સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/‘નીરખ ને...!’

From Ekatra Foundation
Revision as of 03:25, 13 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૬. ‘નીરખ ને...!’

જો ને, ભાઈ, જરી જો ને – ક્યાં? શું?

નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તે જ હું,’ ‘તે જ હું,’ – શબ્દ બોલે.

અહીંતહીં નહીં, અડખેપડખે આડુંઅવળું નહીં. આ બધા ઉપરથી એક વાર નજર ઉઠાવી લે અને ઊંચે તને શૂન્ય લાગે છે ને ત્યાં ગગનમાં જો. કાંઈ દેખાય છે? આંખો શું ચોળે છે? કાનથી દેખવાનું છે. સાંભળ, જો. કાંઈ સંભળાય છે? આ નામરૂપની આપણી નાનકડી દુનિયાની પાર વિશાળ બ્રહ્માંડમાં કોઈક ઘૂમી રહ્યું છે અને એ અતળ અવકાશ ‘સોઽહમ્‌ સોઽહમ્‌’ (તે જ હું, તે જ હું) નાદથી ગુંજી રહ્યો છે. જાણે આ સાંકડી માયામમતાભરી દુનિયાથી ઉપર ઊઠેલો આપણો પોતાનો જીવાત્મા જ હું તે પરમાત્મા છું એમ બોલતો સર્વત્ર વ્યાપી રહ્યો ન હોય! ઉપનિષદ કહે છે કે સૂર્ય અને આકાશનાં નક્ષત્રો ‘ૐ’ નાદ કરતાં આકાશમાં ઘૂમે છે. ભક્તકવિ એમાં ‘સોેઽહમ્‌’ નાદ સાંભળે છે. જાણે આખું બ્રહ્માંડ ‘હું તે પરમાત્મા જ છું’ – એમ એક અવાજે ગાઈ રહ્યું ન હોય!

શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયાં કોઈ નથી કૃષ્ણ તોલે. નીરખ ને0 ૧

જો હું તે પરમાત્મા જ છું, તો પછી મારાપણામાં – આ જીવપણામાં પાછો આવીને શું કરવા ભરાઉં? એ પરમાત્માના, એ શ્યામસુંદરના ચરણને ઝાલી લઉં અને એ ચરણોમાં મારા જીવભાવનો વિલોપ કરું. શ્યામના ચરણમાં આવું મરણ મનને ખૂબ ભાવે છે, કેમ કે તો જ હું પરમાત્મભાવ લઈને આ ભૂતલના સંસારમાં પાછો ફરું ને? હવે આ નવા રૂપે શો અનુભવ થાય છે? અહીંયાં સંસારમાં તો પરમાત્મા સમું બીજું કશું હોય એમ લાગતું નથી. ‘સોઽહમ્‌’ — ‘તે જ હું’ – એ મંત્ર મળી ગયો, નજર જ બદલાઈ ગઈ, હવે આ જગતના જે બધા પદાર્થો આકર્ષતા હતા તે પરમાત્મા કૃષ્ણ આગળ ફીકા લાગે છે. કૃષ્ણને પહોંચે એવું કશું અહીં જોવા મળતું નથી. એક જરીક નજર ઊંચી ઉઠાવી અને બ્રહ્માંડમાં એ લટાર મારી આવી –બ્રહ્મભાવમાં જરીક ભીંજાઈ આવી એટલે આ નિત્યપરિચયની પ્રત્યક્ષ દુનિયા સારીય બદલાઈ ગઈ.

શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ન શકે કળી,
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી.

