સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નર્મદાશંકર

Revision as of 06:30, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નર્મદાશંકર

[દલપતરામ જૂની અને નવી કવિતા વચ્ચેના પુલરૂપ ગણાય છે, તો નર્મદથી નવી કવિતાની શરૂઆત થતી લેખાય છે. ‘પ્રેમશૌર્ય’ના કવિ તરીકે મશહૂર આપણા આ કવિએ દેશભક્તિ, શૌર્ય અને કુદરતવર્ણનનાં અનેક સરસ કાવ્યો આપ્યાં છે. એમાંથી બે અહીં ઉતાર્યાં છે. ગુજરાતનું રાષ્ટ્રગીત થઈ પડ્યું હોય એવું ‘ગરવી ગુજરાત’ નર્મદનું ઘણું જાણીતું કાવ્ય છે. એની પ્રથમ પંક્તિ જ જુઓ. કેવી ઉમળકાભરી શરૂઆત! અને ‘જય જય ગરવી ગુજરાત!’નો મંત્ર તો જાણે નર્મદે ગુજરાતને આપેલો અમર વારસો છે. ગુજરાતની નદીઓ, ગુજરાતની સીમાઓ, ગુજરાતનો ગૌરવભર્યો ઇતિહાસ, એ બધું બહુ થોડા પણ પ્રાણવાન શબ્દોમાં વર્ણવી, કવિ ગુજરાતના ભાવિનું અતિ કોડભર્યું ચિત્ર દોરે છે. કવિનું એ સ્વપ્ન આજના ગાંધી-યુગના ગુજરાતે થોડે ઘણે અંશે સિદ્ધ કર્યું છે ખરું? એનો પ્રેમશૌર્ય અંકિત ધ્વજ આજે ગુજરાતના વ્યોમમાં ઝળહળે છે ખરો? કેટલે અંશે એની એ બધી ભવિષ્યવાણી સાચી પડી છે?]