સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/‘બૃહદ્‌ પિંગળ’ ભૂમિકા

From Ekatra Foundation
Revision as of 02:28, 7 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬. ‘બૃહદ્‌ પિંગળ’ ભૂમિકા

[‘બૃહદ્‌ પિંગળ’ ગ્રંથના પ્રાસ્તાવિક લેખમાંથી]

પિંગલ કે છન્દઃશાસ્ત્ર એ છન્દ કે પદ્યરચનાના બંધના સ્વરૂપનું નિરૂપણ કરે છે. વાઙ્‌મયનાં બે સ્વરૂપો છે : ગદ્ય અને પદ્ય. તેમાં ગદ્ય સામાન્ય વ્યવહારમાં બોલાતી ભાષાનું સ્વરૂપ છે. તેમાં ભાષા કેવલ અર્થને અનુકૂલ રીતે, અર્થને અનુસરીને બોલવાની હોય છે. પદ્યની રચના વિશેષ કરીને કાવ્યને માટે યોજાયેલી હોય છે – જોકે કાવ્ય ગદ્યમાં પણ હોઈ શકે, હોય છે, જેમ કે કાંદબરી. પદ્યનું પઠન પણ અર્થને ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે, પણ તે ઉપરાતં તે પદ્યની રચનાના બંધને અનુસરીને, તે બંધના સંસ્કાર પડે એવી રીતે કરવાનું હોય છે. વાણી જ્યારે કાવ્યનું પ્રયેાજન સિદ્ધ કરવા અમુક મેળવાળું સ્વરૂપ લે છે ત્યારે તે પદ્ય કહેવાય છે. આ મેળ અમુક માપથી સધાય છે. વાણી શબ્દોની અને શબ્દો અક્ષરોના બનેલા છે. અક્ષર એ વાણીના ઉચ્ચારનો એકમ છે. પદ્યરચનામાં પ્રયોજાતા અક્ષરોના ઉચ્ચાર બે સ્વરૂપે થાય છે, જેને લીધે અક્ષરો લઘુ કે ગુરુ અને એક કે બે માત્રાના ગણાય છે. કવિઓ પોતાની કૃતિમાં વાણીને પ્રયોજતાં તેના અક્ષરોના માપથી અનેક જાતની હૃદ્ય આકૃતિઓ રચે છે. આ આકૃતિ કે આકાર તે છન્દ અને છંદોબદ્ધ વાણી તે પદ્ય. છંદો અનેક હોઈ શકે. કવિઓેએ આવા અનેક છંદો આજ સુધીમાંં રચ્યા છે, અને હજી પોતાના પ્રતિભાના બળથી નવા નવા રચતા જાય છે. પિંગલ આ છંદોના બંધનો અને તેના મેળનો અભ્યાસ કરે છે. બધી ભાષાના અક્ષરો એક જ રીતે ઉચ્ચારાતા નથી, અને બધી ભાષાની પદ્યરચનાઓ અક્ષરોચ્ચારના એક જ તત્ત્વને અવલંબતી હોતી નથી. આપણી ગુજરાતી અને હિંદની બીજી સંસ્કૃતોદ્‌ભવ ભાષાઓમાં અક્ષરના લઘુત્વ-ગુરુત્વ અને માત્રાથી પદ્યનાં માપો રચાય છે. અંગ્રેજી ભાષામાં શબ્દના ઉચ્ચારણમાં અમુક અક્ષરમાં ઉચ્ચારાતા ઍક્સન્ટ (accent) એટલે સ્વરભારના તત્ત્વને અવલંબીને જુદી જુદી પદ્યરચનાઓ થાય છે. આપણી ગવેષણનો પ્રદેશ ગુજરાતીમાં થતી પદ્યરચનાનો છે. અલબત્ત ગુજરાતી જેવી બીજી સંસ્કૃતોદ્‌ભવ ભાષાની પદ્યરચનાઓમાં કોઈ તાત્ત્વિક ભેદ નથી, અને એ રીતે એવી ભાષાની પદ્યરચનાના અભ્યાસથી પણ આપણી પદ્યરચનાઓ ઉપર પ્રકાશ પડે. વળી આ બધી ભાષાઓના સીમાડા લગોલગ અને સેળભેળ છે, અને તેમની વચ્ચે વાઙ્‌મયવ્યવહાર પણ છે, જે હવે તો વધતો જાય છે, તેને લીધે એક ભાષાના પદ્ય ઉપર અન્ય ભાષાના પદો અનેકવિધ અસર કરી છે, અને એ અસર વધતી જવાની છે. એ દૃષ્ટિએ પણ સંસ્કૃતોદ્‌ભવ બીજી ભાષાનાં પિંગલો પણ આપણ ગવેષણને ઉપકારક થાય. સમગ્ર કાવ્યમાં છંદને શું સ્થાન છે, છંદ કાવ્યના કયા અંશને અવલંબે છે તે એક દૃષ્ટાંત લઈ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીએ. અમુક પ્રયોજન માટે આ દૃષ્ટાંત ગુજરાતી કવિતામાંથી ન લેતાં તુલસીદાસના રામાયણમાંથી લઉં છું : –

विकसे सरसिज नानारंगा
मधुर मुखर गुंजत बहु भृंगा।
बोलत बलकुक्कुट कलहंसा
प्रभु बिलोकि जन करत प्रशंसा ।।
- अरण्यकांड, पृ. ६७६

આ પંપા સરોવરના વર્ણનની એક ચોપાઈ છે. ધારો કે એ ચોપાઈને આપણે તુલસીદાસની ચોપાઈઓ ગણાય છે તે રીતે ગવાતી સાંભળી. તો એ ચોપાઈ સાંભળતી વખતે સંગીતના ને સ્વરો આપણે સાંભળ્યા તે સ્વરો છંદનો વિષય નથી. છંદ એનો એ રહે અને કોઈ બીજો સંગીતકાર તેને જુદા સ્વરોમાં ગાઈ શકે. એટલું જ નહિ, આપણે અંગ્રેજી કાવ્યના પરિચયથી જે સંગીતથી સ્વતંત્ર પઠન કરવાના સંસ્કાર મેળવ્યા છે તે સંસ્કારો પ્રમાણે આપણે આ ચોપાઈને સંગીતના સ્વરોને પ્રયેાજ્યા વિના પણ પઠી શકીએ. અર્થાત્‌ છંદને સંગીતના સ્વરો સાથે સંબંધ નથી. તેમ જ આ ચોપાઈમાં જે શબ્દોચ્ચારનું માધુર્ય છે તેને અને છંદને પણ કશો સંબંધ નથી. આ કાવ્ય ઉચ્ચારાતાં જે આ કાવ્યનો અર્થ નહીં સમજતું હોય તેને પણ આ કાવ્યના અક્ષરોના ઉચ્ચારણમાં એક પ્રકારનું માધુર્ય જણાતું હશે. કહ્યું છે કે :

येऽपि शब्दविदो नैव नैव चार्थ विचक्षणाः ।
तेषामपि सतां पाठः सुष्ठु कर्णरसायनम् ।।
-का. मी. चौ. १-७; पृ, १०७-०८

જેઓ શબ્દને જાણતા નથી, તેમ જ અર્થ કરવામાં વિલક્ષણ નથી તેમને પણ સારા માણસોએ કરેલા (કાવ્યનો) પાઠ સારી રીતે કર્ણરસાયન બને છે. આ પ્રકારનું ઉચ્ચારમાધુર્ય ચોપાઈની બીજી પંક્તિમાં આવતા ‘મધુર મુખર’ શબ્દોના ઉચ્ચારથી, અને ત્રીજી પંક્તિમાં ‘લ’ અને ‘ક’ના ઉચ્ચારથી તેમ જ અનુસ્વારના રણકારથી અનુભવાય છે. પણ આ માધુર્ય (આને કાવ્યશાસ્ત્રમાં માધુર્ય જ કહેલું છે)ના તત્ત્વ સાથે એટલે અક્ષરોનાં સ્થાન સાથે પણ છંદને સંબંધ નથી. કાવ્યનો અર્થ ન સમજાયો હોય એવો વિકલ્પ આપણે માધુર્યને અંગે વિચારી લીધો એટલે કાવ્યનો અર્થ એ પણ છંદના અવલંબનનું પ્રત્યક્ષ તત્ત્વ નથી. એ પ્રત્યક્ષ તત્ત્વ તે અક્ષરોનું માપ છે. ઉપરની ચોપાઈનો અક્ષરવિન્યાસ એવો છે કે તેમાં દરેક પંક્તિમાં ચચ્ચાર માત્રાના અક્ષરગુચ્છોનાં ચાર ચાર આવર્તનો થાય છે. ગુરુની બે માત્રા અને લઘુની એક માત્રાના ધોરણે દરેક અક્ષર ઉપર તેની સંખ્યા મૂકી હું એ નીચે દર્શાવું છું :

