સાહિત્ય પલ્લવ – ભાગ ૧/વહેલી ગાડીમાં જવા વિષે

Revision as of 03:26, 27 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

વહેલી ગાડીમાં જવા વિષે

નટવરલાલ બૂચ

અકાળે ઊઠવું એ અકાળે મરવા કરતાંયે વધારે વસમું છે. રાતની ત્રણ ચાર વાગ્યાની ગાડીમાં જવાનું જેઓને બન્યું હશે તેઓ આ વાત કબૂલ કરશે. રાતે બાર એક વાગ્યા સુધીમાં જ ગાડી જતી હોય તો તો ઠીક; ત્યાં સુધીનો વખત વાતચીત કે વાચનમાં જ વિતાવી યોગ્ય સમયે ગાડી ભેગા થઈ જવાય. પણ એથી મોડું, એટલે કે લગભગ બે-ત્રણ-ચાર વાગ્યે જવાનું હોય ત્યારે ખૂબ આકરું લાગે છે. ભવિષ્યની ચિંતા પ્રથમથી જ ઘર ઘાલે છે. આગલી સાંજથી જ આપણું મન ઊંચું થઈ જાય છે. આપણે જે સ્થળ છોડવાના છીએ ત્યાંથી આપણું ચિત્ત ઊઠી જાય છે; જ્યાં જવાના હોઈએ છીએ ત્યાંના તો આપણે હોતા જ નથી. એટલે આપણી મનની સ્થિતિ ધોબીના કૂતરા જેવી થાય છે — ન ઘરના, ન ઘાટના; ન અહીંના, ન ત્યાંના. રાતે નવ દસ વાગ્યે સામાન બંધાઈ જાય. ઘરની વસ્તુઓથી અલગ મુકાયેલો સામાન પણ જાણે સમાજથી હડધૂત થયેલ કોઈ અનાથ ને અસહાય બાળક હોય તેમ પડેલો હોય છે. સ્વજનો સાથે સામાન્ય રીતે આપણે ‘આપણો’ ‘આપણું’ એવી રીતે વાતચીત કરતા હોઈએ તેને બદલે તેઓને હવે ‘તમે’ ‘તમારું’ એવી રીતે બોલાવીએ છીએ. સ્વજનોની વિદાય, ક્ષમા-યાચના, ભલામણ લેવી દેવી વગેરે કામ પતાવી લઈએ. ગાડી ચાર વાગ્યે જતી હોય તો અઢી ત્રણ વાગ્યે ઍલારમ મૂકી, ઘડિયાળને ઓશીકા પાસે રાખી, જેટલું વધારે ઊંઘાય તેટલું ઊંઘી લેવાના ઇરાદાથી આપણે દસ વાગ્યે પથારી ભેગા થઈએ. બરાબર તે જ વખતે પાડોશના ગ્રામોફોન ઉપર ‘વહાલું વતન’ એ ગીત શરૂ થાય. વતન આપણને ખૂબ વહાલું હોય છતાં એ ગીત બહુ જ અકારું લાગે અને એ વાજાની તાવડીને તોડવા માટે તન મન ધન ઓવારી નાખવાનું મન થાય! થોડી વારે માંડ માંડ આંખ મળે.

