સંચયન-૧૧

From Ekatra Foundation
Revision as of 01:38, 24 March 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan-11 Book Cover.jpg
સંચયન - ૧૧

॥ પ્રારંભિક ॥

Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૧૧ : માર્ચ ૨૦૨૬
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૦૩/૨૦૨૬



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૦૩/૨૦૨૬

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.



Sanchayan-11 Image 1.jpg

હમ્પી નગરનાં છાયાચિત્રો : વિવેક દેસાઈ

॥ અનુક્રમ ॥

સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૧ : માર્ચ, ૨૦૨૬

સમ્પાદકીય
પરિચયનું વિધિવિધાન~ કિશોર વ્યાસ

કવિતા
મારા વ્હાલા ~ દેશળજી પરમાર
હંકારી જા ~ સુન્દરમ્
અવ ~ પ્રિયકાન્ત મણિયાર
હાથી ~ પ્રિયકાન્ત મણિયાર
આંસુ ~ ઉસનસ્
સાંજનો શમિયાણો ~ વેણીભાઈ પુરોહિત
એક-મેકના મન સુધી… ~ ગની દહીંવાલા
ફાગણનો ફાગ ~ મેઘબિંદુ
અવકાશની ઝાંખી ~ હર્ષદ ત્રિવેદી


વાર્તા
જવા દઈશું તમને.... ~ કુન્દનિકા કાપડીઆ

નિબંધ
ઐસા ભી હોતા હૈ! ~ રતિલાલ બોરીસાગર

વિવેચન
આધુનિક કવિતાની છંદોરચના ~ હરિવલ્લભ ભાયાણી
સર્જન ~ હરિવલ્લભ ભાયાણી

કલાજગત
‘હમ્પી’ — ડાયરીનું એક પાનું ~ વિવેક દેસાઈ

નોંધઃ મુખપૃષ્ઠ ઉપર આવેલ છાયાચિત્ર વિવેક દેસાઈ દ્વારા હમ્પી નગરનું છે.

॥ સમ્પાદકીય ॥

Sanchayan-11 Image 2.jpg

પરિચયનું વિધિવિધાન


જન્મ ૩-૧૧-૧૯૬૬

આપણા સાહિત્ય સમારંભોનું આયોજન અને એની હવા ચોમેર પ્રસરતી જાય એમ ટૂંકાગાળામાં જ એ બેઠકનું સંચાલન કરનારના સંપર્ક-સંવાદ વક્તાઓ સાથે થવા લાગે છે. બેઠકના સંચાલકની વિનમ્રપણે એક જ માગણી હોય છે કે વક્તાનો લિખિત પરિચય બને એટલી ત્વરાથી મેળવી લેવો. વક્તાઓ હોંશે હોંશે એવા તૈયાર પરિચય મોકલી પણ આપતા હોય છે અને તરતમાં નવપ્રકાશિત પુસ્તકો, ઈનામઅકરામોની યાદીઓ ઉમેરી પણ આપતા હોય છે. આવી અધિકૃત જાત-માહિતી, તથ્યલક્ષી પરિચયવાળી હોય તો ઉત્તમ પરંતુ એ માહિતી આત્મરતિ કે આત્મપ્રશંસાથી લદાયેલી હોય ત્યારે સંચાલક એને સૂક્ષ્મ નજરે ચકાસતો કે સંકલિત કરવાની તૈયારી દાખવતો જોવા મળે છે ખરો? વળી, સમારંભ ટાણે સમયની ખેંચતાણ એવી હોય છે કે વક્તાએ મોકલેલા બૃહદ પરિચયના ફરફરિયાઓમાંથી શું કહેવું અને કેટલું કહેવું એની અસમંજસમાં સંચાલક અટવાઈ પડે છે અને વક્તાએ કરેલા અત્યંત મહત્ત્વના કાર્યો વિસારે પડી જાય છે. અન્ય વિગતો પ્રાધાન્ય ભોગવતી નજરે ચઢી આવે છે જે શ્રોતા લેખે બિરાજેલા સર્જકને ક્યારેક તો દિગ્મૂઢ કરી બેસે છે. જેને વક્તાના સમગ્ર કાર્યનો જરીજેટલો અંદાજ નથી એવા બેઠક સંચાલકો ‘નામ હી કાફી હૈ’ એમ જુદાજુદા અંદાજમાં વ્યકત થયાનો અનુભવ મોટાભાગના વકતાઓને થતો હોવાનો. ક્યારેક તો વક્તા સાથે આત્મીય સંબંધ કઈ રીતે વિકસિત થતો ચાલ્યો એનું પ્રસંગકથન પરિચયને સ્થાને આવી પડતું હોય છે. વકતાઓને જે સમયમર્યાદા ચીંધવામાં આવી હોય છે એવી જ, બલ્કે એનાથી ચુસ્ત સમયમર્યાદા સંચાલકે પાળવાની હોય છે પણ એકવાર કહેવા બેઠા પછી કશું બાકી ન રહે એમ માનનાર સંચાલકના તેજ, ગતિ અને ધ્વનિથી શ્રોતા દૂર થવા કે છટકી જવા મથતો હોય છે. સાહિત્યિક કાર્યક્રમોમાં સંચાલન કરનાર સાહિત્યરસિક હોય એ સાથે વકતાઓની બહુવિધ કામગીરીથી ક્યારેક અજાણ હોય તો પણ એમના નોંધનીય કામથી અવગત થવું નિર્દોષ, મુગ્ધ સ્થિતિ વચ્ચે અનિવાર્ય છે કેમકે એ એનું મહત્ત્વનું કામ છે. એક પ્રસંગે તો સરખા નામ ધરાવતા સર્જકનો સદ્ગત સર્જકરૂપે પરિચય આપવાનો આરંભ થયેલો ત્યારે એ સર્જક કરુણમિશ્રિત અવાજે બોલી ઉઠેલા કે : ‘એ તો અહીં વ્યાખ્યાન આપવા આવી નહીં શકે પણ, એના બદલે હું હાજર છું !’ જ્યોતિન્દ્ર દવેએ રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે રજૂ કરેલું હળવું કાવ્ય વક્તાને સતત યાદ આવતું રહે કે ‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય’. સર્જક વકતાઓની લાંબી કારકિર્દી દરમ્યાન થયેલા પુસ્તકોની યાદીનું વાંચન, એમણે વિવિધ સંસ્થાઓમાં ભોગવેલા પદોની યાદી, વિધવિધ સંસ્થાઓના પુરસ્કારો કે એની જીવનલક્ષી વિગતો સંચાલક દ્વારા ક્યારેક એક વક્તવ્ય જેટલી ખેંચાતી હોય છે. એ સાવ બિનજરૂરી કે કાઢી નાખવા જેવી છે એમ નહીં પણ એ એવી સંતુલિત હોય કે વક્તાના વિષયપ્રવેશની માંડણી કરી આપે. વક્તાની સજ્જતા-સામર્થ્યને એ જિજ્ઞાસુ શ્રોતા સમક્ષ ખોલી આપનારી હોવી ઘટે. સંચાલકની કાવ્યપ્રીતિ, વક્તાઓ માટેના ભારઝલ્લા વિશેષણો અને એમના વાયવી પરિચય સમારંભની ગરિમાને, એના વાતાવરણને જે આભા પ્રાપ્ત થવી જોઈએ એનાથી ક્યાંયે દૂર ઘસડીને ફેંકી દે છે. ગોળના ગાડા સરખી અતિ પ્રશંસા અને અસ્પષ્ટ માહિતીથી સમારંભોના સંચાલકોએ સાવધ રહેવાની જરૂર છે. આજે હવે દૃશ્યમાધ્યમો અને ઉપકરણોની સવલતો વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ બની છે ત્યારે આવી પરિચય શૃંખલા ડીસ્પ્લે બોર્ડ પર ફરતી રાખી શકાય. નોટિસ બોર્ડ પર સર્જકોની તસવીર સાથે એમના સાહિત્યિક કાર્યનો વિગતે આલેખ રજૂ થતો ઘણી જગાએ જોવા મળે છે. નાનકડા સાહિત્યજૂથ હોય કે કોઈ મોટા સાહિત્ય સંમેલનો હોય, એ સઘળે કાર્યક્રમની દોરવણી કરનાર સંચાલકનું શુષ્ક, તૈયારી વિનાનું દીર્ઘસૂત્રી સંચાલન હોવાને બદલે જો એ પ્રવાહી, પારદર્શક અને સર્જકની સર્જકતા આસપાસ હશે તો કાર્યક્રમને એ પૂરક બની રહેશે.

- કિશોર વ્યાસ

Sanchayan-11 Image 4 - Kishor Vyas Books.jpg

॥ કવિતા ॥


જન્મ : ૧૩ જાન્યુઆરી, ૧૮૯૪
મૃત્યુ : ૧૨ ફેબ્રુઆરી, ૧૯૬૬

મારા વ્હાલા
દેશળજી પરમાર

સાંજને સોણલે રસિયોજી જોયા,
જોતાં ચાલી જળધારઃ મારા વ્હાલા
પહેલે આંસુડે અંતર ઊઘડ્યું,
છલકી હૈયાની છોળઃ મારા વ્હાલા
બીજે આંસુડે હથેળી લઈને
ટચલી આંગળીએ લખું: મારા વ્હાલા
ત્રીજે આંસુડે જીવણ ચીતરું,
જીવણ ચીતર્યાં ન જાયઃ મારા વ્હાલા
ચોથે આંસુડે મુખડું હું માંડું,
આછેરે લોચન નીરઃ મારા વ્હાલા
પાંચમે આંસુડે આંખડી અરપું,
કીકી કાજળ કેરી ધારું: મારા વ્હાલા
છઠ્ઠે આંસુડે નાથજી નીરખું
નેને પાથરિયા પ્રાણઃ મારા વ્હાલા
છેલ્લે આંસુડે અંતર રડિયું,
તૂટી હૈયાની પાળઃ મારા વ્હાલા.


જન્મ : ૨૨ માર્ચ, ૧૯૦૮
મૃત્યુ : ૧૩ જાન્યુઆરી, ૧૯૯૧


હંકારી જા
સુન્દરમ્

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા
સોનેરી સોણલું બતાડી તું જા. મારી o

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી
જનમભૂખીને જમાડી તું જા. મારી o

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. મારી o