સાહિત્ય પલ્લવ – ભાગ ૧/બુદ્ધ

Revision as of 01:55, 27 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બુદ્ધ

કિશોરલાલ મશરૂવાળા

બુદ્ધનો ઉપદેશ સાંભળનાર ઉપર તત્કાળ અસર કરતો. જેમ ઢાંકેલી વસ્તુને કોઈ ઉઘાડીને બતાવે, અથવા અંધારામાં જેમ દીવો વસ્તુઓને પ્રકાશિત કરે, તેમ બુદ્ધના ઉપદેશથી શ્રોતાઓને સત્યનો પ્રકાશ થતો. લૂંટારા જેવા પણ એમના ઉપદેશથી સુધરી જતા. અનેક જનોને એમનાં વચનોથી વૈરાગ્યનાં બાણ વાગતાં, અને તેઓ સુખસંપત્તિ છોડી એમના ભિક્ષુસંઘમાં દાખલ થઈ જતા. પૂર્ણ નામે એક શિષ્યને પોતાનો ધર્મોપદેશ સંક્ષિપ્તમાં આપી બુદ્ધે એને પૂછ્યું, ‘પૂર્ણ, હવે તું કયા પ્રદેશમાં જઈશ?’ પૂર્ણ — ભગવન્, આપના ઉપદેશને ગ્રહણ કરીને હું હવે સુનાપરન્ત (નામના) પ્રદેશમાં જનાર છું. બુદ્ધ — પૂર્ણ, સુનાપરન્ત પ્રાન્તના લોકો અતિ કઠોર છે, બહુ ક્રૂર છે; તે જ્યારે તને ગાળો દેશે, તારી નિંદા કરશે, ત્યારે તને કેવું લાગશે? પૂર્ણ — તે વખતે, હે ભગવન્, હું માનીશ કે આ લોકો બહુ સારા છે, કારણ કે તેઓએ મારા ઉપર હાથથી પ્રહાર કર્યો નથી. બુદ્ધ — અને જો તેઓએ તારા ઉપર હાથથી પ્રહાર કર્યો તો? પૂર્ણ – મને તેઓએ પથ્થરથી માર્યો નહિ, તેથી તે લોકો સારા જ છે એમ હું સમજીશ. બુદ્ધ — અને પથરાઓથી માર્યો તો? પૂર્ણ — મારી ઉપર તેઓએ દંડપ્રહાર કર્યો નહિ, તેથી તે બહુ સારા લોક છે એમ હું સમજીશ. બુદ્ધ — અંતે દંડપ્રહાર કર્યો તો? પૂર્ણ — શસ્ત્રપ્રહાર કર્યો નહિ એ તેમનું ભલપણ છે એમ સમજીશ. બુદ્ધ — અને શસ્ત્રપ્રહાર કર્યો તો? પૂર્ણ — મને ઠાર માર્યો નહિ એ તેમની ભલાઈ છે એમ સમજીશ. બુદ્ધ — અને ઠાર માર્યો તો? પૂર્ણ —ભગવન્, કેટલાએક ભિક્ષુ આ શરીરથી કંટાળીને આત્મઘાત કરે છે. એવા શરીરનો જો આ સુનાપરન્તના રહેવાસીઓએ નાશ કર્યો, તો તેમણે મારા ઉપર ઉપકાર કર્યો એમ હું માનીશ. અને તેથી તે લોકો બહુ જ સારા છે એમ હું સમજીશ. બુદ્ધ — સાધુ! પૂર્ણ, સાધુ! આવા પ્રકારના શમદમથી યુક્ત હોવાથી, તું સુનાપરન્ત પ્રદેશમાં ધર્મોપદેશ કરવાને સમર્થ થઈશ. દુષ્ટને દંડ દેવો એ એની દુષ્ટતાનો એક પ્રકારનો પ્રતિકાર છે. દુષ્ટતાને ધૈર્ય અને શૌર્યથી સહન કરવી, અને સહન કરતાં કરતાં પણ એની દુષ્ટતાનો વિરોધ કર્યા વિના રહેવું નહિ, એ બીજા