાછળ જે મૂળભૂત શક્તિ છે તેનો સંકેત ‘પ્રતિભા’ શબ્દથી થતો સમજે છે. ‘પ્રતિભા’નો અર્થ સમજાવતાં તેઓ લખે છે કે પ્રતિભાશાળી કવિ સાંકડાં અભિમાનની મર્યાદાની પાર જઈને આખા વિશ્વમાંથી અનુભવ લઈ શકે છે. ૧૭) કાવ્યમાં ભાષાશુદ્ધિનું મહત્ત્વ દર્શાવતાં પાઠકસાહેબ કહે છે કે કાવ્યમાં વપરાયેલા દરેક શબ્દનો અર્થ થવો જોઈએ, દરેક વાક્યનો અર્થ થવો જોઈએ અને પછી એ અર્થમાંથી વ્યંગ્યાર્થ નીકળી શકે એટલી તેની કાવ્યશક્તિ. ૧૮) કાવ્યમાં પ્રાસ, છંદોવિધાન, ગેયતા-અગેયતા, આકાંક્ષા, યોગ્યતા, સંનિધિ વિશે કરેલી પાઠકસાહેબની ચર્ચા ધ્યાનાર્હ છે. ૧૯) કાવ્ય ગદ્યમાં હોઈ શકે એ મતનો પણ રામનારાયણ સ્વીકાર કરે છે. એ સંદર્ભમાં ન્હાનાલાલની ડોલનશૈલીનો પણ સ્વીકાર કરે છે. ૨૦) કાવ્યના રસાસ્વાદમાં લાગણી સાથે બુદ્ધિનો સમન્વય રામનારાયણ અનિવાર્ય ગણે છે. લાગણીના આવેશમાં કવિ કે ભાવક બેફામ વર્તે એ એમને સ્વીકાર્ય નથી. ૨૧) ‘બ્લૅન્ક વર્સ’ સંબંધિત વિસ્તૃત ચર્ચા પણ તેમણે વિવિધ તબક્કે કરી છે. આ ઉપરાંત પાઠકસાહેબે કાવ્યમાં નિરૂપિત જીવનવસ્તુને આધારે મહાકાવ્યથી ખંડકાવ્યની અને ઊર્મિકાવ્યની પ્રકારશ્રેણિઓ દર્શાવી છે. મહાકાવ્યથી નાના કદના પણ એ જ પ્રકારના કાવ્યને તેઓ આખ્યાનકાવ્ય કહે છે તેમાં મહાકાવ્યની જેમ બૃહદ્‌ સમાજ કે વંશ મુખ્ય હોતા નથી પણ વ્યક્તિજીવન મુખ્ય હોય છે. જે ઠીકઠીક લાંબું હોય છે. હવે વ્યક્તિના આખા જીવનને બદલે જેમાં તેના જીવનનું અમુક વૃત્તાંત હોય તેને તેઓ ખંડકાવ્ય કહે છે. મહાકાવ્ય કરતાં આખ્યાનકાવ્ય, અને આખ્યાનકાવ્ય કરતાં ખંડકાવ્ય વધારે સુશ્લિષ્ટ હોય છે. પાઠકસાહેબે પદ, રાસ, ભજન, ગરબી, ઊર્મિકાવ્ય, ગઝલ, સૉનેટ વિશે પણ નિદર્શનો સાથે ચર્ચા કરી છે. પાઠકસાહેબે ગદ્યનાં કેટલાંક સ્વરૂપો વિશે પણ અભ્યાસ આપ્યો. નવલકથાની ચર્ચા ‘સરસ્સ્વતીચંદ્ર’ જેવી નવલકથાને નિમિત્તે તેમજ ઐતિહાસિક નવલકથાની સમસ્યા અનુષંગે કરી છે. તો ‘શિશુ અને સખી’ કૃતિ નિમિત્તે આત્મકથા અને કાવ્યનાં દૃષ્ટિબિંદુઓ વચ્ચેના ભેદની કેટલીક માર્મિક ચર્ચા કરી છે. ટૂંકી વાર્તા વિશેના પાઠકસાહેબનાં નિરીક્ષણો ટૂંકી વાર્તા વાંચવા જેટલી જ રસપ્રદ અને કોઈપણ સમયે પ્રસ્તુત બની રહે તેવાં છે. ટૂંકી વાર્તાના સ્વરૂપને સમજાવવા માટે ટુચકાથી ટૂંકી વાર્તા ક્યાં ને કેવી રીતે જુદી પડે છે ત્યાંથી માંડીને વાર્તાનું વસ્તુ, વાર્તામાં