સાહિત્યિક સંરસન — ૪/રિયુનિયન
વિપુલ વ્યાસ
થડામ્. બસ જાણે કશાક ખાડામાંથી પસાર થઇ. અમે, બસમાં બેઠેલા બધા પેસેન્જરો ઊછળ્યા. ઉઈ મા, સંભાલકે ભાઈ, ઓયે ઓયે એવા થોડાક અવાજો થયા ને શમી ગયા. ને બસ પાછી એમની એમ ચાલતી રહી. મેં બારીની બહાર જોયું. ચારે બાજુ લીલાછમ પહાડો. પથ્થરો વચ્ચે નદીની સેર. પર્વતોની ઊંચાઈ આગળ થોડું બાપડું બની ગયેલું આકાશ. વાતાવરણ થોડું ભારે લાગતું હતું. ને બસની અંદર જોઉં તો આખી બસ ખાસ્સી ભરેલી. ખીચોખીચ તો ના કહેવાય પણ બેસવા માટે એકેય સીટ ખાલી નહોતી. ને ચાર-પાંચ જણ તો ઊભેલાય ખરા. કોઈએ ગૉગલ્સ પહેરેલા. કોઈએ બુકાની બાંધેલી. બધા જ ચૂપ. ક્યાંક થોડી ખુસરપુસર થતી’તી પણ સાવ આછીપાતળી. વચ્ચે કોઈ સ્ટૅન્ડ આવતું ત્યાંથી અમુક લોકો ચડતા અને બસવાળો ઘંટડી રણકાવતો. ટિંગ ટિંગ ટિંગ ટિંગ. ને બસ આગળ ચાલતી. બૅકગ્રાઉન્ડમાં ઇલેક્ટ્રોનિક બીટ્સ સાથે લોકગીતો વાગતાં હતાં. ત્યાં જ બસના સામા છેડે મને એક પુરુષ દેખાયો - ડ્રાઈવરની બાજુમાં ઊભેલો. ચહેરો જાણીતો લાગતો’તો એનો. ક્યાં જોયો છે એનો વિચાર કરું ત્યાં જ અમારી નજરો મળી. ને જેવી મળી કે એણે બસની બહાર જોવા માંડ્યું. મને જરા નવાઈ લાગી. સાલું આવું કેમનું? મેં મારી નજર એના પર ખોડેલી રાખી. થોડી વાર પછી એણે ફરી જોયું મારી સામે. ને ફરી પકડાઈ ગયો એટલે ફરી નજર ફેરવી બસની બહાર જોવા માંડ્યો. શર્ટની બાંયમાં લટકાવેલા ગૉગલ્સ કાઢી આંખો પર લગાવી દીધા. હું એને ટગર ટગર જોઈ રહ્યો. ચહેરો બહુ જ જોયેલો હતો. પણ ક્યાં એ યાદ નહોતું આવતું. લાંબુ નાક. ચપટા ગાલ. કોણ છે સાલું, અરે હા, આ તો બકુલ. મારા બદનમાં જાણે એક ઉત્સાહ ઉભરાઈ આવ્યો. ને ઝપાટાભેર હું એના સુધી પહોંચી ગયો.
- બકુલ! કેમ ભઈ! કેમ છે?
- મજામાં છું.
- ઓળખ્યો મને? મેં એને પૂછ્યું.
- હા ઓળખ્યો, અકુલ ને?
મેં હા કહીને એની સાથે હાથ મિલાવ્યો. એણે કૈંક સંકોચવશ હાથમાં હાથ મેળવ્યો. ને તરત લઇ લીધો. એના હાથ થોડા રુક્ષ હતા. ચૂના જેવું કશુક લાગ્યું. કદાચ ધૂળ પણ હોય. - કેમ આમ ઢીલું-ઢીલું બોલે છે? ને આવો ગભરાયેલો કેમ લાગે છે? એમ કહીને એના ખભે જરાક હળવી થપાટ મારી. એ જોતો રહ્યો. પછી સહેજ હસીને બોલ્યો.
- તું તો એવો ને એવો જ છે, હજીય.
એટલી વારમાં જ બસ ઊભી રહી. કંડક્ટરે જાહેરાત કરી.
- બીસ મિનટ કા લંચબ્રેક હૈ...
ને અમે બસવાળા સૌ ઊતર્યા. ડ્રાઈવરે બસનું રોકાણ વિચિત્ર જગાએ કરેલું. મુખ્ય પહાડી રસ્તાથી ફંટાતો એક રસ્તો લઈને એણે બસ કશાક ઢોળાવ પર પાર્ક કરેલી. નજીકમાં જ એક લાકડાનું બનાવાયેલું ભોજનાલય હતું. હું ને બકુલ ભોજનાલયમાં ગયા. મારે વોશરૂમ જવું હતું. વોશરૂમ પાછળના ભાગમાં હતું. ત્યાં જતા રસ્તામાં અલગ અલગ પાંજરાઓમાં મરઘાં હતા. કૂતરાં હતા. સસલાં પણ હતા. વોશરૂમથી બહાર આવી ટેબલ તરફ વળ્યો તો રસોડા તરફ એક બેંચ પડેલી. બેંચ પર મૂકેલા એક ટોપલામાં કીટકો હતા ને બીજા ટોપલામાં અર્ધાં મરેલાં દેડકાં સળવળતાં હતાં. હું પાછો આવી ટેબલ પર બેઠો. ત્યાં થોડી વારમાં એક જણ અમારો ઓર્ડર લેવા આવ્યો. એકદમ જ વિચિત્ર પહેરવેશ પણ એકદમ પ્રભાવી લાગતો હતો.
