સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નગરચર્ચા ૧

From Ekatra Foundation
Revision as of 03:19, 27 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નગરચર્યા

રમણભાઈ નીલકંઠ

સ્થળ : કનકપુરનો મહેલ્લો
(બદલેલે વેષે રાઈ પ્રવેશ કરે છે.)

રાઈ — (સ્વગત) અત્યારે હું જગદીપ નથી, રાઈ નથી, પર્વતરાય નથી, દુર્ગેશનો નામહીન મિત્ર નથી, પણ વળી, પાંચમા વેષે નગરમાં નીકળ્યો છું. મારું પોતાનું કાંઈ ખરું સ્વરૂપ છે કે હું માત્ર જુદા જુદા વેષનો જ બનેલો છું એ વિશે મને શંકા થવા માંડી છે.

(ઉપજાતિ)
પ્રયોગ પૂરો કરી નાટ્ય અંતે,
સ્વરૂપ સાચું નટ પાછું ધારે;
શું જન્મથી મૃત્યુ સુધી જ મારે
નવા નવા વેષ સદૈવ લેવા?

પરંતુ, જનસમાજની સેવા ઉઠાવનારે કોઈ કાળે પણ વેષ મૂકી દેવાનો ખ્યાલ શા માટે કરવો? સેવકને છૂટી હોતી જ નથી.

(ધનાક્ષરી)
ઘરમાં અને બહાર, ઊંઘતાં અને જાગતાં,
ખાતાં પીતાં ને ચાલતાં સેવક તે સેવક છે;
કદી તે ભંડારી થાય, કદી થાય નાણાવટી,
કદી લડવૈયો થાય, વેષ એવા અનેક લે;
કચરાનો વાળનાર, રાજગાદી બેસનાર,
બંને એવી નિરંતર સ્વામી કેરી સેવા કરે;
સ્વામીને માટે શ્વાસ લે, સ્વામીને માટે વેષ લે,
સેવામાંહે વિશ્રાન્તિની ક્ષણ તેને ક્યાંથી મળે?
આ દુર્ગેશ પણ ગુપ્ત વેષે આવી પહોંચ્યો.

(દુર્ગેશ અને છોકરો બે ઘડા અને કટોરા લઈ પ્રવેશ કરે છે.) રાઈ — આ છોકરો કોણ છે? દુર્ગેશ — એ મારું વિશ્વાસુ માણસ છે. યોજના એવી કરી છે કે, આપણે નગરમાં શેરડીનો રસ વેચવા નીકળવું. આ નગરમાં એવો રિવાજ છે કે પહેલી રાત્રે લોકો ઘરને આંગણે બેસી શેરડીનો રસ પીએ છે. એ રીતે, રસ પાતાં આપણે લોકો સાથે ભળી શકીશું. આપણે બે રસનો આ અકેક ઘડો લઈશું, અને આ છોકરો રસ ભરીને આપવાના કટોરા લેશે. (એ પ્રમાણે ઘડા અને કટોરા લઈ સર્વે આગળ વધે છે.) રાઈ — સામેથી પેલો બાવો આવે છે તેની પહેલી બોણી કરીએ. (બાવો પ્રવેશ કરે છે.) રાઈ — બાવાજી! જે સીતારામ! બાવો — જે સીતારામ, બચ્ચા, યે બરતન મેં ક્યા હયે? રાઈ — શેરડીનો રસ છે. બાવાજી પીશો? બાવો — મુફત પિલાયગા તો પીઇંગે. દુર્ગેશ — બાવાજી, મફત પાઈએ તો અમે રોટલા ક્યાંથી ખાઈએ? બાવો — સારા નગર ઐસા હયે. હમ દાતાર ઢૂંઢનેકું આયે તો લોક હમારે પાસસેં દામ મંગતે હયે. હમ રુદ્રનાથકે દરસનકે લીએ આયે તો મંદિરકે દ્વાર રાત દિન બંધ હયે. હમ બુઢ્ઢે રાજાકું દેખનેકું આયે તો વો જુવાન હોજાતા હયે. ભાઈ, હમ તો હ્યાં નહિ રહીંગે. કનકપુરમેં અલખ જગાના યે નકમ્મા હયે. (બાવો જાય છે.) રાઈ — બાવાજીની ચાસણીએ કનકપુરમાં સોનું નીકળ્યું નહિ. દુર્ગેશ — બાવાના ઉદ્ગાર તે લોકવાણી કહેવાય નહિ; વેરાગીથી સંસારની ખરી તુલના થઈ શકતી નથી. રાઈ — ગાતા ગાતા આ વિચિત્ર વેષે કોણ આવે છે? (શરીર ઉપર ઠેર ઠેર બાંધેલાં દર્પણોવાળા અને હાથમાં લીધેલા દર્પણમાં મોં જોતા કેટલાક મનુષ્યો ગાતા ગાતા પ્રવેશ કરે છે.) મનુષ્યો—

