સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રવિશંકર રાવળ

Revision as of 02:00, 27 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રવિશંકર રાવળ

[જુદી જુદી પાંચ કલાકૃતિઓનો ગુજરાતના સમર્થ કલાકાર શ્રી. રવિશંકર રાવળ આપણને પરિચય કરાવે છે. ચિત્રોની અનેક ખૂબીઓ છાપમાં નથી આવી શક્તી. દાખલા તરીકે, પદ્મપાણિના મૂળ ચિત્રમાં રંગ-રેખાની અદ્ભુત મિલાવટ છે તેમાંનું કશુંય અહીં જે છાપ ઉતારી છે તેમાં નથી, અને એમ છતાં એ ચિત્ર જોતાં સાથે જ આપણે કેવા ઊંડા ચિન્તનમાં ડૂબી જઈએ છીએ! સેંકડો વર્ષ પહેલાંના એ અજાણ્યા ભક્ત કલાકારની બુદ્ધની કલ્પના કેવી ઉદાત્ત અને ભવ્ય હતી એ જોતાં આપણે મુગ્ધ બનીએ છીએ. જે કરુણાની બુદ્ધે જગતને ભેટ આપી તે કરુણા બુદ્ધના અંગની પ્રત્યેક રેખામાંથી જાણે નીતરતી હોય એમ લાગે છે. એવી જ મૃદુતા આપણે બુદ્ધની શિલ્પમૂર્તિમાં પણ જોઈએ છીએ. પથ્થરમાં હૃદયની બધીય મૃદુતા વિકસાવવાની કળા એ આપણા દેશની અનન્ય સંસિદ્ધિ છે. પશ્ચિમના શિલ્પીઓએ શરીર-સૌષ્ઠવને બતાવવામાં કશી મણા નથી રાખી હોતી, પણ આત્માની સુન્દરતા તો કેવળ ભારતીય કળાકારો જ સારામાં સારી રીતે સ્થૂળ પથ્થરમાં વિકસાવી શક્યા છે. અહીં આપેલા મથુરાના બુદ્ધ ઉપરાંત સારનાથના બુદ્ધની ભવ્ય શાન્ત મુખમુદ્રા અને બીજી એવી અનેક મૂર્તિમાંથી આ સત્યની આપણને પ્રતીતિ થઈ શકશે. કાવ્યની જેમ જ કળા જીવનને ઊંચે લઈ જાય છે, અને તે માટે બને તેટલા સુન્દર ચિત્રસંગ્રહોનો વારંવાર અભ્યાસ કરતા રહેવું જોઈએ.]