સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દયારામ - ૨

From Ekatra Foundation
Revision as of 01:30, 5 April 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દયારામ}} {{Poem2Open}} સંવત ૧૫૦૦ થી તે સંવત ૧૯૦૦ લગીમાં અથવા ૪૦૦ વર્ષના દરમ્યાનમાં જે જે કવિઓ થઈ ગયા છે તેમાં છેલ્લો અને વળી સારો, પહેલા વર્ગમાં મૂકવા જેવો, શૃંગાર કવિતાથી પ્રસિદ્ધિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દયારામ


સંવત ૧૫૦૦ થી તે સંવત ૧૯૦૦ લગીમાં અથવા ૪૦૦ વર્ષના દરમ્યાનમાં જે જે કવિઓ થઈ ગયા છે તેમાં છેલ્લો અને વળી સારો, પહેલા વર્ગમાં મૂકવા જેવો, શૃંગાર કવિતાથી પ્રસિદ્ધિ પામેલો એવો દયારામ અથવા દયાશંકર હતો. એ, જ્ઞાતે સાઠોદરો નાગર ગૃહસ્થ, ઋગ્વેદી શાંખાયની શાખાનો, વડોદરેથી બાર ગાઉ પર ડભોઈ કસબો છે ને ત્યાંથી સાત ગાઉ પર નર્મદાતીરે ચાણોદ (ચંડીપુર) કરીને ગામ છે, ત્યાં સંવત ૧૮૩૩ અથવા ઈ.સ. ૧૭૭૭માં જન્મ્યો હતો. એની માનું નામ રતનબાઈ અને બાપનું નામ પરભુરામ હતું. એ પરભુરામ કારકુની કરતા. બાપે દીકરાને બાળપણમાં કંઈ અભ્યાસ કરાવ્યો ન હતો પણ તેને જોતરું પહેરાવવાની તજવીજ કરી હતી, એટલે સાત વર્ષની ઉંમરે તેનો વિવાહ કર્યો હતો. બાપે આઠમે વર્ષે દીકરાને જનોઈ દીધા પછી પાંચ છ વર્ષ જીવીને, અને માએ પણ પછી એક બે વર્ષ વૈધવ્ય પાળીને, કવિની ૧૫-૧૬ વર્ષની ઉમ્મરે દેહ છોડેલી એવું કહેવાય છે — કોઈ કહે છે જનોઈ દીધા પછી એને સૈયડ આવ્યા હતા. માબાપનાં મરણ પછી દયારામ ચાણોદમાં પોતાની માસીને ઘેર પળ્યો જતો એ વખતે એ કુસંગથી ફક્કડ, ઉડાઉ હોઈને કુછંદમાં સારી પેઠે રમતો હતો. એક પ્રસંગે માસી સાથે બોલવું થયું ને તેમાં માસીએ કંઈ કડવું વચન કહેલું તે તેનાથી ન સંખાયું, અને તેથી તે ક્રોધમાં ને ક્રોધમાં ઘરગામ છોડી ચાલતો કાશી તરફ ગયો હતો. એ વેળા એની ઉમ્મર સોળ સત્તરની હશે. કોઈ કહે છે કે સ્ત્રીઓના છંદથી તેની અપ્રતિષ્ઠા થઈ હતી તેથી નાસી ગયો હતો. માસીનું કડવું વચન શિક્ષાનું પણ હોય. કાશી જઈને ત્યાં કાશીવિશ્વેશ્વરની લાવણી જોડીને ગાઈ હતી. એ લાવણી દયારામનું પહેલું જ કાવ્ય કહેવાય છે. સોળ સત્તર વર્ષના મૂર્ખ છોકરાએ સહેજસાજ વિચારની લાવણી બનાવવી એ કાંઈ નવાઈ જેવું નથી. સહુને જાણીતું છે કે અભણેલ બૈરાંઓ અભ્યાસથી ગરબીઓ જોડે છે. નાગરનાં બૈરાંઓ લગ્ન કારજોમાં ઘણી