સાહિત્યિક સંરસન — ૪/પરભૃતિકા

From Ekatra Foundation
Revision as of 17:29, 5 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
13. પરભૃતિકા

રાધિકા પટેલ

સુમી ઔડાના રહેઠાણ પાસે આવીને ઊભી. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી નવી નક્કોર સોસાયટી. એમ તો બે રૂમ રસોડાના નાના ફલેટની સ્કીમ હતી. પણ, આર્કિટેક્ટ-ડિઝાઇન મોંઘા આઘુનિક ફ્લેટમાં હોય એવું. નાનકડું ગાર્ડન, બાળકો માટે નાનકડો પ્લે એરિયા પણ ખરો. અને એ પણ કરોડો રૂપિયામાં વેચાતા મોંઘાદાટ ફ્લેટ્સ આજુબાજુમાં. અમીરી અને ગરીબી વચ્ચેની ભેદરેખાને નબળી પાડી દેતાં આ ઔડાના ફ્લેટ્સ જેમાં રેખાએ નવું ઘર લીધું છે. રેખાના ઘરનો નંબર ચેક કરી સુમી રેખાના ઘેર પહોંચી. રેખાએ પ્રેમથી ભેટીને સુમીને આવકારી, સુમીને આખું ઘર બતાવ્યું. ચોવીસ કલાક પાણી, ગેસની પાઇપલાઈન, ચોકડી, પ્લેટફોર્મવાળું રસોડું.. અને ફ્રીજ સામે જોઇ સુમીની આંખો અંજાઇ ગઇ. "ફ્રીજ તો શરૂઆતથી જ બંગલાવાળાએ મોકલી દીધું હતું. ચાલ, અંદર બેસીએ.." કહી રેખાએ સુમીને ડબલબેડના પલંગ પર આરામદાયક ગાદલા પર બેસાડી. "કેટલા વખતે મળ્યાં નહીં?" "હા, હિતેશ ક્યારના મને ધકેલતા’તા.. જા.. રેખાની ખબર કાઢી આવ અને બધું જાણી લાવ બરાબર." "હા, જીતુએ બીજા કોઇને નથી કીધું પણ હિતેશભાઇ એના ખાસ ભાઈબંધ ખરા ને, એટલે એને કીધું. આમેય આ બધી વાતું ફોનમાં કયાં કરવી. હારું થયું કે તું અહીં જ આવી ગઇ." "હાચી વાત. આમેય મારે ખબર કાઢવા તો આવવું જ પડે ને. ફલેટ તો હાચેન બોવ હારો છે. તમે તો સુખી થઇ ગ્યાં નહીં?" "હા હોં, બંગલેથી થોડુંક આઘું પડશે પણ જીતુ કે’ કે આપણે એક્ટિવા લઈ લેશું તારી માટે." "સાત-આઠ મહિના થઇ ગ્યા હશે નહીં, રે’વા આવ્યાં ને?" "હા, સાત પૂરા થયા ને આઠમો મહિનો જાય છે આંય રે’વા આવ્યાં એને. વખત જતાં ક્યાં વાર લાગે છે. હું તો પાછી હતી નહીં ને અહિંયા. હજુ એક મહિનો ને દસ દહાડા થયા, પાછી આવ્યાંને." " રેખા.. કેવું રહ્યું બધું? કંઇ તક્લીફ તો નથી પડી ને? રેખાના ખભા પર હાથ મૂકી સુમીએ પૂછ્યું. "હંધુય હાવ હારું.. જોને ફેરથી ઘોડા જેવી થઈ ગઇ છું. હવે, તો જલદી કામે જાવું છે. ઘરમાં બેહી રે’વું મને જરાય ના હોરવે. હારું, તે યાદ કરાવ્યું.. જીતુને ફોન કરી બંગલે જાવાનું યાદ કરાવી દઉં. આજકાલ આજકાલ કરતાં કરતાં.. દસ દહાડા કાઢ્યા." રેખા જીતુને ફોન લગાવવા લાગી. જીતુએ ફોન ઉપાડ્યો નહીં. "હમણાં ફેક્ટરીમાં કામ બોવ હોય છે એટલે નવરા નથી પડતા. મારે જાતે જ જાવું પડશે.. બંગલે !!" "તે તું એ પછી બંગલે ગઇ નહીં