- શું લેશો? ચીકન, ડૉગમીટ કે સસલાનું માંસ?
અમે ચીકન મંગાવ્યું.
- સાઈડમાં શું લેશો? ફ્રોગ કે વોર્મ્સ? મારે બીજું કશું ખાવું નહોતું. બકુલને પણ નહીં.
એ જવા માંડ્યો ત્યારે મેં એને ધ્યાનથી જોયો. પછી એ બીજાના ઓર્ડર લેવા માંડ્યો. માથે એક શિંગડાનો મુગટ પહેરેલો. ગળામાં કોઈ પ્રાણીના દાંતની માળા હતી. કોઈ પ્રાણીની ખાલનું સ્કર્ટ પહેરેલું. ધડ પર કશું નહીં. આ બધું શું છે? હતપ્રભ બનીને મેં બકુલને પૂછ્યું. એણે બુચકારો કર્યો, એવું સૂચવવા કે એ નથી જાણતો. ત્યાં અમારી બાજુના ટેબલ પર બેઠેલો માણસ અમારું આશ્ચર્ય પારખી ગયો. એણે અમને કહ્યું: યે હમારા વિલેઝ હેડ હૈ. એસા ડ્રેસ પહેનના કમ્પલસરી નહીં હૈ, મગર પહેનેગા તો ઉસકો સમ્માન મિલેગા. મને નવાઈ લાગી. :યે વિલેઝ હેડ કા બીવી હૈ - કહીને એણે એક સ્ત્રી બતાવી. મુખીની પત્નીએ લાલ રંગનો ઓપન બ્લાઉઝ અને સફેદ રંગનો ચણિયો પહેરેલો. ઉપર લાલ અને સફેદ રંગનાં પીંછાવાળો મુગટ પહેરેલો. ગળામાં મોટી માળા હતી. લાંબા મોરપિચ્છ રંગના પથ્થરોની. થોડી વારમાં જ જમવાનું આવી ગયું. અમે ચૂપચાપ જમવા લાગ્યા. દાળ-ભાત-ચિકન, કચુંબર. અમે જમતા હતા ત્યાં જ બે ચાર માણસો ડ્રાઈવરને મળવા આવ્યા. ધીમે રહીને કશીક વાત કરી. પછી બીજા કેટલાક લોકો એની પાછળ ગયા. અમારું જમવાનું ચાલુ જ હતું. જે બેચાર ડ્રાઈવરની પાછળ ગયા’તા એ પાછા વળ્યા અને સમાચાર લાવ્યા કે આગળ એક જગાએ લેન્ડસ્લાઈડ થઇ છે અને એના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અમારી આસપાસ જે કોઈ પણ હતા એ બધા ચોંકી ગયા. બધે ખુસરપુસર શરૂ થઇ ગઈ. ને અમે પહોંચી ગયા અમારી બસ સુધી. ગયા આગળ. અમારી બસ જ્યાં ઊભી હતી એની સહેજ જ આગળ એક જબરદસ્ત લેન્ડસ્લાઈડ થયેલી. અમારી બસ રસ્તાને એકદમ છેડે હતી. એટલે પાછી વાળવાની જગા ન હતી. ને આગળ આવી જબરદસ્ત લેન્ડસ્લાઈડ. અમારી સાથે એક બીજી બસ ઊભેલી. એનો રૂટ થોડો જુદો હતો. પહાડી વિસ્તારમાં બને એમ આ રૂટ પરની એ માત્ર બે બસો જ હતી. એટલે અમે સહુ ફસાઈ ગયા હતા. પણ અમારી સાથેના લોકલ મુસાફરોનાં મોં પર ચિંતા નહોતી. ઊલટું રાહત હતી. સૌ ચાલુ બસ દરમિયાન લેન્ડસ્લાઈડ ના થઇ એ બદલ ઇશ્વરનો પાડ માનતા, ભોજનાલયમાં પાછા ફર્યા. જમવાનું પાછું ચાલ્યા કર્યું. લોકોની વાતો અને થોડીક હો-હા વચ્ચે ભોજન પૂરું થયું ના થયું, ત્યાં અચાનક સૂસવાટા મારતો પવન વાવા લાગ્યો. કોઈએ જાણે બેકગ્રાઉન્ડ સેટિંગ બદલ્યું હોય એમ થોડા ઘણા સ્વચ્છ આકાશમાં કાળાં વાદળો છવાઈ ગયાં. અંધારું અંધારું થઇ ગયું. ગાજવીજ થવા માંડી. આકાશમાં કડાકા-ભડાકા. વચ્ચે વચ્ચે નારંગી રંગના તેજલિસોટા ય ખરા. ને ધીમી ધારે વરસાદ ચાલુ થઇ ગયો. જમવાનું છોડીને લોકો લોજની બહાર