વાર વખાણવા જેવા ને તરતના તરત બોલો જોડી શોભ આદિ ગીતો ગાય છે. અને બાર તેર વરસની ઉમ્મરના નીચ વરણના મૂરખ છોકરાઓ પણ લાવણી જોડે છે. ગમે તેમ છે તોપણ આટલું તો ખરું કે, દયારામ જન્મથી વિચક્ષણ, તેથી તેને પોતાના કુછંદી સાથીઓના સહવાસથી કવિતા જોડવાની શક્તિ આવેલી. કાશીવિશ્વેશ્વરની લાવણી બનાવ્યા પહેલાં તેણે કેટલીએક આશકી લાવણીઓ બનાવેલી ખરી, તોપણ કાશીવિશ્વેશ્વરની લાવણી એ દયારામની ધર્મ સંબંધી કવિતામાં સત્તર વરસની ઉમ્મરે પહેલી જ કરેલી હશે. દયારામે જોશી રણછોડને અથવા જોશી રણછોડે (દયારામને નામે) મારે મોઢે એમ કથા કહી છે કે, ‘કાશી જ્યારે વીસેક ગાઉ દૂર રહ્યું, ત્યારે ગંગામાં નાહવાની મારી ઉત્કંઠા ઘણી થઈ ને પછી દોડી દોડીને ત્યાં પહોંચ્યો તો ઘાટના દરવાજા બંધ દીઠા. દરવાને પૂછ્યું કે કેમ અહીં પડ્યો છે, ત્યારે મેં કહ્યું કે મારે સ્નાન કરવું છે. થોડી વારમાં એકાએક મેં કોઈ પુરુષને બોલતો સાંભળ્યો કે, ‘ઊઠ, દરવાજા ખુલ્લા છે!’ તેવો જ હું ઊઠ્યો ને મેં ગંગામાં સ્નાન કીધું, ને બીજે દિવસે કાશીવિશ્વેશ્વરમાં જઈને લાવણી ગાઈ’ જોશી રણછોડ કહે છે કે, ‘એ જ એનું પહેલું કાવ્ય, કાશીવિશ્વેશ્વરના અનુગ્રહથી થયું, ને કાશીવિશ્વેશ્વરે જ એને કાવ્યશક્તિ આપી. મૂર્ખના ચતુર ને ખળના સાધુ બનાવી દીધા.’ કાશીથી આવીને અથવા કાશીથી સેતુબંધ જઈ આવીને દયારામ પાછો ચાણોદ આવ્યો. અહીં એની માસી મરી ગયેલી તેનું શ્રાદ્ધ કીધું. કાશી જવાથી જોકે એનો વિવાહ ફોક થયો હતો, તોપણ જ્યારે પાછો ઘેર આવ્યો ત્યારે ડભોઈના એક ગૃહસ્થે એને કન્યા દેવાની ઈચ્છા દેખાડી હતી, ને જોકે નાગરમાં ૧૬૦૦-૧૨૦૦નું પલ્લું ભરવાની રીત છે તે પ્રમાણે પલ્લું ભરવાનું દયારામનું ગજું નહોતું, તોપણ પેલો ગૃહસ્થ એની હોશિયારીથી લલચાઈને વગર પલ્લે પોતાની દીકરી પરણાવતો હતો; – ને એમ હતું, તોપણ ફાંકડા કવિએ કહ્યું કે, ‘મારે તો પરણવું જ નથી, મેં તો કૃષ્ણ સાથે કિ દહાડાનું લગન કરી મૂક્યું છે.’ જન્મ થકી તે વીસ વરસ લગીની હકીકત ઉપર પ્રમાણે છે, પણ બીજાં વીસ વર્ષની એટલે કવિની ૪૦ વર્ષની ઉમર લગીની હકીકતમાં ઘણું જ થોડું લખવાનું મળ્યું છે; કારણ કે એ વર્ષો કવિએ પ્રવાસમાં જ કાઢ્યાં છે. અલબત્ત, તે વચમાં વચમાં ચાણોદ-ડભોઈમાં વરસ છ મહિના રહી જતો ખરો. એણે જોષી રણછોડના કહેવા પ્રમાણે પૃથ્વીપ્રદક્ષિણા કરી છે, એટલે આપણાં જે