સાહિત્ય પલ્લવ – ભાગ ૩/આગગાડીના અનુભવ

From Ekatra Foundation
Revision as of 11:19, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આગગાડીના અનુભવ

રમણભાઈ નીલકંઠ

જમીને અમે સ્ટેશન પર ગયા. ઘેરથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે ‘અંબારામ! આજનો દિવસ મોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ. રાવણનો પરાજય કરવા નીકળતાં શ્રીરામની વૃત્તિ કેવી હશે? કંસના વધનું કાર્ય આરંભતાં શ્રીકૃષ્ણનો ઉત્સાહ કેવો હશે! કીચકને મર્દન કરવાની યુક્તિ રચતાં ભીમસેનનો ઉમંગ કેવો હશે?’ ચકિત થઈ મેં કહ્યું ‘અકથ્ય, મહારાજ અકથ્ય.’ ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, ‘તો મારી વૃત્તિ પણ આજ અકથ્ય છે. મારો ઉત્સાહ પણ આજ અકથ્ય છે. મારો ઉમંગ પણ આજ અકથ્ય છે. અને અંબારામ! એમ ન સમજીશ કે આગગાડીમાં જાઉં છું તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે. મારો વેગ — મારો પોતાનો વેગ તને વિદિત છે? મેં કહ્યું, ‘મહારાજ, તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારી આપણે પાછા ફર્યા હતા તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા. તેવો વેગ કહો છો? ભદ્રંભદ્રે ગંભીરતાથી કહ્યું, ‘કંઈક તેવો, પણ તેથી સરસ.’ ઉત્સાહની વાતો કરતા કરતા અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બન્નેની ટિકિટ કરાવવા ભદ્રંભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો. બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રંભદ્રે કહ્યું, ‘શ્રીમોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’ ટિકિટ માસ્તર પારસી હતો. તેણે કહ્યું, ‘સું બકેચ? આય તો તિકિત આફિસ છે. ભદ્રંભદ્રે ઉત્તર દીધો. ‘યવન! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.’ ટિકિટ ઑફિસમાં એક હિંદુ હતો. તેણે કહ્યું, સોરાબજી, ‘એને ગ્રાંટરોડની બે ટિકિટ આપો.’ ટિકિટ આપતાં સોરાબજી બોલ્યા કે ‘સાલો કંઈ મૅદ થયેલોચ. હું તો સમજતો જ નહીં કે એ સું બકેચ.’ ભદ્રંભદ્ર હવે કોપ શમાવી શક્યા નહિ. તેમણે મોટે નાદે કહ્યું, ‘દુષ્ટ યવન! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે, મૂર્ખ’ — અગાડી બોલવાને બદલે ભદ્રંભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા હતા તે પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો હશે. પણ મને તો એટલું જ કહ્યું કે, ‘દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે, માટે મારે સ્નાન કરી લેવું પડશે.’ સ્નાન કરી રહ્યા પછી અમે આગગાડીમાં જઈ બેઠા. ગાડી ઊપડવાને પંદર મિનિટની વાર હતી તેથી નીચે ઊતરી પાણી છંટાવી ચોકો કરી તે ઉપર ઊભા રહી પાણી પીધું. ગાડી ઊપડવાની તૈયારી થઈ તેવામાં બે આદમી દોડતા દોડતા રઘવાયા થયેલા આવી બારણું ખેંચી બૂમ પાડવા લાગ્યા કે, ‘માસ્તર, આ તો બંધ છે. બારણું ઉઘાડો, બારણું ઉઘાડો.’ એક પોર્ટરે આવી બારણું ઉઘાડી બન્નેને જોસથી અંદર ધકેલી દીધા. તે ભદ્રંભદ્રની પાસે બેસી ગયા. ભદ્રંભદ્રે સંકોચાઈને પૂછ્યું, ‘કયી નાત છો?’ ‘બ્રાહ્મણ છીએ.’ એવો જવાબ મળ્યો એટલે ભદ્રંભદ્રે સંતોષથી પૂછ્યું, ‘ક્યાં જશો?’ ‘મુંબઈ’ કહ્યું એટલે જિજ્ઞાસાથી પૂછ્યું, ‘નામ શું?’ પેલા બેમાંના એકે કચવાઈને જવાબ દીધો, ‘મારું નામ રામશંકર અને આ ભાઈનું નામ શિવશંકર. પણ અમારાં ઘરનાં નામ નખોદિયો અને ઘોરખોદિયો છે. છોકરાં ન જીવે તેથી માબાપે એવાં નામ પાડેલાં.’ એક ઉતારુ બોલ્યો કે, ‘વહેમ, ઈમ કંઈ સોકરાં જીવે છે?’ બીજો ઉતારુ બોલી ઊઠ્યો, ‘અમારા ગામના શંભુ પુરાણીનો ભાણેજ મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો છે, તે તો કહે છે કે “એ તો સુધારાવાળાએ ઇંગ્રેજ લોકોની દેખાદેખી કરી શાસ્ત્ર જોયા વિના વહેમ વહેમ કરી કહાડ્યું છે. શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા શરીરમાં નાસકમાં કઠોડાં મળે છે તેવા કોઠા છે. તેમાં વચ્ચે કમરખ જેવી દાબડી છે, તેમાં પ્રાણવાયુ ભરેલો છે. આવાં હલકાં નામ બોલીએ ત્યારે કમરખ આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે એટલે તેના જોરથી પેલા કમરખમાંથી પ્રાણવાયુની ધાર છૂટે તે જીભને વળગી બહાર ઝરે તેની જોડે પેલું પિત્ત છૂટતું જાય ને તેનું જોર નરમ પડે એટલે આયુષ્ય વધે. તેથી એ કાંઈ વહેમ નથી. ખરી વાત છે. ઘણાએ અજમાવી જોયેલું છે.” આ વાતો ચાલતી હતી એટલામાં ગાડી ઊપડી. ઊપડી કે તરત ભદ્રંભદ્ર તથા હું ઊભા થઈ ‘માધવબાગકી જે!’ પોકારવા લાગ્યા. અમે તો ધાર્યું હતું કે ગાડીમાંના બધા લોકો અમારી સાથે ઊભા થઈ ‘જે’ પોકારવા લાગશે અને બીજી ગાડીઓમાં તથા સ્ટેશન પર પણ માધવબાગની ‘જે’ બધે ગાજી રહેશે, અને એ જયનાદથી જ શત્રુદળ ધ્રૂજી જશે. પણ તેમ ન થતાં બધા નવાઈ પામી અમારી સામું જોવા લાગ્યા. અમે બેસી ગયા એટલે પેલા વહેમ કહી ટીકા કરનારે મને પૂછ્યું કે ‘માધવબાગની જાત્રાએ જાઓ સો? એ તીરથ ક્યાં આવ્યું?’ આવું શરમ ભરેલું અજ્ઞાન જોઈને સ્તબ્ધ થઈને ભદ્રંભદ્ર ભણી જોયું. ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, ‘કેવી મૂર્ખતા! માધવબાગની વાત જાણતા નથી? જે સભાના સમાચાર દશ દિશામાં પ્રસરી રહ્યા છે, પૃથ્વીના ચતુરંતમાં વ્યાપી રહ્યા છે, દિગંતમાં રેલી રહ્યા છે; જે સભાના સમાચારના આઘાતથી મેરુ પર્વતની અચલતા સ્ખલિત થઈ છે, દિગ્ગજ લથડી પડ્યા છે, દધિસમુદ્ર શાકદ્વીપને ઉલ્લંઘી દુગ્ધસમુદ્ર સાથે એકાકાર થઈ ગયો છે; જે સભાના સમાચારથી સુધારાવાળા યવનાદિ શત્રુગણ ભયત્રસ્ત થઈ પલાયન કરતાં પડી જઈ શેષનાગના શીર્ષને ધબકારાથી વ્યથા કરે છે, આશ્રયસ્થાન શોધતાં અરણ્યવાસી તપસ્વીઓની શાંતિ ભગ્ન કરે છે, આર્તસ્વરથી દેવોની નિદ્રા હરી લે છે; જે સભાના દર્શન સારુ આવતા કરોડો જનોનાં ટોળાંએ માર્ગમાંનાં વ્યાઘ્રવરુને ભય પમાડી પોતે ઉજ્જડ મૂકેલાં ગૃહનાં નિવાસી કર્યાં છે; જે સભાના દર્શન સારુ ઊતરી આવતા દેવોનાં વિમાનેથી સૂર્ય આચ્છાદિત થતાં બ્રહ્માંડમાં અંધકાર વ્યાપી રહ્યો છે; જે સભાના દર્શન સારુ સમુદ્ર ઘડી ઘડી ઊંચો થઈ નિરાશ થઈ પાછો પડે છે, તે માધવબાગની સભાથી તમે અજ્ઞ છો? અપશોચ! અપશોચ!’ મોટે નાદે કહેલાં આ વાક્ય સાંભળી કેટલાક ઉતારુ ઊભા થઈ ગયા હતા, કેટલાક પાસે આવ્યા હતા, કેટલાક સામું જોઈ રહ્યા હતા, તેથી ભદ્રંભદ્ર પાટલી ઉપર ઊભા થઈ ગયા અને ભાષણ કરવા માંડ્યું. શંકરના પુત્ર ગણપતિનું સ્મરણ કરી ભદ્રંભદ્ર બોલ્યા કે, ‘ભારતવાસી આર્યજનો! શ્રવણ કરો! આપણી આર્યભૂમિમાં કેટલો અધર્મ વ્યાપી રહ્યો છે, આપણી આર્યનીતિ-રીતિગીતિધીતિપીતિ-પ્રીતિભીતિ અહા કેવી તે ઉત્તમ! અહા શી તે ઉત્કૃષ્ટ! અહા! જય જય શ્રી રંગ રંગ! ઉમંગ! નંગ! આવા દેશનું કેવું દુર્ભાગ્ય! શિવ! શિવ! શિવ! આપણો દેશ પૃથ્વીથી પણ શ્રેષ્ઠ હતો. દેવગણની કૃપા માત્ર આપણા દેશ પર જ હતી. બીજી ભૂમિઓના લોકોને ઇન્દ્રાદિ દેવો વિષે માહિતી નહોતી. ઇન્દ્રાદિ દેવોને તેમના વિષે માહિતી નહોતી. આજ લગી નહોતી, હાલ નથી અને હવે પછી નહિ થાય, એવી સર્વ કલા અને પ્રવીણતા, આ આપણા આર્યદેશમાં હતાં. આપણા મુનીઓ ત્રિકાળજ્ઞાની હતા એટલે કોઈ જાતની શોધ કરવાની તેમને જરૂર નહોતી. આપણા બાપદાદા આપણા જેવા જ સર્વ વાતે સંપૂર્ણ હતા. અહા! હાલ કેવી ભ્રષ્ટતા થઈ ગઈ છે, લોકો ધર્મહીન થઈ ગયા છે. વેદ ધર્મ કોઈ પાળતા નથી. પણ નિરાશ થવાનું કારણ નથી. આપણો આર્યધર્મ તો સનાતન છે. આપણે હજી એવા ને એવા શ્રેષ્ઠ છીએ. વિપરીત દેખાય છે તે માયા છે. સંસાર સર્વ માયામય છે. માટે ઊઠો! યત્ન કરો! જય કરો! અધર્મીનો નાશ કરો! અહા! આપણો ધર્મ કે નાશ પામ્યો છે! શાસ્ત્રની આજ્ઞાને વહેમ કહેનાર આ મૂર્ખા આપણા ધર્મનું રક્ષણ કરવા મળનારી માધવબાગ સભા