(લાવણી)
મુખ દેખ દર્પણે નિત્ય ઊઠતાં વહાણે;
મુખ દેખ દર્પણે નિત્ય બેસતાં ભાણે;
મુખ દેખ દર્પણે નિત્ય ચાલતાં વાટે;
મુખ દેખ દર્પણે નિત્ય તોળતાં હાટે;
મુખ દેખ દર્પણે નિત્ય બોલતાં વાણી;
મુખ દેખ દર્પણે નિત્ય સુણતાં કહાણી;
નિજ રૂપ દર્પણે દેખી કાર્ય સહુ કરજે;
લઈ ઝાંખી આપની પહેલી અન્ય ભણી વળજે. ૩૬

રાઈ — તમે સહુ કોણ છો? એક માણસ (દર્પણમાં મોં જોઈને) – અમે સહુ દર્પણ સંપ્રદાયના છીએ. રાઈ — એ વળી નવો સંપ્રદાય! પરંતુ, જે ભૂમિ પર હજારો સંપ્રદાયોના ડુંગરો પડેલા છે તે ભૂમિ એક નવા સંપ્રદાયના ભારથી નમી જવાની નથી. બીજો માણસ (દર્પણમાં મોં જોઈને) — અમારો સંપ્રદાય ભારરૂપ નથી. અમે માણસોને દર્પણ દેખાડી તેમનો ઉદ્ધાર કરીએ છીએ, અને એ રીતે પૃથ્વીનો ભાર ઓછો કરીએ છીએ. રાઈ — તમે આ નગરમાં ક્યારથી વસો છો? પહેલો માણસ (દર્પણમાં મોં જોઈને) — અમે નગરમાં હાલમાં જ આવ્યા છીએ. મહારાજ પર્વતરાયને ઘડપણ આવ્યું ત્યારે તેમણે મહેલમાંનાં બધાં દર્પણ ફોડાવી નંખાવેલાં. હવે મહારાજ જુવાન : થઈ પ્રકટ થાય ત્યારે દર્પણની પુન: સ્થાપના કરવાની તેમને અરજ કરવા અમે આવ્યા છીએ. રાઈ — મહેલમાં દર્પણો મુકાયાથી શો લાભ થશે? બીજો માણસ (દર્પણમાં મોં જોઈને) – ઘડપણના બદલામાં જુવાની લીધાથી સત્ત્વ વધ્યું કે ઘટ્યું તેનો મહારાજને ખ્યાલ આવશે. અને, મહેલમાંના સર્વ જનો પોતાની ઘટતી કદર કરી મહારાજની ઘટતી કદર કરશે. લો, તમે પણ મુખ જુઓ. (દર્પણ દેખાડે છે.) દુર્ગેશ — અમે તો શેરડીનો રસ પાઈ નાણાનું દર્શન કરવા નીકળ્યા છીએ. બીજો માણસ (દર્પણમાં મોં જોઈને) — અમારો ને તમારો જોગ ખાય નહિ. ચાલો, દર્પણદર્શીઓ! (સહુ દર્પણમાં જોતા અને ઉપર પ્રમાણે ગાતા ચાલ્યા જાય છે.) દુર્ગેશ — ભટકનારા રાહદારીઓનો મેળાપ કર્યો. હવે ચાલો, ઘરને આંગણે બેઠેલા પુરવાસીઓનો મેળાપ કરીએ. છોકરા, પોકાર કરવા માંડ. છોકરો (હાથમાંના કટોરા ખખડાવી બૂમ પાડે છે.) — કોઈ પીઓ રસ રસાલ! મિસરી માલ દિલખુશાલ! (સહુ જાય છે.)

