સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/પરિણીતા
આ ટૂંકી વાર્તા અનેક દૃષ્ટિએ સુંદર છે. તેના પ્રસંગોની ગૂંથણી સુંદર છે. એનાં અંગપ્રત્યંગનાં પરસ્પર પ્રમાણો સુંદર છે. પણ આ ટૂંકા૧[1] ઉપોદ્ઘાતમાં હું માત્ર બે જ દૃષ્ટિબિંદુથી તેની સુંદરતાનું નિરૂપણ કરવા પ્રયત્ન કરીશ. વાર્તાની નાયિકા લલિતાના માનસનો વિકાસ, તેની લાગણીનાં પરિવર્તનો અને તેને લીધે વાર્તાના બદલાતા જતા ભાવો અને સમગ્રનો રસ. બીજી તરફથી આ વાર્તાનાં પાત્રોના સ્વભાવોનું વૈવિધ્ય અને તેની ફૂલગૂંથણી. આ બન્નેમાં કવિએ વિશિષ્ટ શક્તિ બતાવી છે. બનાવો, પાત્રોના સ્વભાવો અને પરિસ્થિતિમાંથી સ્વાભાવિક રીતે સરતા સરતા ભાવોનો ગ્રાફ તેઓ ગૂંથતા જાય છે. લલિતા માબાપ વિનાની હોઈ તેના મામા ગુરુચરણને ઘેર ઊછરે છે. ગુરુચરણ ઊંચા કુળનો પણ ગરીબ છે. એટલી ગરીબીમાં પણ તે પોતાની કે પોતાનાં ફરજંદોની ચિંતા કરે તે કરતાં વિશેષ લલિતાની કરે છે એટલું એનું આભિજાત્ય છે. ગરીબ હોવાથી તેને, પૈસાદાર પડોશી કુટુંબને આશ્રયે રહેવું પડે છે. એ આશ્રય મળવામાં પણ અનેક હેતુઓ છે. પડોશી નવીનરાય જે ગોળનો વેપાર કરીને પૈસાદાર થઈ ગયો છે તેની દાનત પૈસા ધીરી ધીરીને ગુરુચરણનું ઘર પોતાના લાગતું હોવાથી પડાવી લઈને પોતાના દીકરા શેખર માટે તૈયાર કરવાની છે. તેની પત્ની ભુવનેશ્વરી સ્વભાવથી ભોળી, ઉદાર, પ્રેમાળ છે. તે માત્ર પોતાના ઉમદા સ્વભાવથી આ કુટુંબને મદદ કરે છે. તેને લલિતા તરફ સ્વાભાવિક પક્ષપાત છે. પુત્ર શેખરમાં તેના બાપની નિષ્ઠુરતા નથી ઊતરી પણ માતાની ઋજુતા, ઔદાર્ય ઊતર્યાં છે. બન્ને કુટુંબો વચ્ચે એટલી નિકટતા થઈ ગઈ છે કે લલિતા શેખર પાસેથી જોઈએ ત્યારે જોઈએ તેટલા પૈસા લઈ આવી શકે છે. બન્ને કુટુંબ વચ્ચે પરસ્પર એટલો બંધુભાવ ખીલેલો છે કે લલિતા અને શેખરને હંમેશ ભેગાં જોવા છતાં બન્ને ઘરનાં કોઈ મુરબ્બીને એમ કલ્પના પણ આવતી નથી કે બન્ને વચ્ચે લગ્નપરિણામી પ્રેમ થઈ શકે. આવી પરસ્પર ચોતરફની શ્રદ્ધાના વાતાવરણમાં જગતમાં સૌથી વધારે ઉદ્યોગી દેવ મનસિજ બન્નેનાં માનસ ઉપર નિઃશંક રીતે પોતાનું કામ કર્યે જાય છે. વાર્તાની શરૂઆતમાં લલિતા તેર વર્ષની છે. તે કેવળ મુગ્ધા છે. જેમ ઘણી વાર બને છે તેમ લગ્નપ્રીતિનું ભાન બેમાં શેખરને પહેલું થાય છે. તે ઉંમરે પણ મોટો છે. એમ. એ. થયા પછી તે ઍટર્ની થયો છે અને પચીસ-છવ્વીસ વર્ષનો છે. બીજા પ્રકરણમાં રૂપિયા લેતાં લલિતાને થાય છે કે આ રૂપિયા તો લઉં છું પણ કોણ જાણે ક્યારે પાછા વળાશે. શેખર કહે છે : ‘પાછા વળાશે કે વળે છે?’ પણ લલિતા સમજી શકતી નથી. શેખર કહે છે : ‘હજી જરા મોટી થા એટલે સમજી શકશે.’ અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે શેખર લલિતાને પરણવાની અને પછી પોતાના સગા થયેલા ગુરુચરણનું દેવું માફ કરવાની આકાંક્ષા સેવે છે. એટલું કહ્યા છતાં લલિતા સમજી નથી, પણ આ વાક્યના તેના મન પર દૃઢ સંસ્કારો પડ્યા છે તે આપણે આગળ જોઈ શકીએ છીએ. લલિતા શેખરનો કે પોતાનો પ્રેમ ઓળખી શકી નથી. પણ તેમ કર્યા વિના પણ તેણે સ્વાભાવિક રીતે જ એક ખંતીલી કોડીલી ગૃહિણીનું કામ ઉપાડી લીધું છે. ઝીણામાં ઝીણી બાબતમાં પણ તે શેખરની રજા મેળવે છે. નવાં કપડાં પહેરી તેને શેખરનું ધ્યાન ખેંચવાની ઇચ્છા થાય છે અને શેખરના ખંડની બધી સંભાળ અત્યાર પહેલાંથી તે રાખતી આવી છે. શેખર બધી બાબતમાં લલિતાને પરવશ રહેવામાં પોતાનું સૌભાગ્ય માને છે. લલિતામાં અજ્ઞાત દાંપત્ય પ્રેમ છે; છતાં તે એટલી નિર્દોષ છે કે શેખર વહુને જોવા જાય છે તેથી તેને જરા પણ ઈર્ષ્યા થતી નથી, તેમ તેને માઠું પણ લાગતું નથી. પણ શેખરનો સ્વભાવ તેથી ઊલટો જ છે. મુગ્ધ લલિતા પાડોશીના ઘરમાં જુવાન પૈસાદાર બ્રાહ્મધર્મી ગિરીન બાબુ મહેમાન આવ્યો છે તેની સાથે પત્તાં રમે છે, અને પરિચય કેળવે છે તે તેનાથી સંખાતું નથી. ગિરીનના આગમનથી વાર્તાનાં પાત્રોના સંબંધમાં ગૂંચવણો ઊભી થઈ વાર્તા સંકુલ બને છે. દુનિયામાં સામાન્ય રીતે સારાં માણસોમાં પણ સંજોગને લીધે વિરોધ થઈ, તેથી ગેરસમજૂત થઈ વિષમ પરિણામો આવે છે તેનો દાખલો અહીં બરાબર મળે છે. ગિરીન પણ લલિતા તરફ આકર્ષાય છે. ભોળો ગુરુચરણ લલિતા માટે વર શોધવાને, શેખરને કરી હતી તેમ ગિરીનને પણ ભલામણ કરે છે. તેને ખબર નથી કે બન્ને વેવિશાળિયાઓ જ પરણવાના ઉત્સુક છે. લલિતા તરફના આકર્ષણથી શેખર વહુને જોઈ આવીને તેને નાપસંદ કરાવે છે. ગિરીન લલિતા માટે વર શોધી લાવીને ભોળા ગુરુચરણ પાસે નાપસંદ કરાવે છે. પણ ગિરીન એક પગલું આગળ ભરી શકે છે. ખોટો દમ ભરાવી કામ કરાવી લેવાના ઇરાદાથી