Samagra - R V Pathak Image 1.png

અહીં ‘વિકસે’, ‘સરસિજ’, ‘નાના’, ‘રંગા’, એ દરેક શબ્દ ચાર માત્રાનો છે, તે પછી ‘મધુરમુ’ એટલાથી એક ચાર માત્રાનો અક્ષરગુચ્છ રચાય છે, પછી ‘ખરગું’, ‘જાત બહુ’, ‘ભૃંગા’ એ પ્રમાણે, અને તે પછી ‘બોલત’, ‘જલકુ’, ‘ક્કુટકલ’, ‘હંસા’, એ પ્રમાણે ગુચ્છો રચાય છે. પણ પછીની પંક્તિમાં અર્ધ સુધી એવા ગુચ્છો રચાતા નથી. અર્ધે એક આઠ માત્રાનો ગુચ્છ પૂરો થઈ પછી, પાછા ‘કરતપ્ર’ અને ‘શંસા’, એવા ચચ્ચાર માત્રાના બે ગુચ્છો રચાય છે. આ અપવાદોના ખુલાસા આગળ એ છંદની ચર્ચાના પ્રસંગ પર રહેવા દઈ આપણે એટલું કહી શકીશું કે આમાં ચચ્ચાર માત્રાના ચાર અક્ષરગુચ્છોથી એક એક પંક્તિ કે ચરણ થાય છે. અને એવી ચાર પંક્તિનો એક છંદ બને છે. અર્થાત્‌ છંદ વાણીના માપથી બને છે. અને એ માપ તે અક્ષરના ઉચ્ચારણનું માપ છે. અક્ષરના ઉચ્ચારણને અમુક માપ છે, અને કવિ એ માપનો ઉપયોગ કરીને છંદ રચે છે. કવિ એવી રીતે અક્ષરોને યોજે છે કે એ અક્ષરોના ઉચ્ચારણના માપથી અમુક છંદ રચાય. અને અક્ષરના માપથી છંદો રચવાની પદ્ધતિઓ પણ જુદી જુદી હોય છે. દાખલા તરીકે ઉપરની ચોપાઈમાં દરેક અક્ષરગુચ્છની માત્રાસંખ્યા નિયત છે, અને દરેક પંક્તિમાં એવા અક્ષરગુચ્છની સંખ્યા પણ નિયત છે. પણ એક ચરણના કુલ અક્ષરોનો નિયમ નથી. પહેલી પંક્તિમાં કુલ ૧૧ અક્ષરો છે, બીજીમાં ૧૩ છે, ત્રીજીમાં ૧૨ છે અને ચોથામાં વળી ૧૩ છે. આ જાતની રચનામાં અક્ષરની કુલ સંખ્યા સરખી હોતી નથી, હોઈ શકે પણ નહીં એ આપણે આગળ જોઈશું. પણ એક બીજા પ્રકારની રચના છે તેમાં એનો પણ નિયમ હોય છે. જેમ કે : —

શિખરિણી
હવે તો મેદાનં વરતનુ દિસે છે વિચરતી,
વિલોકે સામે, ત્યાં ત્વરિત ચરણોની ગતિ થતી;
રહ્યાં બંને બાજૂ તરુવર, નહીં કાંઇ વચમાં,
વસેલૂં આવીને પણ સકલ સૌંદર્ય કચમાં!
—‘દેવયાની’, પૂર્વાલાપ