ધસી ગયા. લોજની બહાર થોડી ખુલ્લી જગા હતી. ને આગળ ખીણમાં વિશાલ જંગલ. મોટા ભાગના હાથ જોડીને ઊભા રહી ગયા. મારીસાંગા મારીસાંગા. હર્ષનાદો થયા. સૂડાની કિલકારીઓ જેવા. યે મારીસાંગા ક્યા હૈ? મેં બાજુવાળાને પૂછ્યું. હમારા બારીશ કા દેવતા, એ બોલ્યો. હવા પાણીથી ભીંજાઈ ગયેલી વાતી’તી. પણ કાળા ડિબાંગ આકાશમાં બધું ભયંકર લાગતું હતું. અજવાળામાંથી એકાએક અંધારું. અજાણ જગ્યા. હું બેચેન થઇ રહ્યો હતો. બકુલ પણ થોડો ચિંતાતુર લાગતો હતો. ત્યાં અચાનક એક પહાડી, ઢોલ લઈને આવ્યો ને વગાડવા માંડ્યો. ધીગ ધીગ ધીક તાક ધીક તાક ધીક તાક / ધીગ ધીગ ધીક તાક ધીક તાક ધીક તાક .....ને આખું વાતાવરણ બદલાઈ ગયું. માદક બની ગયું. પવનમાં વૃક્ષો ડોલતાં હતાં. ઘુમરાતાં ય હતાં. જાણે એ જ લય ઢોલીએ પકડ્યો હતો. પ્રકૃતિના પરફોર્મન્સમાં એ તાલ આપી રહ્યો હતો. દરમિયાન પેલા લોજનાં માલિક-માલકણે એક લાકડાનું પીપ બહાર કાઢ્યું. આગળના ભાગમાં ચકલી હતી. એમાંથી કશુંક લાલ પ્રવાહી કાઢી એ બધાને વહેંચવા લાગ્યાં. મારા ને બકુલના ભાગે પણ આવ્યું. જિજ્ઞાસા ખાતર મેં લીધું. બકુલે ના પાડી તો મેં એને આગ્રહ કરીને થોડું આપ્યું: ક્યા હૈ? મેં બાજુવાળાને પૂછ્યું: પ્લમ કા વાઈન, એણે કહ્યું. એકદમ તીવ્ર ઍસિડિક હતું. પણ પાછળથી થોડી મીઠાશ અનુભવાતી હતી. ઢોલીનો ઢોલ ગાજતો હતો. એક યુગલ આગળ આવ્યું. પુરુષ અને સ્ત્રી નાચવા લાગ્યાં. બંને પુરુષ અને સ્ત્રી એકબીજા સાથે અદાઓ મિલાવતાં હતાં. અચાનક પુરુષે સ્ત્રીની ગરદને બટકું ભરી લીધું. સ્ત્રી ચિત્કારી ઊઠી પણ એના નાચમાં કશો ફેર પડ્યો નહીં. હું ને બકુલ થોડા અસહજ બની ગયેલા. પણ આજુબાજુ તો એવા જ તાળીઓ અને હર્ષનાદ ચાલતા હતા. ધીમે ધીમે બીજા પણ જોડાયા. કુલ પંદર સોળ પુરુષ-સ્ત્રીઓ નાચવા લાગ્યાં. એક જણે પાવા જેવું વાદ્ય પણ વગાડવા માંડ્યું. એમાં કેટલીક પ્રાથમિક કક્ષાની ધૂનો વાગવા માંડી. લોકગીતો જ હશે... ને આ લોકો એકદમ ખુશખુશાલ. બધા જોડીમાં જ નાચતા હતા. અમુક યુગલ થોડા મદમાં આવી ગયેલા. એકબીજાને ઊંડાં ચુંબનો કરવા લાગ્યા. કોઈ નિતંબ, તો કોઈ છાતી રગદોળતું હતું. મેં બકુલ સામે જોયું. બકુલે મારી સામું જોયું. પણ જે નાચતાં’તાં એમણે સહજ બનીને નાચ્યા કર્યું. ખાસ્સી વાર બધાં નાચ્યાં. મેં બીજી બે વાર પ્લમનો વાઈન પીધો. મને એનો ટેસ્ટ અને માદકતા અનુકૂળ આવી ગયેલાં. અંદરથી ઈચ્છા થઈ નાચવાની. પણ નાચી ના શકાયું. મારી બાજુમાં બકુલ હતો. એણે તો એનો વાઈન પણ મને આપી દીધો. છેવટે નાચગાન પૂરું થયું. પેલા મુખીએ કશુંક નાનું સરખું સમ્બોધન કર્યું. હર્ષનાદ થયા. ને લોકો વિખેરાવા લાગ્યા. કેટલાંક પુરુષ-સ્ત્રીઓ સંગાથે ચાલ્યાં. કેટલાંક ભેટી-કરી છૂટાં પડ્યાં. મુખી