સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/ટૂંકી વાર્તા એટલે અનુભૂતિકણ
સામાન્ય રીતે ટૂંકી વાર્તા અંગેની ચર્ચાઓમાં ઘણી વાર એવું કહેવામાં આવતું હોય છે કે ટૂંકી વાર્તા એ બહુ જૂનો સાહિત્યપ્રકાર છે. આપણા દેશના વિદ્વાનો ઉપનિષદનાં કથાનકો, જાતકકથાઓ, પંચતંત્રની કથાઓ વગેરેનો નિર્દેશ કરતા હોય છે. પરદેશના વિદ્વાનો બાઇબલમાંની કથાઓને, ખાસ કરીને ઈશુનાં પ્રવચનોમાંની દૃષ્ટાન્તકથાઓને, આગળ ધરતા હોય છે. એ સાચું છે કે માણસજાતને એના બાલ્યકાલથી કથાનો રસ છે એવું જોવા મળે છે અને એ સ્વાભાવિક પણ છે. પણ આ પ્રાચીન કથાનકો, દૃષ્ટાન્તકથાઓ, પંચતંત્રની વાર્તાઓ — એ આખાયે કથાસાહિત્ય કરતાં અર્વાચીન સમયમાં ટૂંકી વાર્તાનો જે સાહિત્યપ્રકાર ખેડાય છે તે બહુ જુદો પડે છે. બંનેમાં કોઈ સામાન્ય તત્ત્વ હોય તો વૃત્તાન્ત અથવા બનાવ. એ સિવાય, બંનેમાં મૂલગત તફાવત છે. જૂની બધી કથાઓ સમૂહ આગળ મોંએથી કહી શકાય એ પ્રકારની હોય છે. આજની ટૂંકી વાર્તા માટે આ લક્ષણ અનિવાર્ય નથી, એટલે કે વૃત્તાન્ત સિવાયની બીજી કોઈ વસ્તુને આધારે એનું જીવન છે. જૂનાં લઘુ કાવ્યોમાં આજનાં લઘુ ઊર્મિકાવ્યોના નમૂના ઘણા મળવા સંભવ છે, જૂનાં નાનાં નાટકોમાં આજનાં એકાંકી જેવા કેટલાક નમૂના મળવા પૂરો સંભવ છે (કેમ કે બંનેને માટેની સામાન્ય જરૂરિયાત – તખ્તાલાયકી –નું બંને પ્રકારોમાં પાલન થતાં બંનેમાં સામ્ય સધાવાની શક્યતા હતી), પણ જૂના આખાય વિપુલ કથાસાહિત્યમાં આજની ટૂંકી વાર્તાનાં લક્ષણોવાળો સાહિત્યપ્રકાર જવલ્લે જ મળે. સાહિત્યકલાના પ્રકાર તરીકે ટૂંકી કથાને જૂના સમયમાં ખેડવામાં આવી નથી, જેમ લાંબી કથાને સાહિત્યપ્રકાર તરીકે ખેડવામાં આવી છે. સુબંધુની વાસવદત્તા, દણ્ડીનું દશકુમાર અને બાણની કાદંબરી એ કલાકૃતિરૂપે લાંબી કથાને યોજવાના પ્રયત્નો છે, એમ ટૂંકી કથાને કલાકૃતિરૂપે યોજવાના પ્રયત્ન થયા નથી. હમણાં કહ્યું તેમ જૂનું કથાસાહિત્ય એ મોંએથી કહેવાતી વાતોનું બનેલું છે. એથી એમાં વસ્તુ (Plot) મુખ્ય રહે એ સ્વાભાવિક છે. (અલબત્ત, વૃત્તાન્તમૂલક તમામ સાહિત્ય એક જાતના અદ્ભુતના વાતાવરણના પરિવેશમાં સ્ફુરતું હોય છે, પણ શુદ્ધ અદ્ભુત રસમાં પરિણમતી હોય એવી કૃતિઓ થોડી જ હોય છે.) આજે જેને આપણે સગવડ ખાતર ‘ટૂંકી વાર્તા’ નામ આપ્યું છે તે સાહિત્યપ્રકારમાં વૃત્તાન્ત – બનાવ તો હોય છે જ, પણ બનાવ કહી જવો એ એનું ધ્યેય નથી. એ વૃત્તાન્તમાંથી નિષ્પન્ન થતા