શ્યામસુંદરની શોભા તે શી વર્ણવી જાય? દુનિયાનો કોઈ પદાર્થ ભલે ને ગમે તેટલો સુંદર હોય, કૃષ્ણ આગળ એની કાંઈ વિસાત નથી. આટલું સમજાય છે પણ તેથી શ્યામની સુંદરતાનો પાર ઓછો પામી શકાય છે? બુદ્ધિનું બાપડીનું એ ગજું જ નથી. બુદ્ધિ તો આ અનંત ઉત્સવમાં ભૂલી પડી હોય એમ ભટક્યા કરે છે. નરસિંહ મહેતા ‘તે જ હું’ મંત્રથી કેવલાદ્વૈતનો – એકમાત્ર પરમાત્મા જ છે, બીજું કોઈ નથી. – એવા અભિપ્રાયનો નિર્દેશ કરે છે. પણ એ કૃષ્ણભક્ત તરત બીજી જ પંક્તિમાં કૃષ્ણની વાત લાવ્યા વગર રહી શકતા નથી, ‘અનંત ઓચ્છવ’ તે કેવલાદ્વૈત પ્રમાણે ‘માયા’, પણ કવિનું મન એને ‘લીલા’ માનવા તરફ ઢળતું લાગે છે, કેમ કે તેઓ એને ‘ઉત્સવ’ લેખે છે. આ બધું દૃશ્ય જગત તે માયા, ભ્રમણા નથી, પણ ભગવાનની લીલા છે. બુદ્ધિ બિચારી એમાં ખોવાઈ જવાની. પણ ખરો કીમિયો છે પ્રેમનો. આ જડચેતન જે કંઈ દેખાય છે તે બધામાં શ્યામની લીલા જોવી અને એને પ્રેમભાજન બનાવવું. પછી બધે રસ જ રસ છે.

જડ ને ચેતન રસ કરી જાણવો,
પકડી પ્રેમે સજીવન મૂળી. નીરખ ને0 ૨

બુદ્ધિથી એ બને એમ નથી. શ્યામસુંદરને જાણવો હોય તો જડ અને ચેતનને રસમય કરી દેવા જોઈએ. શી રીતે એ કરવું? સહેલો ઉપાય છે. હાથમાં પ્રેમની જડીબુટ્ટી રાખવી. પ્રેમ એ સંજીવની અર્પનાર મૂળિયાનું – જડીબુટ્ટીનું કામ આપશે. એના સ્પર્શથી જડ એ જડ નહીં રહે, જડ તેમ જ ચેતન નર્યા રસરૂપ બની જશે. અને ઉપનિષદ કહે છેઃ रसो वै सः। રસ એ જ તો પરમાત્મા. પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંક કોઈ તુલના કરી શકાય છે ખરી?

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે,
સોનાના પારણા માંહી ઝૂલે. નીરખ ને ૩

ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે :

दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।
यदि भाः सदृशी सा स्याद् भासस्तस्य महात्मनः । ।

– આકાશમાં એકસાથે હજાર સૂર્યની દ્યુતિ ઉદય પામે તો તે એ મહાત્મા (વિરાટસ્વરૂપ શ્રીકૃષ્ણ)ની દ્યુતિ સમોવડી, વખતે, નીવડે. નરસિંહ કોટિ સૂર્યની દ્યુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય! બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદક્રીડા કરી રહ્યા ન હોય! એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્‌લાદક હોય. આ સૌંદર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દિવેટ, નથી તેલ, નથી દીપપાત્ર અને અગ્નિશિખાની જેમ દીપજ્યોતિ નિષ્યંદપણે પ્રકાશી રહ્યો છે. કોણ પ્રકાશી રહ્યો છે? સૂર્ય? સૂર્ય જ નહીં, કોટિક સૂર્ય સમો જેનો પ્રકાશ છે તે (શ્યામસુંદર).

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,
અચળ ઝળકે સદા અનળ દીવો.
નેત્ર વિણ નીરખવો, રૂ૫ વિણ પરખવો,
વણજિહ્‌વાએ રસ સરસ પીવો. નીરખ ને ૪

કોટિક સૂર્યસમ ઝળહળતી મૂર્તિની ઉપમા આપીને સોનાના પારણામાં ક્રીડા કરતા સચ્ચિદાનંદ બાળકૃષ્ણની ઝાંખી કરાવી, પણ કવિ છેવટે હાથ હેઠા નાખીને કહે છે : એને રૂપ નથી. અવળવાણીમાં કવિ કહે છે કે એનું દર્શન આંખના તેજ વડે ઓછું પામવાના છીએ? એને રૂપ હોય તો પારખી શકીએ ને? આંતરચક્ષુથી – પ્રભુકૃપાથી લાધતાં ‘પેલાં દિવ્ય લોચનિયાં’થી એ નિરંજન નિરાકારને પામવાનો છે. એનો રસ જિહ્‌વા માટે ઓછો છે? આખી ચેતનાએ એ દિવ્યતાથી ચકચૂર થવાનું છે.

અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો,
અરધ ઊરધની માંહે મહાલે;
નરસૈંયાયો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે. નીરખ ને ૫

એ અવિનાશી અકળ જ રહેવાનો છે. અધઃ અને ઊર્ધ્વ, નીચે અને ઉપર, તેમ જ બંનેની અંતરિયાળ, સર્વત્ર એ લીલા કરી રહ્યો છે. નરસિંહનો (નરસૈંયાચો – એમના સમયમાં ગુજરાતીમાં પણ ક્યાંક-ક્યાંક પ્રચલિત એવો છઠ્ઠી વિભક્તિનો મરાઠી પ્રત્યય ‘ચો” કવિ વાપરે છે) સ્વામી સર્વત્ર વ્યાપી રહ્યો છે – એની જ લીલા બધે ચાલી રહી છે. એને પકડવો શી પેરે? નરસિંહ ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે. કવિ બતાવે છે કે આ દૃશ્ય જગતના સૌ પદાર્થો પ્રેમના ભાજન છે. એ પ્રેમના તંતુને જેઓ વળગે છે – સૌ પ્રત્યે જેઓ પ્રેમથી ઢળે છે તે સંતો, અથવા જેઓએ પ્રેમનો તંત (લગની) પકડ્યો છે તે સંતો, એને પામી શકે છે. કવિએ આ છેડેથી નીરખનાર (‘અહમ્‌’-હુંના દૃષ્ટિબિન્દુથી વાત આરંભી. ‘હું’ની નજર આકાશ વીંધતી દોડી અને દૂરદૂર ફરી વળી એટલે એને તો એમ જ હોય ને કે હું જ બધે ઘૂમી રહ્યો છું! પણ ‘હું’ જેવો આ બધી અહીંની આળપંપાળથી છૂટ્યો ત્યાં એને “હું તે જ (‘સઃ અહમ્‌’)’ છું એ દિવ્યગાન સંભળાવું શરૂ થયું. અને પોતે એ ગાતો થઈ જાય છે, ‘તે જ હું’ એ એનું પોતાનું મનભાવતું ગાન બની રહે છે. પરિણામે તે (‘સઃ’) ‘સ્વામી સકળ વ્યાપી રહ્યો’ હોવા અંગેની પ્રતીતિ એના હૃદયમાં જામતી જાય છે. આ આખી સાધનાની ચાવી શામાં છે? કવિની લાડભરી ભલામણમાં (એને ટકોર કહેવાનો જીવ ચાલતો નથી.) વાત્સલ્યભરી એ ભલામણ છે : ‘નીરખ ને...!” જરીક જો ને! ક્યાં? ઉપર વ્યાપેલા અતલાન્ત આકાશમાં? હા, ભાઈ, હા! એટલું કરે ને તોય તને ઘણુંઘણું સમજાશે. કાંઈ કરતાં આ અડખેપડખેની અનેક વસ્તુઓમાં તારો જીવ ગૂંચવાઈને પડ્યો છે તે ઊંચો ઊઠે છે, દૂર ખસે છે! જે કરવાનું છે તે એ જ છે. બાંધી લેતા પદાર્થોમાંથી જીવને વાળી લેવો એટલું માત્ર કરવાનું છે. આને માટે, તને ફાવટ હોય તો – અને ફાવટ ન હોય તો ધીરેધીરે ફાવટ કેળવીને – અંતરમાં, ઉપરના ગગન કરતાં પણ વધુ વિશાળ હૃદયગગનમાં જોતાં શીખ. ત્યાં કેવો આરતભર્યો અભીપ્સાભર્યો ‘અહમ્‌’ (હું) સર્વત્ર વ્યાપી રહેલા ‘સઃ’ (તે)ના ચરણમાં વિલીન થઈ તેની શોભા ઘણી માણી રહે છે અને ‘રસ સરસ’નું પાન કરે છે! ‘નીરખ ને–’ કહીને કવિ – અને તેય નરસિંહ મહેતા જેવા કવિ – આપણા ભોમિયા બન્યા એટલે ગુજરાતી ભાષાનું જ નહીં પણ વિશ્વસાહિત્યનું એક ભવ્ય ઉદાત્ત ચિત્ર પ્રત્યક્ષ થાય છે, બ્રહ્માંડના સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદ બાલકૃષ્ણનું વિરાટ સુંદર દર્શન આપણને મળે છે. આવું દર્શન થયું, સિદ્ધિ મળી, તેની એંધાણી શી? કાવ્યમાં એનો સૂચક શબ્દ છે ‘પ્રેમ’. આ આખું વિશ્વ એ સચિદાનંદની આનંદક્રીડા છે એ ભાન થયું એટલે વિશ્વના એકેએક પદાર્થ પ્રત્યે હૃદય, અભિસાર કરવા માંડશે, જે પદાર્થો કૃષ્ણ-લૂખા એટલે મરેલા જેવા લાગતા હતા તેમનામાં કૃષ્ણને જોશે અને એમને સજીવન કરશે, તે સૌને એ નિરંતર કૃષ્ણરૂપ સમજશે. આ જ પ્રેમની સંજીવની છે. કૃષ્ણપ્રેમ એ જ સંજીવની છે. કૃષ્ણપ્રેમ એટલે કૃષ્ણ માટેનો પ્રેમ અને કૃષ્ણ એ જ પ્રેમ. કૃષ્ણ પ્રેમસ્વરૂપ હોઈ તેમને પામવા માટેની પ્રક્રિયા એ જ છે કે કૃષ્ણ માટેના પ્રેમનો દરેકેદરેક પદાર્થ પર અભિષેક કરવો. એ સિવાય સકળ વ્યાપી રહેલા એ અકળ પકડાવાના શી રીતે? આપણે સહેલો રસ્તો લો તે : એને બધે જ પકડવા, કેમ કે એ બધે જ છે. નરસિંહ મહેતાએ કૃષ્ણને પામવાનો સ્વાનુભવથી લાધેલો કીમિયો આપણી આગળ ખુલ્લો મૂકી દીધો છે :