હોય, એમ ને? તે ન્યાં કોણ કામ કરે છે? "હા, તે કામ તો મારે ના જ હોય ને કરવાનું. પે’લા મહિનાથી જ બંધ. હાવ આરામ. અત્યારે તો કોઇ બીજી બાય ન્યા કામ કરે છે પણ, એ તો ટેમ્પરરી. કો’ક તો રાખવું જ પડે ને? બાકી, બંગલે મારા વગર કોઇને ના હાલે. રસોઈથી લઇને લાવવું મૂકવું.. બધું મારે જ જોવાનું હોય. દસ વર્ષથી ન્યા જ કામ કરું છું. બંગલાવાળાને ફાવતું તો નહીં હોય. પણ, રોડવવા પૂરતું કો’કને રાખવું તો પડે. સવા મહિનો થઇ ગ્યો એટલે હવે ફેરથી કામ ચાલુ કરી દેવું છે." "તે સુમી.. પછી હુ વિચાર્યું તેં? તારે ય નેન્સી આઠ વર્ષની થઇ ગઇ છે એટલે વાંધો નહીં આવે." "હા, પણ હું બીવું છું. કેમનું થાય.. કેમનું નહીં. વળી, આ હાવ નવું જ ને!" "એમાં બીવા જેવું કંઈ જ નથી. બધુ નોર્મલ જેવું જ હોય. મારા લાલુ વખતે હતું બધું એવું જ હતું. કાંઈ જુદું નહીં. એટલે તારેય તારી નેન્સી ટાણે જે હોય એ બધું એમનુ એમ જ રે." સુમી વિચારમાં પડી ગઇ. "જો, હું હુ કવ છું કે આમ જુવો તો આ એક પુણ્યનું કામ છે. આપણે એને મદદ કરીયે ને બદલામાં ઇ આપણને ગિફ્ટ આપે. ફલેટ લેવો ઇ કંઇ આપડા હાથની વાત થોડી છે. આખી જિંદગી રળીરળીને તૂટી જાઇ તો ય આટલું ભેગું નો થાય." "વાત તો સાચી છે. આમાં નક્કી કઈ રીતે કરતાં હોય?" "જો સુમી, હું તને ડૉકટર મેડમ પાસે લઇ જઈશ. પે’લાં તો તારું બધું ચેકઅપ બેકઅપ કરશે. પછી, બધું ઠીક લાગશે તો આગળ વાત જશે. ડૉકટર મેડમ તને ફોટા-વીડિયો બતાવી ઝીણામાં ઝીણી બધી જ વિગત હમજાવશે. આમાં કંઈ છૂપું નથી હોતું. બધું કામ કાગળિયાં હંગાથે પાકે પાયે થાય એટલે કાલે ઊઠીને ઇ લોકને કે આપણને કોઇને વાંધો નો આવે. બધી સયું કરાવીને પછી કામ થાય છે એટલે ચિંતા કરવા જેવું કંઇ નથી." "હા રેખા, તું ને જીતુભાઈ ક્યો પછી એમાં અમારે કંઇ તપાસવાનું રે’તું નથી." "મારે તો હું કે ઘર જેવું જ હતું. ઘરનું જ કામ કેવાય એટલે બંગલાવાળા બીજા કોઈ પાસે જાય એના કરતા હું ઘરની માણહ હુ ખોટી ? બેવ બાજુ વિશ્વાસ રે ને." "કેવું! નહીં? રૂપિયાનો રંગ બીજું શું?" "હાસ્તો, વળી રૂપિયાવાળા લોકોને જ આ પરવડે ને. એલી તને ખબર છે કે ઘણાં હીરો-હિરોઇનના ઘેર આ રીતે છોકરાં જન્મે છે. મને તો એની જ ખબર હતી, નહિતર આપડામાં તો કોઈનું જોયેલું નહીં." "તે ઇ દેખાય થોડું.. છાને ખૂણે થાતું હોય બધું ન્યા, ગામને હુ ખબર પડવાની. મોરડન બાયું હોય ને નોકરી કરતી હોય એને ટાઇમ નો હોય ને મોડું-મોડું કરીને પછી રે’ય નહીં. ને ઘણીવાર બાયું દારૂ સિગારેટ પીતી હોય, એને ય નથી થાતાં." "હાચ્ચી વાત. એવીયું હોય છે. પણ, ડૉક્ટર મેડમે