સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કિયે ઠામે મોહની ન જાણી

Revision as of 09:55, 14 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧. કિયે ઠામે મોહની ન જાણી

દયારામ

કિયે ઠામે મોહની ન જાણી રે,
મોહનજીમાં કિયે ઠામે?
ભ્રગુટિની મટકમાં કે ભાળવાની લટકમાં,
કે શું મોહની ભરેલી વાણી રે. મોહનજી૦
ખીટળિયાળા કેશમાં કે મદન-મોહન વેશમાં,
કે મોરલી મોહનની છાણી રે. મોહનજી૦
મુખારવિંદમાં કે મંદ હાસ્ય ફંદમાં,
કે કટાક્ષમોહની વખાણી રે. મોહનજી૦
કે શું અંગ અંગમાં કે લલિત ત્રિભંગમાં,
કે શું અંગઘેલી કરી સ્યાણી રે. મોહનજી૦
ચપળ રસિક નેનમાં કે છાની સેનમાં,
કે જોબનનું રૂપ કરે પાણી રે. મોહનજી૦
દયા પ્રીતમ પોતે મોહની-સ્વરૂપ છે,
તંન મંન ધન હું લૂંટાણી રે. મોહનજી૦