આ છંદમાં જોઈશું તો દરેક પંક્તિમાં સત્તર અક્ષરો છે એટલું જ નહીં, પહેલી પંક્તિમાં પહેલો અક્ષર લઘુ છે, તો બધેય એ સ્થાને લઘુ જ આવવાનો, તે પછી પાંચ ગુરુ આવે છે, તે દરેક પંક્તિમાં એમ જ આવવાના. આ પ્રમાણે માપોની આકૃતિઓના પ્રકારો જુદા જુદા હોય છે. પણ માપ વિના છંદ નથી થઈ શકતો, અને એ માપ અક્ષરનાઉચ્ચારણતત્ત્વનું’ માપ છે. આ માપથી એક અનુભવાય છે,—પછી આપણે કાવ્ય જાતે પઠતા જોઈએ, કે કોઈને પઠતો સાંભળતા હોઈએ, કે કાવ્ય વાંચતાં કલ્પનાના કાને સાંભળતા હોઈએ. કાવ્ય શ્રાવ્ય છે, તો એ વાણીનો મેળ પણ શ્રાવ્ય છે. પદ્ય એટલે માપથી સિદ્ધ સુમેળવાળી વાણી. પદ્યની વિશિષ્ટ આકૃતિ કે આકાર તે છંદ. આપણે જોયું કે છંદોનું અવલંબનતત્ત્વ વાણીનો અક્ષર છે, છંદોનું માપ અક્ષરનાં લઘુત્વ-ગુરુત્વ અને માત્રાથી રચાય છે. પણ એનો અર્થ એ નથી કે કાવ્યમાં છંદને અર્થ સાથે લેવાદેવા જ નથી. કાવ્યનું સૌંદર્ય મુખ્યત્વે તેના અર્થથી નિષ્પન્ન થાય છે અને કાવ્યના ઉચ્ચારમાયુર્ધની પેઠે જ કાવ્યનો છંદ પણ અર્થને પોષવા જ, અર્થને સુંદર કરવા જ આવે છે. ખરું તો એમ કહેવું જોઈએ કે કાવ્યના એ અર્થ માટે વાણીના છંદરૂપ આકાર આવશ્યક હતો. કોઈ કહે કે માત્ર છંદમાં તે એટલે બધું ભેગું એવું શું છે? પણ ઉપરની ચોપાઈ કે શિખરિણીના પદ્યબંધ છોડી નાખી તેને ગદ્યમાં મૂકી જોઈશું તો જણાશે કે એ વાણી સુંદર નથી રહેતી. કદાચ એમ પણ લાગે કે એ છંદ વિના એ જ અર્થની વાણી પણ કહેવા જેવી પણ નથી રહી. ચોપાઈના લકાર અને કકારના અનુપ્રાસો છન્દમાં શોભે છે તે ગદ્યમાં નહીં શોભે, અસ્થાને લાગશે. માટે જ કાવ્યસાહિત્યનો પ્રારંભ થયો ત્યારથી તે છંદમાં જ વહેતું આવ્યું છે. અને જોકે કાવ્ય ગદ્યમાં હોય છે છતાં હજી પણ છંદ જ કાવ્યનું સ્વાભાવિક વાહન ગણાય છે. તે એટલે સુધી કે ઘણા તો છંદમાં આવે તે બધાને કાવ્ય ગણી કાઢે છે. પણ એમ નથી એ પણ સાથે સાથે કહેવું જોઈએ. કાવ્ય મુખ્યત્વે તેના અર્થથી કાવ્ય બને છે, અને છંદ એ તેનો બાહ્ય આકાર છે, તેના ઉચ્ચારનો આકાર છે. અને કાવ્યને ઉપકારક થવા સિવાય તેને કોઈ સ્વતંત્ર પ્રયોજન નથી. અને માટે જ કુશળ કવિ પોતાની પ્રતિભાથી વસ્તુને અનુકૂલ જ છંદ યોજે છે. આપણે જોયું કે અક્ષરોના લઘુત્વ-ગુરુત્વ અને તેની માત્રાથી જ છંદો રચાય છે. એટલે કે પિંગલનો પહેલો પ્રશ્ન એ છે કે અક્ષરનું સ્વરૂપ શું અને તેના લઘુત્વ-ગુરુત્વ અને માત્રાનું સ્વરૂપ શું? અક્ષર એ બોલાતી વાણીનો એકમ છે. આ એકમ માટે જુદા જુદા શબ્દો ગોઠવાય છે. પણ પ્રાચીન પરંપરા૧[1] અને શાસ્ત્રવ્યવસ્થાની સગવડ બંને જોતાં એ એકમ માટે અક્ષર શબ્દ યોજવો ઠીક છે. આપણે બોલાતી વાણીના એકમની વાત કરીએ છીએ એટલે ફલિત થાય છે કે બધા સ્વરો અક્ષરો છે, સ્વર વિનાના વ્યંજનને અક્ષર ગણી શકાય નહીં. કારણ કે સ્વર જ સ્વતંત્ર ઉચ્ચારી શકાય છે, સ્વર વિના વ્યંજન સ્વતંત્ર ઉચ્ચારી શકાતો નથી. પણ એક સ્વર એકલો બોલાય તો અક્ષર છે, તે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે એક સ્વરને આધારે જે વ્યંજનો બોલાય તો પણ એ અક્ષરનું જ અંગ છે. અર્થાત્‌ દરેક સ્વર, તે વ્યંજન સિવાય બોલાતો હોય ત્યારે તે એકલો સ્વર, અને વ્યંજનો સાથે બોલાતો હોય ત્યારે તે સ્વરને આધારે જે વ્યંજનો બોલાતા હોય તે સાથેનો આખો ઉચ્ચારપિંડ તે અક્ષર છે. અર્થાત્‌ ‘અક્ષર’ શબ્દમાં પ્રથમ આવતો એકલો ‘અ’ સ્વર એ અક્ષર છે, પછી આવતા ‘અ’ અને તેના આધારે રહેલા બંને વ્યંજનનો ‘કષ્‌’ સાથેનો આખો ઉચ્ચારને ‘ક્ષ’ એ પણ એક અક્ષર છે, અને ‘ર’ પણ એ પ્રમાણે એક અક્ષર છે. એટલે જ નહીં ‘ક્વચિત્‌’ શબ્દમાં ‘ક્વ’ એ પહેલો અક્ષર છે, અને ‘ચિત્‌’ એ પણ એક જ અક્ષર છે, કારણ કે છેલ્લો વ્યંજન ‘ત્‌’ આગલા ‘ઇ’ને આધારે જ બોલાય છે. સ્વરથી જ ઉચ્ચારણ થાય છે એટલે અક્ષરોમાં રહેલા સ્વરને જ લઘુત્વ-ગુરુત્વ અને માત્રાનું માપ છે. વ્યાકરણમાં આવતા બધા દીર્ઘ સ્વરો, એ ગુરુ છે, એટલે આ ઈ ઊ એ ઐ ઓ ઔ બધા ગુરુ છે. ‘અં’ અને ‘અઃ’ એને પણ પણ આપણે દીર્ઘ સ્વર ગણીએ છીએ એટલે એ પણ ગુરુ છે. હ્રસ્વ સ્વર લઘુ છે પણ તેમાં એવો અપવાદ છે કે હ્રસ્વ સ્વર પછી સંયુક્ત વ્યંજનનો આવે તેનો થડકારો એ હ્રસ્વ સ્વરને લાગે તો તે ગુરુ થાય છે. તેમ જ લઘુ સ્વર પછવાડે કોઈ વ્યંજન આવે તો પણ તે ગુરુ બને છે. દાખલા તરીકે ઉપર આપેલા ‘ક્વચિત્‌’ શબ્દમાં પહેલો આવતો ‘ક્વ’ લઘુ છે અને ‘ચિત્‌’નો ‘ઇ’ લઘુ હોવા છતાં વ્યંજનમાં હોવાથી ગુરુ છે. તે જ પ્રમાણે ‘દિક્‌’ શબ્દ પણ એક જ અક્ષરનો છે અને એ પણ ગુરુ છે. પ્રો. ઠાકોર, ગુજરાતી અવ્યય ‘પણ’ના ઉચ્ચારણમાં ‘ણ’નો ‘અ’ દ્રુત બોલાય છે તેથી તેને ‘પણ’ જેવો ગણી તે શબ્દને બે લઘુ અક્ષરનો નહીં પણ એક ગુરુનો ગણી તે આ નિયમ પ્રમાણે, આમાં ણકાર ખોડા ‘ણ્‌’ જેવો છે કે નહીં તે ભાષાના ઉચ્ચારણનો પ્રશ્ન છે, પણ ણકારને ખોડો ગણીએ તો ‘પણ’ એક ગુરુનો જ ગણાય એ બરાબર છે. આ નિયમ ગુજરાતી પિંગલોમાં સાધારણ રીતે આવતો નથી કારણ કે ગુજરાતીમાં ખોડા અક્ષરો લગભગ નહીં જેવા જ વપરાય છે. પણ અક્ષરને અંતે આવતા આ ખોડો વ્યંજન, તેની પછી કોઈ સ્વર આવે તો તેની સાથે એક થઈ જાય અને ત્યારે પૂર્વના સ્વર એ વ્યંજનથી અલગ બની જાય, એનો ભાર એના માથેથી ઊતરી જાય, અને ત્યારે એ વ્યંજનને લીધેનું એનું જે ગુરુત્વ હતું તે બંધ પડે; જેમ કે ‘ચિત્‌’ શબ્દમાં સ્વર પછી વ્યંજન હોવાથી તે અક્ષર ગુરુ છે પણ તેમાં ‘આકાશ’ શબ્દ ભળી ‘ચિદાકાશ’ શબ્દ બનતાં ‘ચિ’ લઘુ બને છે, તે જ પ્રમાણે ‘દિક્‌’ શબ્દનો અક્ષર પણ વ્યંજનાંત હોઈ ગુરુ છે તે પણ ‘દિગંબર’ શબ્દમાં પાછો લઘુ બને છે. પણ ‘ચિત્તંત્ર’ કે ‘દિક્‌કાલ’ શબ્દોમાં ‘ચિ’ અને ‘દિ’ બંને પાછા તેમની પછીના સંયુક્ત વ્યંજનના થડકારાને લીધે ગુરુ બને છે. અહીં સુધી આપણે પરંપરાથી ચાલતી આવેલી વર્ણમાલાના સ્વરો સંયુક્તમાં રીત ઉચ્ચારાઈ લઘુ કે ગુરુ ગણાય છે તેની વાત કરી. પણ ગુજરાતીમાં બધા ઉચ્ચારો સંસ્કૃત પ્રમાણે જ થતા નથી. દાખલા તરીકે ગુજરાતીમાં ‘એ’ ‘ઓ’ હ્રસ્વ બોલી શકાય છે. પ્રાકૃતમાં ‘એ’ ‘ઓ’ના હ્રસ્વ ઉચ્ચારો હતા અને તે ગુજરાતીમાં ઊતરી આવ્યા છે. બીજું, આપણે જોયું કે લઘુ સ્વરને પછીના સંયુક્ત વ્યંજનોનો થડકારો લાગે ત્યારે એ લઘુ ગુરુ થાય છે. પણ ગુજરાતીમાં ઘણી વાર સંયુક્ત વ્યંજનનો થડકારો આગળ સ્વરને લાગતો નથી. એ સંયોગ એવી નિર્બલ રીત બોલાય છે કે તેનો પ્રયત્ન આગલા સ્વરથી શરૂ થતો નથી. એને નિર્બલ સંયોગ કહે છે. ‘કર્યું’ ‘નમ્યો’ વગેરેમાં વ્યંજનોનો આવો નિર્બલ સંયોગ છે. એક દાખલાથી આ તરત સ્પષ્ટ થઈ શકશે. સંસ્કૃત શબ્દ ‘રહસ્ય’નું બહુવચન ગુજરાતીમાં ‘રહસ્યો’ થાય, આમાં સ્પષ્ટ રીતે ‘ર’ની એક માત્રા છે, પણ ‘હ’ની, પછીના સંયુક્ત વ્યંજનોના થડકારાને લીધે બે માત્રા છે, ‘સ્યો’ની બે માત્રા વિશે પ્રશ્ન નથી. હવે ‘રહસ્યો’ એ તત્સમ શબ્દના ઉચ્ચારમાં ‘હ’નો ઉચ્ચાર અને ગુજરાતી ક્રિયાપદ ‘હસ્યો’ના ઉચ્ચારણમાં ‘હ’નો ઉચ્ચાર બંનેને સરખાવી જોતાં તરત જણાશે કે ગુજરાતી ક્રિયાપદના ઉચ્ચારણમાં થડકારો નથી. ગુજરાતીમાં ‘લાવ’ અને ‘લાવ્ય’ એવા આજ્ઞાર્થ એકવચન રૂપે બંને ઉચ્ચારો છે. તે જ પ્રમાણે ‘કર’ અને ‘કર્ય’ (જેમ કે ‘કામ કર્મ’) એવાં બંને ઉચ્ચારણો સાચાં છે. આ ‘કર્ય’ના ઉચ્ચારને સંસ્કૃત ‘સૌર્ક્ય’માંના ‘કર્ય’ના ઉચ્ચાર સાથે સરખાવી જોતાં જણાશે કે ગુજરાતી ‘કર્ય’ના ઉચ્ચારણમાં વ્યંજનસંયોગ નિર્બલ છે, અને તેથી તે થડકાઈને પૂર્વ લઘુને ગુરુ કરતો નથી. આપણે આગળ ‘અં’ અને ‘અઃ’ને દીર્ઘ અને તેથી ગુરુ સ્વીકારી લીધા. પણ એ સ્વીકાર પણ પરીક્ષા જેવો છે. સંસ્કૃતમાં અનુસ્વારને, પછી આવતા વ્યંજનના અનુનાસિકનું રૂપ આપી શકાય છે, જેમ કે ‘સંપત્તિ’ કે ‘સમ્પત્તિ’. એટલે આ અનુસ્વારનું ગુરુત્વ એક રીતે સંયુક્ત વ્યંજનના નિયમનો જ અમલ છે. અલબત્ત સંસ્કૃત અનુસ્વારો સર્વત્ર અનુનાસિકનું રૂપ નથી પામી શકતાં, જેમ કે ‘અંશ’ ‘કંસ’ ‘સંવરણ’. પણ ત્યાં સર્વત્ર અનુસ્વારની તીવ્રતા એકસરખી જ છે. ગુજરાતીમાં જેમ વ્યંજનસંયોગ નિર્બલ છે, તેમ ક્યારેક અનુસ્વારનો રક્ષક પણ મંદ હોય છે, અનુસ્વારો કોમલ હોય છે, અને એવા અનુસ્વારો નિર્બલ વ્યંજનસંયોગની પેઠે લઘુ સ્વરને દીર્ઘ કરી શકે નહીં. દાખલા તરીકે ગુજરાતી તદ્‌ભવ ‘પાંચ’ના ઉચ્ચારણમાં અનુસ્વાર કોમલ છે, તે પછીના વ્યંજનનો અનુનાસિક બની શકશે નહીં, એટલે કે તેનો ઉચ્ચાર ‘પાગ્-ચ’ એવો કરી શકાશે નહીં. સંસ્કૃત ‘પાંચજન્ય’ શબ્દના ‘પાંચ’ જેવો તેનો ઉચ્ચાર નથી. ‘વાંધો’ ‘ગાંધી’ એ બધા ‘વાન્ધો’ ‘ગાન્ધી’ જેવા ઉચ્ચારો નથી. આ પ્રમાણે ગુજરાતીમાં અનુસ્વાર કોમલ છે છતાં વાણીપઠનમાં આવા અનુસ્વારથી ગુરુત્વ નિષ્પન્ન નથી થતું, એવું ચેતાવવાની વ્યાવહારિક રીત જરૂર પડતી નથી, કારણ કે આ કોમલ અનુસ્વાર લગભગ નિયમ તરીકે દીર્ઘ સ્વર ઉપર જ આવે છે. બેત્રણ જ તેના અપવાદો છે, જેમ કે ‘સુંવાળું’, ‘કુંવારો’. હિંદીમાં હ્રસ્વ ઉપર પણ કોમલ અનુસ્વાર આવી શકે છે, જેમ કે ‘રઁગ’. હિંદીમાં તે અહીં દર્શાવ્યું તે પ્રમાણે અર્ધચંદ્રાકારથી દર્શાવાય છે. પણ વ્યાવહારિક જરૂરની જુદી વાત છે. સિદ્ધાંત તરીકે આપણે સ્વીકારવું જોઈ એ કે ગુજરાતી શબ્દોના ઉચ્ચારણમાં જ્યાં કોમલ અનુસ્વાર આવે ત્યાં, આગળનો સ્વર, એ અનુસ્વારને કારણે, સંસ્કૃતમાં થાય છે તેમ, ગુરુ થતો નથી. ગુજરાતીમાં તત્સમ શબ્દોના ઉચ્ચારણમાં સંયોગની અને અનુસ્વારની તીવ્રતા જળવાઈ રહે છે એવો સામાન્ય નિયમ કરી શકાય પણ તેમાં પણ એક શબ્દના પ્રારંભમાં આવતા સંયોગથી આગલા શબ્દનો અંત્ય લઘુ ગુરુ થતો નથી. જેમ કે ‘તેને એક કૂતરા ઉપર પ્રેમ હતો’ એ વાક્યમાં ‘પ્ર’ના સંયોગનો થડકારો ‘ઉપર’ના અંત્ય ‘ર’ને આપી શકાય નહીં. એટલું જ નહીં આગલો શબ્દ સંસ્કૃત હોય તોપણ તેને થડકારો અપાતો નથી. જેમ કે ‘તેણે સકલ દ્રવ્ય દાનમાં આપ્યું’ એમાં ‘સકલ’ના છેલ્લા ‘લ’ને થડકારો અપાતો નથી. તત્સમ સમાસમાં થડકારો અપાય છે, જેમ કે ‘રણક્ષેત્ર’, ‘લોકપ્રિય’, ‘શસ્ત્રક્રિયા’. આમાં સમાસના અંતિમ શબ્દના આદ્યસંયોગને લીધે આગલા શબ્દના અંત્ય સ્વરને સામાન્ય રીતે થડકારો અપાય છે. પણ ‘લોકપ્રિય’ શબ્દના ઉચ્ચારણમાં થડકારાનો અભાવ ઘણી વાર દેખાશે, કેટલાંક એના થડકારાને પાંડિત્ય-પ્રદર્શન પણ કહેશે. ઘણી વાર આ ફરક સંસ્કૃત શબ્દના શુદ્ધ ઉચ્ચારણના પક્ષપાતને લઈને થાય છે, અને છતાં પ્રાકૃત ભાષાઓનું વલણ થડકારો લુપ્ત કરવા તરફ છે એ સ્વીકારવું જોઈએ. ‘શંકરપ્રસાદ’ નામના ઉચ્ચારણમાં તો સંસ્કૃત પક્ષપાતી પણ ‘ર’ને થડકારો નહીં આપે. જેમ ગુજરાતી ભાષામાં ઘણી જગ્યાએ જેમ હ્રસ્વદીર્ઘનો અનિર્ણય છે તેમ આ થડકારાનો પણ અનિર્ણય પ્રવર્તે છે.૨[2] સંસ્કૃત વર્ણમાલામાં આવતા ‘ઋ’ સ્વરનો ઉચ્ચાર ચર્ચા માગે છે. ગુજરાતીઓ સંસ્કૃત વાંચતાં પણ ‘ઋ’નો ઉચ્ચાર ‘રુ’ કે ‘ર’ જેવો કરે છે. ‘અમૃત’નો ઉચ્ચાર ‘અમ્રુત’ કે ‘અમ્રત’ જેવો કરે છે. ત્યાં સંયોગ નથી અને તેની આગળનો સ્વર ગુરુ ન બોલાય એની સંભાળ રાખવા આ ‘મ્રુ’ કે ‘મ્ર’નો સંયોગ નિર્બલ બોલાય છે. પણ ઉચ્ચાર તો રકારનો જ થાય છે. અને તેથી ઘણી વાર આગળના સ્વરને તેનો થડકારો પણ લાગે છે. સંસ્કૃત તત્સમને ઉચ્ચાર અણીશુદ્ધ રાખનાર કાન્તે પણ ક્યાંક રકારસંયોગનો ઉચ્ચાર કરી થડકારો આપ્યો છે. જેમ કે –

