સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/વિવેચક-પરિચય
શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશી (૧૯૧૧–૧૯૮૮), ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક તરીકે, સુપ્રતિષ્ઠિત છે. કવિતા, એકાંકી, ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમનું સર્જન-લેખન દૃષ્ટાંતરૂપ લેખાતું રહ્યું છે. એમણે એક નવલકથા ઉપરાંત પ્રવાસવર્ણનો, રેખાચિત્રો અને પોતાના સમયનાં સમાજ અને રાજકાજ ક્ષેત્રે બનતી ઘટનાઓને મૂલવતા તથા માર્ગદર્શન કરતા લેખો લખ્યા છે. સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળીમાંથી કેટલાક ઉત્તમ ગ્રંથો તથા કેટલીક કૃતિઓના ઉત્તમ અનુવાદો આપ્યા છે. પૂર્વોત્તર સાબરકાંઠાના ભિલોડા પાસેનું બામણા એમનું વતન ગામ. ઈડર-અમદાવાદ-મુંબઈમાં એમણે શિક્ષણ મેળવેલું. આઝાદીનાં આંદોલનકાળનું વાતાવરણ અને ગાંધીવિચાર એમના જીવન તથા સાહિત્યને ઘડે છે – પ્રભાવિત કરે છે. વિદ્યા અને શિક્ષણક્ષેત્રે તેઓ અનેક પદો પર રહ્યા અને મૂલ્યનિષ્ઠ કાર્યો તથા વિચારોથી નવી પેઢીઓને દોરતા રહ્યા હતા. કવિવર ટાગોરના શાંતિનિકેતનના કુલાધિપતિ તરીકે એમની નિમણૂક થઈ હતી, દેશની સંસદના ઉપલાગૃહમાં સાંસદ તરીકે પણ એમની વરણી થઈ હતી... આવી વિશિષ્ટ વ્યક્તિપ્રતિભા અને પ્રતિભાશાળી સર્જકનું ગુજરાતી સાહિત્ય-વિવેચન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન રહ્યું છે.અભ્યાસકાળથી તેજસ્વી, સારા ભાવક, અભ્યાસી અને કલા તથા એની રચનારીતિનીતિથી પરિચિત અને સજાગ-સભાન રહેવા ઉત્સુક એવા ઉમાશંકર પ્રતિભાશાળી હોવાની પ્રતીતિ એમના ભાવકને થયા વિના નથી રહેતી. એમના એવા લેખો તો આપણે હમણાં જ નોંધીશું, પરંતુ આબુ પ્રવાસે સત્તરની વયે રચાયેલું પ્રથમ સૉનેટ કાવ્ય વાંચતાં ભાવકને ખાતરી થાય છે કે આ કવિ સર્જનને અને એના રહસ્યલોક સાથે કવિપક્ષે અનિવાર્ય સજ્જતાને પણ જાણે છે : ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે...’
– મણિલાલ હ. પટેલ