બનાવો, ઉક્તિઓ, પાત્રોનાં વર્તન આ બધાંની સાથે વાર્તા ચમત્કારક અને લોકોત્તર બનવી જોઈએ એને વિશે સદૃષ્ટાંત વાત કરી છે. વળી, વાર્તાકાર એટલો સજ્જ હોવો જોઈએ કે એ વાર્તા ઘડે છે પણ એની નિશાની ક્યાંય રહેવી ન જોઈએ. સાથે પાત્રો વ્યક્તિ જ હોવા જોઈએ નમૂના (types) ન હોવા જોઈએ. ટૂંકી વાર્તા જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછાં પાત્રોથી, ઓછામાં ઓછા બનાવોથી, ઓછામાં ઓછા શબ્દોમાં નિરૂપિત થયેલી હોવી જોઈએ. પાઠકસાહેબ પાસેથી મળેલું ગ્રંથાવલોકનવિવેચન સમૃદ્ધ અને ઉપયોગી છે. એમનાં સંક્ષિપ્ત વિવેચનો અને અવલોકનનોંધો આપણને અવલોકનના ઉચ્ચ આદર્શની જાણકારી આપે છે. તેમના વિવેચનસંગ્રહોમાં સવાસો ઉપરાંત ગ્રંથો વિશે અવલોકનો મળે છે. એમાં સાહિત્યની સાથે ચિત્રકળા, ધર્મ, કેળવણી વિષયક પુસ્તકોનો સમાવેશ થાય છે. ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓના ગ્રંથોની સમીક્ષાઓ તેમની પાસેથી મળી છે. ગુજરાતી ભાષાના કેટલાક ઉત્તમ અથવા વિશિષ્ટ ગ્રંથોની સમીક્ષાઓ તેમણે આપી છે. જેમકે, ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘પૂર્વાલાપ’, ‘વિશ્વગીતા’. આ ઉપરાંત બળવંતરાય ઠાકોર, રમણલાલ દેસાઈ, નવલરામ ત્રિવેદી, કિશોરલાલ મશરૂવાળા, સુન્દરમ્‌, ઉમાશંકર, કરસનદાસ માણેક વગેરે અનેક સાહિત્યકારોની કૃતિઓની સમીક્ષા કરી છે. એ રીતે એમની રસવૃત્તિ વ્યાપક અને ઊંડી છે. પાઠકસાહેબે મધ્યકાલીન સાહિત્યની અનેક કૃતિઓ અને કર્તાઓ વિશે પણ વિવેચન કર્યું છે. એમાં ‘વસંતવિલાસ’ની કવિતા અને નરસિંહના કવિકર્મની વાત સરસ રીતે કરી છે. ‘કાન્હદેપ્રબંધ’નો આસ્વાદ પણ કરાવ્યો છે. સાથે નરસિંહ, ભાલણ, મીરાંની રચનાઓ વિશે સદૃષ્ટાંત વાત કરી છે. તેઓ અખાની ઓળખ ‘વિચક્ષણ, ગંભીર, બલસંપન્ન, કટાક્ષમાં હસતા કવિ તરીકે કરાવે છે. તો પ્રેમાનંદ તેમના મતે સમગ્ર ગુજરાતના જીવનના મહાન અને અદ્વિતીય કવિ છે. પ્રેમાનંદના હાસ્યરસને અનુષંગે ‘સુદામાચરિત્ર’, ‘નળાખ્યાન’ અને ‘મામેરું’ની તેમણે કરેલી તપાસ બેનમૂન છે. એ જ રીતે ધીરા, ભોજા ભગત અને રાજેની રચનાઓ વિશેનાં એમનાં નિરીક્ષણો ધ્યાને લેવાં જોઈએ. રામનારાયણે મધ્યકાલીન ગુજરાતી કાવ્યસાહિત્યનો છંદોવિધાનની દૃષ્ટિએ ઐતિહાસિક પદ્ધતિએ જે અભ્યાસ કર્યો છે તે અપૂર્વ છે. ‘પ્રાચીન ગુજરાતી છંદો’, ‘બૃહદ્‌ પિંગળ’ આ પ્રકારના અભ્યાસના મહત્ત્વના