સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/સંસ્કૃતિનો કવિ

From Ekatra Foundation
Revision as of 12:54, 12 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૨. સંસ્કૃતિનો કવિ[1]

કાલિદાસ ભારતના રાષ્ટ્રકવિ છે, ભારતીય સંસ્કૃતિના કવિ છે. એકલા ‘મેઘદૂત’ ઉપરથી કાલિદાસને આપણે હિંદના રાષ્ટ્રકવિ કહી શકીએ. હિંદ ખેતીપ્રધાન દેશ. એની આખીય મઘમઘતી સંસ્કૃતિનો આધાર આકાશમાં બેજવાબદારપણે ઘૂમી રહેલી રમતિયાળ વાદળી ઉપર. પાણીને ટીપે ટીપે મોતી વેરતા– દરેક ચાસમાં મોતી પેરતા મેઘને ગોદાવરીથી (મેઘના ઉદ્‌ભવસ્થાન – નૈઋત્ય દિશા-થી) હિમાચલની અલકાનગરી સુધીની યાત્રા કરવા પ્રેરીને, દેશની સ્થૂળ ભૂગોળથી માંડી ઇતિહાસ-પુરાણ-જનકથા આદિના ઉલ્લેખોથી ભાવ-સભર એવા સારાય સંસ્કૃતિસંભારની સૌરભ કવિએ છૂટે હાથે યુગયુગમાં વેરી છે. કેવડાની વાડો, છાપરાના છજા નીચે જંપેલાં પારેવાં, વર્ષાઋતુમાં જમીન પર ચાલતાં અતિ નાનાં લાલચટક ઇન્દ્રગોપ, લોકકથાકોવિદ ગ્રામવૃદ્ધો, – હિંદી જીવનની કેવી નાની નાની વીગતો કવિએ ‘મેઘદૂત’માં ગૂંથી લીધી છે! તો વળી હિંદના પર્વતો, નદીઓ, વગેરે પ્રાકૃતિક દૃશ્યોનાં કેટલાંક ચિરસ્થાયી સ્વરૂપવિશેષોનો પોતે અનુભવેલા સૌન્દર્યપ્રભાવ પણ હમેશ માટે શબ્દબદ્ધ કરી દીધો છે. આ અંગે તો આપણા રાષ્ટ્રકવિએ સભાનપણે ચીવટ રાખી હોય એવું પણ લાગે. ‘મેઘદૂત’માં ગોદાવરીથી ઉત્તરમાં હિમાલયખોળે અલકા સુધીના વર્ણનની એક મોટી તક મળી. પણ દક્ષિણનું શું? ‘રઘુવંશ’માં રાવણવધ પછી લંકાથી પુષ્પક ઊડ્યું તેમાં રામ દક્ષિણ સાગરથી આરંભીને, લંકાથી ગોદાવરી સુધીના, પ્રદેશો સીતાને વિમાનમાંથી બતાવતા બતાવતા આવે છે. ગોદાવરી પહોંચ્યા પછી ઉત્તરમાં સીતાને બહુ બતાવવાનું હોય પણ નહિ, પગે ચાલીને બધું એમણે જોયેલું જ છે. આપણનેય કવિએ ‘મેઘદૂત’માં ઉત્તરના પ્રદેશો બતાવેલા છે. પણ ‘મેઘદૂત’માં ત્રિવેણીસંગમની વાત આવી શકી ન હતી. ઉજ્જયિની તો મેઘને રસ્તો થોડોક લાંબો પડે એમ હતું તે છતાં બતાવી હતી, પણ ત્રિવેણીસંગમ ઘણે દૂર રહી જતો હતો. ત્રિવેણીસંગમ ભારતનું એક ચિરસ્થાયી ભાવનાકેન્દ્ર. પુષ્પકમાંથી એનું દર્શન-વર્ણન કરવાની તક કાલિદાસ ઝડપી લે છે. આ રીતે લંકાથી હિમાલય સુધીની એક લટાર પૂરી થઈ શકી. જોવાનું એ છે કે કાલિદાસ મેઘમાંથી અગર તો વિમાનમાંથી, પૃથ્વીથી અદ્ધર દૂર દૂર ઊંચેથી, સ્વભૂમિનું સૌન્દર્ય માણવામાં રાચે છે. (ગ્રેટ બ્રિટનને ‘This precious stone set in the silver sea’ – રૂપાના સાગરમાં જડેલ કીમતી રત્નશિલારૂપે જોવા માટે શેઇક્‌સ્પિઅરની કલ્પનાને, રૉકેટ વિનાના જમાનામાં કેટલું ઊંચે ઉડ્ડયન કરવું પડ્યું હશે?) હિમાલયને તો કાલિદાસે ‘કુમારસંભવ’ના આરંભમાં મન મૂકીને ગાઈ લીધો હતો. તેમ છતાં રઘુદિગ્વિજય નિમિત્તે રઘુનાં સૈન્યને કાશ્મીરમાંથી હિમાલયની ઉત્તરના પ્રદેશોમાં થઈ લૌહિત્યા (બ્રહ્મપુત્રા) નદી ઓળંગી પ્રાગ્જ્યોેતિષ(આસામ)માં પ્રવેશતાં વર્ણવી, ભારતના ઉત્તર સીમાડાઓ ઉપર એમની કવિતા ઘૂમી વળે છે. રહ્યા પૂર્વ પશ્ચિમ સાગરને વળગેલા પ્રદેશો. રઘુદિગ્વિજય તેમ જ ઇન્દુમતીસ્વયંવર પ્રસંગે સમુદ્રતટના કેટલાક પ્રદેશેાનાં સુરેખ વર્ણનો કવિએ આપ્યાં છે. ઇન્દુમતીસ્વયંવર પ્રસંગે તો ‘તીરેષુ તાલીવનમર્મરેષુ’ – પર્ણમર્મરથી આહ્‌લાદક તાડ-વનોથી છવાયેલ સમુદ્રકિનારાઓ પર આપણી કલ્પનાને વિહાર કરાવે છે. ભૌગોલિક હિંદના પ્રાકૃતિક સૌન્દર્યને કાલિદાસ જેવું અને જેટલું બીજા કયા કવિએ લડાવ્યું છે? ભારતની ભૌતિક રચનાનાં દસવીસ સૈકામાં સહેજે ન બદલાય એવાં ચિરસ્થાયી સ્વરૂપોના સૌન્દર્યને કવિપ્રતિભા શબ્દમાં ઝીલે છે, તેમ ભારતના તે તે પ્રદેશની લાક્ષણિક ચાલુ પેદાશોનો પણ ઉલ્લેખ એમની કવિતામાં રસપોષક રીતે વણાઈ ગયો હોય છે. ઇન્દુમતીને સખી પાણ્ડ્યરાજની એાળખાણ આપતાં એના રાજ્યમાં સોપારીનાં ઝાડને વળગેલી નાગરવેલ તેમ જ ચંદનવૃક્ષને બાઝેલી એલચીલતાની અને તમાલપત્રોની શોભાની વાત કરે છે. રઘુદિગ્વિજયના આલેખનમાં તો કવિ સંપ્રજ્ઞાતપણે જાણે પ્રદેશેપ્રદેશની વિશેષ નીપજનો ઉલ્લેખ કરતા ન હોય એમ લાગે છે. દક્ષિણમાં સમુદ્રતટના પ્રદેશોમાં તાંબૂલ, નારિયેળ, મરી, એલચી, મૌક્તિક, ખજૂર આદિ, પશ્ચિમ તરફ દ્રાક્ષ, કાશ્મીર તરફના પ્રદેશોમાં કેસર અને અખરોટ, હિમગિરિપ્રદેશોમાં કસ્તૂરી અને ભૂર્જપત્ર, આસામમાં કૃષ્ણાગુરુ આદિ સૈકાઓથી તે તે સ્થાનમાં થતી આવતી નીપજો રઘુવંશના ચોથા સર્ગમાં પ્રસંગવશાત્‌ ઉલ્લેખાઈ છે.

કોઈ પણ દેશની સંસ્કૃતિ એ તે દેશમાં માનવે નિર્મલી સાધન-સામગ્રી અને એણે નિપજાવેલી સંસ્થાઓ, રૂઢિઓ, ધર્મપરંપરાઓ, વિચારણાઓ, જીવનમૂલ્યો આદિનો સરવાળો છે. કવિનું કામ કોઈ એક સંસ્કૃતિનો ઇતિહાસઆલેખ આપવાનું નથી. પણ મહાન કવિ જ્યારે એની પ્રતિભાદૃષ્ટિએ જોયેલી કોઈ સૌન્દર્યસૃષ્ટિને શબ્દમાં સાકાર કરે છે ત્યારે એ અપૂર્વ પ્રતિભા સૃષ્ટિ પ્રજાકીય સંસ્કૃતિને અનેક રીતે સ્પર્શ્યા વગર રહેતી નથી, બલકે એ સંસ્કૃતિના સારસર્વસ્વને – એના અંતરતમ સ્વરૂપને આલોકિત કરી રહે છે. કાલિદાસની કવિપ્રતિભા ભારતમાં યુગયુગથી જિવાતા જીવનને લીલયા માપી લે છે. એની અનેકાનેક અપ્‌તરંગી છટાઓ અને એની વિવિધ રંગસમૃદ્ધિમાં જ એ રાચે છે એમ નહિ, એને પાયામાં રહેલી વસ્તુઓને એ શબ્દસૃષ્ટિના સૌન્દર્યલોકમાં ચિરંજીવરૂપે સ્થાપે છે. કાલિદાસની પહેલાં રામાયણ અને મહાભારત એ બે કૃતિઓ એવી છે જેમાં ભારતના અંતરતમ જીવનની રેખાઓ દૃઢપણે અંકાયેલી