સુગુપ્ત રાજગૃહની દિશામાં
—‘અતિજ્ઞાન’, પૂર્વાલાપ

અહીં ‘ગૃ’ના થડકારાથી ‘જ’ ગુરુ બોલાય છે.૩[3] અને અનિયમિતતા ન ગણવી જોઈએ કારણ કે ભાષામાં એ ઉચ્ચાર રૂઢ થઈ ગયો છે. ખરું તો ‘ઋ’ના ઉચ્ચાર વિષે હિંદની તદ્‌ભવ પ્રાંતીય ભાષાઓમાં એકતા નથી, એટલું જ નહીં ઠેઠ વેદકાલમાં પણ જુદા જુદા વેદો તેનો જુદો જુદો ઉચ્ચાર કરતા હતા એમ જાણાય છે. એટલું જ નહીં, વર્ણમાલામાં જેનો ઉલ્લેખ નથી એવા સ્વરો પણ આપણે સ્વીકારવા જોઈએ. અર્વાચીન ભાષાઉચ્ચારણનું શાસ્ત્ર સ્વરવ્યવસ્થા જુદી રીતે કરે છે. તે બધા સાથે આપણે અહીં સંબંધ નથી. પણ તેમાં જે સંયુક્ત સ્વર (ડિપ્થૉંગ diphthong) કહેવાય છે, તેનો થોડો પણ નિર્દેશ કરવાની જરૂર છે. કેમ કે કોઈ કોઈ કવિઓએ એવા પ્રયોગ કર્યા છે. જેમ કે :