મને પૂછ્યું કે તારા જેવી કોઇ બીજી બાય તૈયાર થાય તો કહેજે. એક બહુ મોટું મોભાદાર ફેમેલી છે. સુખી છે અને સંસ્કારી લોકો છે. પણ, શેર માટીની ખોટ છે. મેડમ કેતા’તા એમ તો ધંધાદારી બાયું પણ મળી જાય આ કામ માટે. પણ, હારા ઘરનાં લોકો વ્યવસ્થિત ચોખ્ખી બાઇ હોધે. પોતાના બાળકના સંસ્કારની ચિંતા તો હોય જ ને?" "હા, હોં.. સંસ્કાર તો જોઇ જ. મહાભારતમાં પણ ગર્ભસંસ્કારની વાત આવે જ છે ને. અભિમન્યુ વાળી." "હા, ડૉક્ટર મેડમે એમય કીધું કે બલરામ જે રીતે આવી ગયા’તા રોહિણીના ગર્ભમાં એ જ રીતે આપણા ગર્ભમાં કોઈનું બાળક આવી જાય એનું નામ સરોગેશી.” “લાલા.. બેટા...લેસન પછી કરજે. અત્યારે રમવા જા હો..." રેખા-સુમીનો વાર્તાલાપ ધ્યાથી સાંભળી રહેલા લાલુને રેખાએ બહાર મોકલી દીધો. "લાલુને ખબર પડે છે? તેં બધું કીધું છે એને?" "ના, હજુ બધુ તો નો હમજે ને? નાનો છે હાવ. શરૂશરૂમાં એને આઘો કરું તો એને જરાય ના ગમતું. ચોથા મહિને નર્સિંગ હોમમાં દાખલ થવાનું હતું એટલે એને આઘો કર્યાં વિના છૂટકો જ નોતો. બા-બાપુજીને ગામડેથી અહીં તેડાવી લીધાં’તાં." "બા-બાપુજી માની ગ્યાં?" "હા, તે માને જ ને વળી. બાને થોડીક ચિંતા તો થાય જ ને વળી. પણ, હવનું હારું થાતું હોય તો મારે હુ કેવું - એમ કહી રાજી ર્યાં ઇ તો." "લાલો તારા વિના રે’તો તો?" "થોડા દિવસ રહ્યો અહીં બા પાંહે. કારેક કારેક મારી હારે ન્યા નર્સિંગ હોમમાં જ હુઈ જાતો. ખાઈ પી લેતો. સ્કૂલે જાય છે ને પાછો. જીતુ લઇ આવે ને લઇ જાય." "હા, એય ખરું. આજુ બાજુના લોકોને ખબર તો પડી ગઈ હશે નહીં?" "ત્રીજે મહિને અમે અહીં રે’વા આવી ગ્યા ને એટલે ખાસ કોઇ પૂછનાર રહ્યું નહીં. કોઈ પૂછે તો બાએ કહી દીધું કે બંગલાવાળાની વહુને બોવ વરસે દહાડા રહ્યાં છે. હારા હવાપાણી માટે શિમલા ગ્યાં છે ને રેખા દેખરેખ માટે હાયરે ગઇ છે. ડિલેવરી થાય પછી પાછી આવશે. પણ, આ અમારા લાલાનું ભલું પૂછો.. બાફી નાખે કંઇક." લાલો હજુ દરવાજેથી ડોકિયાં કરતો હતો. એના ચહેરા પર નિર્દોષ આશ્ચર્ય છવાયેલું હતું. "લાલુ... જા તો દીકરા ... દાદા તને વાર્તા કહેશે... બાપુજી.. આ લાલાને બોલાવોને..." લાલાને બહાર મોકલી દીધો. "લાલો પેલેથી થોડોક હુશિયાર તો ખરો હોં. નર્સિંગ હોમમાં ગઇ ત્યારથી સવાલ... સવાલ.. એટલા બધાં સવાલ કરેન કે તમે મૂંઝાઈ જ જાવ. મમ્મી તારે અહીં કેમ રહેવાનું છે? આપણા નવા સરસ ઘરમાં કેમ નથી રહેતી? તારું પેટ કેમ આવું થઇ ગયું છે? ઘેર પાછી ક્યારે આવીશ.. ભગવાન…ભગવાન. પછી, મારે હાચીખોટી વાર્તાયું ઘડવી પડે. "તે ઇ તો એની મા જેવો હોંશિયાર જ હોય ને." "હાચ્ચે.. કહુ, મારું પેટ મોટું થાય ઇય એને ખબર પડે. હું કહું કે આજે વધારે ખવાય ગયું ને એટલે. તઇ મારે એને બીજું તો શું કેવું?" "પછી હમજી ગ્યો હશે, નહીં?" "અલી, ના… એકવાર તો હુ થ્યું કે એણે એનાં ટીચરને જઈને કીધું કે મારા મમ્મીનું પેટ મોટું થાય છે. તો ટીચર હસવા લાગ્યા. એણે લાલાને સમજાવી દીધું કે તારી મમ્મીના પેટમાં નાનું બાવ છે. તારે ઘેર નાનો ભાઇ કે બહેન આવશે. એટલે તારી મમ્મી દવાખાને ગઇ છે." "આલ્લે... લે... ખરી થઇ. પછી..?" "પછી, મારી કોઇ વાર્તા ચાલે નહીં.. એના ટીચરે કઇ દીધું એટલે ફાઇનલ. જોકે હારું થયું. ઠાવકો થઈને મને હાચવવા લાગ્યો. પેટ પર હાથ ફેરવી રોજ વાતો કરે.. બાવ સાથે હું આમ રમીશ... તેમ રમીશ..." રેખા વાત કરતાં કરતાં અટકી ગઈ. સુમીએ રેખા સામે સૂચક નજરે જોયું. રેખા સુમીના મનમાં ઊઠેલો પ્રશ્ન વાંચી ગઇ હોય એમ આગળ બોલી, "લાલાની ચિંતા નથી હવે, મેં એને હાચ્ચેહાચ્ચું કહી દીધું. વાર્તા કે’તી હોય એમ, ને ઇ બધું હમજી ય ગ્યો. હવે, મને કાંઈ પૂછતો નથી. ચૂપ થઇ ગ્યો સાવ." સુમી લાલાની આંખમાં ઊભા થયેલા આશ્ચર્યને પામી ગઇ. રેખા જરા ગંભીર બની ગઇ. એની આંખમાં વાદળ ઘેરાઇ આવ્યાં. સુમીએ રેખાની હથેળીમાં પોતાની હથેળી દબાવી દીધી. "બીજું કે’, નવ મહિના કેવા ગયા?" "એકદમ ટકાટક. તને તો ખબર છે કે મારે લાલા વખતે ય હેળ સારી હતી. લાલા વખતે મેં નવમા મહિનાના છેલ્લા દિવસ લગી બંગલે કામ કરેલું. લાલો ચાર મહિનાનો થ્યો ને કામ પાછું શરૂ. હું ને જીતુ વારાફરતી લાલાને સાચવી લેતાં. લાલો વરસ દિવસનો થ્યો પછી લાલાને લઇને ય કામે તો જતી જ હું. ને આ ફેરે હું સાવ નવરી. બંગલાવાળાએ અને ડોકટર મેડમે મને ફરજિયાત આરામ કરાવ્યો. ડોકટર મેડમ બોવ માયાળુ છે. નવરા બેહવું મને નો ગમે એટલે ઊનના દડા લાવી આપતાં. કામ વગર તો મને જરાય હોરવે નહીં. છ મહિનામાં મેં બે ત્રણ સ્વેટર ગૂંથી કાઢ્યાં.” "ખાવા પીવાનું?" "એમાં કંઈ બાકી હોય? પે’લા મહિનાથી જ ખાવાપીવાનું બધું ધ્યાન રાખતાં. મારા લાલાને પણ ઇ બહાને ફ્રૂટ, દૂધ, મેવો.. બધું. ખાધું ન ખૂટે એટલું." "હા, એ તો એની ઓલાદ માટે કરે જ ને.. ક્યાં જાય!" "નવે નવ મહિના, દર અઠવાડિએ ચેકઅપ થાતું. બંગલાવાળાય દર વખતે હાયરે હોય. નર્સિંગ હોમમાં ગયા પછી, સવાર સાંજ જોવા આવે. બધી રીતે સાચવતાં ડિલેવરીય પાછી નોર્મલ જ થઇ. બંગલાવાળા બધાં હાજર હતાં ત્યારે. ડિલેવરી થઇ કે વાત પૂરી..” રેખા વાત કરતાં કરતાં અટકી ગઇ. "એટલે ડિલેવરી પછી તને જોવા ના આવ્યાં એમ..?" રેખા સાવ ધીમી પડી ગઈ અને બોલી, "એકવાર આવેલા