સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નાનો-કુબેર-પ્રેમાનંદ સ્વામી

From Ekatra Foundation
Revision as of 05:59, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નાનો – કુબેર – પ્રેમાનંદ સ્વામી

[થાળ— બપોરે ને સાંજે મંદિરોમાં થાળ ધરાવે છે ને પછી સૌ જમે છે. એની પછવાડે ભાવના એ છે કે કોઈ પણ વસ્તુ પોતાના ઇષ્ટદેવને સમર્પણ કર્યા સિવાય તેનો પોતે ઉપયોગ કરવો નહિ. આ ભાવના તો ભાવનાને ઠેકાણે રહી, ને દેવને નામે માલપાણી ઉડાવવાની સુંદર યુક્તિ આપણા ઉદરંભર પૂજારીઓના હાથમાં આવી ગઈ એમ કોઈ કહે, તો તેનો વિરોધ કરવો મુશ્કેલ થઈ પડે. પણ આપણે તો અહીં કવિતા સાથે કામ છે. આપણા કવિઓએ તો શુદ્ધ ભાવનાથી પ્રેરાઈને થાળની કાવ્યપ્રસાદી આપણને આપી છે. જોવાનું એ છે કે માણસ પ્રભુને પણ પોતા સરખો માણસ જ બનાવી દે છે. પોતે જે રાતદિવસ ખાય પીએ છે એની જ પોતાના પ્રભુને પણ નવાજેશ ધરે છે. નાનાના કાવ્યમાં આજીજી કેટલી બધી છે! અને લાડ પણ! પોતાના વહાલા બાળકને જે લાડકોડથી ખવડાવે એ જ લાડકોડથી ભગવાનને પણ ખાવા તેડે છે.... ત્યારે, કુબેરમાં વળી ખુમારી છે. ભાવે તો ઢેબરું ખાવા આવજો. મારે ઘેર ઢેબરું મળશે, ભાવશે? બત્રીસાં ભોજન અને તેત્રીસાં શાકની ખેવના હોય તો મારે ઉંબરે ચઢશો નહિ. અને દહીંનું દડબું કેટલા તોરથી મૂકે છે! જાણે મોટું દિલ્હીનું રાજ આપી દેતો ન હોય. અને શહેરના વિદ્યાર્થીઓને જરીક જણાવી લઈએ કે કાળંગડીનાં કાળાં બિયાં ભાડભૂંજાને ત્યાંથી શેકેલાં મળે છે તે ભલે સારાં લાગતાં હોય, પણ એનું શાક કાંઈ ધસીને ખાવા જેવું હોતું નથી. આપણો કુબેર કહે છે કે કાળંગડાંનું શાક છે. તમે ખાતા હો તો ઠીક, એટલે કે ન ખાતા હો તો શાકના નામના હાથ ધોઈ નાખજો. અને ખાતા હો તો? હું શાક રાંધીને આપીશ એમે આશા ન રાખશો. કાચું કરડવા માટે સમારીને આપીશ એ આશા પણ ખોટી. પાલવે તો પેલો સામે વેલો દેખાય ત્યાંથી તોડી લાવો ને માંડો ભરવા બચકાં. આ ‘કુબેરો’ કેટલો મસ્ત છે એ આ સાત લીટીના સાદા ગુજરાતી કાવ્યમાંથી જોવાનું છે. આપણે એને કહીશું કે, “અલ્યા ‘ભવાનદાસના ભાઈ,’ તને કાળંગડાં તોડવા જતાં પગ દુખતા હતા, તો તારા ભાઈ ભવાનદાસને ભગવાન વતી એટલી તસ્દી આપવી હતી ને?” આપણા કવિઓ કાવ્યને છેડે પોતાનું નામ લાવે છે એમાં કોઈ અભિમાન ન જુએ. એ તો પ્રણાલિકા પ્રમાણે નામ લાવતા એટલું જ. ને તે પણ કેટલી નમ્રતાથી? ‘દાસ નરસૈંયો,’ ‘બાઈ મીરાં,’ ‘અખો સોનારો,’ ‘ભટ પ્રેમાનંદ,’ ‘દાસ દયો’ એમ નમનતાઈથી નામ અંદર મૂક્યાં હોય છે. પોતાને કવિ પ્રેમાનંદ કે સંત મીરાં એમ કહેવરાવવા કોઈ મથતું નથી. કોઈ પોતાના નામની જોડે ગુરુનું નામ પણ વણી લે છે. ‘નિરાંત મંછારામ શરણે’માં નિરાંત પોતાના ગુરુને માન આપે છે. ભટ્ટ વલ્લભ પોતાના ભાઈ હરિનું નામ સાથે મૂકે છે: ‘વલ્લભ હરિ ફરી કહે છે કરગરી.’ પ્રસિદ્ધ મરાઠી કવિ ગડકરીએ ‘ગોવિન્દાગ્રજ’ (ગોવિન્દનો મોટોભાઈ – આગળ જન્મેલો) એવું ઉપનામ રાખ્યું હતું. કુબેરે પણ પોતાના ભાઈનું નામ પોતાની રચનામાં વણવાનું પસંદ કર્યું છે. ત્રીજો થાળ પ્રેમાનંદ સ્વામીનો છે. તેમાં કુબેર કરતાં જુદી જ વાત નજરે પડે છે. શી સાહ્યબી ને શો ઠઠેરો છે! આ દેશનું પાકશાસ્ત્ર કેટલું ખીલેલું છે એનો અનુભવ થાય છે. પણ કવિએ માત્ર પકવાન્નની યાદી જ આપી નથી, તેના વર્ણનમાં એક પ્રકારની કોમળતા અને લાડ છે. લીટીએ લીટીએ ઘરગથ્થુપણાનું વાતાવરણ જામતું જાય છે. ગુજરાતી જીવનના ભર્યાભર્યા વૈભવનું ગૌરવભર્યું વર્ણન આ કાવ્યમાંથી મળી રહે છે. પણ નાનાની કઢીના ‘સઈડકા’ની ને કુબેરના પેલા ‘દહીંના દડબા’ની વાત તો જુદી જ. ૧. ૫. આપણી આગળ ચિત્ર ખડું થાય છે. ઘી જરીક પીરસે છે તેનું વર્ણન છે. પોતે પીરસે ને સામું માણસ ‘ના, ના, ના!’ ‘થયું!’ ‘થયું!’ એમ કહે તો પણ પીરસે જાય એ પિરસણનો લહાવો છે. આ લીટી આપણા ગૃહજીવનનો અચ્છો ચિતાર રજૂ કરી દે છે. દેવોને બહાને મનુષ્યજીવનની રસમય વિગતો કવિઓ કેવી રીતે ગાય છે એનો પણ આ નમૂનો છે. ૭. સંસેક – જરીએક.(?) ૧૨. ભડકા માટે અનાજ ભરડવા કોઈને કહે છે. બધું જાણે આપણી નજર આગળ બની રહ્યું છે. ૧૪. પાંચકણીની -- પાંચ જાતનાં અનાજ ભેગાં કરીને. ‘પંચકણી’ પણ કહે છે. દાળની ત્રણ જાત હોય ત્યારે ‘ત્રેવટી’ કહે છે. પંચકણીનો લોટ જ બનતા લગી સાધુ બાવાઓ કને હોય છે. ચપટી માગવા જાય ત્યારે જેને જેનો લોટ આપવો હોય તે આપે, સાધુ તો બધો એક જ ઝોળીમાં ભેગો કરે. . ૪. કૂમતડેલ—જેને ફૂમતાં-ફૂલનાં છોગાં-ઊડે છે એવી. ૫. સીધા આવીને પાટલે બેસી જવાનું નથી. થોડોક સ્વાશ્રય પણ કરવો પડશે. ૬. વાહી—આછાં આછાં ચોપડીને. ‘હાથ વાહીને’ એમ પ્રયોગ થાય છે. સુકાઈ ન જાય તે માટે ચીકટ લગાડીને મૂકી રાખે છે. બાજરીનાં ‘બે’ ઢેબરાં સાત લીટીમાં બે વાર તો એણે ગણાવ્યાં! . ૨. શેરડીઓ—શેરીઓ.(સરખાવો: ‘શેરી વળાવી સજ કરું, ઘેર આવોને; આંગણિયે વેરું ફૂલ, મારે ઘેર આવોને.’—દયારામ) ૪. મળિયાગરે—મલયગિરિ પર જે થાય છે તે ચંદન વડે. ૧૦૧. ચળુ—હાથ ધોવા તે.]