આચમની/૨૯

From Ekatra Foundation
Revision as of 02:02, 18 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૯

મહાભારતના શાંતિપર્વમાં જીવનને ઉજાળતાં રત્નોનો ભંડાર ભર્યો છે. આપણા મનને મૂંઝવતા અને જિજ્ઞાસા જગાડતા પ્રશ્નોને યુધિષ્ઠિરે વાચા આપી છે અને ભીષ્મે તેના સારગર્ભ ઉત્તર આપ્યા છે. ભારતીય દૃષ્ટાઓની એ ખૂબી અને ખાસિયત છે કે તે કોઈ પણ પ્રશ્નને માત્ર ભૌતિક દૃષ્ટિએ જોતા નથી પણ ભૌતિક સાથે અભિન્નપણે વણાયેલી દૈવિક અને આત્મિક સૂષ્ટિનું દર્શન કરાવે છે. ભૌમ, દિવ્ય અને આત્મિક અવસ્થા એક જ પરમ ચૈતન્યના આવિર્ભાવો છે. આ સત્ય સમજ્યા વિના જીવનનું અખંડ દર્શન પ્રાપ્ત થતું નથી. આજે પદાર્થ-વિજ્ઞાન, જીવ-વિજ્ઞાન અને અવકાશ-વિજ્ઞાન પોતાની સીમાઓ વિસ્તારતાં જાય છે. એની સમક્ષ માનુષી સૃષ્ટિ ઉપરાંત દિવ્ય અને પરમ ચેતનાનાં રહસ્યો પણ પ્રગટ થતાં આવશે. ત્યારે પછી મનુષ્યને અનાચાર અને અત્યાચારમાંથી મુક્ત થવાનું કહેવું નહીં પડે. પોતાના સ્વાર્થ માટે. પોતાના હિત માટે જ તે ધર્માચરણ કરતો થઈ જશે, કારણ કે હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારવાનું કોઈને ગમતું નથી. આપણી કરૂણતા એ છે કે આપણે વારસામાં મળેલા રત્નભંડાર સામે જોતાં પણ નથી અને કાચના ટુકડા પાછળ દોટ મૂકીએ છીએ. ઉપકરણો વધે તેથી માણસ સમૃદ્ધ થતો નથી; પણ આપણે તો ઉપકરણો વધારતાં જઈએ અને તેના ગુલામ થતાં જઈએ એમાં જ આપણી જાતને સમૃદ્ધ માનીએ છીએ. ખરું જોતાં એ ઉપકરણો અંતે તો પરાધીનતા અને પરવશતાને જ વધારી મૂકે છે. ઉપકરણ એટલે બહારનાં સાધનો. તેના થકી મળતી માહિતી ગ્રહણ કરે છે આપણી ઈન્દ્રિયો એટલે આપણાં બાહ્ય કરણો. એ બાહ્ય કરણોનું સંચાલન કરે છે અંતઃકરણ. આ અંતઃકરણને પણ સંચાલિત કરતું અને નિયમિત કરતું તત્ત્વ તે આત્મતત્ત્વ, એ કોઈ પણ કરણ કે સાધન વિના પણ કાર્ય કરવા સમર્થ છે. જ્યાં સુધી આપણી દૃષ્ટિ અંતર્મુખી થતી નથી ત્યાં સુધી આ અંદરના નિયામક અંતર્યામીની ઝાંખી થતી નથી. જે અંતર્યામીનું દર્શન કરાવે એ જ વિદ્યા, બીજી અવિદ્યા; કારણ કે શાશ્વતનાં દર્શન વિના આ અનિત્ય જગતમાં શાંતિ નથી. વિદ્યા વડે જ સર્વ કાંઈ પ્રાપ્ત થાય છે એવી શાંતિપર્વની ઘોષણા છે :

યસ્ય વાઙ્ગનસી સ્યાતાં સમ્યક્ પ્રણિહિતે સદા
તપ: ત્યાગશ્ચ યોગશ્ચ સ વૈ સર્વમ્ અવાપ્નુયાત્.
નાસ્તિ વિદ્યાસમં ચક્ષુ: નાસ્તિ વિદ્યાસમં બલમ્
નાસ્તિ રાગસમં દુઃખ નાસ્તિ ત્યાગસમં સુખમ્.
(મહાભારત શાંતિપર્વ. અધ્યાય ૧૬૯. શ્લોક ૩૨ અને ૩૩)

જેનાં વચન અને મન તપસ્યા, ત્યાગ અને યોગ — એમ પાંચે સમ્યકપણે બરાબર રીતે સુસ્થિત છે તે બધું જ પ્રાપ્ત કરે છે. વિદ્યા સમું નેત્ર નથી. વિદ્યા સમું બળ નથી, રાગ સમું દુઃખ નથી અને ત્યાગ સમું સુખ નથી.

***