બોધ તરફ ધ્યાન ખેંચવું એ પણ એનું લક્ષ્ય નથી. એ વૃત્તાન્તમાં લપાયેલા જીવનરહસ્યનું એટલે કે કોઈ તાત્ત્વિક – ફિલૉસોફિકલ – સત્યનું સૂચન કરવું એ ટૂંકી વાર્તાનું કામ છે એમ પણ નહિ કહી શકાય, કેમ કે બોધ માટે જેમ ટૂંકી વાર્તા પ્રયોજાય નહિ તેમ કોઈ તાત્ત્વિક દર્શન માટે પણ એ પ્રયોજાય નહિ. ટૂંકી વાર્તા છે લેખકની વિશિષ્ટ ભાવપરિસ્થિતિએ કથ્ય વૃત્તાન્તની મદદથી લીધેલો કલાઘાટ. ટૂંકી વાર્તામાં આ વૃત્તાન્ત વડે શબ્દદેહ પામેલી ભાવપરિસ્થિતિ એ પોતે જ જીવનરહસ્ય – જીવનસૌન્દર્ય છે. બલકે જીવનનું રહસ્યભૂત સૌન્દર્ય છે. ટૂંકી વાર્તામાં આ સૌન્દર્યની આભા એ કલાના આનંદનો અનુભવ કરાવે છે. એ આનંદના મૂળમાં છે વાર્તા-લેખકની વિશિષ્ટ ભાવપરિસ્થિતિ. જૂની કથાઓ બોધપ્રધાન (didactic), દૃષ્ટાન્તરૂપ (illustrative) કે નરી કથનાત્મક (narrative) હતી. જ્યારે આજની ટૂંકી વાર્તા લેખકની કોઈક વિશિષ્ટ ભાવપરિસ્થિતિને સાકાર કરવા મથતી શુદ્ધ કલાસર્જનની પ્રવૃત્તિ છે. બંને વચ્ચેનો ભેદ જો સૌથી વધુ સ્પષ્ટ થઈ આવતો હોય તો તે આજની ટૂંકી વાર્તાના ઉપાડમાં. જૂની કથાને તો સામાન્ય રીતે કાળક્રમમાં જ કથન રજૂ કરવું પડે, જ્યારે આજની ટૂંકી વાર્તાની સફળતાની ચાવી જ મુખ્યત્વે વાર્તાકાર આખા વૃત્તાન્તપટમાં કયે ઠેકાણેથી દોર ઉપાડીને કહેવાનું શરૂ કરે છે એમાં છે. એકથી સો સુધીની વાત કહેવાની હોય તો સત્તાણુંથી પણ તે શરૂ કરી શકે છે અને સત્તાણુંથી સો સુધીનું કહેવામાં પાછલી બધી વાતને વ્યાપી વળે છે એટલું જ નહિ, પણ આ રીતે આખાય કથાપટને બાથમાં લેવાના ક્રમમાં જ એની વિશિષ્ટ ભાવપરિસ્થિતિને સુરેખ ઉઠાવ મળી શકે એવું હોય છે. આ એક હકીકત જ એ બતાવવા માટે પૂરતી છે કે જૂની કથાઓમાં વૃત્તાન્તનું જેટલું મહત્ત્વ છે તેટલું આજની ટૂંકી વાર્તામાં નથી. આજની ટૂંકી વાર્તાનો મદાર છે, ઉપર કહ્યું તેમ, વિશિષ્ટ ભાવપરિસ્થિતિ ઉપર. આથી, જૂની કથામાં વૃત્તાન્તમાં – વસ્તુમાં – ચમત્કૃતિ હોય એવી સામાન્ય અપેક્ષા રહેતી. આજની ટૂંકી વાર્તામાં માત્ર વૃત્તાન્તમાં – વસ્તુમાં – ચમત્કૃતિ શોધવાનું રહેતું નથી. વસ્તુપ્રધાન ટૂંકી વાર્તા હોય છે, પણ તે ઘણુંખરું કનિષ્ઠ પ્રકારની ગણાય છે. ઘણી વાર તો ટૂંકી વાર્તામાં વૃત્તાન્તનો લાંબો પટ હોતો નથી, એક નાનો સરખો તંતુ હોય છે, પણ વાર્તાકારની આગવી ભાવપરિસ્થિતિને સાકાર કરવા માટે એ પૂરતો હોય છે. એટલે, આજની ટૂંકી વાર્તામાં ચમત્કૃતિ શોધવાની રહે