આચમની/૨૪

From Ekatra Foundation
Revision as of 01:47, 18 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૪

સૂર્ય પોતાનાં અસંખ્ય કિરણો અવિરત વરસાવે છે, પણ એમાં તણાઈ નથી જતો. એવી જ રીતે, દાતાએ પણ દાનના પ્રવાહમાં પોતે ખેંચાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. દાન એ દાતાની અનુગ્રહ શક્તિ છે તો દમ એ તેની નિગ્રહશક્તિ છે. સત્ત્વસંશુદ્ધિ માટે ગીતાએ જેમ જ્ઞાન અને કર્મની જુગલબંદી રચી એવી જ રીતે દાન અને દમનું જોડકું દર્શાવી આપ્યું. આજે ‘દમ’ એટલે પરાણે કરવામાં આવતું ઈન્દ્રિયદમન એવો જ અર્થ કરાય છે. ભોગવૃત્તિની એવી તો પતાકા ફરકાવવામાં આવે છે કે વિવેક અને વૈરાગ્યને ક્યાંય સ્થાન જ નથી. દાનમાં સહજ એવો વિવેક વરતે અને દમમાં આંતરિક વૈરાગ્ય પ્રભાવ પાથરે તો જીવનની રસમયતા વધી જાય છે. બન્ને એક જ સિક્કાની બે બાજુ છે. જેને પોતાના અંતરમાં જ્ઞાનનો ઉદય કરવો છે તેણે તો અન્યને માટે માથું ઉતારી આપનારા અને પોતાને માટે કોઈ પાસેથી કાંઈ પણ આશા ન રાખનારા સમર્થને પગલે ચાલવું રહ્યું. એક અસલી દુહો છે :

આપણ કાજે શીયલા, પર કાજે સમરથ્થ,
એવા સાજણને રોકીએ આડા દઈ દઈ હથ્થ.

પોતાને માટે ચાંગળું પાણી માગતાં અચકાતા પણ બીજાને માટે સિંહની જેમ ગર્જના કરી ઊઠતા અને ભીડ ભાંગતા સજ્જનને તો આગ્રહ કરી કરીને પોતાના કરી રાખવા જોઈએ. ભલે લાખ જાય પણ આવા લાખેણા સોબતીને તો સાચવી લેવા જોઈએ. જેનામાં આત્મજ્ઞાન જાગે, બોધિનો ઉદય થાય તેવા જીવ માટે આ સત્ત્વ જાણે વજ્રની દૃઢતા અને કમળની કોમળતા જેવું પાંગરે છે. મૈત્રેય બુદ્ધના પૂર્વજન્મની કથા ‘અવતંસ સૂત્ત’માં આપેલી છે, તેમાં બુદ્ધત્વ ભણી પગલાં માંડતા બોધિસત્ત્વનો પ્રસંગ છે :

‘એ વેળા હું ભયંકર તાપ સહન કરતો રણમાં મુસાફરી કરતો હતો. માથે સૂર્ય તપતો હતો અને પગ તળે રેતી સળગતી હતી. મારો કંઠ સુકાતો હતો. તરસથી પ્રાણ આકુળ વ્યાકુળ થતો હતો. ત્યાં મેં એક નાનું ખાબોચિયું જોયું. મારી તરસ છીપશે એ વિચારે મને મનમાં જરા ટાઢક વળી. ત્યાં તો એક હરણી આવી પહોંચી. તેની જીભ બહાર નીકળી ગઈ હતી, આંખોના ડોળા ફાટી રહ્યા હતા. તરસથી તેના પ્રાણ નીકળી જશે તેમ લાગતું હતું. એને જોઈ મારા પગ થંભી ગયા. એ મારાથી ગભરાઈ ન જાય એટલા માટે હું પાણીના ખાબોચિયા પાસે ન ગયો. હરણીએ ધરાઈને પાણી પીધું. અને એ જન્મમાં મારો દેહ એ રણમાં ઢળી પડ્યો.’

આત્મ-દમન, આત્મ-સંયમ અને આત્મ-શમનનું ગૌરવ આજની લોલુપ વૃત્તિઓના આક્રમણ વચ્ચે વધુ પ્રકાશિત કરવું રહ્યું. ભોગ અને ત્યાગનાં દ્વાર વચ્ચે ‘દાન’ અને ‘દમ’ના મંગલદીપ પ્રગટે તો ઘર અને શેરી પ્રકાશિત થઈ જાય.

***