સ્થળ : કનકપુરનો મહોલ્લો, પુરવાસીઓનાં ઘરનાં આંગણાં આગળ

(રસ્તામાં બેસી કટોરા લઈ રસ પીતા પુરવાસીઓ, અને તેમની સામે બેઠેલા રાઈ, દુર્ગેશ અને છોકરો, અને પાછળ ઓટલા ઉપર બેઠેલી સ્ત્રીઓ અને બાળકો પ્રવેશ કરે છે.) પહેલો પુરવાસી — શો લહેજતદાર રસ છે! જેણે રસ : પીને જીભને ગળી ન કરી તેની કાયા કડવી જ રહી! બીજો પુરવાસી – દુનિયામાં ગણપણ જેવું કાંઈ ગળ્યું નથી.. ત્રીજો પુરવાસી – અને ગળ્યા જેવું કાંઈ સ્વાદિષ્ટ નથી. ચોથો પુરવાસી — અને સ્વાદિષ્ટ જેવું કાંઈ સુખકારક નથી. પહેલો પુરવાસી —

(તોટક)
રસપાન કરો, નવ ઢીલ કરો,
રસપાત્ર લઈ ઝટ હોઠ ધરો;
રસ છે મધુરો, પણ, કોણ કળે? —
કડવો બનશે કદી કાળબળે?

પાંચમો પુરવાસી — જે રસ પીતાં ધરાય તે શું પીએ? પહેલો પુરવાસી — જે ધરાય તેને રસ પીતાં આવડ્યો નહિ એમ સમજવું. ત્રીજો પુરવાસી — પર્વતરાય મહારાજે પોતે ધરાઈ જવાથી જુવાની માગી હશે કે ઊણા રહી જવાથી જુવાની માગી હશે? પાંચમો પુરવાસી — બેમાંથી એક રીતે, જીવતર જીવતાં ન આવડ્યું તો નક્કી. બીજો પુરવાસી — ઘડપણમાં એમને રસ ભાવ્યો નહિ કે રસ મળ્યો નહિ? પહેલો પુરવાસી — આ રસ વેચનારને પૂછોને કે કોઈ ઘરડા તમારા ઘરાક થાય છે? રાઈ — તમારા સરખા ઘરાક ઘરડા નહિ તો જુવાન ગણાય? પહેલો પુરવાસી — શું હું ઘરડો છું? રાઈ — તમારામાંથી કોઈ તો ઘરડો હશે? બીજો પુરવાસી — તું રસ વેચવા આવ્યો છે કે ગાળો દેવા? રાઈ — ઘરડા કહેવામાં ગાળ છે? ત્રીજો પુરવાસી — ત્યારે શું વધામણી છે? રાઈ — તો પછી પર્વતરાય મહારાજને ઘડપણ ન ગમ્યું એમાં એમને દોષ કેમ દો છો? પહેલો પુરવાસી — મહારાજને તો ખરેખરું ઘડપણ આવેલું. અમને શું એમની પેઠે માથે પળિયાં આવ્યાં છે, આંખે મોતિયા આવ્યા છે, કાને બહેરાશ આવી છે, દાંતે બોખાપણું આવ્યું છે, હાથે ને પગે ધ્રુજારી આવી છે, અને ચામડીએ કરચોલી વળી છે? મહારાજને એ બધાં અંગમાં ઘડપણને ઠેકાણે જુવાની આવશે, પણ ઘરડું કાળજું પાછું જુવાન કેમ થશે? પાંચમો પુરવાસી — ઘરડા એમને ઘરડા જાણતા તે ના રહ્યું, અને જુવાન એમની જુવાની કબૂલ નહિ રાખે! રાઈ — તમને જુવાન રાજા કરતાં ઘરડા રાજા વધારે ગમે? પાંચમો પુરવાસી — અમને તો સારા રાજા ગમે. ઘરડા હોય તો ઘડપણથી લજવાવા ન જોઈએ, અને જુવાન હોય તો જુવાનીથી છકી જવા ન જોઈએ. દુર્ગેશ — તમે સહુ એકઠા થઈ ભલભલાને શીખવો એવી ડહાપણની વાતો કરો છો. પહેલો પુરવાસી — આવો મજેદાર રસ તમે પામો એટલે ડહાપણ આવ્યા વિના રહે?