પ્રકારનો પ્રતિકાર છે. પણ દુષ્ટની દુષ્ટતા વાપરવામાં જેટલી ઊણપ તેટલું શુભ ચિહ્ન લેખી, એની મૈત્રી જ કરવી અને મિત્રભાવના વડે જ એને સુધારવા મથવું, એ દુષ્ટતાની જડ ઉખેડનારો ત્રીજો પ્રકાર છે. મિત્રભાવના અને અહિંસાની કેટલી ઊંચી સીમાએ પૂર્ણ પહોંચ્યો હશે તેની કલ્પના કરવા જેવી છે. મહાપુરુષોના ઉપદેશો, એમણે શું વિચાર્યું છે, એ દર્શાવે છે; એમના ઉપદેશથી સમાજ ઉપર થયેલી અસર એમની વાણીનો પ્રભાવ જણાવે છે; પણ એ વિચાર અને વાણીની પાછળ રહેલી નિષ્ઠા એમનાં જીવનના પ્રસંગો પરથી જ જણાય છે. માણસ વિચારે છે તેટલું બોલી શકતો નથી, અને બોલે છે તેટલું કરી શકતો નથી. માટે એ જે કરે છે તે ઉપરથી જ એનું તત્ત્વજ્ઞાન એના હૃદયમાં કેટલું ઊતર્યું હતું તે પારખી શકાય છે. જો જગત પ્રત્યેની મિત્રતાની ભાવનાની આપણે મૂર્તિ બનાવી શકીએ તો તે બુદ્ધના જેવી હોય એમ કહેવાને હરકત નથી. પ્રાણીમાત્ર વિષે મૈત્રી સિવાય બીજી કાંઈ એમને દૃષ્ટિ જ ન હતી. એમના ઉપર વૈરભાવ રાખનારા કેટલાયે જન નીકળ્યા, હલકામાં હલકાં આળ ચડાવવાથી લઈને એમને મારી નાંખવા સુધીના પ્રયત્નો કરવામાં આવ્યા, પણ એમના હૃદયમાં એ વિરોધીઓ વિષે પણ મિત્રતાથી હલકો ભાવ નીકળી શક્યો જ નહિ, એ નીચેના પ્રસંગો પરથી સમજાશે, અને તે ઉપરથી અવતાર એટલે કેવા પુરુષ હોય તેનો ખ્યાલ આવશે. કૌશામ્બીના ઉદયન રાજાની રાણી જ્યારે કુમારી હતી, ત્યારે એના પિતાએ બુદ્ધને એનું પાણિગ્રહણ કરવા વિનંતી કરેલી. પણ બુદ્ધે તે વખતે જવાબ વાળ્યો હતો કે, ‘મનુષ્યના નાશવંત શરીર ઉપરથી મોહ છૂટી જવાથી મેં ઘર છોડ્યું. પરણવામાં મને કશો આનંદ જણાતો નથી. હું એ કન્યાનો સ્વીકાર કેવી રીતે કરું?’ પોતાના જેવી સુંદર કન્યાનો અસ્વીકાર કરવાથી એ કુમારીને અપમાન લાગ્યું. વખત આવ્યે બુદ્ધ પર વેર વાળવો એણે મનમાં નિશ્ચય કર્યો. જતે દહાડે એ ઉદયન રાજાની પટ્ટરાણી થઈ. એક વાર બુદ્ધ કૌશામ્બીમાં આવ્યા. શહેરના લફંગાઓને પૈસા આપી, આ રાણીએ એમને શીખવ્યું કે, જ્યારે બુદ્ધ અને એમના શિષ્યો શહેરમાં ભિક્ષા માટે ફરે, ત્યારે એમને ખૂબ ગાળો દેવી. તે ઉપરથી જ્યારે બુદ્ધનો સંઘ ગલીઓમાં પેસે કે ચારે તરફથી એમના ઉપર બીભત્સ ગાળોનો વરસાદ વરસવા લાગ્યો. કેટલાક શિષ્યો અપશબ્દોથી મૂંઝાયા. આનંદ નામના એક શિષ્યે શહેર છોડી જવા બુદ્ધને વિનંતી કરી. બુદ્ધે કહ્યું, ‘આનંદ, જો ત્યાં પણ આપણને લોકો ગાળો દેશે તો શું કરીશું?’ આનંદ બોલ્યો, ‘બીજે ક્યાંય જશું.’ બુદ્ધ — અને ત્યાં પણ એમ થાય તો? આનંદ – વળી કોઈ ત્રીજે ઠેકાણે. બુદ્ધ — આનંદ! જો આપણે આ પ્રમાણે નાસભાગ કર્યા કરીશું, તો નિષ્કારણ કલેશ-ભાગી જ થઈશું. એથી ઊલટું જો આપણે આમના અપશબ્દો સહન કરી લઈશું, તો એમની બીકથી બીજે જવાનું પ્રયોજન નહિ રહે, અને આમની ચાર આઠ દિવસ ઉપેક્ષા કરતાં એ પોતાની મેળે મૂંગા થઈ જશે. બુદ્ધના કહેવા પ્રમાણે જ સાત આઠ દિવસમાં શિષ્યોને અનુભવ થયો. વળી એક વાર બુદ્ધ શ્રાવસ્તીમાં રહેતા હતા. એમની લોકપ્રિયતાને લીધે એમના ભિક્ષુઓનો શહેરમાં સારો આદર-સત્કાર થતો. આથી અન્ય સંપ્રદાયના વેરાગીઓને ઈર્ષ્યા થવા લાગી. એમણે બુદ્ધ વિષે એવી વાત ફેલાવી કે એમની ચાલચલગત સારી નથી. થોડા દહાડા પછી વેરાગીઓએ એક વેરાગી સ્ત્રીનું ખૂન કરાવી, તેનું શબ બુદ્ધના વિહાર પાસે એક ખાડામાં ફેંકાવ્યું, અને પછી રાજાની આગળ પોતાના સંઘની એક સ્ત્રી ખોવાય છે એમ ફરિયાદ કરી અને બુદ્ધ અને એના શિષ્યો ઉપર વહેમ ખાધો. રાજાના માણસોએ શબ માટે તપાસ કરી અને બુદ્ધના વિહાર પાસેથી એને શોધી કાઢ્યું. થોડા વખતમાં આખા શહેરમાં આ વાત ફેલાઈ ગઈ અને બુદ્ધ તથા એમના ભિક્ષુઓ પરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગયો. જે તે એમના ઉપર થૂ થૂ કરવા મંડ્યા. બુદ્ધ આથી જરાયે બીધા નહિ. ‘ખોટા-બોલાને પાપ સિવાય બીજી ગતિ નથી,’ એમ જાણી એ શાન્ત રહ્યા. કેટલાક દિવસ પછી જે મારાઓએ વેરાગણનું ખૂન કર્યું હતું તેઓ એક દારૂના પીઠામાં ભેગા થઈ ખૂન કરવા માટે મળેલા પૈસાની વહેંચણી કરતા હતા. એક બોલ્યો, ‘મેં સુંદરીને મારી માટે હું મોટો ભાગ લઈશ.’ બીજાએ કહ્યું, ‘મેં ગળું દાબ્યું ન હોત તો સુંદરીએ બૂમ પાડીને આપણને ઉઘાડા પાડી દીધા હોત.’ આ વાત રાજાના ગુપ્ત માણસોએ સાંભળી. એમને પકડી એ રાજા પાસે લઈ ગયા. મારાઓએ પોતાનો ગુનો કબૂલ કરીને જે હકીકત બની હતી તે કહી દીધી. બુદ્ધ પરનું આળ ખોટું ઠરવાથી એમને વિષેનો પૂજ્યભાવ ઊલટો બમણો વધ્યો, અને પેલા વેરાગીઓનો સર્વને તિરસ્કાર આવ્યો. એમનો ત્રીજો વિરોધી દેવદત્ત નામે તેમનો એક શિષ્ય જ હતો. દેવદત્ત શાક્ય વંશનો જ હતો. એ ઐશ્વર્યનો અત્યંત લોભી હતો. એને માન અને મોટપ જોઈતાં હતાં. કોઈ રાજકુમારને પ્રસન્ન કરી એણે આ કાર્ય સાધવા વિચાર કર્યો. બિમ્બિસાર રાજાને એક અજાતશત્રુ નામે પુત્ર હતો. દેવદત્તે એને ફોસલાવી પોતાને વશ કરી લીધો. પછી એ બુદ્ધ પાસે આવી કહેવા લાગ્યો, ‘તમે હવે ઘરડા થયા છો માટે સર્વ ભિક્ષુઓનો મને નાયક બનાવો, અને તમે હવે શાન્તપણે બાકીનું આયુષ્ય ગાળો.’ બુદ્ધે એ માગણી સ્વીકારી નહિ. એમણે કહ્યું, ‘તું હજુ એ અધિકારને લાયક નથી.’ દેવદત્તને આથી અપમાન લાગ્યું. એણે બુદ્ધ ઉપર વેર વાળવા મનમાં ગાંઠ બાંધી. એ અજાતશત્રુ પાસે ગયો. એને કહ્યું, ‘કુમાર, મનુષ્યદેહનો ભરોંસો નથી. ક્યારે મરી જવાશે તે કહેવાય નહિ. માટે જે પ્રાપ્ત કરવાનું છે તે તુર્ત જ મેળવી લેવું જોઈએ. તું પહેલો મરીશ કે તારો બાપ પહેલો મરશે એ નક્કી નથી. તને રાજ્ય મળે તે પહેલાં જ તારો કાળ આવવાનો સંભવ છે. માટે રાજાના મરવાની રાહ ન જોતાં એને મારીને તું રાજા થા, અને બુદ્ધને મારીને હું બુદ્ધ થાઉં.’ અજાતશત્રુને ગુરુની યુક્તિ પસંદ પડી. એણે ઘરડા બાપને કેદખાનામાં નાંખી ભૂખે માર્યો અને પોતે સિંહાસન પર ચઢી બેઠો. હવે દેવદત્તનો રાજ્યમાં વગ વધી જાય એમાં શી નવાઈ? લોકો જેટલો રાજાનો ભય રાખતા તેથી પણ વધારે દેવદત્તથી ડરતા. બુદ્ધનું ખૂન કરાવવા એણે રાજાને પ્રેર્યો, પણ જે જે મારાઓ ગયા તે બુદ્ધને મારી જ શક્યા નહિ. બુદ્ધની નિરતિશય અહિંસા અને પ્રેમવૃત્તિ, એમના વૈરાગ્યપૂર્ણ અન્તઃકરણમાંથી નીકળતો સચોટ ઉપદેશ એમના શત્રુઓનાં ચિત્તને પણ શુદ્ધ કરી દેતાં. જે જે મારાઓ ગયા તે બુદ્ધના શિષ્ય થઈ ગયા. દેવદત્તને આથી બહુ ચીડ ચડી. એક વાર ગુરુ પર્વતની છાયામાં ફરતા હતા ત્યારે પર્વતની ધાર પરથી દેવદત્તે એક મોટી શિલા એમના ઉપર ધકેલી દીધી. દૈવયોગે શિલા તો એમના ઉપર ન પડી, પણ એમાંથી એક ચીપ ઊડીને બુદ્ધદેવના પગમાં વાગી. બુદ્ધે દેવદત્તને જોયો. એમને એના ઉપર દયા આવી. એ બોલ્યા, ‘અરે મૂર્ખ, ખૂન કરવાના ઇરાદાથી તેં આ જે દુષ્ટ કૃત્ય કર્યું તેથી તું કેટલા પાપનો ભાગીદાર થયો તેનું તને ભાન નથી.’ પગના જખમથી બુદ્ધને ઘણો વખત હરવાફરવાનું અશક્ય થયું. ભિક્ષુઓને બીક લાગી કે દેવદત્ત વળી પાછો બુદ્ધને મારવાનો લાગ શોધશે. તેથી તેઓ રાતદિવસ એમની આસપાસ ચોકીપહેરો રાખતા. બુદ્ધને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું, ‘ભિક્ષુઓ, મારા દેહ માટે આટલી કાળજી લેવાની જરૂર નથી. મારા શિષ્યથી બીને મારા શરીરને હું સાચવવા ઇચ્છતો નથી. માટે કોઈએ ચોકી ન કરતાં પોતપોતાના કામે લાગી જવું.’ કેટલેક દિવસે બુદ્ધ સાજા થયા. પણ દેવદત્તે વળી તેમને એક હાથી તળે ચગદાવી નાંખવાનો વિચાર કર્યો. બુદ્ધ એક ગલીમાં ભિક્ષા લેવા નીકળ્યા કે સામી બાજુથી દેવદત્તે રાજાના એક મત્ત હાથીને છોડાવી મૂક્યો. લોકો આમતેમ નાસવા લાગ્યા. જેને જ્યાં જગ્યા દેખાઈ ત્યાં ચઢી ગયા. બુદ્ધને પણ કેટલાક ભિક્ષુઓએ એક માળ પર ચઢી જવા બૂમ મારી. પણ બુદ્ધ તો દૃઢપણે જેમ ચાલતા હતા તેમ જ ચાલતા રહ્યા. પોતાની સર્વ પ્રેમવૃત્તિનું એકીકરણ કરી એ સર્વ કરુણા પોતાનાં નેત્રોમાંથી એમણે હાથીના ઉપર વરસાવી. હાથી સૂંઢ નીચે નાખી એક પાળેલા કૂતરાની પેઠે બુદ્ધ આગળ ઊભો થઈ ગયો. બુદ્ધે એના ઉપર હાથ ફેરવી પોતાનું લાડ દર્શાવ્યું. હાથી ગરીબ બની પાછો ગજશાળામાં પોતાને સ્થાનકે જઈ ઊભો રહ્યો. ‘કોઈ લાકડીથી, કોઈ અંકુશથી અને કોઈ ચાબુકથી (જાનવરનું) દમન કરે છે, પણ મહર્ષિ બુદ્ધે લાકડી કે કાંઈ પણ હથિયાર વિના હાથીનું દમન કર્યું.’ પછી દેવદત્તે બુદ્ધના કેટલાક શિષ્યોને ભોળવી જુદો પંથ કાઢ્યો. પણ એમને એ રાખી ન શક્યો અને સર્વે શિષ્યો પાછા બુદ્ધને શરણે આવ્યા. કેટલેક કાળે દેવદત્ત માંદો પડ્યો. એને એનાં કર્મો માટે પશ્ચાત્તાપ થવા લાગ્યો. પણ તે બુદ્ધ આગળ પ્રકટ કરતા પહેલાં જ તેનું મરણ થયું. અજાતશત્રુએ પણ એનાં કર્મો માટે પશ્ચાત્તાપ કર્યો. એણે પાછું બુદ્ધનું શરણ લીધું અને સન્માર્ગે વળગ્યો. એંશી વર્ષની વય થતાં સુધી બુદ્ધે ધર્મોપદેશ કર્યો. આખા મગધમાં એમના વિહારો ફેલાઈ ગયા અને મગધનું નામ ‘બિહાર’ પડી ગયું.

સ્વાધ્યાય

૧. પૂર્ણ અને બુદ્ધનો સંવાદ ભજવો.
૨. બુદ્ધ અને આનંદના સંવાદમાં આગળપાછળની વાત સમજાય એ રીતે ઉમેરો કરીને એ ભજવવા પ્રયત્ન કરો.
૩. દેવદત્તના વર્તન વિષે લખો. એની અંતઘડી વખતે બુદ્ધને ને એને મળવાનું થયું હોત તો બુદ્ધ એને ક્ષમા કરત કે ઠપકો આપત? બંને વચ્ચે શી વાત થાત તે સંવાદના રૂપમાં ગોઠવી ભજવી શકશો?
૪. ‘બિહાર’ એ કયા મુલકનું નામ? શી રીતે એ નામ પડ્યું?