છે વાર્તાકારની વિશિષ્ટ ભાવપરિસ્થિતિમાં – એ ભાવપરિસ્થિતિ વૃત્તાન્તને કેવી રીતે યોજે છે તેમાં, નહિ કે જૂની વાર્તાની જેમ માત્ર વૃત્તાન્તમાં. ટૂંકી વાર્તા એટલે અનુભૂતિકણ. એ અનુભૂતિમાં ચમત્કૃતિ હોવી જોઈએ. ટૂંકી વાર્તાને ભાવપરિસ્થિતિ સાથે કામ છે એથી ઊર્મિકાવ્યની અને લલિત નિબંધની એ સહોદર છે. ઘણી ટૂંકી વાર્તાઓ એવી હોય છે કે એને લલિત નિબંધ ન કહેવા માટે કોઈ કારણ ન હોય. ઘણા લલિત નિબંધ એવા હોય છે કે એને ટૂંકી વાર્તા લેખવામાં મુશ્કેલી ન પડે. ટૂંકી વાર્તા એની ઘૂંટેલી એકતા(unity)ને લીધે ઊર્મિકાવ્યની બહુ યાદ આપે છે. ભાવસ્પંદન જગાડવાની શક્તિમાં ટૂંકી વાર્તા અને ઊર્મિકાવ્ય વચ્ચે જાણે હરીફાઈ ન હોય! કરકસરભર્યા સંવિધાનમાં ટૂંકી વાર્તાની નાટ્યકળા સાથે સરસાઈ છે. બંને વૃત્તાન્તમૂલક સાહિત્યપ્રકારો હોઈ ટૂંકી વાર્તા અને એકાંકી ઘણી વાર એકમેકની નજીક પહોંચી જવાનાં. પણ એથી ટૂંકી વાર્તાને સળંગ સંવાદમાં નિરૂપવાના મોહમાં પડવું જરૂરી નથી. સીધા કથનનો લાભ વાર્તાલેખકે જતો કરવા જેવો નથી. માત્ર, ત્રેવડની દૃષ્ટિ એની નાટ્યકારને અદેખાઈ કરાવે એવી હોવી જોઈએ. ભાવપરિસ્થિતિઓને સીમા નથી. ટૂંકી વાર્તાના વિષયોને પણ સીમા નથી. વૃત્તાન્તનો કયો ઘટક ઉપાડી લઈ કઈ નવી ભાવપરિસ્થિતિને વાર્તાકાર નવીનરૂપે સાકાર કરશે. શું કહી શકાય? તાજગીભરી વાર્તાકલાને માટે ક્યારેય તે અવકાશ છે, આજના સંકુલ માનવજીવનમાં સવિશેષ. વાર્તાવિષય સાચેસાચ વાર્તાકારના બાહ્ય કે આંતર અનુભવમાંથી ઉદ્ભવેલો હોય અને એ અનુભવને સચ્ચાઈભરી વફાદારીપૂર્વક રજૂ કરવામાં આવે તો એમાં તાજગી – ચમત્કૃતિ આવ્યા વગર રહે જ નહિ. દરેક ટૂંકી વાર્તાનો આકાર નોખો રહેવાનો. જીવનમાં જેમ અનુભૂતિકણોમાં નિરવધિ વિવિધતા સંભવે છે, તેમ ટૂંકી વાર્તાના સાહિત્યમાં પણ. એટલે, ટૂંકી વાર્તાને આદિ, મધ્ય ને અંત હોય, આ હોય ને તે ન હોય – એવાં શાસ્ત્રીય બંધનોમાં એને રૂંધવી સૌથી મુશ્કેલ છે. સદ્ભાગ્યે, એકમેકથી તદ્દન વિભિન્ન રીતે વાર્તાકલા ખેડનારા લેખકો એકસાથે પણ પાકતા જોવા મળે છે. ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તાની સિદ્ધિ ગૌરવપ્રદ છે. અનેક પ્રતિભાશાળી કલમોનો એને લાભ મળ્યો છે. કદાચ દર દસકે નવીન પ્રતિભાસંપન્ન કલાકારો કોઈ પણ એક સાહિત્યપ્રકારને અચૂક મળ્યા હોય તો તે ટૂંકી વાર્તાને.
૧૯૫૨ પાદટીપ
- ↑ ૧ વરસની શ્રેષ્ઠ વાર્તાઓ – ૧૯૫૧ (સં. ઉમાશંકર જોશી)ના સંપાદકીય