(દોહરો)
ઊતરે રસનો ઘૂંટડો, ઊઘડે અક્કલ તર્ત;
હૈયું ફાલે હર્ષમાં, નાસે દિલનાં દર્દ.

બીજો પુરવાસી — તમારી સાથેનો છોકરો ચાલાક છે. તમે વાતોમાં રહ્યા, પણ એણે ઓટલા આગળ જઈ બૈરાં અને છોકરાંમાં કટોરા ફેરવવા માંડ્યા! દુર્ગેશ – અમારી અપૂર્ણતા એ પૂરી કરે છે. ત્રીજો પુરવાસી — છોકરા! પેલાં સામેથી નવી કાકી આવે એમને એક કટોરો પાજે. છોકરો — કિયાં? ત્રીજો પુરવાસી — પેલાં કાળી ઝીમીમાં ‘ઝબૂકે વાદળી વીજળી.’ ચોથો પુરવાસી — એમ પૂછજે ને કે રાણી લીલાવતી જેવાં રૂપાળાં છે અને એમને પગલે ઘરડા વરને પરણ્યાં છે તે કિયાં? છોકરો – બૈરાં માણસને એવાં અઘટિત વેણ મારાથી ન કહેવાય અને તમારાથી યે ન કહેવાય. ચોથો પુરવાસી — તું અમને કોણ ટોકનારો? છોકરો — માઝા મૂકે એને ટોકવાનો સહુ કોઈને હક છે. પુરની સ્ત્રીઓની લાજ પુરવાસીઓ નહિ સાચવે તો કોણ સાચવશે? ત્રીજો પુરવાસી — અમને તું નિર્લજ્જ કહે છે? છોકરો — તમારી મેળે જ તુલના કરોને. એમ કહે છે કે મહારાજ રત્નદીપદેવનું રાજ એવું હતું કે સોળ વર્ષની સુન્દરી મધરાતે એકલી રસ્તેથી ચાલી જતી હોય પણ કોઈ બારીએથી ખૂંખારો સરખો ન કરે. એ મર્યાદા આજ ક્યાં છે? ત્રીજો પુરવાસી — ઝાઝું બોલીશ તો આ લાકડી જોઈ છે? (લાકડી ઉગામે છે.) છોકરો — એનો ઉતાર મારી પાસે છે. (કમરેથી કાઢીને કટારી બતાવે છે.) દુર્ગેશ – અરે! અરે! કમરમાંથી કટારી કાઢવી પડે એવો શો પ્રસંગ છે? (છોકરાનો હાથ પકડીને ખેંચી રાખે છે.) છોકરો — સ્ત્રીના માનની રક્ષા એ નાનોસૂનો પ્રસંગ છે? (પુરવાસી પુરુષો અને સ્ત્રીઓ દોડી આવે છે, અને પુરુષો ત્રીજા પુરવાસીને ઝાલી રાખે છે.) એક સ્ત્રી — ઘરડા વરની નારની મશ્કરી કરવાને બદલે આ છોકરાની પેઠે બૈરાંની વહારે જતાં શીખો ને! એવા પુરુષો ઘણા નીકળશે, તો કોઈ બાપ પોતાની કન્યા જ ઘરડા વરને નહિ દે. પાંચમો પુરવાસી — હવે, અત્યારે અમને ઝંપવા દો ને લડાઈ પર ટોપલો ઢાંકો. જાઓ સહુ સહુને ઠેકાણે, લડાઈ આગળ ચલાવવી હોય તો સવારે આવીને ટોપલો ઉઘાડજો. (સહુ જાય છે.)

સ્વાધ્યાય

૧. રાઈના મનની સ્થિતિનો હેવાલ આપો.
૨. ‘મુખ દેખ દર્પણે’વાળું કાવ્ય હાસ્યનું હોવા છતાં છેવટે ‘લઈ ઝાંખી આપની પહેલી, અન્ય ભણી વળજો’ એ લીટીમાં સમાયેલો ગંભીર અર્થ સ્પષ્ટ કરો.
૩. આ દૃશ્યોમાં કોની કોની સામે કટાક્ષ કરવામાં આવ્યા છે?
૪. તમે કદી તમારા ગામમાં કે શહેરમાં આવી રીતે લોકોના જીવન-વ્યવહાર જોવા નીકળી પડ્યા છો? એવા સાચા કે કલ્પિત અનુભવનો અહેવાલ આપો.