અમને પૂછવા આવ્યો: આપ કહાં રુકેંગે? :આપકે યહાં કુછ હો સકતા હૈ?, મેં સામો સવાલ કર્યો. :યહાં તો કુછ નહીં હૈ. આપ ઇસી રાસ્તે પે આગે ચઢતે જાયેંગે તો એક ગેસ્ટહાઉસ આયેગા. વહાં પે શાયદ આપકો રહનેકા જગા મિલ જાયે: ઠીક હૈ ચલતે હૈ: એક મિનિટ, આપ કે સાથ વાલી બસ થી ઉસમેં એક લડકી થા. ઉસકો ભી રુકને કા જગા નહીં હૈ. ઉસે ભી સાથ મેં લે જાયેંગે? :લડકી? ઠીક હૈ. બહનજી, એણે લડકીને બોલાવી. એક નાની આકૃતિ અમારી સમક્ષ પ્રગટ થઇ. ઓરેન્જ -વ્હાઈટ ફુલ સ્લીવ ટીશર્ટ. બ્લુ ટ્રેક. અમારી જેમ જ રકસેક લઈને. નાકમાં નથ. હાઈટમાં બટકી.. અરે કેશા? હું એને કેશાડી કહેતો. નાની હતી ત્યારે તો એકદમ રમતિયાળ હતી..બે ચોટલી રાખતી. પણ પછી જેવી ટીનએજમાં આવી કે સાવ જ બદલાઈ ગઈ. પોતાનું નામ સાર્થક કરવા માંડ્યું. લાંબા વાળ થઇ ગયેલા. કેડ સુધીના. ધારદાર આંખો. સહેજ જાડું નાક. મોટું કપાળ. અમારી સ્કૂલમાં છોકરીઓ સાથે વાત કરવાનો રિવાજ નહીં. પણ અમે નાનપણમાં એક રિક્ષામાં સ્કૂલે જતાં એટલે થોડી ઓળખાણ હતી. એકબીજાને નોટ ચૉપડાં આપવાનું થતું. પહેલાં તો એ મને થોડી ચાંપલી લાગતી. એનું ચાંપલું, થોડું તૂટેલા અવાજે બોલવું પણ ગમતું નહીં. પણ પંદરનો થયો ને સુંદર લાગવા માંડી. એનું ચાંપલું બોલવું પણ ગમવા માંડેલું. જોકે અગિયાર-બાર ધોરણમાં અમારે મળવાનું બહુ બનેલું નહીં. મેં સાયન્સ લીધેલું ને એણે કૉમર્સ. પછી તો એમ જાણવા મળેલું કે સ્કૂલની બહાર એનો બૉયફ્રેન્ડ હતો. ને એના ચારિત્ર્ય વિશે પણ અવનવી વાતો થતી’તી...શી ખબર શું યે હશે. થૅંક યુ કહી હું, બકુલ ને કેશા નીકળ્યાં. અમારો રસ્તો સૂમસામ અને કપરાં ચઢાણવાળો. અંધારું એવું કે લૂંટારાને ય બીક લાગે. ઠંડી એવી કે જનાવરે ય ના ફરકે. આકાશ તારા અને સાતમ કે આઠમના ચન્દ્રથી ભર્યું ભર્યું લાગતું હતું. નીચે ખીણમાં દેવદાર અને ચિડનું જંગલ. વચ્ચે રસ્તાઓ તો ખરા જ. કંસારીનો અવાજ સંભળાયા કરે. ક્યારેક કોઈ ચીબરી જેવું બોલે. મારા ને બકુલ બંને પાસે ટોર્ચ હતી. એકે ટોર્ચનો શેરડો આગળની તરફ રાખેલો. એકે પાછળની તરફ. જેથી પાછળથી કોઈ વાહન ભટકાય નહીં
- એમનો ડાન્સ થોડો વિયર્ડ હતો, નહીં? મેં વાટ ખુટાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું.
- મને તો વિયર્ડ ના લાગ્યો. કેશા બોલી.
- પણ અમુક ચેષ્ટાઓ તો કેવી. સાવ વલ્ગર.
- આપણા ભદ્ર લોકો જેવાં ઇન્હીબિશન્સ એમનામાં નથી હોતાં. એમનામાં સ્ત્રી-પુરુષના સંબંધોનો સહજ સ્વીકાર છે. કેશા પોતાની વાતને વળગી રહી. પછી ધીમેથી ઉમેર્યું.
- આપણે ત્યાં તો કોન્સેન્સુઅલ સંબંધોમાં પણ સ્ત્રીની જ બદનામી થાય છે.
- એ વાત સાચી પણ...સ્વભાવવશ હું દલીલ કરવા ગયો. પણ વાકય પૂરું ના કરી શક્યો.
