સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રણ અને આંધી
૧
પાંચમે દહાડે સૂર્ય ઊગ્યો ત્યારથી ઊનો પવન વાવા લાગ્યો, અને દિવસ ચઢ્યો તેમ વાવાઝોડાં થવા લાગ્યાં. રેતીના ભમરાના ગોટા — સૂર્યતેજમાં અગ્નિકણોના સ્તંભો જેવા લાગતા — ચારે તરફ ઊડવા માંડ્યા, ને સજ્જન કે પદમડીની આંખો પણ ઉઘાડી ન રહી શકી. બપોર પડી ત્યારે ચારે તરફ ઊડતી, દઝાડતી, આંજતી રેતી ઊડવા લાગી, અને આગળ વધવું અશક્ય બન્યું. સજ્જને પદમડીને બેસાડી, તેને ગળે વળગી તેની આંખો પોતાના શરીરથી ઢાંકી, અને તેને ડોકે પોતાની આંખો દાબી જેમ તેમ કારમી બપોર ગાળી. હેતાળ પદમડી નાની બકરી હોય તેમ સજ્જનની બાથમાં માથું મૂકી પડી રહી. નમતો પહોર થયો ત્યારે ગરમ પવન થંભ્યો, અને સજ્જને સાંઢણી પલાણી, ત્યારે એના બહાદુર હૈયામાં ભય પેઠો હતો. આવા ત્રણ દહાડા બીજા જાય તો શુંય થાય? એની ગણતરી પણ બરોબર નહોતી લાગતી. આ રસ્તો બરોબર હોય તો બે ત્રણ દહાડે વિસામા આવવા જોઈએ પણ તે નહિ આવ્યા. એ રસ્તો ભૂલ્યો? રણમાં ભૂલા પડેલા માણસો તરસે અને તાપે મરી જાય એવી તેની દશા તો નહિ થાય? રાતે પદમડી લથડવા લાગી અને સજ્જન પણ થાકી ગયો એટલે તે પદમડીની પડખે ઊંઘી ગયો. એકદમ પદમડીના તરવરાટે તે સફાળો જાગીને બેઠો થઈ ગયો. પોહ ફાટવા આવ્યો હતો અને સાંઢણી આંખો ફાડી, નસકોરાં પહોળાં રાખી, કૂદી રહી હતી. ‘શું છે? શું છે? પદમડી વહુ, ઘેલી થઈ છે?’ પદમડીની ભાષા સમજ્યો : તે તરત જવા માગતી હતી. સજ્જન તરત તેના પર ચડ્યો અને ઉત્તર તરફ જવાનું સૂચવ્યું, પણ સાંઢણી એકની બે થઈ નહિ. ન માન્યાં એણે સજ્જનનાં લાડ ને ન પરવા કરી એના ગુસ્સાની. એણે ઉત્તર તરફ જવા સાફ ના પાડી. તે જ્યારે સમજાવી થાક્યો ત્યારે એક સોટી ફટકાવી. જવાબમાં પદમડીએ વેદનાભર્યો અવાજ કર્યો, પણ એની આજ્ઞાની પરવા કર્યા વિના, મોઢું ફેરવી, પૂર્વ દિશા તરફ તે ભાગવા માંડી. તે આખરે સમજ્યો, પદમડીની તીક્ષ્ણ વૃત્તિઓ ઉત્તરમાં રહેલા કોઈ ભયથી તેને નાસવાની પ્રેરણા કરતી હતી. ‘ભોળાનાથ તું કરે તે ખરું,’ સજ્જન બબડ્યો, અને દીકરાને સાથે ન લાવ્યો એ ડહાપણ માટે આનંદ અનુભવવા સિવાય બીજો આનંદ ન લઈ શક્યો. બે ત્રણ ઘડી પદમડી પૂર્વ તરફ ઝડપથી દોડી ત્યારે તેને આ વિચિત્રતાનું રહસ્ય સમજાયું, એની પાછળ ક્ષિતિજથી ઉત્તર અને પશ્ચિમ તરફથી રેતીના ગોટા ઊડતા જણાયા. ‘ઓ બાપ રે! જીવતી