સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મીરાં-ચરિત્ર

Revision as of 02:58, 1 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મીરાં-ચરિત્ર

દયારામ

મીરાં મન મોહનશું માન્યું;
વરિયા વરિયા શ્રીગિરિધરલાલ, જાણે જગ નથી કાંઈ છાનું. ટેક
જેમલ રાઠોડની દીકરી રે, સુણો મેડતા એનું ધામ;
રૂપ ગુણ કોઈ સમોવડ નહિ, રૂડું ધર્યું મીરાંબાઈ નામ. મીરાં૦
જોશીએ વાંચી જનમોતરી રે, તેમાં લખ્યું નીકળ્યું એહ;
વરશે વિશ્વંભર નાથને રે, કરશે નંદકુંવરજીશું નેહ. મીરાં૦
ઉદ્યોતપુરનો રાણો રાજિયો રે, તે સાથે કરી રે સગાઈ;
પરણાવીને વળાવ્યાં સાસરે કંઈ લૌકિક રીતે મીરાંબાઈ. મીરાં૦
દેવીને દેવા વધામણાં રે ચાલ્યાં વરકન્યા સહુજન;
રાણે પારવતીજી પૂજિયાં રે, મીરાંનું તો મોહનમાં મન. મીરાં૦
સાસુ કહે, ‘સૌભાગ્ય વધે રે, વહુ, નમો શક્તિને પાય.’
મીરાં કહે, ‘મસ્તક મારું નહિ નમે વિના એક શ્રીગિરિધરરાય.’ મીરાં૦
સાસુ કહે, ‘સામું બોલી, આજથી મારે નથી એ વહુનું કામ.’
પુત્રને કહ્યું: ‘એહને રાખો પરી, એક ન્યારું રચાવો એનું ધામ.’ મીરાં૦
એવું સુણીને મીરાં મગ્ન થયાં રે, ‘ભલું થયું ભાંગી જંજાળ; ૧૫
સાધુની સંગે દિનરેણ નિર્ગમશું, સુખે સેવીશું, ગાઈશું ગોપાળ.’ મીરાં૦
નંદનંદન સાથે ન્યારાં રહ્યાં રે મીરાં, હરિજન આવે ઘણા ઘેર;
નિત્ય ભજન કથા કીરતન ઓચ્છવ, હરિને લડાવે, કરે લહેર. મીરાં૦
નણંદ આવી મીરાંબાઈની પાસે : ‘ભાભી, આ શો માંડ્યો ઉત્પાત?
સાસરે રાણાજીનું કુળ લજાવ્યું વહુ, મહિયેર લજાવ્યાં માતતાત. મીરાં૦
અંબર આભ્રણ પહેરો અનુપમ, સજો સુંદર શણગાર;
મહેલે પધારો રાણાજી તણે રે, રમી રીઝવી લો ભરથાર. મીરાં૦
છાપાં તિલક આ શી તુલસીની માળા, નાચો કૂદો વેરાગીને વેશ?
સંગ મૂકી. દો સાધુ સંતનો રે, રાણોજી તો કરે સુણી કલેશ.’ મીરાં૦
મીરાં કહે રે, ‘બાઈ કલેશ ટાળવાનો એક જ છે ઉપાય;
કહેજો રાણાજીને સાધુને સેવે પ્રેમે, નૃત્ય કરીને હરિ ગાય. મીરાં૦
વળી સોનું રૂપું પહેર્યે રે શું સુધર્યું રે? કાઢી નાંખો એ ડાકડમાળ;
છાપાં તિલક ધરી સાધુમાં બેસો, આ લો પહેરો તુલસીની માળ. મીરાં૦
તમે પણ જાઓ શીદ સાસરે રે, બાઈ વૃથા વટાળો દેહ?
મનગમતા મોહનવર સાથે તમો સર્વ તજીને કરો સ્નેહ. મીરાં૦
કહેજો તમારી માતને રે : વૃદ્ધ થયાં, ગોવિંદગુણ ગાય;
હરિ વિના કોટી દેવ સેવશો, તોયે જનમ મરણ નહિ જાય.’ મીરાં૦
સુણી એમ છણકતી ખીજતી રે બાળા આવી બંધવની પાસ;
‘ઓ ભાઈ, ભાભી કહે છે થાઓ વેરાગી સહુ, મૂકી દો રાજઆવાસ.’ મીરાં૦
એવું સુણીને આવ્યો રોષ રાણાને, પ્રેષ્યો સેવક મીરાંને આવાસ;
‘લાવો ખબર, છે શા રંગમાં, કોણ બેઠું છે એની પાસ?’ મીરાં૦
અનુચરે આવી એમ કહ્યું જે, ‘નથી ત્રીજું માણસ આ વાર;
રાણીજી સાથે કોઈ પુરુષ બીજો છે, ઘરમાં થઈ રહી છે થૈથૈકાર.’ મીરાં૦
સુણતામાં રાણો થયો રાતડો રે, ખેંચી ખડગ ધાયો તેણી વાર;
પેઠો મીરાંને મહેલે એકલો રે, કોઈ આવે ના, ધાઈ દીધાં દ્વાર. મીરાં૦
આવી જોયું તો મીરાં એકલી રે, પ્રભુએ તેને ના દીધું દર્શન;
પૂછ્યું મીરાંને, ‘પેલો પુરુષ ક્યાં છે, તારે લાગ્યું છે જે શું લગન?’ મીરાં૦
‘કાઢી નાંખોજી આ કલેશ કપટ, સંગે નિર્મળ કરો મન,
પ્રેમભક્તિએ પરબ્રહ્મ ભજો તો તમને થાય તેનાં દર્શન.’ મીરાં૦
એવું સુણીને આગ લાગી ઘણી રે, પણ ભાવ ન આવ્યો ભૂપ;
ક્રોધ કરીને શસ્ત્ર વાપરે એવે, દીઠાં મીરાંનાં બે રૂપ. મીરાં૦
તોયે મૂરખ સમજ્યો નહિ રે, મન સાથે ન કીધો વિચાર;
બીજું ખડગ એણે ખેંચિયું રે, ત્યારે હરિએ દેખાડી મીરાં ચાર. મીરાં૦
છોભો પડ્યો, પાછો ફર્યો રે, રાણો આવ્યો પોતાને ઘેર;
વિષનો પ્યાલો મીરાંને મોકલ્યો, પીજો કહાવ્યું રાણાએ આણી ઝેર. મીરાં૦
લીધો મીરાંએ મન મગ્ન થઈને રે પ્રભુને દેખાડી કર્યું વિષપાન;
અમૃત સરીખું થઈ ગયું રે, એને સમરથ ધણી ભગવાન. મીરાં૦
મીરાંબાઈ ગયાં વૃંદાવનમાં રે પ્રેમે નીરખ્યા શ્રીવ્રજરાય;
શ્રીજમુનાપયપાન કર્યું ને કરી જીવા ગોંસાઈને શિક્ષાય. મીરાં૦
હરિજન જાણી મીરાં મળવાનું કહાવ્યું, તેણે કહાવ્યું, ‘ના જોઉં સ્ત્રીનું મુખ.’
મીરાં કહે, ‘સારું થયું સવારું, મુજને પરપુરુષ જોયેથી દુ:ખ. મીરાં૦
આજ લગી હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક;
વૃંદાવન વસી હજી પુરુષ રહ્યા છો તેમાં ધન્ય તમારો વિવેક.’ મીરાં૦
એવું સુણીને જ્ઞાન પામિયા રે, જીવા ગોસાંઈ મળ્યા છે. સામા ધાઈ;
હળીમળીને હરિની વાત કરીને આવ્યાં મેવાડ દેશ મીરાંબાઈ. મીરાં૦
કરી તૈયારી ચાલ્યાં દ્વારિકા રે, પ્રેમે નીરખ્યા શ્રીરણછોડ;
વાસ પૂરીને પ્રભુજી પાસે રહ્યાં સદા, પહોંચ્યા છે મનના કોડ. મીરાં૦
પાછળ પસ્તાવો રાણાને થયો રે, ગયું ઊતરી મનનું ઝેર,
‘મુખ માગે તે આપું તેહને જે કોઈ લાવે મનાવી મીરાં ઘેર.’ મીરાં૦
ઉપરાઉપરી તેડાં મોકલ્યાં રે, આવીને લાગ્યા સહુ પાય;
‘માજી, પધારો મેવાડમાં વહેલાં, રાણાજી તો અન્ન ન ખાય. મીરાં૦
જહાં રે લગી તમો રહેશો દ્વારિકા રે, ત્યાં લગી કરું ઉપવાસ.’
આગ્રહ દેખી મીરાં વિદાય માગવાને આવ્યાં શ્રી પ્રભુજીની પાસ. મીરાં૦
હરિએ હકીકત સાંભળીને રે, ચાંપી હૃદયા સાથ;
શ્રીકૃષ્ણસ્વરૂપમાં સમાઈ ગયાં રે મીરાં જેને શ્રીદ્વારિકાનાથ. મીરાં૦
ચરિત્ર એ મીરાંબાઈનું રે જે કો શીખે, સાંભળે ને ગાય;
પ્રેમભક્તિ તેને મળે ને ત્રૂઠે દયાનો પ્રીતમ વ્રજરાય. મીરાં૦

સ્વાધ્યાય

૧. મીરાં-ચરિત્ર ટૂંકામાં લખો.
૨. ગોસાંઈજીને મીરાંએ કેવી રીતે જ્ઞાન કરાવ્યું?
૩. રાણાનું મીરાં તરફનું વર્તન વર્ણવો.
૪. મીરાંના જીવનપ્રસંગોમાંથી તમને ક્યો ગમે છે? શા માટે?