ઉત્તર, પૂરવ, દક્ષણ, પશ્ચિમ, – બદરીકેદાર, જગન્નાથ, સેતુબંધરામેશ્વર ને દ્વારિકાં —એ ચાર ધામ તેની ત્રણ વાર જાત્રા કરી છે. એની રતનબાઈ નામની પ્રિયા જે હાલ જીવે છે ને જેની ઉંમર સાઠેક વર્ષની છે તેના કહેવા પ્રમાણે એણે સાત દશ વાર શ્રીનાથજીનું દર્શન તથા ચાર વાર જમુનાપાન કીધું હતું; અને એક વાર પૃથ્વીપ્રદક્ષિણા કરી હતી, અને એ પ્રદક્ષિણા એવી રીતે કે કાશીથી ગંગાનાં પાણીની કાવડ લઈને પગે ચાલીને સેતુબંધરામેશ્વરને ચઢાવી હતી. એ કવિ પગે ચાલીને જ પ્રવાસ કરતો — કવિની રામેશ્વર ઉપર આટલી ભક્તિ જોતાં માલૂમ પડે છે કે એ પ્રવાસ પહેલી વારનો જ હશે અને શ્રીનાથજી અને ગોકુળ મથુરાં તરફના પ્રવાસો વલ્લભી વૈષ્ણવ થયા પછીના હશે. ચાલીસ વર્ષ પછી દયારામે ડભોઈમાં સ્થાયી મુકામ કીધો. એક બે વાર ડાકોર જઈ આવેલો તે સિવાય ૫૦ વરસની ઉંમર પછી તે કેથે મરતા લગી બહાર ગયો જ નથી. જોશી રણછોડના કહ્યા પ્રમાણે, ‘ડાકોરના ઇચ્છારામજી મહારાજ, જે એક અવતારી પુરુષ થઈ ગયા કહેવાય છે, જેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણતા, જેઓનો મહિમા ઘણો ચાલતો, જેઓ મંદિર માંડી બેઠા હતા, તેઓને કાંઈ ખબર પડી કે દયારામ સારું કાવ્ય કરે છે તે ઉપરથી તેને તેડાવી ગવડાવ્યું તો દયારામે પોતાનાં પદ ગાયાં; તેથી ઇચ્છારામ ભટે પ્રસન્ન થઈને માથે હાથ મૂક્યો ને એ પ્રસંગ પછી ઓગણપચાસેક વરસની ઉમરે કવિની વિખ્યાતી ગુજરાતમાં પ્રસરવા માંડી. ઇચ્છારામ ભટજી કહેતો કે, દયારામ તો નરસિંહ મહેતાનો અવતાર છે.’ દયારામ ૩૫ વરસ ડભોઈમાં રહ્યો, પણ તેણે કોઈની ચાકરી કરી નથી. કવિ-ગાનાર-ગુણિજન-બ્રાહ્મણ ને ભક્તજન એટલે કોઈ દસ, કાઈ પાંચ, એમ લોકો ભેટ આપતા, ને એ પ્રમાણે વરસ દહાડે બસેંએક રૂપિયાની એ કવિને પેદાશ હતી તેમાંથી તે પોતાનો ગુજારો કરતો. જેટલા મળતા તેટલા ઉડાવી દેતો. એ પોતાની પછવાડે પુસ્તક સિવાય, કંઈ ઘર રોકડ વગેરે પૂંજી મૂકી ગયો નથી. એ રૂપિયા અઢીસેંક પોતાની રતનને આપી ગયો હતો, જેમાંથી પોણોસોએક તો, રતન કહે છે કે, ‘એના (દયારામના) પિત્રાઈઓ મારા રડ્યા મારી પાસેથી કાયદાની ધમકી આપી લઈ ગયા.’ મોટા મોટા રાજા, ઠાકોર, સાહુકાર ને ગોસાંઈજીના લાલો તેડવાને પાલખી, ઘોડા મોકલે તોપણ પોતે ના પાડતો: કોઈ ઠેકાણે જતો નહિ. જેને મળવું હોય તે અહીં આવે એમ કહેતો. મરવાની અગાઉ સાત-આઠ વરસ કવિને આંખનું કાચું થયું હતું, ને બે ત્રણ વરસ તો છેક જ તે અંધ હતો. મરતાં પહેલાં છ સાત દહાડા અવાચક રહ્યો હતો. મરવાની અગાઉ ૧૫-૨૦ દહાડા પર કવિએ જોશી રણછોડને કહ્યું કે, ‘અલ્યા છોકરા, મેં તો આખા હિંદુસ્તાનમાં ડંકો કીધો છે; હવે મારે ફરી અવતાર લેવો નથી. તારે મારાં પદો ગાવાં, બીજો કંઈ ધંધો કરવો નહિ; અને ગાઈને લોકોને કૃષ્ણ ઉપર પ્રીતિ કરાવવી. મારાં પુસ્તકો અમૂલ્ય છે. અને જોકે જે તેની કદર બૂજતો નથી, યા જેને તે ઉપયોગનાં નથી તેનાં મનને કોડીનાં છે, તોપણ જે એ પુસ્તકોની ખરી કદર બૂજે છે તેને તો તે બેશક લાખ રૂપિયાનાં છે. એ પુસ્તકો હું તને વારસામાં આપું છું. હવે છેલ્લું એ જ કહું છું કે મેં તને જે ધંધો કરવાને કહ્યું છે તે વગર બીજો ન કરીશ.’ જોશી રણછોડે કહ્યું કે, ‘તમારી આજ્ઞા મારે શિર છે; આપ જો આજ્ઞા આપો તો અમે આપની પાદુકા પૂજીએ.’ ત્યારે કવિએ કહ્યું કે, ‘હું તે શી ગણતીમાં! એ વાત તારે કરવી જ નહિ.’ એ કવિ પોતાની માંદગીમાં પોતાનાં પદો સેવકો પાસે ગવડાવતો, ને નવાં બનાવતો તે તેઓ પાસે લખાવતો. એ કવિ સંવત ૧૯૦૮ના માઘ વદ ૫ વાર સોમે, ઈ.સ. ૧૮૫૨ના ફેબ્રુઆરીની ૯મી તારીખે, ૭૫ વરસની ઉંમરે ગોલોકવાસી થયો. દયારામ કવિ ચિમનલાલ નંદલાલના કહેવા પ્રમાણે પાતળો પણ બેવડાં હાડનો - મારાથી દોઢાં હાડનો, અને મારાથી મૂઠેક ઊંચો હતો. મોઢું ગોળ નહિ, પણ લાંબું મારા જેવું જ. નાક પણ મારા જેવું જ સીધું પણ છેડેથી અણિયાળું. આંખ માંજરી પણ ઘણી ચંચળ. કપાળ લમણાથી ઊંચું થતું જઈને જરાક બહાર પડતું. મૂછ ભરાવ ને ઊંચેથી વાંકડી, પણ થોભિયા નહિ. રંગે ઘઉંવરણાથી જરાક ગોરો. નાજુકાઈ ઘણી હતી. એ કવિને લૂગડાંલત્તાં પહેરવા ઉપર ઘણો શોખ હતો. સાઠોદરાની રીત જ એવી હોય છે — ‘સાઠોદરા ક્યમ જાણીએ? વાંકી પાઘડીએ, ઘોડે બેસી ચાકરી જાય ને જમે હાથડિયે.’ એ નડિયાદથી પાંચ પાંચ રૂપિયાનો રંગ નખાવી પાઘડી રંગાવી મંગાવતો, દશ બાર રૂપિયાનાં રેશમી કોરનાં ધોતિયાં ને મલમલનાં અંગરખાં પહેરતો, ને સફેદ દુપટ્ટો ખભે નાખતો, રસ્તામાં કછોટો મારીને ફરતો, વખતે ટોપી ઘાલતો ને વખતે ફેંટો બાંધતો. એને માથે તાલ પડી હતી. એની પાઘડીની શાન ડભોઈના સાઠોદરાઓ ઘાલે છે તેવી જ, પણ ઘાટ ઘણો જ નાનો. રોજ ત્રીસ બત્રીસ પાનની બીડીઓ ખાતો, ને હોઠને લાલચોળ રાખતો.. ઘણો ઘરડો થઈને મૂઓ તોપણ રાતો ચોળ જેવો હતો; અને ઘણો વ્યાધિગ્રસ્ત હતો, તોપણ બહુ સાવધ રહેતો. એને અફીણ, કસુંબા