સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મોહનદાસ કરમચંદ ગાંધી

From Ekatra Foundation
Revision as of 03:14, 25 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મોહનદાસ કરમચંદ ગાંધી

[‘આત્મકથા’માંથી આ વૃત્તાંત લીધો છે. આ પ્રસંગ જોવાથી સમજાશે કે, જે માણસ આગળ જતાં મહાપુરુષ થયા તે સ્વમાન જાળવવા માટે કેટલીય બધી કાળજી રાખતા હતા, છતાં સાથે સાથે અપમાન કરનાર પ્રત્યે ક્રોધ કરતા ન હતા. તેની સામે વેર તો એમના મનમાં ઊગતું જ નહિ. પોતાને વેઠવું પડ્યું એ કરતાં પોતાની પેઠે હજારો લાખો લોકોને વેઠવું પડતું હશે એની એમના મનમાં પહેલી ફિકર થાય છે. પોતાને સગવડ મળે, પોતાનું સ્વમાન જળવાય, પોતાને અપમાન કરનારને શિક્ષા થાય, એવો ઉપરચોટિયો ઇલાજ લેવાની એમનું મન ના પાડે છે. પોતાને જે કારણે સહન કરવું પડ્યું તેનું મૂળ ક્યાં છે એની એ પ્રથમ તપાસ કરે છે અને એ મૂળ નાબૂદ કરવા માટે નિશ્ચય કરે છે. એ મૂળ એમને રંગદ્વેષમાં દેખાય છે. રંગદ્વેષ — કાળાગોરાનો ભેદ જવો જોઈએ એમ પોતાના મનમાં એ ગાંઠ વાળે છે.... પોતાને મારનાર પર અદાલતમાં કામ ચલાવવાની એ ના પાડે છે, સાથેના ઉતારુઓએ બતાવેલી ભલી લાગણીની પોતે નોંધ લે છે, હોલૅન્ડવાસી સ્ટેશન-માસ્તરની તારીફ કરે છે, છેલ્લે ગાડીમાં સાથે જે અંગ્રેજ સજ્જન હતા તેની કાળા જોડે બેસવાની તૈયારીની નોંધ કરે છે, — એ બધું બતાવી આપે છે કે બૅરિસ્ટર મોહનદાસ બધા ગોરાઓમાં રંગદ્વેષ છે એમ માની લઈ તેમને અન્યાય કરતા નથી, અને પોતે પોતામાં સામેથી ગોરાઓ માટે દ્વેષ પેદા થવા દેતા નથી. પેલો ડોળા ઘુરકાવતો હતો ત્યારે પોતે જાન જોખમમાં જુએ છે ને મનમાં ભય અનુભવે છે તે, અને જોહાનિસબર્ગના સ્ટેશન-માસ્તરને કાગળ લખી તેનો જવાબ રૂબરૂ મેળવવાનો ‘પેચ’ રચે છે તે વાતો એમણે આપણાથી ચોરી નથી. આ લખાણમાં ‘ભાતીગર’, ‘ખડે’, ‘ડાહ્યો’, ‘વહાર’ અને ‘પેચ’ એ શબ્દો અત્યંત અર્થ આપનારા છે. સાચા હૃદયથી વાત કહેનારા સાદા શબ્દોથી કેટલી બધી વાત કહી શકે છે એના એ નમૂના છે. ‘ભાતીગર’ અને ‘ડાહ્યો’ એ શબ્દોમાં કાંઈક હાસ્ય છે, પણ તે પોતાને જ ભોગે છે. ‘આત્મકથા’નો આ પ્રસંગ ધ્યાનથી વાંચજો. આને અંગે ગાંધી હીરકમહોત્સવ પ્રસંગે ડૉ. સુમન્ત મહેતાએ લખ્યું હતું: ‘તે રાત્રે ઠંડીમાં ઠૂંઠવાતા મોહનદાસ ગાંધીએ અપમાનના ઘૂંટડે ઘૂંટડા પીધા, પણ તેણે જોઈ લીધું કે આ અપમાનમાંથી કોઈ પણ (હિન્દી) કુલી મુક્ત નહોતો. એ અપમાન ઊંડે રહેલા એક મહારોગનું લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એમ કહી શકાય કે આ ભયંકર રાત્રે સત્યાગ્રહનો જન્મ થયો.’ —એટલું બધું આ પ્રસંગનું મહત્ત્વ છે. આત્મકથા લખવાનો પ્રચાર દેશપરદેશમાં જોવામાં આવે છે. મહાન સ્ત્રીપુરુષો પોતાના અનુભવનો લાભ બીજાને મળે એમ માનીને તે લખતાં જાય છે. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્યને સર્વસ્વ ગણ્યું છે, તેથી પોતાની કથાનું નામ ‘સત્યના પ્રયોગો’ રાખ્યું છે. આપણી ભાષામાં બીજી આત્મકથાઓ પણ છે: ‘મારી હકીકત’ (નર્મદ), ‘હું પોતે’ (નારાયણ હેમચંદ્ર), ‘ટેકરાના મુનશીઓ’ અને ‘અડધે રસ્તે’ (કનૈયાલાલ મુનશી), ‘સ્મરણયાત્રા’ (કાકા કાલેલકર), ‘જીવન સંભારણું’ (શારદાબહેન મહેતા), વગેરે.