* * *

ચાલતી ગાડીનો છૂક છૂક અવાજ અને ઉપરાઉપરી થતી વ્હીસલો સાંભળતાં આપણે ઝબકીને જાગીએ — હાંફળાફાંફળા બનીએ, આપણને થાય કે આપણે ઊંઘતા જ રહ્યા અને ગાડી ઊપડી ગઈ કે શું? ઝટ ઊઠીને ઘડિયાળ સામું જોઈએ; માત્ર સાડાદસ થયા હોય. ઘડિયાળ તરફ શંકાની નજરે જોવા લાગીએ તેવામાં પડોશના ગ્રામોફોન ઉપર નવી રેકર્ડ શરૂ થાય : ‘પિયુ પહેલી પૅસેંજરમાં આવજો.’ એ સાંભળીને આપણા મનમાં ખાતરી થાય કે અત્યારે સાચેસાચ સાડાદસ જ થયા છે અને આ આપણે જવાની ગાડી નહિ, પણ રાતે આવતી છેલ્લી પૅસેન્જર જ છે. વળી પાછા આપણે સૂઈએ. ઊંઘની સાથે જ ભયંકર સ્વપ્નો આવવાં શરૂ થાય. સામાન્ય રીતે ગાડી ચૂકી જવાનાં સ્વપ્નો ન જ આવે. જાણે કે આપણે સામાન ગાડીમાં મૂકી પાણી પીવા ગયા ત્યાં ગાડી ઊપડી ગઈ. આપણે સહકુટુંબ ક્યાંક જતા હોઈએ. સ્ટેશને જઈએ અને એક બાળકને લઈ પત્ની ગાડીમાં માંડમાંડ ચડે. ત્યાં ગાડી ઊપડી જાય અને બીજા બાળક સાથે આપણે મોઢું વકાસતા પ્લેટફોર્મ પર જ રહી જઈએ. કોઈ વાર વળી એવું પણ સ્વપ્ન આવે કે કોઈ આપણા આત્માને ઉઠાવી જાય છે, અને દેહને પાછળ મૂકતું જાય છે. આવું સ્વપ્ન આવતું હોય તે વખતે કોઈની કારમી પોક સંભળાય; આપણે ઝબકીને જાગીએ; આપણને ઘડીભર કુશંકા થાય કે શું ખરેખર આપણો આત્મા કોઈ ઉઠાવી ગયું છે ને તેની પાછળ કોઈ પોક મૂકે છે? પણ જરા વધારે શુદ્ધિમાં આવતાં ખ્યાલ થાય કે એ અવાજ તો ઠંડીની ફરિયાદ કરતા કોઈ કૂતરાનો છે! આવડે તેવી ગાળો તેને દઈ, જાગી ગયા તેનો લાભ લઈ, ઘડિયાળમાં વખત જોઈએ. બરાબર બે કે સવાબે થયા હોય. પણ થોડો વખત જે વધારે ઊંઘાય તે ઊંઘી લેવાનું નક્કી કરી આપણે સૂઈ એ. તરત જ ઘસઘસાટ સ્વપ્ન વગરની ઊંઘ આવી જાય. જાણે કે નિર્વિકલ્પ સમાધિ!

***

પ્રલયકાળ આવતો હોય તેવો ભયંકર કોલાહલ થાય ને આપણે જાગી ઊઠીએ; ભાનમાં આવીએ એટલે પ્રલય-ગર્જનને બદલે આપણા કાન ઉપર એકનો એક જ પ્રશ્ન પૂછયા કરતા જક્કી બાળક જેમ વાગતો ઍલારમ સંભળાય. મહિનાઓ સુધી ગર્ભવાસની એકલતા અને શાંતિ અનુભવ્યા પછી દુનિયામાં પ્રવેશ કરતા બાળકને બહારનો કોલાહલ સાંભળી જેવી ગભરામણ થતી હશે તેવો ગભરાટ ઘડીભર આપણને થાય છે. મનમાં ‘મૂગી મર’ કહેતા, ઘડિયાળનો ઘંટ બંધ કરવા આપણે અંધારામાં આમતેમ ફાંફાં મારીએ છીએ; માંડ માંડ ઍલારમ બંધ થાય છે. ઘડિયાળનો ઘા કરી દેવાનું મન થાય છે, પણ દુર્ભાગ્યે તે આપણી પોતાની જ હોય છે. ઍલારમ બંધ કરી ‘હમણાં ઊઠીશ’ એમ કરી આપણે જરા આળોટીએ છીએ ને તેમ કરતાં નસકોરાં બોલવા લાગે છે, ત્યાં જ ઘરડાં ડોશીમા કે ચિંતાતુર પત્ની આપણને ઢંઢોળી જગાડે છે. રાતે ગાડી ચલાવવામાં રેલવેવાળાઓની મૂર્ખાઈ, ઠંડી અને ઉજાગરાને લીધે ડ્રાઈવરો, ગાર્ડ, સ્ટેશનવાળાઓને પડતી તકલીફ, વહેલા ઊઠવામાં પેસેંજરોને પડતી હાડમારી વગેરે ઘણી બાબત ઉપર વિચાર કરતા આપણે અનિચ્છાએ ઊઠીએ છીએ. આજુબાજુના બીજા લોકોને પોતપોતાના ઘરમાં શાંતિથી ઊંઘતા જોઈ આપણને તેઓની અદેખાઈ થાય છે. ટાંગામાં બેસી સ્ટેશન ભેગા થઈએ છીએ. સ્ટેશને પહોંચતાં સુધી મનમાં ગુસ્સો અને અસંતોષ વ્યાપી રહેલાં હોય છે. ત્યાં ગયા પછી આ બધા ભાવો પલટાય છે. બીજા મુસાફરોને પોતે ક્યારે ઊઠ્યા, કેવી મુશ્કેલી પડી વગેરે વસ્તુઓનું વર્ણન કરતા સાંભળી આપણે મનમાં સંતોષ પામીએ છીએ.

‘રામરોટી’માંથી