આચમની/૪૭

From Ekatra Foundation
Revision as of 02:35, 18 March 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૭

એમનું નામ સ્વામી ગોવિન્દાનંદ ભારતી. નેપાળમાં શિવપુરી નામની જગ્યાએ રહેતા તેથી શિવપુરી બાબા તરીકે જાણીતા થયા. સન ૧૮૨૬માં કેરળમાં તેમનો જન્મ. લગભગ ત્રીસ વર્ષ તેમણે નર્મદાના જંગલમાં એકાંત સાધનામાં ગાળ્યાં. અંતરાત્મામાં અજવાળું થતાં બહાર આવી વિશ્વયાત્રાએ ઊપડ્યા. ઘણા દેશો પગે ચાલીને ફર્યા. ઈંગ્લેન્ડમાં બર્નાર્ડ શૉને મળેલા. શૉએ કહેલું : ‘તમે ઈન્ડિયન સાધુઓ નકામા છો. તમને સમયની કિંમત નથી. સ્વામીએ જવાબ આપ્યો : ‘સમયના ગુલામ તો તમે છે. હું અનંતમાં જીવું છું.’ વિશ્વયાત્રા પછી નેપાળમાં સ્થિર થયા. એ દિવસોમાં મહાશિવરાત્રિ પછી માત્ર આઠ દિવસ ભારતવાસીને નેપાળમાં રહેવા દેવામાં આવતા. સ્વામી નેપાળમાંથી રવાના થવા નીકળ્યા ત્યાં રસ્તામાં ત્યાંના અંગ્રેજ રેસિડન્ટ મળ્યા. રેસિડન્ટે સ્વામી સામે ક્યાંય સુધી જોયા કર્યું પછી પૂછ્યુંઃ ‘તમે ગોવિન્દ તો નહીં? એ. વિદ્યાર્થી અવસ્થામાં સ્વામીને ઇંગ્લેન્ડમાં મળેલા. તેમણે સ્વામીને નેપાળમાં જ સ્થિર થવા વિનંતિ કરી. સ્વામી શિવપુરીમાં સ્થાયી થયા. રેસિડન્ટ વિલિલ્કન્સન દર રવિવારે સ્વામી પાસે આવતા. શિષ્ય તરીકે બધું જ કાર્ય કરતા. આંગણું વાળે. રસોઈ તૈયાર કરે અને સ્વામી પાસે અધ્યાત્મવિદ્યા ગ્રહણ કરે. સ્વામી કહેતા : ‘પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી બજાવનાર તથા અધ્યાત્મની શોધ તેમ જ પ્રજ્ઞાની પ્રાપ્તિ માટે શિસ્તપાલન કરનાર તે વિરલ વ્યક્તિ હતા.’ રવિવાર સ્વામી સાથે ગાળી વિલિલ્કન્સન બીજા દિવસે રાજવહીવટની ફરજ બજાવવા હાજર થઈ જતા. સ્વામી ગોવિન્દાનંદ ૧૩૭ વર્ષ જીવ્યા. ગુર્જિએફના શિષ્ય જે. જી. બેનેટે શિવપુરી બાબા સાથે થયેલો વાર્તાલાપ ન લખ્યો હોત તો આ બાબા વિષે જગતને કાંઈ જાણવા ન મળત. પોતાને વિષે વાતો કરવાને બદલે બાબા હંમેશા આત્મસાધના પર ભાર દેતા. શરીર, મન અને અંતરાત્માની સમતોલ કેળવણી માટે યોગ્ય વ્યાયામ, સજાગ ચિંતન અને એકાગ્ર આત્મધ્યાન – ત્રણેનું સરખું જ મહત્ત્વ તે ચીંધી બતાવતા. આ માટે બેનેટનું પુસ્તક ‘લોંગ પિલગ્રિમેજ’ વારંવાર વાંચવા જેવું છે. શિવપુરી બાબાના જીવન વિષે તૂટક-છૂટક માહિતી તેમના નિકટવાસી ઠાકુરલાલ માનંધરે આપી છે. પહેલીવાર એ બાબાને મળ્યા ત્યારે બાબાએ પૂછ્યું હતું: ‘તારા ખિસ્સામાં ગીતાનું પુસ્તક છે. બોલ છે ને?’ ‘હા, જી.’ ‘ગીતાના સોળમા અધ્યાયના પહેલા ત્રણ શ્લોકોનું પઠન કર અને એને અમલમાં મૂક.’ શિવપુરીબાબાના અભિપ્રાય પ્રમાણે આમાં બધું જ સમજવાનું અને આચરવાનું આવી જાય છે.

***