રહે, પદમડી વહુ, તેં તો મને જીવતો બચાવ્યો,’ કહી તેણે પદમડીને થાબડી પોતાની લાગણી બતાવી. જેમ જેમ સૂર્ય ઊંચે ચડવા લાગ્યો તેમ પાછળ રેતીના ગોટા વધારે ઊંચા ઊડતા દેખાયા, ને તેમ પદમડી જીવ લઈને પૂર્વ તરફ નાસવા લાગી. સજ્જને પદમડીને પોતાનો જીવ સોંપી દીધો; આ પાછળ ધસી આવતા તોફાનથી, સાંઢણીની ઝડપ સિવાય, બીજો બચવાનો ઉપાય નહોતો. પ્રભાસથી નીકળ્યાને બારમો દહાડો હતો છતાં થાકેલી સાંઢણી નવે બળે નાસવા લાગી. રણની ભોમિયણ તે તેના ભયને પણ સારી રીતે જાણતી હતી, અને અત્યારે તે પોતાના ને માલિકના પ્રાણ બચાવવા નાસતી હતી. પાછળ વાદળ અંધારતું જતું હોય એમ રેતીના ગોટા ઊડતા, વધતા, આકાશને છાઈ દેતા, તેમના તરફ ધસતા હતા. સજ્જનનું બહાદુર હૃદય આશા ખોઈ બેઠું: પદમણી કેટલી નાસશે, ક્યાં નાસશે? આગળ નિઃસીમ રેતીના ઢગ, પાછળ યમરાજ સમી ધસતી જીવલેણ આંધી – બે વચ્ચે મૃત્યુ નક્કી જણાયું. સૂર્ય મધ્યાહ્ને ચડ્યો. સામે ચમકતી રેતી આંખોને આંધળી કરી દેતી. પવન દઝાતો થવા લાગ્યો અને છતાં ખાવાની કે પીવાની કે થોભવાની પરવા વિના જાતવાન પદમડી ચોમાસાના પાણીની માફક આગળ વધતી ગઈ. પાછળ આંધી આગળ વધતી દેખાતી. એક વાર તો રેતીનાં મોટા વમળમાં સપડાઈ જતાં પદમડી દક્ષિણ તરફ નાઠી. પણ ત્યાં પણ મૃત્યુ સામે આવતું દેખાયું. એકદમ સામે પડેલી રેતીમાં જીવ આવ્યો હોય તેમ તે ઊડીને ચક્કર ચક્કર ફરવા માંડી. ડામતી, ગૂંગળાવતી રેતીના કણોનો સમૂહ, ઝપાટાભેર ગોળ ફરતો, સ્તંભને આકારે આકાશને સ્પર્શવા લાગ્યો. પદમડી ગૂંગળાઈને બેસી ગઈ; સજ્જન તેને ગળે લપેટાઈ પોતાની અને તેની આંખ, નાક ને કાનમાં પેસી જતી રેતીને ખાળી રહ્યો. તેને લાગ્યું કે આ આંધીમાંથી બચવાની આશા વ્યર્થ હતી, મરતી પળે તેણે એની મરતી પળની સહચરીને લાડથી વહાલ કર્યું. ચારે તરફ હતી રેતી, રેતી અને રેતી. દસે દિશામાં ઊડતી, ચમકતી, દઝાડતી, ગૂંગળાવતી, સૂર્યમાંથી ખરતાં અગ્નિબિંદુઓના વરસાદ સરખી સ્તંભરૂપ બનેલી જળતી ચિતા. સજ્જને સોમનાથને સ્મર્યા. એની કલ્પના આગળ આવી ઊભેલા સામંતને તેણે રામ રામ કર્યા. પણ જેમ આ ભમરી આવી તેમ જ ચાલી ગઈ. ચક્કર ફરતી રેતીના કણોનો સ્તંભ એમના ઉપરથી પસાર થઈ ગયો. તેણે આંખો ઉઘાડી તો અગ્નિનો ગોળ ફરતો સ્તંભ ઝપાટાભેર દૂર જતો તેણે જોયો. ‘પદમડી! બચી ગયા. ભોળા શંભુએ મહેર કરી,’ કહી તેણે પોતાના ને સાંઢણીના મુખ પર પડેલી રેતી