‘પ્રેમના તંતમાં સંત ઝાલે.’

‘નીરખ ને ગગનમાં’ – એ એક ઉદ્‌ગાર જીવાત્માને ધક્કો મારીને બ્રહ્મભાવ કેળવવાની દિશામાં મૂકી આપે છે. રવીન્દ્રનાથ ‘અંતર મમ વિકસિત કરો, અંતરતર હે’ એવી અંતર્યામીને વિનંતી કરે છે. જીવ, આ છેડેથી, આંતરવિકાસના માર્ગે બ્રહ્મભાવ કેળવવા સુધી પહોંચે એ હેતુથી સરળ પણ ગહન પ્રાર્થનાવાણી રવીન્દ્રનાથ ઉચ્ચારે છે. નરસિંહ પેલે છેડે ચાલતા ઉત્સવમાં જોડાવા જીવાત્માને પ્રેરે છે : જો, ગગનમાં કોણ ઘૂમી રહ્યું છે? સાંભળ, ‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ ગાજી રહ્યો છે. જે ઘૂમી રહ્યો છે તે જ હું છું એમ વિશ્વનો એકેએક પદાર્થ ગુંજી રહ્યો છે. તું દોડ, તે બધાની સાથે એ ‘તે જ હું!’ ‘તે જ હું!’ ગાનમાં ભળી જા. પછી તને રૂંવેરૂંવે પ્રતીતિ થશે કે તે તો ‘સકળ’, અહીં તું ઊભો છે ત્યાં પણ, ‘વ્યાપી રહ્યો’ છે. ‘નીરખ ને’ ઉદ્‌ગાર સાથે જ નરસિંહ બ્રહ્મયોગની દીક્ષા માટે સાધકને સાબદા કરે છે. આધ્યાત્મિક અનુભવની કવિતા વિરલ હોય છે. રહસ્યલક્ષી અનુભૂતિને રમણીય રીતે પ્રત્યક્ષ કરાવવી એ સવિશેષ મુશ્કેલીભર્યુ નીવડે છે. પણ નરસિંહ આરંભની પંક્તિમાં, પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન અને અંતે ‘સોઽહમ્‌’ ધ્વનિનું ગુંજન – એ દ્વારા ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળ(કૃષ્ણ)મૂર્તિનો નિર્દેશ એકસાથે રુદ્ર તેમ જ લલિત એવું ચિત્ર આંકી રહે છે અને આપણને સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદની અદ્‌ભુત સુંદર છવિ પ્રત્યક્ષ થાય છે. આખી કૃતિ ઉપર સૌંદર્યજ્યોતિનો પ્રકાશ પથરાઈ રહે છે. પ્રેમની જડીબુટ્ટીનું રૂપક અને અનંત ઉત્સવમાં પથ ભૂલેલી બુદ્ધિનું ચિત્રણ મનમાં રમી રહે છે. ‘અકળ-સકળ’, ‘અરધ-ઊરધ’, ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ છેલ્લી કડીમાં આખી અનુભૂતિને સુગઠિત કરવામાં જેવોતેવો ભાગ ભજવતા નથી. લયનો વિરાટ હિલોળો તો કાવ્યારંભે જ ‘નીરખ ને ગગનમાં’ એ શબ્દોમાં શરૂ થઈ ચૂક્યો છે. ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે’માં ‘સચ્ચિદાનંદ’ પછી આવતા ‘આનંદ’ શબ્દથી પારણાની એક છેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન છે. એ સૌંદર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ કૃતિ એ વિરાટ અનુભૂતિ વિરાટ (સબ્લાઇમ) શબ્દરચનારૂપે મૂર્ત થયાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. ગુજરાતી ભાષાની આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ તો એ છે જ, જગતકવિતામાં આ કક્ષાની કૃતિઓ વિરલ હોવા સંભવ છે. ભાષા નરસિંહના અનુભૂતિઉદ્‌ગારમાં જાણે તણાતી આવે છે. રચનામાં સંજીવની’ શબ્દના સંસ્કાર, પદ્યના લયમાં બેસે એવા, ‘સજીવંન’ રૂપાન્તરમાં સાચવ્યા છે. ‘ઊર્ધ્વ’નું ‘ઊરધ’ રૂપ તો કદાચ અધ્યાત્મવાર્તામાં ત્યારે પ્રચલિત પણ હોય (ઊર્ધ્વ-ઊર્ધ-ઊરધ). ક્યાંક વાક્યસંકોચન પણ છે. પહેલી કડીને તેમ જ ત્રીજી કડીને છેડે ‘તોલે’ શબ્દ આવે છે. પહેલી કડીમાં કહ્યું હતું કે અહીં શ્યામની શોભાની ‘તોલે’ આવી શકે એવું કશું જ નથી. આ ભૂમિકા રચેલી છે એટલે પછી ત્રીજી કડીની બીજી પંક્તિ ‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે’ આવે છે તેમાં કેટલુંક અધ્યાહાર છે તે આપણે ઉમેરી શકીએ છીએ. ‘ઝળહળ જ્યોત... નીસરે’ તે શ્યામની શોભાની ‘તોલે’ આવી શકે એમ આપણે વચલા શબ્દો સહેજે ગોઠવી શકીએ છીએ. નરસિંહની ભાષાની શક્તિ – ખાસ તો લય પાસેથી કામ લેવાની શક્તિ પહેલા શબ્દમાં જ ‘ને’ ના ઉપયોગમાં જોવા મળે છે : ‘નીરખ ને.’ ‘નીરખ’ કહ્યું હોત તો ચાલ્યું જાત. પણ ‘નીરખ ને’ કહેવાથી કેટલું બધું આત્મીય બની જાય છે. નરસિંહ આ ‘ને’ ના ઉપયોગમાં પાવરધા છે : ‘જળકમળ છાંડી જા ને, બાળા’, ‘જાગ ને જાદવા’, એ દૃષ્ટાંતો તરત યાદ આવે. જીવનના મહત્ત્વાકાંક્ષી સાહસમાં સાધકને પ્રેરવા વખતે આરંભમાં જ નરસિંહનો ઉદ્‌ગાર નીકળે છે ‘નીરખ ને’ એમાં એકીસાથે કેટલાં બધાં લાડ, આત્મીયતા, મૃદુતા, નિમંત્રણ, પ્રોત્સાહન, આજીજી ભરેલાં છે! ગુજરાતી વાણી બોલનારાં સૌ કોઈના કાનને – હૃદયને એ વાત્સલ્યનીતરતો શબ્દ ક્યારેક ને ક્યારેક છેડ્યા વગર રહેવાનો નહીં : ‘નીરખ ને!’

અમદાવાદ
૨૫-૯-૧૯૭૧