એની વાત પર હું વિચાર કરવા લાગ્યો. મેં બકુલ સામે જોયું. એ જાણે અમારી વાત સાંભળતો ન હોય એમ ચાલ્યા કરતો’તો. મને થયું બહુ અઘરો અને બૌદ્ધિક વિષય છેડાઈ ગયો છે. ને બકુલ પણ એટલે જ ચૂપ છે. હું પણ ચૂપ રહ્યો. દરમિયાન રસ્તામાં એક સ્ટ્રીટલાઈટ અને એની નીચે એક ટપરી આવી. વાંસની ઉપર તાડપત્રી લગાવી હતી. નીચે પથ્થરોને લીધે બેસવાની જગ્યા હતી. લોખંડનું ટેબલ પણ હતું. ત્યાં પ્રાયમસ ને પ્યાલા - વાસણ રખાતાં હશે. મેં વિચાર્યું.
- થોડી વાર રેસ્ટ લઈએ અહીં. કેશાએ કહ્યું ને અમે સંમત થયા. કેશાએ એક બોટલમાંથી પાણી પી બોટલ અમને પાસ કરી.
દરમિયાન કોણ જાણે કેમ – એ બેની હાજરીને લીધે કે પછી વાતાવરણમાં સતત સૂસવાતા પવનને લીધે – જે હોય એ, પણ મારા મનમાં એક ગીત ચાલી રહ્યું હતું. એટલે વાતનો દોર ફરી સાંધવા મેં કહ્યું : આપણે બાળપણમાં કેવાં ગીતો ગાતાં, નહીં? પેલું એક સરસ ગીત હતું - હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી.
- મોટા ભાગના લોકોને તો આખા ગીતમાંથી એક જ શબ્દ આવડે, ખુશખુશાલી - કેશા બોલી,
- ને એ જ ગાય. જોરજોરથી.
- ને ભાર આપીને. ખુશખુશાલી. કેશા બંને ‘ખુ’ પર ભાર આપતાં બોલી ને હસી પડી. એનો અવાજ એવો જ સહેજ તૂટેલો હોય એવો હતો. છતાં એનામાં એક કુમાશ હતી. હું હસ્યા વગર એને જોતો રહી ગયો. મારા ધારીધારીને જોવાને લીધે એ અસહજ થઇ ગઈ.
- આપણે ત્યાં દર અઠવાડિયે સંગીત પ્રસ્તુતિ થતી, નહીં? દરેક કલાસની એક. કૉમન હૉલમાં.
- એમાં જ તો આ ગીતો ગવાતાં.
- હું કોરસમાં ગાતી. એક-બે વર્ષ ગાયેલું.
- હું કાયમ રીધમ સૅક્શનમાં રહેતો. ખંજરી કે જિંગલ બેલ વગાડતો.
- એક વાર મારો અવાજ બેસી ગયેલો ને મારે એટલું બધું સ્ટ્રેન પડતું’તું, પણ સ્ટેજ પર જવા મળે એટલે મેં કોઈને કહ્યું નહીં. બસ ખાલી લિપસિંક કરેલું. - કહીને એ હસવા લાગી.
- બંધ કરો આ બધી વાતો. બકુલ બોલ્યો. તમારા લોકો માટે સ્કૂલટાઈમ યાદગાર સમય હશે. બધી સ્વીટ મેમરીઝ હશે. પણ મારે? મારે માટે સ્કૂલની એક એક પળ નરક સમાન હતી. મમ્મીના ગયા પછી મારું જીવન ધૂળધાણી થઇ ગયેલું. ફોઈને ત્યાં શિફ્ટ થવું પડયું. સ્કૂલ બદલવી પડી. નવું ઘર. નવી સ્કૂલ. કોઈ મિત્રો નહીં. ને એમાંય આપણી સ્કૂલના છોકરાઓ તો મને આતંકવાદીઓ જ લાગતા. રોજ હેરાન કરે. રોજ ત્રાસ આપે. બોર્ડ પર મારાં ચિત્રો. ફિશપોન્ડમાં મારા નામની ચિઠ્ઠીઓ. મારી વસ્તુઓ ગાયબ કરી દેવી. હું ટોઇલેટ જઉં તો બહારથી બારણું બંધ કરી દેવું. તમે જે ખુશખુશાલી પર આટલા ખુશ થાઓ છો એ ખુશખુશાલી વખતે છોકરાઓ મારી પીઠ પર ધબ્બો મારતા. જેટલી વાર ખુશખુશાલી એટલી વાર ધબ્બો. દરેક વખતે. એ ગીત જે દિવસે ગવાય ત્યારે કાયમ હું ઘેર જઈને રડતો.
એ જોરજોરથી હાંફતો હતો. એનો શ્વાસ ભરાઈ આવ્યો. વાંસને ટેકે જઈને ઊભો રહ્યો. એક હાથે વાંસ અને એક હાથે પોતાની કમરે હાથ ટેકવી ઝૂકી શ્વાસ લેવા કોશિશ કરી રહ્યો. કેશા એની નજીક ગઈ. એના ખભે હાથ મૂક્યો ને બોલી.
- અમારો તને કોઈ હર્ટ કરવાનો ઈરાદો ન્હોતો.