ખંખેરી નાખી. તેણે પાછળ જોયું તો મોટી આંધી તો ઘણી દૂર હતી; આ તો માત્ર તેનો સ્વાદ તેમને ચખાડવામાં આવ્યો હતો. પદમડીની અગમચેતીને પરિણામે આંધીની મર્યાદાની આગળ ને આગળ જ તેઓ વધ્યાં જતાં હતાં. મૃત્યુના મોંમાં જઈ પાછો આવ્યો તે પળમાં હતાશ તેના હૈયામાં પ્રતીતિ થઈ કે અણજાણ્યે સીધે માર્ગે ઘોઘાગઢ જવું અશક્ય હતું, એટલે નીચી મૂછ કરી ધોરી રસ્તો પકડવો જ રહ્યો. સૂર્યાસ્ત થવા આવ્યો ત્યારે આંધી દેખાતી ઓછી થઈ અને પદમડી ઊભી રહી ચારે દિશા સૂંઘવા લાગી. થોડી વારે અંધારું શરૂ થયું, અને નિર્મળ આકાશમાંથી તારા ચમકવા લાગ્યા. પદમડી હર્ષથી થનગનવા લાગી. ‘શાબાશ, મારી પદમડી વહુ, શાબાશ,’ કહી સજ્જને તેને બેસાડી, તેની સારવાર કરવા માંડી. રાતનો પવન નીકળ્યો એટલે તે સાંઢણીને ગળે વળગી તેની કદર કરવા લાગ્યો. આજે પદમડી ન હોત તો તે જીવતો ન હોત. આજે તેને પણ ઘણો થાક લાગ્યો હતો એટલે તેણે પદમડીની પાસે લંબાવ્યું, અને બધી ચિંતા ભોળા શંભુને સોંપી થોડી વારમાં તે ઘસઘસાટ ઊંઘવા માંડ્યો.
૨
આઠમે દહાડે ઝાડવાળો ટેકરો દેખાયો એટલે સજ્જને હોકારો કર્યો અને પદમડી પણ વગર કહ્યે તે તરફ દોડી. ટેકરો નિર્જન હતો પણ સદ્ભાગ્યે ત્યાં એક ઊંડા કૂવામાં પુષ્કળ પાણી જોઈ સજ્જનનો થાક ઊતરી ગયો. તેણે પાણી કાઢ્યું, પીધું, ને પદમડીને પેટભરી પાયું; ઘણે દહાડે તે પોતે નિરાંતે નાહ્યો ને સાંઢણીને નવાડી. પદમડીએ ઘણે દહાડે લીલાં પાતરાં વાગોળી વાગોળી ચાવ્યાં. આ બધી વિધિઓ પૂરી થયે પ્રેમથી એકબીજાને અડકી ઝાડની છાયા નીચે બંનેએ નિરાંતે ઊંઘ લીધી. આકાશમાંથી તારાઓએ આ નર ને પશુની મૈત્રી પર કિરણપુષ્પો વર્ષાવ્યાં, અને સવારે જ્યારે સૂર્યનારાયણ ઊગ્યા ત્યારે સજ્જન ચમકીને જાગ્યો. માતાના સ્નેહથી તેની રક્ષા કરતી પદમડી પોતાની રીતે હર્ષ બતાવી રહી. ‘પદમડી વહુ, હજુ મજલ તો ઘણી કાપવી રહી.’ સજ્જને પખાલમાં નવું પાણી ભર્યું, અને તેણે પદમડીને રસ્તો શોધવાનું સોંપી મુસાફરી શરૂ કરી. નવમો દિવસ તો સારો ગયો, પણ તે રાતે સજ્જનને ભાન આવ્યું કે ઉત્તર તરફ જવાને બદલે એ પશ્ચિમ તરફ જતો હતો. અને ઘોઘાગઢથી દૂર ને દૂર જતો હતો. તેણે સાંઢણીને ઉત્તર તરફ જવા સૂચવ્યું, પણ તે એકની બે ન થઈ, અને મહાદેવજીને સ્મરી સજ્જને પોતાનું ભાવિ તેને જ સોંપ્યું. પોતે હારી ખાધું હતું તેનું એને તીવ્ર ભાન તો ક્યારનું થયું હતું. હવે