શેખરનો બાપ ગુરુચરણ પાસે પૈસાની ઉઘરાણી કરે છે. ગુરુચરણ ભડકે છે ત્યારે ગિરીન તેને જોઈએ તેટલા પૈસા ખત પણ કરાવ્યા વિના ધીરે છે. તે વડે ગુરુચરણ ઘર છોડાવે છે. આથી લલિતાનો આદર અને લગ્નની સંભવિતતાનો કાંટો કંઈક ગિરીન તરફ નમે છે. પણ લલિતાનો લગ્નપ્રેમ તો શેખર તરફ જ હતો. તે પ્રેમ, ગુરુચરણની લલિતાને પરણાવવાની ઉતાવળથી નિયત સ્વરૂપ લઈ લે છે. શેખર દર વરસ માફક તેની મા ભુવનેશ્વરીને લઈ હવાફેર કરવા જાય છે, ત્યારે આ વખત લલિતાનાં લગ્ન લેવાનાં હોવાથી તે સાથે જઈ શકતી નથી. લગ્ન કરવાં પડશે એ વિચાર તેના આખા મનને ઘેરી લે છે. અને મૂંઝવે છે. આ મૂંઝવણમાં તેના અસ્ફુટ ભાવો અને સંસ્કારો સ્ફુટ થવા માંડે છે. એટલામાં એક અકસ્માત થાય છે. ગુરુચરણની દીકરી આન્નાકાલી ઢીંગલીને પરણાવતી હોય છે. લગ્નના આટલા બધા કામમાં તેને પરવાર નથી તેથી શેખરદા માટે તૈયાર કરેલી માળા તેમને પહોંચાડવાનું તે લલિતાને કહે છે. લલિતા, કંઈ પણ સ્ફુટ વિચાર વિના, કેવળ આકસ્મિક ઊછળી આવતી ઊર્મિને વશ થઈ માળા આપવા જાય છે અને અડપલામાં શેખર ન દેખે તેમ તેના ગળામાં નાખે છે. શેખર લલિતાને કહે છે કે આ માલારોપનો અર્થ લગ્ન થઈ ચૂક્યો. શેખરના આ અચાનક પ્રાગભ્યથી લલિતાને આઘાત થાય છે. શેખરના પિતા નવીનચંદ્ર શેખરના લગ્નમાંથી કેટલા બધા પૈસા પેદા કરવા આગ્રહી હતા તે તે જાણતી હતી અને તેથી તેને વહેમ જાય છે કે શેખર લગ્નના ઇરાદા વિના માત્ર પોતાનું સ્ત્રીત્વનું અપમાન કરવા આમ કહે છે. તે શેખરે કરેલા અર્થનો નિષેધ કરે છે, એ અર્થનો પ્રતિકાર કરવા માળા પાછી માગે છે અને શેખરને હજી પણ એ જ ઉન્માદમાં જોઈ દૂર જતી રહે છે, રડી પડે છે. શેખર છાનોમાનો આવી તે માળા તેના ગળામાં પાછી નાખે છે. લલિતા રડી પડીને બોલે છે : ‘મારું કોઈ નથી તેથી જ તો તમે આમ મારું અપમાન કરો છો!’ શેખર નર્મ વચનોથી તેને મનાવી તેના હૃદય ઉપર સંપૂર્ણ અધિકાર મેળવે છે. બંગાળના રિવાજ પ્રમાણે લલિતા પત્ની તરીકે શેખરને પગે લાગે છે, બંને પોતાનો વિવાહ થઈ ગયો એમ માને છે અને લલિતા હવે પોતાનાં લગ્ન થવાની વાત ચાલે છે તેમાં શું કરવું તેની સલાહ માગે છે. ‘મારે શું કરવું તે કહેતા જાઓ.’ આટલી વાતચીત બંનેનો સંબંધ વ્યક્ત કરવા અતિ અગત્યની છે. ‘કંઈ કહેવાની જરૂર નથી. લલિતા, આજથી તું જાતે જ બધું સમજી શકશે.’ ‘મેં ભૂલમાં તમારા ગળામાં માળા પહેરાવી દીધી એટલે જ શું તમે આમ કર્યું?’ ‘ના. હું ઘણા દિવસથી વિચાર કરતો હતો, પરંતુ નક્કી કરી શકતો ન હતો. આજ નક્કી કર્યું, કારણ કે તારા વિના રહેવાય એમ નથી.’ પરંતુ તમારા બાપુ સાંભળશે તો બહુ ગુસ્સે થશે, મા સાંભળશે તો દુઃખ પામશે – એમ ન બને શે—’ ‘બાપુ સાંભળશે તો ગુસ્સે થશે એ વાત ખરી, પરંતુ મા બહુ ખુશ થશે. ગમે તેમ પણ થનાર હતું તે થઈ ગયું – હવે તું પણ ફેરવી શકવાની નથી. હું પણ ફેરવી શકવાનો નથી. જા, નીચે જઈને માને પ્રણામ કર.’ આમ અકસ્માતથી શરૂ થયેલો પ્રસંગ પરસ્પર લગ્નભાનમાં પરિણમે છે. પણ આ પ્રસંગમાં પણ લલિતાનું મુગ્ધતાનું પગલું હતું. શેખરનું સંપૂર્ણ ભાન અને જવાબદારીવાળું વર્ણન હતું. શેખરની ગણતરી મુજબ શેખર પિતાજીની મરજી ન છતાં માતાના વહાલથી લલિતાને પરણી શકત. પણ તેટલામાં એક નવીન મુશ્કેલી ઊભી થાય છે. શેખર અને ભુવનેશ્વરી હવાફેર કરવા ગયાં છે. દરમિયાન ગુરુચરણ ગિરીનને લલિતા આપવાનું નક્કી કરી દે છે અને આટલી બધી છોકરીઓને પરણાવવા પૈસા ક્યાંથી કાઢવા તેની મૂંઝવણમાં અને ગિરીનની અસરથી બ્રાહ્મધર્મ સ્વીકારે છે. તેના ઘરમાં રડારોડ થઈ રહે છે. નવીનબાબુ કંઈક જૂના મતાગ્રહથી, પણ વિશેષ તો હવે ગુરુચરણ હાથમાંથી ગયો એમ જોઈ, તેનો સંબંધ તોડી નાખે છે અને તેના મૂર્ત ચિહ્નરૂપ બંને ઘરના રવેશ વચ્ચે દીવાલ ચણાવી દે છે. ગુરુચરણનો સ્પર્શ સુધ્ધાં છોડે છે. શેખર અને ભુવનેશ્વરી બંને આ સાંભળી અસ્વસ્થ થઈ પાછાં ઘેર આવે છે. રવેશની દીવાલ જોઈને જ બંને નવીનરાયનું માનસ સમજી જાય છે. છતાં શેખરનું આકર્ષણ ઓછું થયું નથી. તે ગુરુચરણને ઘેર જાય છે. ગુરુચરણ અને તેની પત્ની બંનેને મળે છે. પાછા ફરતાં અંધારામાં લલિતા તેને મળે છે, જમીન પર પડી પ્રણામ કરે છે, અને જાણે ચારે બાજુથી વીંટળાતી વિપત્તિઓમાંથી બચવા પતિનું રક્ષણ માગતી હોય તેમ તેની પાસે જાય છે અને કહે છે : ‘હવે તમારો શો હુકમ છે!’ અહીં કહેવું જોઈએ કે શેખર કાયરની વાણી બોલે છે. પિતા, અને માતા પણ કદાચ, આવું લગ્ન નહિ સ્વીકારે, અને તેમની ઇચ્છાવિરુદ્ધ પોતાના વચન ઉપર ઊભા રહેવા જેટલું સામર્થ્ય ન હોવાથી તે સ્વીકારેલી સ્થિતિથી જાણે ભાગવા મથે છે. લગ્નના કોલના પ્રસંગ ઉપરની તેમની વાતચીત જેવી જ આ વાતચીત માર્મિક છે. શેખર જાણે કાંઈ ન સમજતો હોય તેમ ઉપરના પ્રશ્નનો ઉત્તર આપે છે : ‘હું કોના ઉપર હુકમ કરવાનો હતો?’ ‘મારા ઉપર.’ આપણે આખી વાતચીત અહીં જોઈ જઈએ. ‘જાઓ, આ વખતે મને મશ્કરી ગમતી નથી. પગે પડું, બોલો શું કરવું છે? ભયથી મને તો રાતે ઊંઘ આવતી નથી.’ ‘ભય શાનો?’ ‘તમે પાસે નહિ, મા પાસે નહિ અને વચમાં મામા શુંનું શું કરી બેઠા – હવે મા જો મને સ્વીકારવા રાજી ન થાય તો?’ શેખર થોડી વાર ચૂપ રહી બોલ્યો, ‘...મા હવે સ્વીકારશે નહિ! તારા મામાએ પારકા પાસે ઘણા રૂપિયા લીધા છે, એ વાત તેમણે સાંભળી છે, તે ઉપરાંત હવે તમો બ્રાહ્મ અને અમે હિંદુ.’ એક જ ઉક્તિમાં શેખરે હિન્દુ તરીકેની અને હિન્દુપુત્ર તરીકેની બંને નબળાઈઓ બતાવી. પણ લલિતા પાસે બંનેના સાચા જવાબો હતા. ‘મામા ગમે તે હો, પણ જે તમે છો તે જ હું છું... અને ગિરીનબાબુ પાસે રૂપિયા લીધાની વાતો કરો છો — તો તે હું પાછા આપી દઈશ.’ વાતની શરૂઆતમાં શેખરે કહ્યું કે ‘રૂપિયા પાછા વળે છે.’ તે વાક્ય લલિતા નહોતી સમજી, અત્યારે એ જ સંબંધના અધિકારથી અને કદાચ શેખરના વાક્યના સંસ્કારથી લલિતા ગુરુચરણને રૂપિયા આપવાનું કહે છે ત્યારે શેખર પોતાની કાયરતાથી એ વાત નથી સમજતો અને પૂછે છે : ‘એટલા બધાં રૂપિયા લાવશે ક્યાંથી?’ ‘જાણતા નથી બાઈ માણસ ક્યાંથી રૂપિયા લાવે છે તે? હું પણ ત્યાંથી જ લાવીશ.’ શેખર પોતાની દીનતા છુપાવવા અને લલિતા ઉપર આ સ્થિતિનો વાંક ઢોળવા કહે છે. ‘પરંતુ તારા મામાએ તો તને વેચી છે!’ લલિતા પૂર્ણ પ્રભાવથી જવાબ આપે છે : ‘મને વેચવાનો અધિકાર તેમને નથી, તેમ તેમણે વેચી પણ નથી. એ અધિકાર માત્ર તમને જ છે. તમે મરજીમાં આવે તો રૂપિયા આપવાની બીકે મને વેચી નાખી શકો ખરા!’ પત્ની કહી શકે તેવો આ સખતમાં સખત ટોણો છે. તેથી પણ શેખર ઉત્તેજિત થતો નથી, ઊલટું, તેના અત્યાર સુધીના બધા ભાવો, સમાજની અને કુટુંબની બીક સાથે અથડાઈ અવળા ચાલવા લાગે છે. તેણે પોતે જ લલિતા પોતાને પરણી છે એવો ભાવ જગાડ્યો છે, છતાં તેને અત્યારે એમ લાગે છે કે એક જરા માળા પરસ્પર નાખી, એક જરા... તેટલામાં લલિતા ગળે પડતી આવે છે! અને તેની ધૃષ્ટતાથી જાણે પોતે નાસતો ફરે છે. લલિતા પરણ્યાની વાત કહી દેશે તેનો તેને મોટામાં મોટો ડર છે. જ્યારે શેખરને ખાતરી થાય છે કે લલિતાએ શેખરને પરણ્યાની વાત હજી કહી નથી અને હવે કહેશે નહિ, ત્યારે પણ તે સ્વસ્થ નથી થતો. પોતાની નબળાઈ સમજી લલિતા બીજે પરણે તે વિકલ્પ સાથે સમાધાન નથી કરી શકતો, તેમ લલિતાને પૂર્વવત્ ચાહવા નથી માંડી શકતો, પણ ઈર્ષ્યા, ક્રોધ, અભિમાન અને જાણે પોતાનું લલિતાએ અપમાન કર્યું હોય તેમ બળ્યા કરે છે. હવે ગુરુચરણ માંદા પડે છે. તેને હવાફેર કરવા ગિરીન પોતાને ત્યાં લઈ જાય છે. આ પ્રસંગે લલિતા આન્નાકાલીને સાથે લઈ આવે છે, ‘દોષ અપરાધ’ માફ કરવાનું આન્નાકાલીને મોઢે કહેવરાવે છે, શેખર યુક્તિથી એકાન્તનો પ્રસંગ માગે છે તે આપતી નથી, શેખરની કૂંચી પાછી આપે છે અને દૂરથી પ્રણામ કરી ચાલી નીકળે છે. શેખરની લલિતા તરફની વર્તણૂકનો સ્ફુટ જવાબ અહીં લલિતા તેને બરાબર આપે છે. આ વસ્તુસ્થિતિમાં મોટા ફેરફારો થાય છે. ગુરુચરણ ગિરીનને ત્યાં ગુજરી જાય છે. પણ તેથી મોટો ફેરફાર નવીનરાય મૃત્યુ પામે છે તે છે. મરતા પહેલાં સારી પેઠે નાણાં મળે તેવી જગ્યાએ શેખરનું વેવિશાળ તે કરતો ગયો છે, અને એ એક મહિનામાં શેખરનું લગ્ન થવાનું છે. તેવામાં ગુરુચરણની વિધવા પોતાના જૂના ઘરમાં પાછી આવે છે. તેનો ઇરાદો ઘર વેચીને હવે જમાઈ ગિરીન સાથે જ રહેવાનો છે. ઘર શેખરના મોખનું હોવાથી તેને લેવું હોય તો પૂછવા બોલાવે છે. શેખર જાય છે, ત્યાં સત્તર વરસની લલિતાને અત્યંત કૃશ થઈ ગયેલી જુએ છે, તે તેને માત્ર પ્રણામ કરી ચાલી જાય છે. પણ ખરી વસ્તુસ્થિતિ સમજવા જેટલો તેનામાં સદ્ભાવ નથી. જૂના સળગાવેલા ઉષ્માના અંગારા આ ત્રણ વરસમાં પણ બુઝાયા નથી. તે સાંભળે છે કે લલિતાએ લગ્ન વખતે શેખરને બોલાવવાનું યાદ કરેલું હતું પણ તે ગુરુચરણના મરણના તાજા દુઃખને લીધે વીસરાઈ ગયું હતું : અને તેનો આખો આત્મા ફરી પ્રજ્વળી ઊઠે છે. શેખરને, અને વાંચનારને પણ સત્ય હકીકતની ઓચિંતી જ ખબર પડે છે. શેખર ઠેઠ સુધી લલિતા ઉપર ઘૃણા જ વધાર્યે જાય છે. થોડા દિવસ પછી ઘર લેવાની બાબતનો તરત નિકાલ કરવાનું કહેવા ગિરીન શેખરને મળવા જાય છે. શેખર જૂના અણગમાથી વાત ઉડાવે છે. ગિરીન વાતવાતમાં લલિતાનો બહેન શબ્દથી ઉલ્લેખ કરે છે. અને શેખરનો મૂઢ થયેલો આખો આત્મા એકાએક જાગે છે. ‘કોણ કહેતું હતું?’ તે ટટાર થઈને પૂછે છે. ‘બહેન – લલિતા બહેન કહેતાં હતાં.’ તે પછી જ શેખરને ગિરીન તરફથી બધી હકીકતની ખબર પડે છે. ગુરુચરણ મરતી વખતે કહેતા હતા કે ગિરીને બીજે કોઈ ઠેકાણે લગ્ન ન કરવું, પણ લલિતાએ જણાવ્યું કે પોતાનાં લગ્ન તો થઈ ગયાં છે અને સ્વામી જીવતા છે. ગિરીનને લલિતા તરફ પ્રેમ છે. પણ તે સ્વામી કોણ અને લગ્ન કેવી રીતે થયાં એટલું પણ પૂછ્યા વિના લલિતાની વાત સ્વીકારી લે છે. એટલી બધી તેને લલિતા ઉપર શ્રદ્ધા છે. એટલું બધું તેને સ્ત્રીત્વનું માન છે. આ સાંભળી શેખર એકાએક રડી પડે છે. તેની હાથે કરીને વાળેલી અનેક ગ્રન્થિઓ એકસાથે દ્રવીને સરી પડે છે. ગિરીનના ગયા પછી તે તે બ્રાહ્મ યુવકને પ્રણામ કરે છે. ‘મનુષ્ય વગર બોલ્યે કેવો મોટો સ્વાર્થ ત્યાગ કરી શકે છે. હસતે મુખે કેવી કઠોર કબૂલાતોનું પાલન કરી શકે છે. તે આજે તેણે પહેલવહેલું જોયું.’ બપોરે લલિતા ભુવનેશ્વરી પાસે બેસીને શેખરના લગ્નનાં લૂગડાં ગોઠવવામાં મદદ કરતી હોય છે ત્યાં શેખર જઈ ચડે છે અને પુત્ર તરીકે લાડ કરતો કરતો લલિતા પોતાની પત્ની હોવાની વાત કરે છે. ભુવનેશ્વરી લલિતાના આવા અઘટિત અપમાનથી ક્રોધ કરે છે – તે પણ શેખરની પેઠે લલિતા હજી નથી પરણી એ નહિ જાણતી હોય – ત્યાં લલિતા પુત્રવધૂ તરીકે પગે લાગી તે વાતનો સ્વીકાર કરે છે. ભુવનેશ્વરી ખબર કહેવરાવે છે કે લગ્ન તો એ જ મિતિએ થશે પણ કન્યા બદલાઈ ગઈ છે. આ વાર્તાની ખૂબી એ છે કે ગૌણ પાત્રો પણ સુરેખ દોરાયાં છે. ભોળો, ઉદાર, સહનશીલ, આભિજાત્યવાળો ગુરુચરણ કંઈક આળસુ અને નિષ્ક્રિય હોવા છતાં આપણને ઘણો જ પ્રિય લાગે છે. તેની જ સામે નવીનરાય પણ તેવો જ દૃઢ રેખાથી આલેખાયો. છે. નાની આન્નાકાલી અને તેની મા પણ તેવાં જ સ્પષ્ટ દોરાયાં છે. ઓછાં પાત્રોથી પણ કર્તાએ સુંદર રચના ખડી કરી છે. પણ વાર્તા વાંચી રહ્યા પછી બે પ્રશ્નો થવા સંભવે છે. આ છવ્વીસ-સત્તાવીસ વરસના યુવાનો આવડી નાની લલિતાનું સંવનન કરે? હા. જે સમાજમાં પુરુષો સંસારસુધારાના વિચારથી કે લગ્નના બજારમાં વધારે પૈસા ઊપજશે એવા વિચારથી મોટી ઉંમરના થાય, પણ જ્યાં કન્યાઓની લગ્નની ઉંમર જૂના સનાતન ધર્મના વિચારોથી ઊંચી આણી શકાતી ન હોય, ત્યાં એવું જ થાય. અત્યારે પણ ગુજરાત દક્ષિણ વગેરે પ્રાંતોમાં જ્યાં સુધારો અર્ધે અટક્યો છે