બકુલ એમ જ હાંફતો રહ્યો. કેશાએ એનો બરડો પસવાર્યો અને બોલી.
- મારાં મમ્મી આપણે અગિયારમા ધોરણમાં ભણતાં ત્યારે ગુજરી ગયેલી. ને મને મારા પપ્પા જોડે સહેજ પણ બન્યું નથી. એમના જેવો જાનવર માણસ મેં મારી આખ્ખી લાઈફમાં જોયો નથી. મને પણ સો કૉલ્ડ નોર્મલ ફૅમિલીમાંથી આવતી છોકરીઓ બહુ હેરાન કરતી. ટોણા મારતી. ચીડવતી. ઈન્ટેલેકચ્યુઅલ બિચ કહેતી. બીલિવ મી, મારું બાળપણ પણ માત્ર સ્વીટ મેમરીઝ નથી.
બકુલે એની ત્રાંસી નજરે જોયું. એના શ્વાસની ગતિ કૈંક સામાન્ય થઇ હતી. કેશાએ એને પાણી ઓફર કર્યું. બકુલે બૉટલ હાથમાં લઇ પાણી પીધું.. બે-ચાર ઊંડા શ્વાસ ભર્યા. ને કોઈની સામે જોયા વગર ઝડપથી ચાલવા માંડ્યું. હું ને કેશા પણ પાછળ જોડાયાં. આગળ એ બહુ ઝડપથી ચાલતો હતો. અમારે એની સાથે ચાલવા ઝડપ વધારવી પડતી. પણ છતાં ય એ અમારી ઠીક ઠીક આગળ નીકળી ગયેલો. હું વચ્ચે વચ્ચે આકાશ તરફ જોઈ લેતો હતો.
- કેવા જબરદસ્ત દેખાય છે અહીં તારા, નહીં? કેશા બોલી.
મેં એને સપ્તર્ષિ અને ઓરિયોન ઓળખાવ્યા. ચાલતાં ચાલતાં. એ પહેલી વાર તારા ઓળખી રહી હતી. એટલે એને ઠીક ઠીક સમય લાગ્યો. દરમિયાન એના ચહેરા પર વિસ્મય અને તારાઓનું તેજ પથરાતું હું જોતો રહ્યો. છેવટે અમે પહોંચ્યા. બંગલો હતો એનું ગેસ્ટહાઉસ બનાવી દીધેલું. ભૂરા રંગનું નાનું શું મકાન હતું. જર્જરિત. મકાનની બહાર વરંડામાં થોડોક પ્રકાશ દેખાતો હતો. પ્રકૃતિમાંથી સંસ્કૃતિમાં આવ્યા ખરા. મેં કેશાને કહ્યું. અમે નાનકડો દાદરો ચઢ્યા ને દરવાજા પાસે પહોંચ્યા. દરવાજા પર તાળું હતું. બાજુમાં ઇલેક્ટ્રિક બેલની જગાએ મોટો ઘંટ લટકાવેલો. કેશાએ વગાડ્યો. એક નેપાળી બાજુના રૂમમાંથી આવ્યો. અને તાળું ખોલ્યું. ને પછી એ અમને રિસેપ્શન જેવા ટેબલ પર લઇ ગયો. ચોપડો ખોલીને પૂછ્યું : કિતના કમરા ચાહિયે? :તીન. બકુલ બોલી ઊઠ્યો. મેં અને કેશાએ એકબીજા સામું જોયું. પેમેન્ટ કરી અમે ત્રણેય પોતપોતાનો સામાન લઇ રૂમમાં ગયાં. રૂમ હૂંફાળો હતો. મેં પથારીમાં પડતું નાખ્યું. ગાદી ઠંડી હતી. બે ધાબળામાંથી એક બિછાવ્યો ને એક ઓઢીને સૂતો. મારા મનમાં કેશા અને બકુલે કરેલી પોતાની વાતોનું ઘમસાણ ચાલ્યું. શું સહન કર્યું હશે? હું કલ્પી ના શક્યો. મેં ક્યારેય જાણ્યે-અજાણ્યે બકુલ કે બીજા કોઈ છોકરાને હેરાન કરેલો? કેશા કે બીજી કોઈ છોકરી વિશે અફવા ફેલાવી હતી? જવાબ મારા માટે અઘરો હતો. ખબર નહીં. કદાચ કરેલું આ બધું, કદાચ નહીં. એ વખતે તો આ બધી વાતો કેટલી સામાન્ય લાગતી હતી. આવા વિચારોમાં પડખાં ફરતાં-ફરતાં મને ઊંઘ આવી ગઈ. સપનાંય આવેલા. કેશાના ને સ્કૂલના બીજા મિત્રોના. ઊઠી, નિત્યકર્મ પતાવી, બ્રશ કરી હું મુખ્ય રૂમ તરફ ગયો. કેશા ત્યાં જ બેઠી હતી - એક બિલાડી સાથે રમતી.
- ગુડ મોર્નિંગ.