વગેરે કોઈ વાતનું વ્યસન નહોતું, પણ એ ભાંગનું બશેર પાણી પીતો ખરો. એના બોલવા ચાલવામાં ગુજરાતીઓની ચાલ પ્રમાણે થોડોક સખીભાવ હતો. એ કવિનો સ્વભાવ જોશી રણછોડના કહેવા પ્રમાણે મળતાવડો, પણ પ્રસંગોપાત્ત ઘણો જ ચીડિયો હતો — એટલો તો ચીડિયો કે વખતે જે પડ્યું હોય તે લઈ મારવાને ચૂકે નહીં. આકળો ઘણો હતો; કોઈ એને વિષે ખોટું બોલતું કે તરત ચિડાઈ જતો ને મીઠું બોલતું તો ખુશ થતો. જોશી રણછોડે એના હાથનો ઘણો માર ખાધેલો છે. ચિમનલાલ કહે છે કે કોટાબુંદીના દ્વારકેશના મંદિરના દ્વારકાનાથજીની સાંતના પુરુષોત્તમ મહારાજ એના ગુરુ ડભોઈ આવેલા, તેને લોકોએ સમજાવ્યું કે દયારામ તો ઘણો મિજાજી છે. ત્યારે તેણે કહ્યું કે આપણે એને દરશન નહીં કરાવીએ. એ વાત સાંભળી દયારામે તે મહારાજની નિંદાનું પદ બનાવી મોકલ્યું. જે પદ મહારાજની પાસે બેસનારા કેટલાએક સેવકોએ વાંચ્યું; તેમાં કવિની ફક્કડાઈ જોઈને મહારાજ પોતે દયારામને ઘેર ગયા. દયારામે મહારાજને આવતા જોઈને બારણાં બંધ કીધાં, પણ પછી લોકોનો આગ્રહ જોઈને ઉઘાડ્યાં. ઘરમાં મહારાજ પધાર્યા પછી કવિએ કહ્યું કે, ‘આ લો તમારી કંઠી,’ એમ કરીને કંઠી તોડી નાખી. થોડી વાર પછી મહારાજને નરમ પડેલા જોઈને બહારના વિવેકમાં બોલ્યો કે, ‘મારી પાસે ભેટ આપવાને બીજું કંઈ નથી; આ બે પુસ્તકો છે તે લો.’ પછી પાછી મહારાજે કંઠી બંધાવી. એવો તે ક્રોધી હતો. નાગરનો પેશો કલમ, કડછી ને બડછી; તેમાં બડછી તો નહીં, પણ કલમની સાથે કડછીમાં પણ એ કવિ હોશિયાર હતો. તેમાં પાછો મરજાદી એટલે ઘણુંખરું પોતાને હાથે જ રસોઈ કરી જમતો હતો. જોશી રણછોડ કહે છે કે, એને વેલણ વિના હાથ વતી જ પાતળી ને ઘણી સારી વેડમી બનાવતાં આવડતી. કેટલાએક કહે છે કે ડભોઈમાં સ્થાયી મુકામ કર્યા પછી કવિએ પોતાની ન્યાતની એક બાઈને સમર્પણ આપ્યું હતું અને તેની પાસે રંધાવતો. દયારામ પોતાની કવિતા-વિદ્યાની સાથે ગાયન-કળામાં પણ સારું જ્ઞાન ધરાવતો હતો. જોકે પોતે ગવૈયાની પેઠે સારું ગાઈ જાણતો ન હતો, તોપણ રાગ, સૂર, તાલની સમજ સારી ધરાવતો. એ પોતે પણ તંબૂરો લઈને ગાતો. એનું ગાવું સીધી રીતનું હતું. આપણા આણી તરફના હરદાસો જેવું તો નહીં, પણ સારા ભજનિયા ગુજરાતમાં ગાય છે તેવું – તોપણ પોતાનું બનાવેલું રાગની સમજ સાથે ગાતો તેથી સાંભળનારને અસર ઘણી થતી. જોશી રણછોડ કહે છે કે, ‘મારા જેવું જ ગાતા’— પણ રણછોડનું ગાણું