આચમની/૨૩

From Ekatra Foundation
Revision as of 01:47, 18 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૩

સૂર્ય છાબડે ઢાંક્યો રહેતો નથી. એવી જ રીતે જ્ઞાનનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠા અંતરમાં ઊગે ત્યારે સાત્ત્વિક વૃત્તિનાં કિરણો અનાયાસ વિસ્તરે છે. સૂર્ય કિરણોનું દાન કરતો નથી. નદી જળનું દાન કરતી નથી. ફૂલ સુગંધનું દાન કરતું નથી. આપવું તે એમનો સહજ સ્વભાવ છે. એવી જ રીતે આત્મજ્ઞાનીના જીવનમાંથી સહજપણે ઉદારતા ઊભરાતી હોય છે. સામાન્ય રીતે માણસ કૃપણ છે. એ કંઈક આપે છે ત્યારે સામેથી કંઈક મેળવવાની ઈચ્છા રાખતો હોય છે; ધન-ધાન્ય, વિદ્યા કે વસ્તુઓનાં દાન કીર્તિ મેળવવા થાય છે. શાળાઓ કે ઈસ્પિતાલોનાં મકાનો પર મોટા અક્ષરે દાતાનાં નામ કોતરાય છે. આમાં દાતા અને દાન બંન્નેનો મહિમા ઘટે છે. સત્ત્વશીલ મનુષ્યને તો યાદ પણ નથી રહેતું કે કોને શું આપ્યું અને કેટલું આપ્યું. સંતોએ કહ્યું છે : તારા જમણા હાથે જે આપ્યું તેની તારા ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. આમાં સહજ દાનની ફોરમ હોય છે. પોતે જાણે ભારમુક્ત થયો, ઋણમુક્ત થયો એવો ભાવ દાતાના હૃદયમાં જાગે છે. જેમ જેમ તે વધુ આપે તેમ તેમ તે વધુ નમ્ર થતો જાય છે, કારણ કે ખરો દાતા કોણ છે એની તેને ખબર પડી હોય છે. અબ્દુલ રહીમ ખાનખાનાન મોટા દાની હતા. તેમને કોઈએ સવાલ કર્યો હતો :

કહાં સે સિખે નવાબજૂ ઐસી દેની દેન?
જ્યો જ્યોં કર ઊંચો ધરો, ત્યોં ત્યોં નીચે નૈન.

ખાનખાનાને જવાબમાં કહેલું :

દેને વાલી ઔર હૈ, ભેજત હૈ દિન રૈન,
લોગ ભરમ હમ પર કરે, તાતે નીચે નૈન.

ખરો આપનારો તો હજાર હાથવાળો છે. એનું ભાન, એ જ તો દાનનું ફળ. અનેક પ્રકારનાં દાન છે તેમાં સર્વશ્રેષ્ઠ દાન ભાગવતે સર્વ પ્રાણીને અભયદાન આપવાને ગણાવ્યું છે.

દંડન્યાસં પર દાનમ્
(શ્રીમદ્ ભાગવત ૧૧-૧૯-૩૭)

અભયપદની પ્રાપ્તિ માટે, પોતાના તરફથી અન્ય પ્રાણીને અભય મળશે. દંડ-પ્રહાર નહીં થાય એવો ગુણ-વિકાસ કરવો જોઈએ. ‘હું મહા દાની છું’ એવા દર્પથી, ‘આ ઉપકારનો બદલો મળશે’ એવા આશયથી કે ‘થોડુંઘણું આપી જાન બચાવવા દેને’ એવી ભીરુતાથી આપવામાં આવતું દાન સત્ત્વનો હ્રાસ કરનારું છે. ઉત્તમ દાન વિષે તૈત્તિરીય ઉપનિષદ (૧-૧૧-૧૩) કહે છે :

શ્રદ્ધયા દેયમ્ સંવિદા દેયમ્

શ્રદ્ધાથી આપવું, અંતરની પૂરી સંવેદનશીલતાથી આપવું. કારણ કે શ્રદ્ધામાં સામર્થ્ય છે, સંવેદનામાં છે કરુણા.

***