જોવા મળે છે. એમાંની એકે કૃતિ સમગ્ર એકહાથે રચાઈ લાગતી નથી. મહાભારત તો ઝાઝા હાથની સરજત છે અને પ્રજાકીય વિશ્વકોશનો આકાર પામ્યું છે. એ કૃતિઓના સારભાગના રચયિતા તરીકે વાલ્મીકિ અને વ્યાસ લેખાય છે. કવિઋષિ વાલ્મીકિએ સંસ્કૃતિઓના સંઘર્ષને સ્થિરપણે અવલોકી કુટુંબ, સમાજ, રાજ્ય અને ધર્મ–એ બધાના સ્વાસ્થ્ય અંગે મંથન કરી, કુટુંબના આદર્શ સંબંધોનું વ્યાકરણ રામાયણમાં ઉપસાવ્યું છે. કહેવાય છે કે પોતે તળપદ આદિમ જાતિના હતા. તળપદ સમાજના કૌટુમ્બિક સંબંધો દૂષિત હતા. ભાઈઓ માંહોમાંહે વઢે છે. એકની પત્ની બીજો લઈ જાય છે. સુગ્રીવ-વાલીના સંબંધ જુઓ. કવિઋષિ જાણે ટકોર કરે છે કે આર્યો મોંએ – બાહુબળે જ ઊજળા નથી, તેઓની જીવનવ્યવસ્થામાં કુટુંબસંબંધોની પવિત્રતાના મૂલ્યને કારણે તેઓ વર્ચસ્વી છે. સંસ્કૃતિઓના મિલનને–સંઘર્ષને માપી લઈ એમાંથી માનવજીવનનાં ધારક તત્ત્વ સારવવાં અને સમાજને જીવનની દિશા ચીંધવી એ ઋષિકર્મ રામાયણના કવિએ કર્યું છે. મહાભારતમાં રાજ્યના પ્રશ્નો આગળ તરી આવે છે. કોણ રાજ્ય કરે – ધર્મરાજ યુધિષ્ઠિર કે દુર્યોધન? બંનેની પક્ષકાર સાત અને અગિયાર અક્ષૌહિણી વચ્ચે ભિષણયુદ્ધ મંડાય છે. મહાભારતકારનો ચુકાદો છે : यतो धर्मस्ततो जयः, જ્યાં ધર્મ ત્યાં જય. એક વાર તો માનવમાત્રને ઉદ્દેશીને અત્યંત આરજૂપૂર્વક વ્યાસ કહે છે : અર્થ અને કામ સિદ્ધ કરવાનું પણ ધર્મને આધારે જ શક્ય છે તો એ ધર્મનું શા માટે સેવન કરવામાં આવતું નથી? આમ, શું માનવવ્યક્તિ શું (માનવસમાજ માટે અનિવાર્ય એવી ઉત્તમ સંસ્થા) રાજ્ય, બધે જ માત્ર ધર્મના આધારે ટકી રહેવું શક્ય છે એમ મહાભારતકાર નિર્દેશે છે. કાલિદાસ કુટુંબ અને રાજ્ય એ બંને સંસ્થાઓનું મહત્ત્વ કરે છે. કુટુંબ વગર સમાજનું અસ્તિત્વ નથી, રાજ્ય વિના સલામતી નથી. વારે વારે એમનું ચિત્ત આ બે સંસ્થાઓના સ્વાસ્થ્ય અંગે સચિંતપણે રસ લેતું જોવા મળે છે. કુટુંબનો આધાર સ્ત્રીપુરુષ – પતિપત્ની. કાલિદાસ રસરાજ શૃંગારના કવિ છે. કામનું બળ એ બરોબર જાણે છે. એમની કવિતામાં ડગલે ડગલે સ્ત્રીવિષયક ઉલ્લેખ જોવા મળે છે. અયોધ્યાનગરી કુશ રાજાને પોતે ઉજ્જડ બન્યાની કારમી કથા કહે છે ત્યાં પણ ‘જે રાજમાર્ગ ઉપર અભિસારિકાનાં ઝળહળતાં નૂપુરનો કલધ્વનિ થતો ત્યાં મોઢામાંથી આગ ઝરતી ફાઉડીની ચીસો સંભળાય છે... નિવાસોના સ્તંભો ઉપરની રંગ-ઊખડી-ગયેલી ધૂળઝાંખી કાષ્ઠપૂતળીઓના સ્તન ઉપરના વસ્ત્ર તરીકે સાપની કાંચળીઓ ત્યાં ચોંટી ગયેલી છે તે છે’ (રઘુ૦ ૧૬. ૧૨, ૧૭) – એમ કવિની કલ્પના, અલબત્ત ચારે બાજુથી ઔચિત્ય જાળવીને પણ, સ્ત્રીના વર્ણનમાં રાચતી જોેઈ શકાય છે. કાલિદાસના કાન સતત અભિસારિકાના નૂપુરશિંજિતથી ભરેલા છે. થોડાક શ્લોક