તો કોઈ રીતે ધોરી માર્ગ મળી જાય એટલી જ ઇચ્છા રહી હતી. રણની મુસાફરીનો દસમો દહાડો શરૂ થયો. હવે તો કોઈ કોઈ ઠેકાણે વિસામાની ટેકરીઓ આવવા માંડી એટલે ધોરી રસ્તો પાસે આવી લાગ્યો દેખાયો. એના જીવને હવે ચિંતા નહોતી. ગરજનનો હમ્મીર તો કોણ જાણે ક્યાં હશે. ઘોઘાબાપાને વટાવવા કંઈ સહેલ વાત નહોતી. રસ્તે બીજા રાજાઓને પણ એ ચેતાવતો જશે. ભગવાન સોમનાથનો દ્વેષ કરનાર રણ વટાવી કેમ આવી શકવાનો છે? રણમાં આવ્યાને અગિયારમો દહાડો, ને પ્રભાસથી નીકળ્યે અઢારમો દહાડો શરૂ થયો, ત્યારે રણ વચ્ચે અવારનવાર ઝાડો દેખાવા માંડ્યાં. અને પોતે સપાદલક્ષ તરફ જતો હતો એવો કંઈક ભાસ એને થયો. આ રસ્તે જતાં પદમડીએ અસ્વાભાવિક અને અણધારી ચીસ પાડી. સજ્જને ધ્યાનથી ચારે તરફ જોયું તો એક પછી એક ત્રણ કાળાં નાનાં વાદળો ધસી આવતાં દેખાયાં. જોતજોતામાં એ વાદળો નહોતાં પણ કાળાં મોટાં પંખીઓનાં ઝુંડ હતાં એમ પહેલાં લાગ્યું; પણ પલવારમાં હજારો ગીધોનાં એ ત્રણ ઝુંડો કારમી ચીસ પાડતાં એને વટાવી પૂર્વ તરફ ચાલી ગયાં ત્યારે તેના ક્ષોભનો પાર રહ્યો નહીં. તેના હૈયામાં ધ્રાસકો પડ્યો. રણક્ષેત્ર પર લડાઈ ને બીજે દહાડે આટલાં ગીધો એણે પડતાં જોયાં હતાં, તે સિવાય કદી નહોતાં જોયાં. જરૂર કોઈ ઠેકાણે પાસે રણ ખેલાઈ ચૂક્યું હતું? શું ગરજનનો હમ્મીર મુલતાન વટાવી, ઘોઘાગઢ વટાવી, સપાદલક્ષ આગળ યુદ્ધ કરી ચૂક્યો હતો? દૂર જતા ગીધોના વ્યૂહની ચીસોના ભયંકર પડઘા તેના કાનમાં સંભળાયા, અને તેને માનશુકન થયા. ‘પદમડી વહુ, જીવલેણ જુદ્ધ ચાલી રહ્યું છે, હાં કે!’ પદમડી સમજી ગઈ. તેણે ત્વરાથી ગીધો ગયાં તે જ દિશામાં ચાલવા માંડ્યું. થોડી ઘડી ગઈ ને પદમડીએ ફરી ચીસ પાડી, જેમાં ભયનો અર્થસૂચક કંપ હતો. ‘શું છે? શું છે? પદમડી, ગભરાય છે શું?’ કહી સજ્જને તેને થાબડી. થોડી વારે સડતાં મુડદાંની હોય એવી આછી દુર્ગંધ સજ્જનને નાકે આવી, ત્યારે એ ચીસનું કારણ એને સમજાયું. પદમડી એક ટેકરો ચડી ને અટકી ને થરથર કાંપતી ઊભી. થોડે દૂર ટેકરી નીચે ગીધોનું મોટું ટોળું બેઠું હતું, અને તેની ઉત્તરથી દક્ષિણ, નજર જ્યાં સુધી જાય ત્યાં સુધી અંતરે અંતરે ગીધો બેઠાં કે ઊડતાં હતાં! સજ્જનને આનો અર્થ સમજાયો ને તેને ચક્કર આવ્યાં. ઉત્તરની ક્ષિતિજથી દક્ષિણની ક્ષિતિજ સુધી રેતીમાં અડધાં પૂરાં ઢંકાયેલાં સડતાં મુડદાંનો એક ધોરી માર્ગ બની રહ્યો