જોઈએ તેમાં એક પણ, ઓછે નહીં નિભાય;
પાયા ઈસો ઊપળાં, મળી ખાટલો થાય
—દ. કા., ભા. ૨, પૃ. ૪૨
નહીં મારે જોઈએ તપફલ, ભલે એ સહુ જતું.
—‘વસન્તવિજય’, પૂર્વાલાપ

અહીં બને જગાએ ‘જોઈ’ના ઉચ્ચારમાં સંયુક્ત સ્વર છે, અને પિંગલ દૃષ્ટિએ ‘જોઈ’ એક ગુરુ થાય છે. તેવો જ બીજો દાખલો :

જુઓ ભાઈ આ મોટાં ઝાડ, તેમાં સૌથી ઊંચા તાડ.
દ. કા., ભા. ૨, પૃ. ૨૭૭

મારા વખતમાં નિશાળમાં આ કવિતા પઠતાં ‘જૂ’ દીર્ઘ જ પઠાતો એ પ્રમાણે પઠતાં ‘ભાઈ’ને એક ગુરુ અક્ષરવાળો શબ્દ ગણવો જોઈએ.

ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબા પંથ કપાય૪[4]

આ દોહરામાં પણ ‘ગાઉ’ને એક ગુરુ અક્ષરવાળો શબ્દ ગણવો જોઈએ. કવિઓના પ્રયોગમાં આવતા આવા ઉચ્ચારોને પણ સ્વીકારવા જોઈએ. આ ઉપરાંત લઘુગુરુના નિરૂપણમાં એવો નિયમ પણ અપાય છે કે પાદાન્તે લઘુ વિકલ્પે ગુરુ થાય છે. આને લઘુગુરુના સ્વરૂપના નિયમ ન ગણતાં પિંગલનો પારિભાષિક નિયમ ગણવો જોઈએ. એના ઉપર પિંગલોમાં કેટલીક ચર્ચા થાય છે પણ એ ચર્ચામાં ન ઊતરતાં આપણે એવો નિયમ કરી શકીએ કે છંદમાં પાદાન્તે જ્યાં ગુરુ આવશ્યક હોય ત્યાં લઘુ પણ મૂકી શકાય. ‘ગુરુ આવશ્યક હોય ત્યાં’ એમ જ કહેવું જોઈએ કારણ કે ચરણને અંતે લઘુ જ આવશ્યક હોય ત્યાં લઘુને ગુરુ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એવો લઘુ પણ જો ગુરુ થઈ જતો હોય તો પછી એવા છંદ કોઈ રીતે નિર્દોષ કહી જ ન શકાય. એટલે એવો જ નિયમ હોઈ શકે કે ગુરુ આવશ્યક હોય ત્યાં લઘુ મૂકી શકાય. આ નિયમ સ્વાભાવિક છે. કારણ કે ઘણી જગાએ ચરણને અંતે અંત્ય સ્વરનું વિલંબન આવે છે. સંસ્કૃત વૃત્તોમાં તો આવે જ છે (જોકે સંસ્કૃત પિંગલના નિયમ પ્રમાણે અમુક વૃત્તોમાં શ્લોકાર્ધે જ આવે, થોડામાં જ દરેક ચરણે આવે.) અને એટલા માટે ત્યાં લઘુ હોય તો તે પણ વિલંબનથી ગુરુ થઈ જાય. ગુજરાતી પિંગલ આ લઘુગુરુના ઉચ્ચારણની છૂટને ઘણી વિસ્તારી મૂકે છે. ગુજરાતી પિંગલમાં કવિને છંદ સાચવવા ગમે તે લઘુને ગુરુ અને ગુરુને લઘુ કરવાની છૂટ છે. આ છૂટ બધી તદ્‌ભવ પ્રાંતીય ભાષાઓમાં હતી. પણ તે બધીમાં ધીમે ધીમે એ છૂટ નાબૂદ કરવાનો પ્રયત્ન કવિઓએ કરેલો છે. અને આપણા કવિઓ પણ એવો પ્રયત્ન કરતા જાય છે. આવી છૂટ લેવી હોય, ત્યાં પણ એમ છૂટથી શબ્દનું ઉચ્ચારણ કર્ણપટુ ન થાય એની સંભાળ લેવી જોઇએ, કારણ કે ઉચ્ચારણકટુત્વ એક દોષ છે. આવી છૂટ ક્યાં શોભે ન ક્યાં ન શોભે તેના નિયમો થોડાઘણા કરી શકાય, જેમ કે અંત્ય ઇકાર કે ઉકારમાં આવી છૂટ કર્ણકટુ બનતી નથી. સંસ્કૃત ‘બહુ’ શબ્દ ગુજરાતીમાં તત્સમરૂપે જ લખાય છે, પણ તેનું ‘બહૂ’ ઉચ્ચારણ આપણને આઘાત આપતું નથી. પણ સંસ્કૃત ‘ગૂઢ’ શબ્દનો ઉચ્ચાર ‘ગુઢ’ કરવા જતાં તે કર્ણકટુ લાગે છે. એનું કારણ એવું જણાય છે કે ગુજરાતીમાં શબ્દને અંતે આવતા ‘ઇ’ ‘ઉ’ લગભગ દીર્ઘ જેવા ઉચ્ચારાય છે. પણ આ વિષયની લાંબી ચર્ચા હું અહીં કરવા ઇચ્છતો નથી. આ, પિંગલ કરતાં ભાષાના ઉચ્ચારણનો પ્રશ્ન છે. અલબત્ત, પિંગલની ચર્ચામાં ભાષા સાથે જોડાયેલા પ્રશ્નોની ચર્ચા ન આવે એમ મારું કહેવું નથી, એવા પ્રશ્નો આવે છે તે આપણે આગળ જોઈશું. પણ પિંગલની દૃષ્ટિએ આ ઘણો નાનો પ્રશ્ન છે. સામાન્ય કવિ કે કવિતાવાચક પોતાના સામાન્ય અનુભવથી આનો સહેલાઈથી નિર્ણય કરી શકે છે, અને તેના નિયમો બાંધવા જતાં ઘણી બારીકાઈમાં ઊતરવું પડે, જેને માટે અહીં અવકાશ નથી. પિંગલમાં સામાન્ય રીતે લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા ગણાય છે. સામાન્ય રીતે વ્યાકરણમાં પણ એમ મનાય છે, અને લોકોમાં પણ એમ મનાય છે કે લઘુથી ગુરુની બમણી માત્રા એ ઉચ્ચારણનું સાચું પ્રમાણ છે. પણ એ યથાર્થ નથી. અત્યારે પશ્ચિમમાં ઉચ્ચારો માપવાનું યંત્ર (kymograph) શોધાયું છે અને તેના ઉપર પ્રો. ટી. એન. દવેએ અનેક અખતરા કરીને તેને પરિણામે બતાવેલું છે કે આપણાં કોઈ સ્વરો ઉપર બતાવેલા પ્રમાણવાળા કોઈ બે વર્ગમાં પડતા નથી, તેમ જ બધા દીર્ઘો અને હ્રસ્વો પણ પોતાના વર્ગમાં પણ એકસરખા નથી. (‘ગુજરાતી ભાષામાં વર્ણવ્યવસ્થા’, પૃ. ૩૨–૩૩ ઉપરનો કોઠો). તેમણે એ ઔ અં અઃ સિવાયના સ્વરોને બાર પ્રકારમાં વહેંચ્યા છે અને દરેકના ઉચ્ચારણની કાલમાત્રાનો સમય સેકંડના હજારમા ભાગમાં દર્શાવેલ છે. અલબત્ત આ પરિણામો અનેક વ્યક્તિઓના અખતરા પછી જ વધારે આધારભૂત ગણાય, પણ તેમના પ્રયોગો ઉપરથી એટલું તરત કહી શકાય કે ભાષાના સ્વાભાવિક ઉચ્ચારણમાં કોઈ બે સ્વરો એકસરખા નથી. અર્થાત્‌, આ લઘુગુરુનું નિયત કરેલું પ્રમાણ પિંગલગત છે. અને પિંગલના પ્રદેશમાં એ સાચું છે. અર્થાત્‌ માત્રામેળ છંદોમાં જ્યાં એક ગુરુની જાગાએ બે લઘુ અને બે લઘુની જાગાએ એક ગુરુ મૂકી શકાય છે ત્યાં છંદના ઉચ્ચારણમાં ખરેખર જ ગુરુ લઘુ એ પ્રમાણની કાલમાત્રામાં બોલાય છે. પણ અહીં એક બીજી હકીકત પણ નોંધવી જોઈએ. પિંગલપરંપરા સર્વ પ્રકારના છંદો માટે આ પ્રમાણ માને છે, તે યથાર્થ નથી. આપણે જેને અનાવૃત્તસંધિ અક્ષરમેળ વૃત્તો કહીએ છીએ તેમાં એક ગુરુની જગાએ બે લઘુઓ કે બે લઘુઓની જગાએ એક ગુરુ આવી શકતો નથી. જેમ કે