પણ સ્ત્રી અંગેના ઉલ્લેખ વગર જતા નથી. એમની કલ્પનાનું રસબિંદુ સ્ત્રીના અંગવિલાસનું વર્ણન એ જાણે ન હોય. કાર્લાઇલે કવિ કીટ્‌સને ‘A chosen vessel of hell’ – નરકનું એક પસંદ કરવામાં આવેલું પાત્ર–કહેલ છે. કાલિદાસને કોણ જાણે એ શું કહેત! આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા કામ-વર્ણનમાં રાચનારા કવિને દામ્પત્યનું ઉદાત્ત ઉજ્જ્વલ દર્શન – માનવજાતિના સાહિત્યમાં જવલ્લે જ મળે એવું દર્શન – શી રીતે શક્ય બન્યું હશે. કદાચ કામનું બળ એ પૂરેપૂરું ઓળખે છે. એટલે જ પેલું ઉદાત્ત દામ્પત્યદર્શન શક્ય બન્યું છે. પાર્વતીની પૂજા સ્વીકારતા મહાદેવની નજર પાર્વતી ઉપર ફરે છે એનું વર્ણન કરતાં કાલિદાસે व्यापारयामास विलोचनानि એ શબ્દોથી આંખો માટે સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે તો દ્વિવચનનો પ્રયોગ હોય તેને બદલે બહુવચનનો પ્રયોગ કરી – મહાદેવે પોતાના ત્રીજા લોચનનો પણ આ પ્રસંગે ઉપયોગ કર્યો એ સૂચવ્યું છે. કવિ જાણે કહેતા ન હેાય કે અપૂર્વ નારીરૂપ આગળ બે લોચન ઓછાં પડ્યાં. અંદર આછો ઉપાલંભ પણ છે : અરે શિવ, બધાંને બે છે, તમારે ત્રણ છે. એ ત્રીજું લેચન તો સાચવો. કવિએ એ પ્રસંગના વર્ણનમાં કામદેવે હજી બાણ ચડાવ્યું જ છે – છોડ્યું નથી એમ નિરૂપ્યું છે. (કેટલા બધા કથાકારોએ આ પ્રસંગે શરવર્ષા નિરૂપી હોત!) કાલિદાસ મિતભાષી કવિ છે, ધ્વનિ દ્વારા જ કામ લે છે. મદને બાણનું સંધાન કર્યું ત્યાં યોગી શિવની આ દશા ! શરવર્ષા થતી હોય અને સામે હોય સંસારી જીવ. તો શું થાય? ત્રિરાશિ માંડો. કામ તે આ છે. માણસ એનાથી શરૂઆત કરે છે ને અંતે – એની દ્વારા પહોંચે છે દામ્પત્યની ઉદાત્ત ભૂમિકા ઉપર. કામવૃત્તિના પ્રભાવને પૂરેપૂરો – રજેરજ ઓળખી શકનાર કવિ સંવાદી જગન્મંગલ દામ્પત્યનું આલેખન કરે છે. કાલિદાસને વિશે ‘He saw life steadily and saw it whole’ – તેમણે જીવનને સ્થિરપણે જોયું હતું અને અખિલાઈમાં જોયું હતું – એ વચન પૂરેપૂરું યથાર્થ ઠરે. માનવીપ્રણય ઉપર શાપ હોય તો તે એકમાં પુરાવું એ છે. ભરીભરી સૃષ્ટિમાં એકમાં પુરાવા જનારના હૃદયમાં શૂન્યતા જામે છે. દુષ્યન્તની વિદાય પછી એને ચિંતવતી શકુન્તલા સખીને ‘શૂન્યહૃદયા’ લાગે છે. હૃદય ભરીભરી સૃષ્ટિનું સ્વાગત કરે છે અને એની ઉપરથી આપમેળે શાપ ઊતરે છે. મેઘદૂતનો યક્ષ વિરહી રૂપે વલવલતો આપણી આગળ પ્રત્યક્ષ થાય છે. પરંતુ વિરહના તાર ઉપર એનું જે વેદનાગીત ગુંજે છે તેમાં એ સમગ્ર સાંસ્કૃતિક પરિસ્થિતિ સાથે એકરસ થાય છે. એ જ એનું શાપમોચન છે. દુષ્યન્ત બીજાની વેદના બૂઝે છે – ધનમિત્રના વારસરૂપ કોઈ ગર્ભ ઊછરી રહ્યો છે કે કેમ તેની તપાસ કરે છે અને તે ગર્ભને વારસ ઠેરવે છે એટલું જ નહિ વારસહીન પ્રજાજનોનો પોતે બંધુબેલી બને છે અને, બંગાળી વાચનાના એક શ્લોક પ્રમાણે, પોતે અપુત્ર હોઈ સંસ્કૃતિની રક્ષા કરવાના પૌરવવંશના કર્તવ્યનો પોતાની સાથે અંત આવતો જુએ છે ને સચિંત બને છે – તે ક્ષણે દુર્વાસાના શાપની અસર પૂરી થાય છે અને પત્નીપુત્ર સાથેના એના મિલનની દિશા ઊઘડે છે. રાજાની સાંસ્કૃતિક ચિંતાના શ્લોક –

