સાહિત્ય પલ્લવ – ભાગ ૧/બનાવટી ફૂલોને

From Ekatra Foundation
Revision as of 12:42, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. બનાવટી ફૂલોને

બનાવટી ફૂલોને
તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે,
અને બાગોમાંના કુસુમ થકી લાંબું જીવન છે.
ઘરોની શોભામાં, ૫
કદી અંબોડામાં
રહો છો, ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું,
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
‘પરંતુ જાણ્યું છે,
કહી વા માણ્યું છે, ૧૦
શશીનું ભાનુનું ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?’
ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું:
‘તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતું: ૧૫
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું?’