હતો. આ ભયંકર માર્ગ આ રસ્તે ચાલી જતી કોઈ સેનાથી જ બની શકે એમ હતું. પદમડીએ આગળ ચાલવાની ના પાડી એટલે સજ્જને નીચે ઊતરી તેને દોરવા માંડી; અને પાસે આવતાં આગળ બેઠેલાં ગીધોને ઉડાડવાનો તેણે પ્રયત્ન કર્યો. કેટલાંક ધૃષ્ટ તો ખસ્યાં જ નહિ; કેટલાંક ઊંચે ચઢી ચક્કર ચક્કર ઊડવા માંડ્યાં, પણ એથી સજ્જનને મુડદાંની જાત પરખાઈ. હાથીનાં, ઊંટનાં, ઘોડાનાં, ને માણસનાં મુડદાં ત્યાં હતાં! એની કલ્પના ખરી ઠરી; આ યુદ્ધના અવશેષો નહોતા, ચાલી જતી મહાસેનાના હતા; પણ આટલા અવશેષો મૂકનાર સેના કેટલી મોટી હોઈ શકે તેનો ખ્યાલ પણ તે કરી શક્યો નહીં. જીવ ગૂંગળાવતી દુર્ગંધની પરવા વગર મહામહેનતે હિંમત હાથમાં રાખી, જે દિશામાં આ માર્ગ જતો હતો તે જ દિશામાં પોતે પણ જવા લાગ્યો. આટલું લશ્કર કોનું? ન સપાદલક્ષનું હોય, ન ઝાલોરનું હોય, ન ચિતોડનું હોય. શું આ સૈન્ય પેલા ગરજનના હમ્મીરનું! સાંજે એક ગામડું દૂરથી જણાયું. આ ભયંકર મુસાફરીનો અંત આવ્યો સમજી સજ્જન તે તરફ ગયો તો પંદર પચીસ ઝાડની છાંય નીચે આ નાનકડું ગામડું વસ્યું દેખાયું. કોઈ ઠેકાણે નિરાંતે પડી વિસામો લેવાને ઉત્સુક તે પાસે આવ્યો, પણ ગામમાં કોઈ જન કે જાનવરનું નામ કે નિશાન નહોતું. બધાં બારણાં ઉઘાડાં હતાં, કેટલાંય છાપરાં પડેલાં હતાં, મંદિર ભાંગીને ભૂકો થઈ ગયું હતું, ઝાડોનાં પાતરાં જાનવરો ચાવી ગયાં હતાં, તળાવમાં માત્ર કીચડ હતો, અને ચારે તરફ અનેક જાનવરો ત્યાં નાહી ગયાનાં ચિહ્ન હતાં. કૂવામાં નામનું જ પાણી હતું. પેલી વિનાશક મહાસેના આ રસ્તે જતાં આ ગામને સ્મશાન સમું બનાવતી ગઈ હતી. નીડર સજ્જન પણ આ નિશ્ચેતન વિનાશકતા જોઈ ધ્રૂજી રહ્યો. યંત્રની માફક એણે નીકળ્યું એટલું પાણી કાઢ્યું. પોતે નાહ્યો, પદમડીને નવાડી; પોતે ખાઈ ન શક્યો, પણ જે પાન હતાં તેના પર પદમડીને ચરવા મૂકી. રાત પડી ત્યારે આ રેતિયાળા પ્રદેશના સૂના ગામની કારમી નિર્જનતા એને ગભરાવી રહી. માત્ર મહાદેવજીનું નામ જીભે રાખી, ભયવ્યાકુળ તેણે આખી રાત વિતાવી. બીજે દિવસે સવારે તે શબો પડ્યાં હતાં તે માર્ગે જવા તૈયાર થયો ત્યારે આ બધું છોડી બીજે કોઈ રસ્તે દૂર નાસી જવાનો વિચાર આવ્યો, પણ આ ભયંકર સેના કેવી ને કોની હશે તે નક્કી કરવાનો મોહ તે છોડી શક્યો નહિ. ઘોઘાગઢનું કે સપાદલક્ષનું શું થયું હશે તેનો તો વિચાર કરવાની હિંમતે તેને નહોતી.
સ્વાધ્યાય