સાહિત્ય પલ્લવ – ભાગ ૩/રામપ્રસાદ શુક્લ

From Ekatra Foundation
Revision as of 10:32, 19 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રામપ્રસાદ શુકલ

[‘આંધી’ એ સૉનેટ એક મોટી ભાવના આપણી આગળ રજૂ કરે છે. વિશ્વમાં ગમે તેવા વંટોળ જાગે, ગમે તેવા ફેરફાર થાય, તોપણ આપણે બેચેની અનુભવવી જોઈએ નહિ. આપણી શાંતિ ચાલી ગઈ એમ ગણી વ્યાકુળ થવું જોઈએ નહિ. કેમકે આપણા જીવનમાં ઘણી વાર શાંતિ જેવું જે કાંઈ દેખાતું હોય છે તે સાચી શાંતિ હોતી નથી, જડતા ભરેલી ‘આભાસ શાન્તિ’ જ હોય છે. ઊલટું, તે જડતાને ખંખેરી નાખવા વંટોળિયા જાગે, પરિવર્તનો થાય તો તેમાં સાચી અને સબળ શાંતિનાં બીજ રહેલાં છે. ઉત્ક્રાન્તિ (વિકાસ evolution)ની આ શાન્તિને કવિ ‘સત્શાન્તિ’ કહીને ઓળખાવે છે, કેમકે તેમાં સૌ માનવજાતના કલહોનું શમન થઈ ગયું હશે અને એક્તા ભાવ એણે જન્માવ્યો હશે... માનવજાત યુધ્ધે ચડે છે, કેટલીક વાર કુદરતી પ્રકોપો માનવો ઉપર ગુજરે છે, ત્યારે ઉપરની ભાવના એ જ આપણું એક આશ્વાસન છે. વિષયનિરૂપણ સૉનેટના અષ્ટકમાં છે. પ્રથમ ચાર લીટીમાં આંધીના દેખાવનું વર્ણન કરી બીજી ચારમાં પ્રશ્નોની મદદથી અલંકારવાણીમાં તેનું દર્શન કરાવ્યું છે. ષટ્કની શરૂઆતમાં અગાઉના પ્રશ્નોનો ઉત્તર ગૂંથીને કાવ્યમાં એકાએક પલટો સાધ્યો છે. પછી તરત જ કવિ પોતાની ભાવનાનો સ્ફોટ કરી દે છે. આખરની પંક્તિઓમાં - ખાસ કરી ૧૩ મીમાં - ચોટ સાધી છે. આરોહ અવરોહવાળા લાંબા સ્ત્રગ્ધરા છંદની પસંદગી વિષયને ઘણી જ અનુરૂપ છે. બીજું કાવ્ય એક મધુર કરુણ ગીત છે. ગીતમાં પ્રાસ તેના શ્વાસોચ્છ્વાસ જેવા હોય છે; પણ કેટલીક વાર અર્થ ખાતર પ્રાસને જતા કરવા પડે છે — કારણ કે અંતે મહત્ત્વ તો અર્થનું જ છે ને? વાણી જો અર્થવાહી ન હોય તો તેની શી કિમ્મત? એથી આ ગીતની બીજી કડીમાં કવિ સહેલાઈથી ‘ઝૂમે છે’ની સાથે ‘ધૂમે છે’ને પ્રાસ મેળવી શક્યા હોત, પણ ‘જામે છે’થી જેવું ચિત્ર જામે છે તે પછી રહેવા પામત નહિ. અર્થને વફાદાર રહેવા માટે તેમણે તે પ્રલોભન જતું કર્યું છે તે નોંધવા જેવું છે. ત્રીજું કાવ્ય એક મુક્તક છે. આ કાવ્ય પ્રકાર ઘણો મુશ્કેલ હોય છે. એમાં ઘૂંટેલો ભાવ જો ન આવી શકે તો આ મુક્તકમાં વર્ણવેલી ગોદડી જેવું કાવ્ય બની જાય – પણ ના, એ ગોદડીમાંથી તો તારા દેખાય, જ્યારે પાતળા પોતના કાવ્યમાંથી કશું જ ન દેખાય. આ મુક્તકનું પોત તપાસવા માટે એને વારંવાર વાંચજો.]