आमूलशुद्धसंतति कुलमेतत्पौरवं प्रजावन्ध्ये ।
मय्यस्तमितमनायें देश इव सरस्वतीस्रोतः ॥

–ની ઉપરનું બલવંતરાય ઠાકોરનું વિવેચન રાજાની ચેતના સમષ્ટિહિત સાથે કેવી એકરસ થઈ છે તેનો સુરેખ ખ્યાલ આપે છે. “અહીં ‘સન્તતિ’ના બે અર્થ છે, એક રાજાના ‘કુલ’ને લાગુ પડતો, બીજો સરસ્વતી નદી – જે અનાર્ય પ્રદેશને પહોંચતાંવેંત પૃથ્વીની સપાટી છોડીને ભૂગર્ભમાં ચાલી ગયેલી છે – તેને લગતો. અને અબાધપણે સૂચવાતો અને તેથી રાજાના મનમાં નિશ્ચિતપણે ઉપસ્થિત એવો ફરી આગળ પણ અર્થ છે કે પૌરવકુળના અમલ હેઠળના રાજ્યમાં ઉચ્ચતમ અને શુદ્ધતમ સંસ્કૃતિના અર્થમાં ‘સરસ્વતીસ્રોતઃ’ અસ્ત પામશે અને પૌરવોની કાલસન્માન્ય ભાવના અનુસાર રાજપદની ઉમદા ફરજો બજાવવા સમર્થ એવા વારસ વગર એના મૃત્યુ વખતે પૌરવોના પ્રદેશ પાછો અન્‌-આર્ય પ્રદેશમાં લીન થશે.” (‘ધ ટેક્સ્ટ ઑફ ધ શાકુન્તલ’, પૃ. ૪૯.) એ નોંધવા જેવું છે કે રાજા ઇન્દ્રની મદદે દોડી જઈ દૈવી બળોના આસુરી બળો સામેના વિજયમાં સહાયભૂત થયો કે પછી તરત જ શકુન્તલા અને ભરત સાથે એનો યોગ થાય છે. પરમ સંવાદિતામાં સ્થિર થતું દામ્પત્ય જગતને મંગલકારી હોય છે એમ કવિ નિરૂપે છે. કાલિદાસ સંતતિનો સતત મહિમા કરે છે. ઉત્તમ દંપતીઓ પાસેથી અસુરો સામેના સૈન્યના સેનાની થઈ શકે એવા કાર્ત્તિકેયકુમાર કે દેશસમસ્તને સ્વનામ-અંકિત કરી શકે એવા ભરત કે દિગ્વિજયી રઘુ જેવા પુત્રો મળવા જોઈએ એ કાલિદાસ બરોબર ભારપૂર્વક સૂચવે છે. દામ્પત્ય સંતતિ વડે સ-ફલ બને છે. પુત્ર પણ સેના-ની હોય, રાજા (પ્રજાને દોરવણી આપનાર) હોય. એટલે, સમાજના પાયામાં કુટુંબ; કુટુંબના પાયામાં દંપતી; દામ્પત્યના પાયામાં પરસ્પરની આસ્થામાંથી જન્મેલો સમષ્ટિવ્યાપી આત્મવિસ્તાર – શાપમાંથી મોચન પામેલો, સંતતિથી ફળેલો, એવો પ્રેમ. અને સંતતિ હોય પ્રજાકલ્યાણની ધુરાને ધારણ કરનાર. આમ, કુટુંબ તેમ જ રાજ્ય એ બંને સંસ્થાઓ અંગેની પાયાની માગણીઓની વાત આદર્શ દામ્પત્યની ગાથામાં એકીસાથે કવિપ્રતિભાએ ગૂંથી દીધી છે. રાજા, કાલિદાસને મન, ‘મધ્યમાશ્રમતપસ્વી’– ગૃહસ્થાશ્રમમાં રહીને પણ તપસ્વીનું જીવન જીવનારો છે. શાકુન્તલના પાંચમા અંકમાં દુષ્યન્તને ગુનેગાર ને સાથોસાથ ન્યાયાધીશ નિરૂપ્યો છે તે પ્રસંગની ૫૧ ઉક્તિઓના કરુણ ગજગ્રાહમાં રાજાનો કવિનો ખ્યાલ સારો એવો સ્ફુટ થાય છે. રાજાએ માત્ર પ્રજાની સ્થૂળ સલામતી સાચવવાની નથી, પ્રજા સમસ્તનો સરસ્વતીસ્રોત – સાંસ્કૃતિક સ્રોત બર્બરતામાં વિલુપ્ત ન થાય એની ચોકી કરવાની છે એ વાત પર શાકુન્તલના છઠ્ઠા અંકને અંતે, હમણાં ઉપર જોયું તેમ, કવિએ ભાર મૂક્યો છે. નાટકના ભારતવાક્યમાં પણ પહેલી વાંછા ‘પ્રવર્તજો જનહિત કાજ પાર્થિવ’ એ ઉદ્‌ગારાઈ છે. રઘુવંશ, આરંભમાં જ, સ્મૃતિમાં હંમેશ માટે રમી રહે એવી પદાવલિમાં રાજાનો આદર્શ રજૂ કરે છે. એક રીતે એ આખું મહાકાવ્ય જ ‘રાજા’ અંગે છે એમ કહી શકાય. દુનિયાના મહાકવિઓ રાજ્યતંત્રની સમ્યક્‌ ચાલનાના પ્રશ્નમાં રસ લેતા જોવા મળે છે, દાન્તે, શેઇક્‌સ્પિઅર, મિલ્ટન, ગ્યુઇથે – બધા જ. કાલિદાસ, રાજા ખૂટલ નીકળે તો, રાણીને શાસનનો ભાર ઉપાડી લેતી નિરૂપે છે અને એમાં સ્ત્રી પ્રત્યેની એમની વિશેષ સમાદરભરી દૃષ્ટિ પણ પ્રતીત થાય છે. રઘુવંશ – ચાલતો (अवेक्ष्य धार्तेर्गमनार्थम्) વંશ તે પણ કાળે કરી અગ્નિવર્ણ આગળ જાણે અટક્યો. કવિ કહે છે તેમ કોડિયામાં દીપશિખા નાની થતી ચાલી. અગ્નિવર્ણ ભોગથી ખવાઈ ગયો. મંત્રીઓની ચિંતાનો પાર ન રહ્યો. પ્રજાના મોવડીઓની હાજરીમાં તેમણે ગર્ભિણી રાણીને ગાદીએ બેસાડી. શોકનાં ઊનાં આંસુથી તપેલો ગર્ભ અભિષેકજળથી શીતળતા પામ્યો. અધૂરું રહેલું રઘુવંશ મહાકાવ્ય જે પંક્તિ આગળ વિરમે છે તે – राज्ञी राज्यं विधिवदशिषद्भर्तुरव्याहताज्ञा – રાણીએ પતિના રાજ્ય ઉપર યથાવિધિ, પોતાની આજ્ઞાનો ક્યાંય ભંગ ન થાય એ રીતે, આણ વરતાવી. કવિવર કાલિદાસે રાજ્યકર્તાઓની જ્વલંત હારમાળાનું નિરૂપણ કરતું મહાકાવ્ય ‘રઘુવંશ’ રાજ્યકર્તા અને વિલાસિતા – એના કરુણ ચિત્રણ આગળ જાણે કે નફરતથી જ અધૂરું છોડી દીધું ન હોય! પણ લેખિની મૂકી દેતાં પૂર્વે એમણે સ્ત્રીને દ્યૃતિપૂર્વક બધી બાજુથી ભાર ઉઠાવી લેતી નિરૂપી પ્રકૃતિની પુત્રીનો – સ્ત્રીનો અનર્ગળ મહિમા કર્યો છે. મહાદેવ પાર્વતી સાથેના વિવાહની વ્યવસ્થા માટે સપ્તર્ષિઓનું સ્મરણ કરે છે. તેઓની વચ્ચે સાક્ષાત્‌ તપઃસિદ્ધિ સમાં અરુન્ધતીને જોઈ મહાદેવનો લગ્ન માટેનો આદર ઘણો વધી ગયો. પરણવાનું કામ કરવા જેવું છે એમ એમને જોઈને શિવને લાગ્યું, કેમ કે क्रियाणां खलु धर्माणां सत्पत्न्यो मूलकारणम् – ધર્મ્ય ક્રિયાઓનાં મૂળમાં કારણ રૂપે સત્પત્નીઓ હોય છે. (કાલિદાસે મારીચ ઋષિને મોંએ ભરત માટે ‘સદપન્યમ્‌‌’ –સતપુત્ર-નો પણ ઉલ્લેખ કર્યો છે. પોતાની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં ક્યાંય એમણે ‘સત્‌-પતિઃ’નો ઉલ્લેખ કર્યો છે ખરો?) કાલિદાસે સ્ત્રીને નરી ‘ઇન્દ્રિયાર્થ’ તરીકે જોઈ નથી. (સ્ત્રી અને પુરુષ બેય તે પરસ્પર માટે ‘ઇન્દ્રિયાર્થ’ છે સ્તો.) પણ સ્ત્રીનું નર્યા ઇન્દ્રિયાર્થ કરતાં કેવડું સમૃદ્ધતર સ્વરૂપ છે તે દાખવવામાં કાલિદાસની કળા ક્યારેય આળસી લાગતી નથી. જીવનની સમન્વયની – પરમ સમાધાનની ભૂમિકા સ્વર્ગ અને પૃથ્વી વચાળના હેમકૂટ ઉપરના મારીચ આશ્રમના વર્ણનમાં કાલિદાસે નિર્દેશી છે. ત્યાં સુર તેમ જ અસુર બંનેનાંય જણનારાં મારીચ-અદિતિ તપ તપે છે. ત્યાં ભોગસામગ્રી છે પણ તેની વચ્ચે તપસ્યા છે. विबुधस्त्रीसंनिधौ संयमो । यत्काङ्क्षन्ति तपोभिरन्यमुनयस्तस्मिंस्तपस्यन्त्यमी ।। –‘સુર-સ્ત્રી પાસમાં સંયમ, | જે વાંછે તપથી બીજા મુનિ, અહીં તેમાં તપે આ તપ.’ કામસામગ્રી અને તપસ્યા, આ કાલિદાસનું ચિત્ર છે. દામ્પત્યમાં બ્રહ્મચર્યા એ કાલિદાસ-દિષ્ટ આદર્શ છે. એકમાં પુરાવા જતાં શાપ, બૃહતમાં વિચરતાં શાપમોચન, એ કાલિદાસનો પ્રિય નિરૂપણ-વિષય છે. સ્ત્રીપુરુષ સ્થૂલરૂપે સંબદ્ધ થાય છે એ બૃહતથી દૂરતમ દશા છે, જોકે એમાં પણ સંતતિલાભ દ્વારા બૃહત સાથે એમનું સંધાન સંભવે છે. નર્યો સંભોગ એક છેડે છે, બીજે છેડે છે બ્રહ્મચર્યા. દામ્પત્યમાં બ્રહ્મ-ચર્યા, દામ્પત્ય દ્વારા બ્રહ્મ-ચર્યા એ કાલિદાસની કાવ્યસૃષ્ટિનો ધ્વનિ છે. કાલિદાસની કલ્પના સ્વર્ગ, હિમાલયનો ઊર્ધ્વલોક અને ભૂતલ – બધે ફરી વળે છે પણ પૃથ્વીની પક્ષપાતી છે. શકુતલા, તારું મહિયર સ્વર્ગમાં પણ સાસરું તો પૃથ્વીમાં. સ્વર્ગ ભોગભૂમિ છે, પૃથ્વી કર્મભૂમિ. કાલિદાસ પૃથ્વી ઉપરના માનવજીવનની આશ્ચર્યમયતા પીતાં અને ગાતાં કદી ધરાતા નથી. શાકુન્તલમાંના अहो उदाररमणीया पृथ्वी અને आश्चर्यदर्शनः संलक्ष्यते मनुष्यलोकः એ એમના ઉદ્‌ગારો જાણે સૂચવે છે કે માનવની ચેતના ઉપર ચારે બાજુથી જે અનરાધાર સૌન્દર્યવર્ષા થાય છે તે એક જિંદગીમાં પૂરી ગાઈ શકાય એવી નથી. નહિ કે કાલિદાસ માનવજીવનની ઊણપો, બૂરાઈઓ આદિથી બિનવાકેફ છે. શાકુન્તલમાં કન્યાવિદાયના પ્રસંગ નીચે સળવળતો શાપસર્પ, હંસપદિકાનું હૃદયક્રંદન, સિપાઈઓની આરોપી પ્રત્યેની નિર્દય વર્તણૂક, માછીમારે કોટવાળને લાંચ આપવી, કોટવાળે એની સાથેની પ્રથમ મૈત્રી કલાલના પીઠામાં ઊજવવી, – આવી રેખાઓ માનવજીવનની વાસ્તવિકતાઓ કવિપ્રતિભાની દૃષ્ટિ બહાર નથી એ સૂચવે છે. રવીન્દ્રનાથ પૂછે છે : ‘એ દશાર્ણ પ્રદેશ ક્યાં છે આજે? અવન્તી, જ્યાં ગ્રામવૃદ્ધો ઉદયન અને વાસવદત્તાની વાર્તા કહેતા, તે પણ ક્યાં છે આજે? અને પેલી શિપ્રાના તટ ઉપરની ઉજજયિની!’ રવીન્દ્રનાથને લાગે છે કે કાલિદાસે વર્ણવેલા પ્રાચીન ભારતવર્ષમાંથી ‘આપણે સદાકાળને માટે નિર્વાસિત થયા છીએ.’ કાલિદાસના સમયમાં પણ કાલિદાસની કાવ્યસૃષ્ટિમાં છે તેવું ભારત હશે જ એવું કહેવાય નહિ. પણ કાલિદાસની અમોઘ કવિપ્રતિભાએ પોતાના સમય સુધીના ભારતની સૂક્ષ્મ સિદ્ધિઓ સુરેખ સમજી લીધી હતી અવશ્ય. એમના સમયના ભારતને પોતાના સ્વરૂપની સ્મૃતિ સુરેખ હોય એમ લાગે છે, એટલું જ નહિ રાજકીય દૃષ્ટિએ, બાહુબળે, કળાકૌશલે, સમૃદ્ધિએ કાલિદાસકાલીન ભારત જાજવલ્યમાન છે : ભૌતિક પરાકાષ્ઠાની ક્ષણે કાલિદાસ પાક્યા, – મૉર પૂરો ખીલે, કેરી બંધાઈ ન હોય, મકરંદ ફોરી રહ્યો હેાય એવી પરમ વૈભવક્ષણે પાક્યા. કોઈ કહે છે કાશ્મીરમાં જન્મ્યા, કોઈ કહે છે લંકામાં અવસાન પામ્યા. એ ગમે તે હો, અવરજવરની એ સમયની અગવડો વચ્ચે ૫ણ ભારતના સારા એવા ભૂભાગો એમણે પ્રત્યક્ષ માણ્યા છે એની એમની કવિતા સાક્ષી પૂરે છે. ઉજ્જયિનીમાં એમના ડેરા લાગે છે. જ્યાં જન્મ્યા હોય ત્યાંથી, ભારતયાત્રી કવિ સમકાલીન ભારતના કેન્દ્ર(Hub)માં આવીને ઊભા રહે છે. કાલિદાસ તપોવનનિવાસી ઋષિ નથી, કહે છે કે રાજદૂત હતા. પણ કાલિદાસ હૃદયથી ઋષિ છે. નગરોની શ્રીને એ પ્રશંસે છે, પરંતુ નગરોને જોવાની શારદ્વતની નજર પણ એમની પાસે છે. એમની આંખ – એમનું હૈયું ઠરે તો છે તપોવનની વાતે. એમની કાવ્યસૃષ્ટિમાં વર્ણવાયેલ પ્રાચીન ભારતમાંથી કદાચ એ પોતે પણ નિર્વાસિત હતા. કદાચ એથી તો એમની કલ્પનાપ્રતિભા જ્યાંજ્યાં પહોંચી શકે છે ત્યાંથી સૌન્દર્યમધુ લઈ આવે છે અને અપ્રતિમ કાવ્યસૃષ્ટિરૂપે અક્ષય મધુસંચય માનવજાતિને ભેટ ધરે છે. કાલિદાસે પોતાના સમય સુધીમાં સિદ્ધ થયેલાં અને ન થયેલાં ભાવનાઓ, આદર્શો, સ્વપ્નોમાંથી પોતાની કવિતાનું વિશ્વ ઘડ્યું છે અને એમ એમાં ભારતની સંસ્કૃતિનો નિઃશેષ નિષ્કર્ષ આવે છે. કવિ રિલ્કેએ માઈકેલેન્જેલો વિશે કહેલા શબ્દો કાલિદાસની સંસ્કૃતિસેવા અંગે સાંભરે છે :

That was the man who always reappears
when any age, to mark its closing years,
strives yet once more to recapitulate.
There’s one who still can heave its total weight
and hurl it into his abysmal breast.

એક આખા યુગના તમામ વૈભવબોજને તોળી લઈ એને પોતાની ગંભીર હૃદયગુહામાં ધારણ કરનાર વિરલો કવિ યુગસન્ધિ વેળાએ પાકતો જ હોય છે. યુગની સિદ્ધિઓ એની દ્વારા પ્રજાના હૃદયમાં તાજી થાય છે – પેઢાનુપેઢી તાજી થયાં કરે છે. ભારતવર્ષને કાલિદાસે અપૂર્વ કવિપ્રતિભાબળે શબ્દસૃષ્ટિમાં એવું ચિરંજીવ સ્વરૂપ આપ્યું છે કે એમાંથી કોઈ કાળે કોઈ સહૃદયને નિર્વાસિત થવા વારો આવે જ નહિ. એક રીતે કાલિદાસ પછીના કવિઓએ કાલિદાસનું અનુગુંજન કર્યું છે, કેમ કે કાલિદાસે જે ગાયું છે તે છે ભારતનું સનાતન હૃદય.

પાદટીપ

  1. તા. ૩૦-૧૧-૧૯૬૦ના રોજ અમદાવાદમાં કાલિદાસ જયન્તીની ઉજવણીના ત્રીજા દિવસે પ્રમુખસ્થાનેથી આપેલું વ્યાખ્યાન; લખ્યું ’૬૨.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(શૈલી અને સ્વરૂપ)