- ગુડ મોર્નિંગ. એણે એના ટિપિકલ અવાજમાં કહ્યું. બ્રેકફાસ્ટ કરી લે. મેં તો કરી લીધો - એણે બિલાડીનું માથું પંપાળતાં પંપાળતાં ઉમેર્યું. બિલાડી પોતાના પંજા કેશાના ટ્રેકમાં ભરાવીને ખાસ્સી કમ્ફર્ટેબલ થઇ ગઈ હતી.
ને મારું માથું સહેજ ભારે હતું. ગઈ કાલના વાઈનને લીધે હશે. અથવા કદાચ ઠંડીને લીધે. હું સોફા પર બેઠો. સામે ટેબલ પર બે તાસકમાં ઓમલેટ અને બ્રેડ મૂક્યાં હતાં. ને એક થર્મોસમાં લેમન ટી. મારી બાજુમાં બકુલ બેઠેલો. અમે ચૂપચાપ નાસ્તો કર્યો. કંઈ પણ બોલ્યા વગર. નાસ્તો કર્યા પછી અમે ત્રણેય ચાલતાં થયાં. હું ને કેશા આગળ હતાં. બકુલ પાછળ. દિવસનો સમય હતો ને ઊતરવાનું હતું એટલે અમે ઘણી ઝડપભેર ધીમે બસ લગી પહોંચી ગયાં. જેવાં ગયાં ત્યાં એક બુલડોઝર કાટમાળને આગળ ધકેલતું હતું. કામ લગભગ પૂરું થવામાં જ હતું. થયું જ હતું. બુલડોઝર માટે આ લેન્ડસ્લાઈડ ખાસ ભારે ન હતી. કામ પૂરું થયું અને બસ નીકળી. અમે બસમાં બેઠાં. કેશાએ જુદી બસમાં જવાનું હતું. કેમકે એનો રૂટ જુદો હતો. અમે બંને ભેટ્યાં. એ અને બકુલ પણ ભેટ્યાં. ‘કીપ ઈન ટચ’ કહી એ એની બસમાં ચઢી. અમે અમારી બસમાં પેઠા. હું બસમાં બારી પાસે બેઠો :હું આગળ જ ઊભો રહું છું. ચાર સ્ટોપમાં મારે ઊતરવાનું આવશે. કહીને મારી સાથે હાથ મિલાવી બકુલ બસના આગળના ભાગમાં જતો રહ્યો. યાત્રિકો ધીમે ધીમે બસમાં ગોઠવાઈ રહ્યા હતા. મેં બાજુની બસમાં કેશાને શોધવાનો પ્રયત્ન કર્યો. પણ એ દેખાઈ નહીં. દરમિયાન ડ્રાઈવર આવી ગયેલો. કંડક્ટરે ઘંટડી વગાડી. બસ ચાલુ થઇ. થોડાક હર્ષનાદો થયા. બસના સ્ટીરિયો પરથી લોકલ ગીતો વહેતાં થયાં. મારી નજર બકુલ પર પડી. એ કદાચ પ્રયત્નપૂર્વક બહાર જોઈ રહ્યો હતો. મારી સામે ન જોવું હોય એમ. પણ હવે મને એનો વાંધો ન્હોતો. હું મનોમન કેશાનું સ્માઈલ અને બાય કલ્પી બારી બહાર જોવા લાગ્યો. બહાર એ જ પહાડ હતો. એ જ નદી. એ જ વાદળછાયું આકાશ.
= = =
સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ
અહીં, નાયક અકુલ, મિત્ર બકુલ અને કેશા એ ત્રણ પાત્રોનાં શાળેય જીવનમાં ઘટી ચૂકેલી ઘટનાનું માત્ર સ્મરણ છે, બાકી બધું એમની આ પહાડી મુસાફરી દરમ્યાનની વાર્તા’માં’ ઘટયું છે. એ આ રચનાનો વિશેષ છે. ભૂતકાળ આટલોક છે: નાયક પંદરનો થાય, એ પછી કેશા એને ‘સુંદર’ લાગે, એનું ‘ચાંપલું બોલવું’ એને ગમવા માંડે; એ પછીના કૉલેજકાળમાં એને જાણવા મળે કે કેશાને કોઈ બૉયફ્રેન્ડ હતો, ચારિત્ર્ય વિશે પણ અવનવી વાતો થતી’તી... વર્તમાનમાં, કેશા કહે છે: ‘આપણે ત્યાં તો કોન્સેન્સુઅલ સંબંધોમાં પણ સ્ત્રીની જ બદનામી થાય છે’. કોન્સેન્સુઅલ સમ્બન્ધ એટલે કેવો અને કોની સાથે એની સ્પષ્ટતા નથી થતી. (હું જણાવું કે આવા સમ્બન્ધોમાં જોડાયેલી વ્યક્તિઓની સ્પષ્ટ સ્વૈચ્છિક અને સમજદારીપૂર્વકની સમ્મતિ હોય છે). કેશા કદાચ પોતાની બદનામી સંદર્ભે