સાહિત્ય પલ્લવ – ભાગ ૧/પ્રહ્લાદ પારેખ

From Ekatra Foundation
Revision as of 12:39, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રહ્લાદ પારેખ

[બનાવટી ફૂલો કદાચ તમે ઘણી વાર જોયાં હશે. તે જોઈને તમારા મનમાં કાંઈ થયું હતું? એમનામાં સુગંધ નથી — એટલો જ કાં તો આપણને વિચાર આવશે. પણ સુગંધ નથી એ જ મોટી વાત નથી. આપણા એક યુવક કવિના મનમાં શું થયું હતું તે જોવાથી એ સમજાશે. બનાવટી ફૂલોને રંગ છે, રૂપ છે અને સાચાં ફૂલ કરતાં કાંઈક વિશેષ પણ છે. કળાકારીગરી કરનારાઓએ તેમને સાચાં ફૂલ કરતાં પણ વધારે સુંદર બનાવવા પ્રયત્ન કર્યો છે. અને એમનો આવરદા? સાચાં ફૂલની પેઠે આ ખીલ્યાં ને ઓ ખર્યાં એવો ટૂંકોયે નથી. પણ મોટી ખોટ શાની છે ત્યારે? કમળ અને અન્ય ફૂલો સૂર્યનાં કિરણ પામતાં જ ખીલવા મંડે છે. કુમુદ (પોયણાં) જેવાં ફૂલો ચંદ્રનાં કિરણ મળતાં ઊઘડીને પ્રફુલ્લ થાય છે. આ તો રોજરોજની વાત થઈ. પણ ઋતુઓની વાત કરીએ તો વસંતઋતુ બેસે છે ત્યારે તો એના દખણાતા વાયરાનો સ્પર્શ થતાં ઝાડ, છોડ અને વેલીઓને ફૂલ ઊઘડવા માંડે છે. કવિ પૂછે છે: ‘સૂર્ય કે ચંદ્રને ઊગતો જોઈ તમને આનંદ થયો છે? વસંતના વાયુના સ્પર્શથી તમે નાચ્યાં છો?’ પણ કવિને મુખ્ય જે કહેવાનું છે તે તો અંતભાગમાં છે. તે પૂછે છે કે, ‘સાચાં ફૂલને જે એક મોટો આનંદ છે કે આજે તો પોતાનું સર્વ કાંઈ અર્પી દઈને ખરી જવું — એ આત્મસમર્પણનો આનંદ માણવાની ઇચ્છા તમારા હૈયામાં કદી જાગી છે’?... કહેવાની જરૂર નથી કે આ રીતે કવિએ સાચાં ફૂલોની જ પ્રશંસા કરી છે. ૨. રાત્રે ક્યાંકથી સૌરભ-સુગંધ આવે છે ને સંગીતના સૂર સંભળાય છે તેનું વર્ણન છે. હરણું સંગીતથી આકુળ બને છે. હૃદયની દશા હરણા જેવી હતી. તે હૃદય પર કૃપા કરવા આ સંગીત આવતું હશે? ચિત્ત કોઈ ઊંચા આનંદની નિરંતર ઝંખના કર્યા કરતું હતું. એ આનંદ જ શું આ સુરભિ (સુગંધ)નું પૂર થઈને વહી રહ્યો હશે?]