આચમની/૪૬

From Ekatra Foundation
Revision as of 02:34, 18 March 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૬

જગતનાં ઉત્તમ કોટિનાં નરનારીઓ ઘણી વાર અણપ્રીછ્યાં, અણપૂછ્યાં. અણકથ્યાં જ પસાર થઈ જતાં હોય છે. તેમના પરિચયમાં આવનારાં તેમનાં સ્મરણો લખે ત્યારે તેમના વિષે થોડુંઘણું જાણવા મળે છે. આવા જ એક મહાપુરુષ હતા મોકલપુરના બાબા. એ ગંગાકિનારે મોકલપુરમાં રહેતા તે પરથી એ નામ પડ્યું। સ્વામી અખંડાનંદ સરસ્વતીએ તેમનાં થોડાં સ્મરણો અને સદુપદેશ આલેખ્યાં છે. બાબાની દરેક વાત વિલક્ષણ હતી. તે ઈશ્વરને કહેતા વાંગડ, જેનું કાંઈ જ ઠેકાણું નહીં એવો મનમોજી વાંગડ. પછી પોતે જ એનો અર્થ સમજાવતા : ‘જે પોતે પોતાનામાં સંતુષ્ટ છે તેણે આટલી ઉપાધિ ઊભી કરવાની શી જરૂર હતી? કાંઈ પણ મતલબ વિના આટલી જંજાળ વધારવામાં તેનું વાંગડપણું જ છે.’ પછી તે હસીને પૂછતા : ‘શું મારું તેને વાંગડ કહેવું બરાબર નથી?’ એ બાબા દરેક વસ્તુમાં ગંગાજીનાં દર્શન કરતા. જીવનની દરેક ઘટના તેમને માટે ગંગાની લહરી હતી. મળવા આવતા ભક્તોને એક દિવસ કહે : ‘આ વખતે હું તમને સહુને મળવા આવીશ.’ ગંગાકિનારે નિવાસ કર્યો. અનેક લોકો મળવા આવતા. જેમણે ઘણો સમય એકાંતમાં જ ગાળેલો તે, લોકો વચ્ચે આનંદથી ઘૂમતા અને સહુ કોઈને સમાન પ્રેમભાવથી મળતા. કહેતા : ‘આ વખતે હું બકાસુર બનીને આવ્યો છું. મારી પાસે ગમે તેટલો બકવાસ કરાવી લો !’ પરમાત્માના દર્શન વિષે કહ્યું : ‘આત્મા કે પરમાત્મા જે કાંઈ છે એ તો છે જ. તેને પ્રાપ્ત કરવાનું નથી. જો વિચાર કરી પ્રયત્ન કરીને બંધન કાપવામાં આવે તો બંધન ફરી ઉત્પન્ન થશે. જો સાધના કરી સંસારને મિટાવી દેવાય તો તે ફરી ઊભો થશે. જ્યારે કાંઈ નહોતું તો ય આટલું પ્રપંચ ફેલાઈ ગયું તો તમે કાંઈ કરશો ત્યારે તો એ ક્યારે ય મિટાવ્યું નહીં મટે. તેનો બખેડો વધારે વધી જશે. તમે અજ્ઞાનવશ સંસારનું બંધન ઊભું કર્યું છે, તેને જ્ઞાન દ્વારા કાપી નાખો. અજ્ઞાનનો ધ્વંસ થતાં જ જ્ઞાન પણ બિનજરૂરી બની જશે. સંસાર અને બંધન તમારી કલ્પનાનાં ભૂત છે. એ ભૂતને પાળી-પોષી તેનાથી ગમે તો ડરતા રહો કે પછી મુક્ત થઈ જાઓ.’ મોકલપુરના બાબા જેવા અજ્ઞાત મહાજનો આપણને બંધનપુરમાંથી ‘મોકલપુર’ લઈ જવા આવે છે કે ઈશ્વર તેને મોકલી આપે છે; પણ એમની સાથે જનારા કેટલા?

***