ત્યાં એમ જ થાય છે. અને ભુવનેશ્વરી જેવીને છેવટે એક કન્યા સાથેનું લગ્ન બંધ રાખવામાં કશો જ સંકોચ નથી જણાતો! માત્ર કન્યા બદલાઈ ગઈ છે એટલું સહેલાઈથી કહી દે છે! હા, જ્યાં વર માટે પૈસા હક્ક કરીને માગવાનો રિવાજ હોય ત્યાં વરપક્ષવાળાને કન્યાપક્ષ તરફ એટલી ઘૃણા હોય જ છે. નહિ તોપણ આપણા વ્યવહારમાં કન્યાપક્ષ એટલો રાંકડો જ હોય છે. પણ સૌથી મોટો પ્રશ્ન : લલિતા જેવી મનસ્વિની માટે કાયર શેખર કરતાં ઉદાત્તચરિત ગિરીન વધારે લાયક નહિ? ગિરીન લલિતાને નથી પરણી શકતો તે કાવ્યજગતમાં એક અન્યાય નથી? ગિરીન લલિતા તરફ પ્રેમ છતાં આન્નાકાલીને પરણે છે તે ઉચિત છે? આ બધા પ્રશ્નો ખરા છે. અને છતાં દુનિયામાં નિયતિ કામ કરતી જણાય છે તે જ નિયતિ કાવ્યજગતમાં પણ હોય છે. લલિતા મનસ્વિની છે માટે જ જેની સાથે એક વાર પરણ્યાનો સંકલ્પ કરી ચૂકી તે સિવાય બીજાને કદી પરણે નહિ – કુંવારી રહે એ હક્ક. અને ગિરીન લલિતાને પરણી ન શક્યો. પણ જગતમાં શું પરણવું એ જ એકમાત્ર સારા કામનો બદલો છે? જે ઉદાત્તતા ગિરીને બતાવી તે જ શું એક મોટો લાભ નથી? અને તે આત્મસિદ્ધિ ગિરીને આત્મમંથનથી મેળવી છે, વાર્તાની શરૂઆતમાં તેનામાં તે દેખાતી નથી. અને આન્નાકાલીને તે પરણ્યો તે સરસ્વતીચંદ્ર કુમુદ સાથે પ્રેમ હોવા છતાં કુસુમને પરણ્યો તેના જેવું નથી. અહીં લલિતાને ગિરીન માટે આદર છે પણ પ્રેમ નથી. અને આટલો જવાબ આપ્યા છતાં કંઈક ખુલાસા વિનાનું રહી જાય છે. પણ એમાં તો શરદબાબુની સાચી કલા છે. કવિનિર્મિત જગત પણ આ ખરા જગત જેવું છે. આખું ન સમજાય પણ તે જે છે તે સાચું છે એવી પ્રતીતિ થાય છે – આ તો આમ જ બની શકે, બીજું ન બની શકે, એવી ખાતરી થાય છે તેમાં જ કવિની નિર્માણશક્તિ રહેલી છે. શરદબાબુનો સૂક્ષ્મ હાસ્યરસ, એક બાજુ નવીનરાયની સામે કટાક્ષથી જોતો અને બીજી બાજુ ગુરુચરણની સામે સમભાવથી જોતો અને કરુણની સાથે સાથે વહેતો, નજર બહાર રહે તેવો નથી. અને શ્રી નગીનદાસે આ આખો અનુવાદ તે તે રસો અને ભાવોને ઝીલે તેવો કર્યો છે તે પણ વાંચનારના લક્ષ બહાર રહેશે નહિ એમ હું માનું છું.
તા. ૧-૮-૩૧ પાદટીપ
- ↑ ૧. લખી રહ્યા પછી સમજાય છે કે ટૂંકો કરવાની ઇચ્છા હોવા છતાં તે લાંબો થઈ ગયો છે.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.