સ્વબચાવમાં બોલી હોય. અકુલ વાતને સાચી કહે છે ખરો, દલીલ કરી શકતો નથી, પણ બકુલની સામે જુએ છે, બકુલ ચૂપ હોય છે. એ દરમ્યાન ખુશખુશાલી-વાળા ગીતનું સ્મરણ થાય છે, સ્વીટ મૅમરીઝ રૂપે. એ દરમ્યાન, અકુલ કેશાને જોતો રહી જાય છે. એ જણાવે છે કે - ‘મારા કેશાને ધારી ધારીને જોવાને લીધે એ અસહજ થઈ ગઇ’. પણ બકુલ છેડાઇ જાય છે કેમકે ખુશખુશાલી-પ્રસંગ એના માટે સ્વીટ મૅમરીઝ ન્હૉતી, કેશા માટે પણ ન્હૉતી, એના સંદર્ભમાં. બકુલ આગળ ચાલતો થઈ જાય છે. અકુલ-કેશા વાતો કરતાં રહે છે. પહાડી વિસ્તારના એ પ્રભાવક વાતાવરણમાં મુખ્યત્વે એટલું બન્યું છે અને એના પરિણામે પાત્રોનાં જે વાણીવર્તન જનમ્યાં એ પણ બન્યું છે. પણ કથકે કશું સ્પષ્ટ નથી કર્યું. એણે તો ત્રણેય પાત્રોની વર્તમાન-તાને વાચક સામે ઉકેલી બતાવી છે, બસ એટલું જ, અને વાચક સ્વકીય ભૂમિકાએ જેટલું પકડી શકે, એટલું. આ રચનાનો આ સંદિગ્ધતા પણ એક વિશેષ છે. હું ઉમેરું કે ત્રણેયનું આ રિયુનિયન પણ એટલા જ સંદિગ્ધ સંકેતો ધરાવે છે. કેટલાક વાચકોને લાગે કે રચનાના આગળના ભાગમાં ભૌગોલિક અને પ્રાકૃતિક પરિવેશ ઊભો કરવામાં કથકે વધારે સમય ખરચ્યો છે. કદાચ એને એ ભૂભાગ અજાણ્યો હતો એ કારણે એમ કરવું જરૂરી લાગ્યું હોય. એ જ પ્રકારે, કેટલાક વાચકોને એમ પણ લાગે કે છેલ્લે બીજી બસમાં કેશા ગયા પછી ન દેખાઈ એ ક્ષણ પૂર્વે હોટેલમાં સંભવેલા પ્રસંગોની ઝીણી ઝીણી વીગતોને પણ એ ઘટાડી શક્યો હોત. બને કે વાર્તાકારે એને રોક્યો નહીં હોય... ભૌગોલિક પ્રાકૃતિક પરિવેશને સાવ ઉપકારક અંશો તેમજ પાત્રોનાં કેટલાંક વર્તનો, કેટલીક ક્ષણોનાં દૃષ્ટાન્તો -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- ચારે બાજુ લીલાછમ પહાડો. પથ્થરો ‘વચ્ચે’ નદીની સેર. પર્વતોની ઊંચાઈ આગળ થોડું ‘બાપડું’ બની ગયેલું આકાશ. -- પવનમાં વૃક્ષો ‘ડોલતાં’ હતાં. ઘુમરાતાં ય હતાં. જાણે ‘એ જ લય’ ઢોલીએ પકડ્યો હતો. પ્રકૃતિના પરફોર્મન્સમાં એ તાલ આપી રહ્યો હતો. -- અમારો રસ્તો ‘સૂમસામ’ અને કપરાં ચઢાણવાળો. અંધારું એવું કે ‘લૂંટારાને ય’ બીક લાગે. ઠંડી એવી કે ‘જનાવરે ય’ ના ફરકે. આકાશ તારા અને સાતમ કે આઠમના ચન્દ્રથી ‘ભર્યું ભર્યું’ લાગતું હતું. -- ‘હવા’ પાણીથી ભીંજાઈ ગયેલી વાતી’તી. પણ કાળા ડિબાંગ આકાશમાં બધું ભયંકર લાગતું હતું. ‘અજવાળામાંથી એકાએક અંધારું’. -- દરમિયાન રસ્તામાં એક સ્ટ્રીટલાઈટ અને એની ‘નીચે’ એક ટપરી આવી. વાંસની ઉપર તાડપત્રી લગાવી હતી. નીચે ‘પથ્થરોને લીધે’ બેસવાની જગ્યા હતી. લોખંડનું ટેબલ પણ હતું. ત્યાં પ્રાયમસ ને પ્યાલા - વાસણ રખાતાં હશે. -- મેં એને સપ્તર્ષિ અને ઓરિયોન ઓળખાવ્યા. ‘ચાલતાં ચાલતાં’. એ પહેલી વાર તારા ઓળખી રહી હતી. એટલે એને ઠીક ઠીક સમય લાગ્યો. દરમિયાન એના ચહેરા પર ‘વિસ્મય અને તારાઓનું તેજ’ ‘પથરાતું’ હું જોતો રહ્યો.
= = =