રહ્યાં બંને બાજૂ તરુવર, નહીં કાંઇ વચમાં
—‘દેવયાની’, પૂર્વલાપ

એ પંક્તિમાં ‘તરુવર’ ચાર લઘુનો શબ્દ છે તેની જગાએ બે ગુરુનો ‘વૃક્ષો’ શબ્દ મૂકી નહીં શકાય :

રહ્યાં બંને બાજૂ વૃક્ષો નહીં કાંઇ વચમાં

એમ કરવા જતાં મૂળ શિખરિણી વૃત્તનો સંવાદ જરા પણ રહેતો નથી. અને આ હકીકત એ આખા વૃત્તપ્રકાર માટે સાચી છે. જ્યારે પહેલાં આપેલા ચોપાઈના દૃષ્ટાન્તમાં

विकसे सरसिज नानारंगा

ચાર માત્રાના ‘સરસિજ’ને બદલે ‘વારિજ’, ‘કુસુમો’, ‘પદ્યો’ એમ ગમે તે ચાર માત્રાના શબ્દ મૂકી શકાશે. અર્થાત્‌ લઘુગુરુ પ્રમાણ કહ્યું છે તે માત્રામેળ છંદો માટે સાચું છે અને એ છંદોના પઠનમાં અક્ષરોનું એ પ્રમાણે પઠન થાય પણ છે. પણ અનાવૃત્તસંધિ અક્ષરમેળ વૃત્તોમાં લઘુગુરુને પરસ્પર અપ્રમેય અને ભિન્ન માપવાળા અક્ષરો માનવા જોઈએ. અને એના પઠનમાં લઘુગુરુની, કોઈ પણ પ્રમાણને અનુસરી, પરિવૃત્તિ કે અદલાબદલી થઈ શકતી નથી. પિંગલમાં પ્લુતનો સ્વીકાર કરવામાં આવતો નથી. આનો અર્થ એવો નથી કે છંદના પઠનમાં પ્લુત આવતો જ નથી. પ્લુત આવે છે પણ પિંગલકારોએ તેનો ગુરુમાં સમાવેશ કર્યો છે. તેમના પ્લુતનો ભિન્ન સ્વીકાર કરવાની જરૂર જણાઈ નહોતી. સંસ્કૃત વૃતોમાં પ્લુતને સ્થાને ગુરુ જ આવી શકતો, એટલે વૃત્તની પરીક્ષા કરવામાં લઘુગુરુનાં સ્થાન તપાસી જોવાથી વૃત્તની પરીક્ષા થઈ શકતી. તેમ જ વૃત્ત રચનાર શિખાઉને માટે પણ લઘુગુરુનાં સ્થાનનો ઉપદેશ પર્યાપ્ત હતો, કારણ કે પ્લુતને સ્થાને ગુરુ મૂકવાથી છંદોરચના નિર્દોષ થઈ જાય છે, પછી પ્લુતો પઠન દ્વારા જ દર્શાવવા રહે છે અને એ જ્ઞાન ગુરુ દ્વારા અથવા પરંપરાના પઠનમાંથી મળી શકે છે. છંદ વિષે ગમે તેટલું નિરૂપણ થાય તોપણ તેનું ખરું સ્વરૂપ તો પઠન દ્વારા જ શીખી શકાય છે એટલે છંદઃશાસ્ત્રને પ્લુતના અસ્વીકારથી પોતાના શાસનકાર્યમાં ક્યાંય વિઘ્ન આવતું નહીં. પણ શાસ્ત્રની પોતાની પૂર્ણતા ખાતર પ્લુતના સ્વીકારની જરૂર છે. આપણે આગળ જોેઈશું કે પ્લુતના સ્વીકાર વિના કેટલાક માત્રામેળ છંદોનું સ્વરૂપ જ પૂરું નિરૂપી શકાતું નથી. અને આ શાસ્ત્ર માત્ર છંદને કસી જોતાં શીખવે એટલું આપણે બસ માનતા નથી. શાસ્ત્રો સમગ્ર વિષય અને તેની સઘળી વિગતો, શાસ્ત્રે વ્યવસ્થિત કરવી જોઈએ, તેના નિયમો શોધવા જોઈએ, અને એ કામ પ્લુતના સ્વીકાર વિના થઈ શકતું નથી. માટે આ શાસ્ત્રમાં લઘુગુરુ સાથે પ્લુત પણ સ્વીકારવો જોઈએ. અને તે પણ માત્ર ત્રણ માત્રાનો જ નહીં, પણ તેથી વિશેષ માત્રાનો પણ, તે જેટલી માત્રાનો આવતો હોય તેટલી માત્રાનો સ્વીકારવો જોઈએ. અને આપણે ગુરુ જ પ્લુત થઈ શકે એવો સંસ્કૃત વ્યાકરણ અને પિંગલનો નિયમ પણ સ્વીકારી શકતા નથી, લઘુ પણ પ્લુત થઈ શકે એ સ્વીકારવું જોઈએ. માત્રામેળ છંદોમાં ક્વચિત્‌ લઘુ, ગુરુ થાય છે એટલું જ નહીં પણ એક લઘુ ક્યાંક ત્રણ અને ક્યાંક તો સાત માત્રાનો બને છે. એટલે ગુરુ તેમ જ લઘુ બે માત્રાથી વધારે લંબાય એટલે પ્લુત ગણાવો જોઈએ. પણ આથી પણ એક વિશેષ તત્ત્વ પિંગલે સ્વીકારવું જોઈએ. તે છે ધ્વનિશૂન્ય કાલ. ચિત્રકાર ચિત્રરચનામાં જેમ અનેક રંગોનો ઉપયોગ કરે છે તેમ જ તે ચિત્રની ભૂમિકા – ભોંયના રંગનો પણ ઉપયોગ કરે છે. એ રીતે ધ્વનિશૂન્યતા એ ધ્વનિની ભોંય છે. છંદના પઠનમાં વચ્ચે આવતો ધ્વનિશૂન્ય અવકાશ એ પણ એ છંદનો જ ભાગ છે. શ્લોકાર્ધે વિરામ આવવો જ જોઈએ. શ્લોકાન્તે વિરામ આવવો જ જોઈએ. એ વિરામ એ શ્લોકનું ધ્વનિશૂન્ય અંગ છે. માત્રામેળમાં તો જ્યાં વિરામ લેવાનો આવે ત્યાં, છંદના અક્ષરોની પેઠે જ, એ વિરામનું પણ માપ છે. એટલે છંદોનું માપ છંદોનો બંધ, અક્ષરોનું લઘુત્વગુરુત્વ, અક્ષરોની માત્રા, તેમ જ છંદના પઠનમધ્યે આવતા ધ્વનિશૂન્ય અવકાશ, અને તેની માત્રા એ બધાથી થાય છે. આથી ફલિત થાય છે કે છંદમાં થતું ભાષાનું ઉચ્ચારણ કૃત્રિમ છે. આ ખરું છે, પણ એ દોષ નથી. માત્ર ઉચ્ચારણ શું, ગદ્યની અપેક્ષાએ કાવ્યની ભાષા પણ કૃત્રિમ જ ગણાય. એટલું જ નહીં ભાષા પોતે પણ મનુષ્યકૃત હોઈ પ્રાણીઓના રવોની અપેક્ષાએ કૃત્રિમ છે. કાવ્યની ભાષા ભલે કૃત્રિમ હોય, છંદોગત ભાષાનું ઉચ્ચારણ ભલે કૃત્રિમ હોય, એ જે અર્થ કૃત્રિમ બને છે એ અર્થ સિદ્ધ થાય એટલે બસ. છંદ કાવ્યનું પ્રયોજન સિદ્ધ કરવા આવે છે અને છંદથી કાવ્ય સિદ્ધ થાય એટલે ઉચ્ચારણની કૃત્રિમતા દોષરૂપ રહેતી નથી. કલામાત્ર મનુષ્યકૃત હોઈ કૃત્રિમ છે. આ પ્રકરણ પૂરું કરતાં પહેલાં લઘુ ગુરુ પ્લુતની સંજ્ઞા આપણે નિયત કરી લઈએ. જ્યાં અક્ષરસંજ્ઞાની જરૂર પડે ત્યાં લઘુને માટે સર્વત્ર ‘લ’ રાખીશું; જે ગુરુને મેં લઘુ પ્રતિ અપ્રમેય ગણ્યો તેને માટે ‘ગા’ સંજ્ઞા રાખીશું; અને જે ગુરુને આપણે લઘુથી બમણી કાલમાત્રાનો ગણ્યો છે તેને માટે અક્ષરસંજ્ઞા ‘દા’ રાખીશું. બીજી રીતે કહીએ તે દા એટલે બે માત્રા જે ગુરુથી અથવા બે લઘુથી પૂરી શકાય; લ એટલે એક માત્રા. રેખાત્મક ચિહ્નો લઘુ માટે U આવું અર્ધચંદ્રાકાર ને ગુરુ માટે – આવી આડી લીટી રાખીશું; ને આપણે લિપિમાં ગુરુ અક્ષરને લઘુ દર્શાવવા અને લઘુને ગુરુ દર્શાવવા અક્ષર ઉપર મૂકવાના ચિહ્ન તરીકે અત્યાર સુધી વાપરતા આવ્યા છીએ. પ્લુતને માટે અક્ષરની પોતાની માત્રા ઉપરાંતની આ રેખાચિહ્નોથી જ હું બતાવીશ. જેમ કે ગુરુ પ્લુત થયો હોય ત્યારે ગા U એટલે ત્રણ માત્રાનો પ્લુત ગુરુ, ગા – એટલે ચાર માત્રાનો પ્લુત ગુરુ, ગા U – અથવા ગા – U એટલે પાંચ માત્રાનો પ્લુત ગુરુ. અને લઘુ પ્લુત થયેા હોય ત્યારે લU U કે લ – બરાબર ત્રણ માત્રાનો પ્લુત લઘુ. ક્યારેક લઘુ ગુરુને સ્થાને હોય તેનો નિર્દેશ હું લથી કરીશ અને અક્ષરની ઉચ્ચારશૂન્ય માત્રા બતાવવા રેખાચિહ્નો ઉપર હું પોલું મીંડું મૂકીશ જેમ કે ૦ કે ૦.