આભાર માનવા. પછી, એક-બે વાર બંગલાવાળાં બા આવેલાં ખબર પૂછવા. પછી, ડોકટર મેડમ હોય ને. બધી દેખરેખ માટે. ડિલેવરી પછીની દવાયું ને આ તે.. બધું આપેલું પણ……” "પણ, શું રેખા?" "યશોદા પણ નહીં અને દેવકી પણ નહીં. ભાડાનાં પેટમાં મોઢું ય જોવા નો મળે..” “એટલે.." સુમી રેખાની સામે જોઇ રહી. ન બોલાયેલા શબ્દો હવામાં અથડાતા રહ્યા. "એ તો વળી, ખબર જ હતી ને.. ડૉકટર મેડમે ઘૂંટીઘૂંટીને આ વાત તો કરેલી જ...." આંસુ લૂછીને હસતાં ચહેરે બોલવા જતી રેખા, આગળ કશું જ બોલી ન શકી. એના ખાલી થયેલા પેટ પર હાથ ફેરવવા લાગી. સુમીએ રેખાને બથમાં લીધી. રેખાએ છાતી પર હાથ આડો મૂકી દીધો. છાતી ભારેખમ લાકડા જેવી બની ગઇ. ભૂલથી દબાણમાં આવે તો ચીસ પડી જાય એવી. સુમીથી કંઇ છૂપું રહ્યું નહીં. રેખા રસોડા તરફ દોડી ને ફ્રીઝમાંથી બોટલ લઇને આવી. બેડરૂમનો દરવાજો વાખી દીધો. બોટલ ઉપર બ્રેસ્ટ પમ્પ લગાવી પલંગ પર અવળી ફરીને બેસી ગઇ. પમ્પ દ્વારા દૂધ બોટલમાં ઠલવાતું રહ્યું અને આંસુ આંખની બહાર. મમતા અને વેદનાથી મિશ્રિત આખું વાતાવરણ દૂધની ગંધથી મહેકી ઊઠ્યું. કેટલીય મૌન ક્ષણો પછી સુમી વિદાય લેતાં બોલી,"હારું, હું ય વિચારીશ". ઉદાસી સાંજને ઘેરી વળેલી. લાલો વાર્તાની ચોપડી લઇને આવ્યો. રેખા એમાંથી વાર્તા વાંચી લાલાને સંભળાવવા લાગી… “એક હતી કોયલ. એણે કાગડાના માળામાં પોતાના ઈંડાં મૂક્યાં. પછી, ઈંડાંમાંથી બચ્ચાં...” જીતુના ઘેર આવતાં જ રેખાએ વાર્તાની ચોપડી બંધ કરી ને સવાલોની વણઝાર સાથે ઊભી રહી, "તું બંગલે ગયો તો કે નહીં? નવી બાયને રજા આપી કે નહીં. શું કીધું એમણે? મારે કામ તો શરૂ કરવું કે નહીં? હું ક્યાં લગી આમ બેહી રવ?... તારે જવાબ ના આપવો હોય તો કાંઈ નહીં.. હું જ કાલે પોંચી જઇશ બંગલે. મને કાઢે જોઇ... રમાડવા પણ નો જાવું મારે એમ?" અત્યાર સુધી દબાવી રાખેલો આક્રોશ બહાર આવ્યો. જીતુ ધીમેશથી બોલ્યો, "બંગલાવાળાએ નવું કામ ગોઠવી દીધું છે તારી માટે. નજીકમાં જ છે. અને આ દવા ડૉકટર મેડમે આપી છે. ધાવણ બંધ કરવાની. અત્યારે લેવાની છે. લે લઇ લે..." જીતુએ પાણીનો ગ્લાસ ધર્યો. રેખાએ ગુસ્સાથી પાણીનો ગ્લાસ, હાથ મારી ઢોળી કાઢ્યો.

= = =

સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ

રેખાને Surrogate Mother કહેવાય પણ એ લાલાની biological mother પણ છે. એને માતા હોવાનો એટલે કે માતૃત્વનો અનુભવ છે. એટલે એ જીતુને કહ છે -- "રમાડવા પણ નો જાવું મારે એમ?" રાધિકાની આ વાર્તા સરોગેશીની પણ સરોગેટ સ્ત્રીના એ અનુભવની એના જ મુખે મુક્તપણે કહેવાયેલી રચના છે.
