સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વિસર્જન

From Ekatra Foundation
Revision as of 03:10, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨. વિસર્જન

ચંદ્રવદન મહેતા

[શિખરિણી]

પ્રભો! છંકારી દે સકળ ગ્રહ, તારા ઉદધિમાં,
અને સંકેલી લે ઘડીક મહીં આ રાસ રમવા;
ચડી ચોપાસે જો, પ્રલયપૂર વ્યાપે પલકમાં,
ગ્રહી લેજે મારું દૃગજલ, ખૂટ્યે શક્તિમહિમા!
ત્રુટે ગેબી ગુહા, અનલ સરખા વિશ્વ-ફરતા
ફરે ઝંઝાવાતો, ફરી ફરી બધુંયે જગ સીઝે!
ખૂટે એ વાયુ તો હૃદયભરમાં દાહ દવતા
નિસાસામાંથી યે પ્રલપપૂર તો એક ગ્રહજે!
અને પ્હાડોના જો, વીજતણખથી કોઠ જ ફૂટે,
ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજરજે,
પરંતુ વજ્રો શા દૃઢ વીજકડાકા કદી ખૂટે,
અરે, આ હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે!
નિસાસા, આંસુ ને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા! તુજમય નવા સર્જન મહીં.
‘ઇલાકાવ્યો’માંથી

સ્વાધ્યાય

૧. બંને સૉનેટ કયા રૂપની છે તે તપાસો.
૨. બંનેમાં ખુમારી કેવી છે તે દર્શાવો.
૩. બંનેમાં જે ચિત્રો રચાયાં હોય તે સ્પષ્ટ કરો.
૪. સૉનેટ શું તે (બીજા દાખલાઓ પણ લઈને) સમજાવો.