ગ્રંથ છે. ગ્રંથમાં પ્રાચીન ગુજરાતી છંદોનો ખ્યાલ આપવામાં આવ્યો છે. એમાં એ છંદોની પરંપરાનો અને અપભ્રંશ સાહિત્યના છંદવારસાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમાં પદ્ય સંદર્ભે થયેલા ફેરફારો, પદ્યમાં નવાં નવાં કયાં રૂપો સિદ્ધ થતાં જાય છે, પદ્યક્ષેત્રે વૃત્તોનાં વિસ્તાર અને મિશ્રણથી કેવી વૈચિત્ર્યમય રચનાઓ સર્જાતી જાય છે એ તપાસવાનો ઉપક્રમ રાખ્યો છે. રામનારાયણે ઊંડા રસથી પુષ્કળ સામગ્રીની ચકાસણી કરીને પદ્યરચનામાં થતા ફેરફારોને અવલોક્યા છે. તેનું વિશ્લેષણ કરીને તેમાંથી પિંગળદૃષ્ટિએ કેટલાંક વ્યાપક વલણો તારવ્યાં છે. ગુજરાતી દેશીઓને પિંગળબદ્ધ કરવામાં, એમનું શાસ્ત્રીય ભૂમિકાએ વિશ્લેષણ કરી તેમની ગતિવિધિઓ પર પ્રકાશ પાડવાનો જે સમર્થ પ્રયાસ કર્યો તે પાઠકસાહેબનું ગુજરાતી પિંગળક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન છે. આ ઉપરાંત છંદ વિશે ચર્ચા કરતાં અક્ષરસંધિઓ તેમ જ માત્રાસંધિઓનાં સ્વરૂપ, પંક્તિમાં તેમના પરસ્પરના અન્વય મેળ વગેરે વિશે સદૃષ્ટાંત ચર્ચા થઈ છે. પાઠકસાહેબે દેશીઓના પિંગળની ચર્ચા કરતાં તેનાં સંગીત સાથેના સંબંધની વાત પણ કરી છે. દેશીઓમાં આવતાં તાનપૂરકો, તેમાંની ધ્રુવ પંક્તિઓ કે ટેક કે આંકણી — આ બધાં વિશેની તેમની વિચારણા રસપ્રદ છે. અવિરત શ્રમ લઈ એકત્રિત કરેલાં અસંખ્ય દૃષ્ટાંતોને તપાસી-ચકાસી એમાંથી જ નિયમ તારવી આપવાની પાઠકસાહેબ પાસે વૈજ્ઞાનિક દૃષ્ટિ-સૂઝ છે જે આ મહાગ્રંથ (બૃહદ્‌પિંગળ) બતાવે છે. અનેક વિશેષતાવાળો વિષયને હસ્તામલકવત્‌ કરતો, આ વિષયની સરળ ભાષામાં ચર્ચા કરતો આ ગ્રંથ અત્યાર સુધીના પ્રસ્તુત વિષયના બધાં જ ગ્રંથોની માળામાં મેરુરૂપ બની રહેશે. પાઠકસાહેબના સમગ્ર વિવેચનના અભ્યાસથી આપણે જ્યોતીન્દ્ર દવેના પ્રસ્તુત વિધાન સાથે સહમત થઈશું. “તર્કબદ્ધતા, પ્રમાણબુદ્ધિ, રસજ્ઞતા, સુગ્રાહ્યતા, સાંગોપાંગ નિરુપણ, રાગદ્વેષ વિમુક્તિ, સિદ્ધાંતચર્ચામાં ઊંડાણ, સોદાહરણ સ્પષ્ટ રજૂઆત, કૃતિનાં હાર્દની સમજૂતી, અમૂર્તને મૂર્ત બનાવતી સંગીન વિચારણા, સંશોધનની પ્રબળ વૃત્તિ, કશું ન સમજાય એવું ભાગ્યે જ હોઈ શકે એવી માન્યતા અને તેને આધારે જ્યાં ન થઈ શકે ત્યાં બધે સમર્થનના દુરાગ્રહ વિનાનું અર્થઘટન વિવેચક રામનારાયણનાં વિશિષ્ટ લક્ષણો ગણાવી શકાય.” (રામનારાયણ વિ. પાઠક, ચંદ્રકાન્ત શેઠ, પૃ. ૬૩)