કંઈ ગવૈયાની રીતનું નથી. રણછોડનું ગાણું મુંબઈમાં કેટલાએક ગવૈયાઓએ સાંભળેલું છે. તેઓ કહે છે કે ગાવામાં રણછોડ કંઈ નથી. વળી બંગાળનો એક બાબુ નામે માધવદાસ, જે સારું ગાતો ને ઘણું જ સારું સમજતો, તેણે પણ કહ્યું કે રણછોડનું ગાણું સારું નથી. ગમે તેમ હો, પણ દયારામ પોતાની કવિતાને એવી અસર કરતી રીતે ગાતો હશે કે જેવી અસર ગવૈયાઓથી ન થાય. આ ઠેકાણે આમ સમજવાનું છે કે કવિ પોતાની કવિતાની મતલબની સારી અસર કરતો, જે અલબત્ત ગવૈયાથી ના જ થાય. ગવૈયાઓ તો સૂરતાલથી રાગસ્વરૂપનું જ ચિત્ર સમજનારના મન ઉપર પાડી શકે. પેટલાદના એક વડનગરાની સ્ત્રી, જેને ઘણું સારું ગાતાં આવડે છે, જે સાજ સાથે ગાય છે, તે એક વાર ડાકોરમાં દયારામ પાસે ગાતી હતી તેને દયારામે કહ્યું હતું કે, ‘તારો કંઠ મને આપ; હું તો માત્ર જોડી જાણું છું.’ દયારામના સઘળા ગ્રંથોનું અવલોકન કર્યા વિના તેની કવિતા વિષે અને કવિતા ઉપરથી કવિ વિષે વિચાર આપવામાં ઘણી ઘણી ભૂલ થાય, માટે દયારામની કવિતા વિષે યથાશક્તિ મત બાંધવાનું હાલ બની શકતું નથી. તોપણ જેટલું ગુજરાતી કવન મારા વાંચવા તથા સાંભળવામાં આવ્યું છે તે ઉપરથી હાલ મારા જે વિચારો બંધાયા છે તે આ પ્રમાણે છે. એના ગ્રંથોમાંના કેટલાએકમાં ઘણી વાતનાં જ્ઞાન સાથે વિદ્વતા જણાય છે, અને કેટલાએકમાં સાધારણ વાત જ દીસે છે. પણ એની ગ્રંથરૂપ ગુજરાતી કવિતામાં ઊંચી પ્રતિની કવિત્વશક્તિ દેખાતી નથી. એની હિંદુસ્તાનીમાં સતસૈ છે તે એનો ઊંચી પ્રતિનો ગ્રંથ છે ખરો. એની છૂટક છૂટક કવિતા પદ ગરબીઓ વગેરે જે છે, પછી શૃંગાર સંબંધી અથવા નીતિ વૈરાગ્ય સંબંધી, તેમાંની અડધોઅડધ ઘણી સારી છે ને એ છૂટક છૂટક કવિતાનો સંગ્રહ કરી તેને દયારત્ન-માળ એવું નામ આપીએ તો તે ખોટું ન કહેવાય. દયારામના કવનમાં વિશેષે ત્રણ રસ જોવામાં આવે છે : શૃંગાર, શાંત અને હાસ્ય. કવિની વિદ્વત્તા એ જુદી વાત છે. અને કવિની કવિત્વશક્તિ એ જુદી વાત છે. કવિ ગમે તેટલો વિદ્વાન હોય અને ગમે તેટલી સરળતા રાખી પ્રાસાદિક શક્તિથી પોતાની કવિતાને શણગારતો હોય, પણ જો તેમાં રસ નથી, જોસ્સો નથી, અને ચિત્ર પાડવાની શક્તિ નથી, તો તે કવિ જોકે અજ્ઞાની લોકોમાં મોટો કહેવાય છે, તોપણ તે કવિ-પંક્તિમાં છેલ્લો બેસે છે. સર્વ વિષય ઉપર અને સર્વ રસમાં ખૂબ છટાથી લખ્યું હોય, એવી રીતે કે હૃદય ભેદાઈ જાય, તે કવિ સૌથી શ્રેષ્ઠ જાણવો. ગુજરાતી