'એમાં શું! કશી મોટી વાત ન્હૉતી!' એ સ્વરૂપની હળવાશથી વાત ચાલી છે. કથકે એમાં મૉડે લગી મૂળ વાતનો ફોડ નથી પાડ્યો, ઇશારા ક્રમે ક્રમે વધાર્યા છે, એ કારણે રેખા પણ પોતાની વાત ઠંડકથી કરી રહી છે. એથી વાચકનું કુતૂહલ પણ ઉત્તરોત્તર વધતું રહે છે. 
બીજું, આખી રચના રેખા-સુમીના સંવાદ રૂપે ચાલી છે. ત્યારે પણ રેખા જે બન્યું છે તે કશી જ તકલીફ વિનાનો જાણે મજાનો બનાવ હોય એમ બોલતી હોય છે. સુમીએ પણ શાન્તિથી પૂછ્યા જ કર્યું છે. બોલચાલ સ્વરૂપના સંવાદથી રચનાને ઉપકારક કથનસૂર સાંપડ્યો છે બલકે એનું છેવટ લગી વહન થયું છે.
ત્રીજું, એ સંવાદ જ ચાલ્યા કર્યો હોત તો રચના સપાટ રહી ગઈ હોત, બલકે જે થઈ ગયું એનું ભલે જિજ્ઞાસા જગાડનારું પણ એક બયાન રહી ગઈ હોત. પણ લાલાના આવવાથી અને એને અત્યારે પણ આઘો કર્યો તેથી જે થયું હતું એના કથન પછીના ઘટનની શરૂઆત થઈ. રેખાએ લાલાને કાગડાની વાર્તા કહેવા માંડી તેથી તેમજ છેલ્લે જીતુ સમાચાર લાવ્યો તેથી એ ઘટનનો વિકાસ થયો છે. એની ચરમ સીમા એ આવી કે જીતુએ રેખાને દવા લેવા કહ્યું, રેખાએ દવા ફગાવી દીધી. રચનાને એક સાર્થક અન્ત મળ્યો. 
આ રચનાના કથકની વાણીનાં કેટલાંક દૃષ્ટાન્તો -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). 
-- રચનાનો સર્વસાર સૂચવતી સર્વોત્તમ ઉક્તિ: 'યશોદા પણ નહીં અને દેવકી પણ નહીં. ભાડાનાં પેટમાં મોઢું ય જોવા નો મળે..' 

-- અમીરી અને ગરીબી વચ્ચેની ભેદરેખાને ‘નબળી’ પાડી દેતાં આ ઔડાના ફ્લેટ્સ જેમાં રેખાએ નવું ઘર લીધું છે. એ સહજ બોલચાલનાં ઉદાહરણો -- -- આખી જિંદગી ‘રળીરળીને’ ‘તૂટી જાઇ’ તો ય આટલું ભેગું નો થાય." -- ‘કેવું! નહીં?’ રૂપિયાનો ‘રંગ’ બીજું શું? -- મોરડન ‘બાયું’ હોય ને નોકરી કરતી હોય એને ટાઇમ નો હોય ને મોડું-મોડું કરીને પછી ‘રે’ય’ નહીં. -- જોને ‘ફેરથી’ ‘ઘોડા જેવી’ થઈ ગઈ છું. હવે, તો જલદી કામે જાવું છે. ઘરમાં બેહી રે’વું મને જરાય ના ‘હોરવે’. -- થોડા દિવસ રહ્યો અહીં બા ‘પાંહે’. ‘કારેક કારેક’ મારી હારે ન્યા નર્સિંગ હોમમાં જ હુઈ જાતો. -- એકદમ ‘ટકાટક’. તને તો ખબર છે કે મારે લાલા વખતે ય ‘હેળ’ સારી હતી. -- બંગલાવાળાને ફાવતું તો નહીં હોય. પણ, ‘રોડવવા પૂરતું’ કો’કને રાખવું તો પડે. -- “એટલે.." સુમી રેખાની સામે જોઇ રહી. ન બોલાયેલા શબ્દો ‘હવામાં અથડાતા’ રહ્યા. -- પમ્પ દ્વારા દૂધ બોટલમાં ઠલવાતું રહ્યું અને ‘આંસુ’ આંખની બહાર. મમતા અને વેદનાથી મિશ્રિત આખું વાતાવરણ ‘દૂધની ગંધથી’ મહેકી ઊઠ્યું.

= = =