સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સાગર ને શશી
Jump to navigation
Jump to search
૨. સાગર ને શશી
મણિશંકર ભટ્ટ-‘કાન્ત’
[દોઢાવેલો ઝૂલણા]
આજ મહારાજ! જલ પર ઉદય જોઈને
ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહ ઘન, કુસુમવન વિમળ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સંતાપ શામે! ૫
નવલરસ ધવલ તવ નેત્ર સામે,
પિતા! કાલના સર્વ સંતાપ શામે!
જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલિકૂજન કરે, ૧૦
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
તરલ તરણિ સમી સરલ તરતી.
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
‘પૂર્વાલાપ’માંથી
સ્વાધ્યાય
૧. કવિ પોતાના મિત્રને કયો ઉપહાર આપે છે?
૨. ‘ઉપહાર’ કાવ્યને ચિત્રો દ્વારા વ્યક્ત કરી શકાય એવી કોઈ શક્યતા તમને લાગે છે? જો તમને એ શક્ય લાગતું હોય તો કયાં કયાં ચિત્રો વડે તમે એ કાવ્યના અર્થને સ્ફુટ કરશો?
૩. ‘ઉપહાર’નો વ્યંગ્યાર્થ સમજાવો.
૪. ‘સાગર ને શશી’માંથી વર્ણસગાઈવાળી પંક્તિઓ તારવી, એ સગાઈ કયા કયા વર્ણોને આભારી છે તે બતાવો.
૫. સાગર ઉપર શશીને લહેરાતો જોતાં કવિના મનમાં કયા ભાવો જાગે છે તે જણાવો.