કવિઓમાં હાલના મારા વિચાર પ્રમાણે દયારામ ત્રીજે નંબરે આવે છે. પહેલો પ્રેમાનંદ, બીજો શામળ, અને ત્રીજો દયારામ. પણ કવિતા રચવાની સરળતા વિશે મારું મત ઘણું જ સારું છે. કોઈ કવિ એના જેવો થયો જ નથી. તેમ શૃંગાર સંબંધી, પ્રીતમ-પ્યારીનાં પરસ્પર ભાષણ સંબંધી, વ્યાવહારિક મધુરા કહેવતવાળા શબ્દોની ચતુરાઈ પણ સૌથી શ્રેષ્ઠ છે. એનામાં કેટલાએક શબ્દ તેના તે જ વારે વારે જોવામાં આવે છે. ‘કાળજ કોર્યું’, ‘તાલાવેલી તનમાં’, ‘નેન નચાવે’, ‘ધિકિયે ઢાંક્યાં’, ‘ચિતની ચેતવણી’, ‘ચિત ચોરતું’, વગેરે. એ દોષ શામળમાં ઘણો જોવામાં આવે છે. તેમ પ્રેમાનંદમાં પણ થોડોક છે. આવી રચનાની કવિતા જ્યારે ગાયનમાં ગવાય ત્યારે તેની અસર કંઈ થોડી નહીં. પણ લોકો રાગડા ઉપરથી જ કવિતાની પરીક્ષા કરે છે તે ખોટું છે. રાગડાને ને કવિતાને કંઈ જ સંબંધ નથી. જેમ બીજા સાધારણ લોકો દયારામને મોટો કવિ સમજે છે તેમ હું પણ સમજતો, પણ જેમ જેમ તેનું કવન હું વાંચતો જાઉં છું અને રાગડા અને શબ્દરચનાનો વિચાર દૂર રાખી ફક્ત રસાલંકારયુક્ત કવિત્વનો જ વિચાર કરું છું અને બીજા કવિઓની કવિત્વશક્તિ સાથે સરખાવું છું, તેમ તેમ મારા વિચારમાં તેનું શ્રેષ્ઠપણું ઓછું થતું જાય છે. હું દયારામના ધર્મ સંબંધી વિચારને બિલકુલ પસંદ નથી કરતો, એને મોટા વિદ્વાન દાખલ માન નથી આપતો, હું એના ક્રોધી અને અભિમાની સ્વભાવની દયા ખાઉં છું, તોપણ તેની દરદી કવિતા ઉપર અને તમામ કવિતાની ભાષા ઉપર ખરેખર મોટો આસક્ત છું. હિંદુસ્તાની રાગોને ગુજરાતીમાં દાખલ કરવાનું માન એને જ આપું છું. તેમ જ તેના સુઘડ વિચારો ઉપરથી એને સુઘડ જન જાણી હું એને મારા એકાંતના મિત્રવર્ગમાંનો એક માનું છું. મારો ગમે તેવો વિચાર છે,— અને લોકોનો વિચાર તો બે ગોળીના ચડવા જેવો અને સમે સમે બદલાતો હોય છે, —– તોપણ દયારામની ગુજરાતી કવિતા સમજાય તેવી સારી રચનામાં હોવાથી તે ગુજરાતમાં જાણીતી ને માનીતી છે તે જોઈને હું ઘણો સંતોષ પામું છું. ખરેખર, દયારામ ગુજરાતનું મોરું હતું. અને તેની વાણી આપણી ગુજરાતી ભાષાનું ભૂષણરૂપ અંગ છે, ને તે હંમેશ તેમ જ રહેશે.

સ્વાધ્યાય

૧. દયારામના જીવનનો પરિચય આપો.
૨. એની કવિતાને પોષક એવું એના જીવનમાં શું છે.
૩. એની કવિતા વિષે નર્મદનું શું કહેવું છે?
૪. કવિતા વિષે નર્મદના વિચારો જણાવો.
૫. દયારામમાં તમને શું ગમ્યું તે કારણો સાથે કહો.