પરિશિષ્ટ-૧

અક્ષર

આ પ્રકરણમાં ભાષાના ઉચ્ચારણના એકમને માટે અક્ષર શબ્દ વાપરેલો છે તે અંગ્રેજી સિલેબલ (syllable)ના સમાનાર્થી શબ્દ તરીકે વાપર્યો છે. આ અર્થમાં પિંગલમાં વર્ણ શબ્દ પણ વપરાયો છે. અહીં જેને અક્ષરમેળ કહેલો છે તેને ઘણા વર્ણમેળ પણ કહે છે. ‘વૃત્તરત્નાકર’ પણ છંદોને માત્રાછંદ અને વર્ણછંદ એમ વિભેદ૫[5] છે. પણ વર્ણ એ સ્વરવ્યંજન બંનેનો સામાન્યવાચક શબ્દ છે. વર્ણમાલામાં સ્વરવ્યંજન બંનેનો સમાવેશ થાય છે. એટલે વર્ણ શબ્દ ઉચ્ચારણના એકમ માટે કામ આવે એવો નથી. ‘ઋક્‌પ્રાતિશાખ્ય’ એને માટે અક્ષર શબ્દ વાપરે છે. અક્ષર શબ્દના અર્થમાં અંગ્રેજી સિલેબલનો અર્થ આવી જાય છે, પણ શબ્દોચ્ચારણમાં એકમો છૂટા પાડવાની પ્રાતિશાખ્યની પદ્ધતિ અંગ્રેજી સિલેબલ છૂટા પાડવાની પદ્ધતિથી જરા ભિન્ન છે. એટલે પ્રાતિશાખ્યનો મત તેનાં સૂત્રો ટાંકીને જ નીચે દર્શાવું છું. પહેલાં પટલનાં ૧૬ સૂત્રોમાં વર્ણમાલા આપ્યા પછી કહે છે : ओजा ह्रस्वाः सप्तमान्ताः स्वराणाम्। ।१७ ।। પહેલાં આઠ સમાનાક્ષરો અ આ ઋ ઋૃ ઇ ઈ ઉ ઊ માંથી ઓજ એટલે એકી અક્ષરો હ્રસ્વ છે. ‘अन्य दीर्घाः । ।१८ ।। બાકીના દીર્ઘ છે. उभये त्वक्षराणि । । १९ ।। બંને અક્ષરો કહેવાય છે. गुरूणि दीर्घाणि ।।२० ।। — દીર્ઘ સ્વરો ગુરુ ગણાય છે. तथेतरेषां संयोगानुस्वारपाणि यानि ।। २१ ।। દીર્ઘ સિવાયના બીજા એટલે હ્રસ્વો, જેની પછી સંયોગ કે અનુસ્વાર આવતો હોય તે પણ ગુરુ કહેવાય છે. સંયોગ એટલે વ્યંજનોનો સંયોગ : અર્થાત્‌ સંયુક્ત વ્યંજનો; અને અનુસ્વાર પહેલાંનો હ્રસ્વ પણ ગુરુ ગણાય છે. अनुस्वारो व्यंजनं चाक्षराङ्गम् ।। २२ ।। અનુસ્વાર અને વ્યંજન અક્ષરનું અંગ છે. નીચે ભાષ્યકાર ઉવટ કહે છે, અક્ષરનું અંગ એટલે સ્વરનું અંગ. જે વ્યંજનો સ્વરોની વચ્ચે ન આવતા હોય તે અહીં ઉદાહરણ બને છે. જેમ કે ‘પ્ર’ માં ‘પ્‌’ ‘ર્‌’ ‘અ’નું અંગ છે. ‘વર્ક્‌’માં ‘વ્‌’ ‘ર્‌’ અને ‘ક્‌’ ત્રણેય ‘અ’નું અંગ છે.૬ [6] स्वरान्तरे व्यंजनान्युत्तरस्य । । २३ ।। બે સ્વર વચ્ચે આવતા વ્યંજનો બેમાંથી પાછળ આવતા સ્વરનું અંગ ગણાય, આગળ આવતા સ્વરનું નહીં. દૃષ્ટાંત તરીકે : ‘દેવ’ શબ્દમાં ‘વ્‌’ વ્યંજન ‘એ’ અને ‘અ’ સ્વરોની વચ્ચે આવે છે, તે ‘વ્‌’ પાછળ આવતા ‘અ’નું અંગ ગણાય, અર્થાત્‌ ‘વ’ સવ્યંજન એક આખો અક્ષર થયો. ૨૨મા સૂત્રમાં ‘વકર્‌’માં ‘અ’ પછી આવતા વ્યંજનો પૂર્વના ‘અ’નું અંગ ગણાતા હતા, માટે અહીં સ્પષ્ટ કર્યું. पूर्वस्यानुस्वारविसर्ज नीयौ।।२४ ।। અનુસ્વાર અને વિસર્ગ બંને પૂર્વસ્વરનું અંગ ગણાય. અનુસ્વાર માટે અલગ સૂત્ર મૂકવાનું કારણ એ છે કે આ ‘પ્રાતિશાખ્ય’ અનુસ્વારને સ્વર અને વ્યંજન એમ બંને વર્ગમાં મૂકે છે (अनुस्वारो व्यंजनं वा स्वरो वा। આ જ પટલનું પાંચમું સૂત્ર). આથી અનુસ્વાર અને વિસર્ગ આગળના સ્વરનું અંગ બને છે. આગળ ૨૧મા સૂત્રમાં આવી ગયું કે અનુસ્વારની આગળનો હ્રસ્વ ગુરુ ગણાય. અહીં એટલું ઉમેર્યું કે અનુસ્વાર આગળના સ્વરનું અંગ બને છે. અલબત્ત, સૂત્રમાં કહ્યા પ્રમાણે વિસર્ગનું પણ એમ જ થાય છે. संयोगादिर्वा ।। २५ ।। સંયોગમાં આદિવ્યંજન વિકલ્પે આગલા સ્વરનો ગણાય. એનો અર્થ એ થયો કે સંયુક્ત વ્યંજનોનો પહેલો વ્યંજન આગલા સ્વરનો પણ ગણાય, પાછલા સ્વરનો પણ ગણાય. અર્થાત્‌ ‘અગ્ને’ શબ્દના અક્ષરો બે રીતે જુદા પાડી શકાય. અ+ગ્ને એ રીતે, તેમ જ, આ સૂત્ર પ્રમાણે, અગ્‌ + ને. અક્ષરમાં સિલેબલો માત્ર આ બીજી રીત જ છૂટી પડે છે. દાખલા તરીકે, magnate શબ્દમાં સિલેબલો magnate મૅગ + નેટ્‌ એ પ્રમાણે જ પડી શકે છે. ma-gnate મૅ-ગ્નેટ એ પ્રમાણે પડતાં નથી, એ નોંધવા જેવું છે. આ ઉપરથી સ્પષ્ટ થયું હશે કે ‘પ્રાતિશાખ્યે’ એને અક્ષર કહ્યો છે તેમાં ‘સિલેબલ’નો અર્થ સંપૂર્ણપણે આવી જાય છે. હજી ‘પ્રાતિશાખ્ય’ને સંયુક્ત વ્યંજન સંબંધી થોડું કહેવાનું છે. "च परक्रमे द्वे" ॥ २६ ॥ અને જ્યાં ક્રમ હોય ત્યાં બંને વ્યંજનનો પણ પૂર્વસ્વરના અથવા ઉત્તર-સ્વરના અંગભૂત થઈ શકે. અહીં ‘ક્રમ’ શબ્દ પારિભાષક છે. વેદમાં ઘણી વાર વ્યંજનો બેવડાતાં. જેમ કે ‘અગ્નિ’ને બદલે ‘અગ્ગ્નિ’ એમ બોલાતું. આ બેવડા વર્ણને ‘ક્રમ’ કહેલો છે. આવો ‘ક્રમ’ આવે ત્યારે તે બેવડાયેલો વ્યંજન આગલા અથવા પાછલાનું અંગ વિકલ્પે બની શકે. એટલે કે અ + ગ્ગ્ને એમ અક્ષરો જુદા કરાય અથવા અગ્‌ગ્‌ + ને એમ પણ કરાય. અક્ષરો છૂટા પાડવાની આ બે ભિન્ન પદ્ધતિથી અક્ષરોના લઘુ-ગુરુ માપમાં કશો ફરક પડતો નથી. ‘અગ્ને’ને અ+ગ્ને એમ છૂટા પાડીએ કે અગ્‌+ને એમ છૂટા પાડીએ તોય બંને રીતે ‘અ’ ગુરુ જ રહે છે. પહેલા વિકલ્પમાં ‘ગ્ને’ના સંયુક્ત વ્યંજનના થડકારાને લીધે ‘અ’ ગુરુ થાય છે, બીજા વિકલ્પમાં ‘અગ્‌’ વ્યંજનાંત હોવાથી ગુરુ થાય છે. અહીં એ પણ સ્પષ્ટ થશે કે જો સંયુક્ત વ્યંજનના પહેલાને આગલા સ્વરનું અંગ જ એક નિયમ તરીકે ગણીએે તો સંયુક્ત વ્યંજનથી ગુરુ કરવાના નિયમની જરૂર જ ન રહે. એક વ્યંજનાંતના નિયમથી જ સર્વ ગુરુકરણનો ખુલાસો થઈ જાય. પણ આખું પિંગલ આટલી લાંબી પરંપરાથી સંયોગપરના નિયમ પર જ વિશેષ કરીને ચાલ્યું છે. વ્યંજનાંતનો નિયમ તો ઘણાને અજાણ્યો છે. અને ગુજરાતીમાં તો એથી મુશ્કેલી વધશે. કારણ કે ‘કર્યું’ શબ્દમાં ‘ર્યું’ નો સંયોગ મંદ છે. તેથી ‘ક’ થડકાતો નથી અને તેથી ‘ક’ ગુરુ થતો નથી એમ કહેવું સરલ છે, પણ ‘કર્‌ + યું’ એમ કર્યા પછી અહીં ‘કર્‌’ ગુરુ નથી, અને માટે નવો ખુલાસો શોધવો પડશે. એનો ખુલાસો છે, અહીં ‘કર્‌’ અને ‘યું’ એ રીતે પૃથક્કરણ જ નથી થતું એમ કહેવું જોઈએ. પણ એમ પિંગલના શાસનને વધારે જટિલ કરવું યોગ્ય નથી. એટલે વ્યંજનાંત અને સંયોગ બંનેના નિયમો તત્ત્વતઃ એક હોવા છતાં બંને ભિન્ન રહે તે ઇષ્ટ છે.

પાદટીપ :

  1. ૧. જુઓ આ પ્રકરણનું પરિશિષ્ટ ૧.
  2. ૨. જુઓ આ પ્રકરણનું પરિશિષ્ટ ૨.
  3. ૩. સંસ્કૃતમાં પણ આવા દાખલા મળે છે :
    प्राप्ते संनिहिते मरणे
    नहि नहि रक्षति डुकृकञरणे ।
    चर्पटपंजरिकास्तोत्र, वृ. स्तो. र.
    અહીં ‘ડુકુવ’નો ‘ડુ’, પછી આવતા ‘કૃ’ ને લીધે ગુરુ થયો છે.
    આપણું ‘કીર્તિકૌમુદી’ના ગુજરાતના પ્રસિદ્ધ સંસ્કૃત કવિ રામેશ્વરના ‘રામશતક’માં પણ આવું દૃષ્ટાંત મળે છે :
    पाप प्रौढिं क्रमेण दृढयतु नितरां राघवः सः श्रियं वः ।
    —Journal of the Oriental Institute, Vol. ૧, No. ૧. P. ૧૨.
    શ્રી ભોગીલાલ સાંડેસરાનો લેખ, The Ramas’ataka
    અહીં ‘દ’ ને લીધે આગલો ‘ણ’ ગુરુ થાય છે.
  4. ૪. હોપ વાચનમાળામાં હું આ પાઠ ભણેલો.
  5. ૫. पिंगलदिभिराचार्यैर्यदुक्त लौकिकं द्विधा ।
    मात्रावर्णविभेदेने छन्दस्तदिह कथ्यते ।।
    - ८. र. नि., १, ४
  6. ૬. આ ‘વકર્‌’ ધાતુ પરિચિત નથી. તો દૃષ્ટાંતની ખાતર ‘તકર્‌’ કે એવો કોઈ બીજોે લઈ શકાય. અહીં ‘અ’ પહેલાં આવતો ‘ત્‌’ અ ‘અને’ પછી આવતો ‘ર્‌’ અને ‘ક’ ત્રણેય વ્યંજનો ‘અ’નું અંગ છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.