વિષે કેવળ અજ્ઞ છે. રે મૂર્ખ! રે દુષ્ટ! રે પાપી! તારા જીવતરમાં ધૂળ પડી. તારાથી ગધેડા’— હું ભદ્રંભદ્રના પ્રતાપી મુખ તરફ જોઈ રહ્યો હતો. એથી તે એકાએક પડ્યા શાથી તે ખબર પડી નહિ. પણ પેલો વહેમ વહેમ કહેનાર રજપૂત કાં તો સ્નાનથી મોં પર બધે પસરી ગયેલા કંકુનો લેપ જોઈ ઉશ્કેરાયો હોય કે અધર્મ જોડે યુદ્ધ કરવાના આદેશમાં ભદ્રંભદ્ર જોડે યુદ્ધ કરવા મંડી પડ્યો હોય, પણ એકદમ તે નીચે પડ્યા કે તેમના પર ચડી બેસી તે મુક્કા પર મુક્કા લગાવવા લાગ્યો; ભદ્રંભદ્ર બૂમો પાડવા લાગ્યા; હું બારણું ઉઘાડું છે કે બંધ તે તપાસવા લાગ્યો; બે ત્રણ જણ અમારો સામાન તપાસવા લાગ્યા, પણ યુદ્ધના નિ:સ્વાર્થ આવેશમાં હું દૂરથી જ કાંપવા લાગ્યો. કોઈ ‘મારો લ્યા મારો,’ કોઈ ‘જવા દો લ્યા જવા દો’ એમ બૂમો પાડવા લાગ્યા. કેટલાક ઉતારુ વચમાં પડ્યા તેથી પેલો રજપૂત ખસી ગયો. ‘એ બામણો મને કુણ ગાળો ભાંડનાર? એ લાંબું લાંબું બોલ્યો તે તો હું ના હમજ્યો પણ મારા ભણી આંગળી કરી હો માણહ દેખતાં મને મૂરખ ને ગધાડો કહે સે તે જીવતો ના મેલું,’ એમ બોલતાં ઘડી ઘડી તે અમારી તરફ વળતો હતો. પણ બીજા લોકો તેને સમજાવવા ગાડીના બીજા ભાગમાં લઈ ગયા. ભદ્રંભદ્ર વાયુદેવને યુદ્ધમાં ઊતરવાનું કહેણ મોકલતા હોય તેમ મુખ અને નાસિકા દ્વારા ધમણ માફક પ્રાણવાયુની પરંપરા કાઢવા લાગ્યા. મેં ભાષણ અગાડી ચલાવવા કહ્યું ત્યારે કહ્યું કે ‘આવતે અગ્નિરથસ્થાપનસ્થલે બીજી ગાડીમાં જઈ ત્યાં બોધ કરીશું. એના એ જ માણસોને વક્તૃત્વશક્તિનો બધો લાભ આપી દેવો એ બીજા પર અન્યાય કહેવાય.’ ભદ્રંભદ્રના નિષ્પક્ષપાતી સ્વભાવ પર મને સાનંદાશ્ચર્ય પ્રેમ ઉત્પન્ન થયો. જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ભદ્રંભદ્ર રામશંકર અને શિવશંકર જોડે વાતો કરવા મંડી ગયા. શી મોટા માણસોની ઉદારતા! પેલા રજપૂત ભણી ક્રોધમય દૃષ્ટિ કરવાને બદલે તેની નજર ન પડે તેમ એક માણસને ઓથે બેઠા. હું પણ તે તરફ પીઠ કરીને બેઠો. રામશંકરને પૂછ્યું કે ‘મોહમયીમાં ક્યાં જશો?’ રામશંકર કહે કે અમારું મુંબઈમાં ઘર નથી, પણ, આ ઘોરખોદિયાને ભાઈબંધ કુશલવપુશંકરના કાકા પ્રસન્નમનશંકરને ઘેર ઊતરવાના છીએ. તમે ક્યાં ઊતરશો?’ ભદ્રંભદ્ર કહે, ‘અમારા પાડોશીના દીકરાના મામાનો સસરો ભરૂચમાં મહેતાજી છે. તેના કુઆના સાવકા ભાઈનો સાળો શ્રી ભૂલેશ્વર સમીપ મોતી છગનના માળામાં રહે છે તેને ત્યાં ઊતરવાનો વિચાર છે.’ આ વાતો ચાલતી હતી તેવામાં અમારા સામાનના પોટલા પર મારી નજર પડી. બધું ફીંદાઈ ગયું હતું તેથી મેં તપાસી જોયું તો માંહેથી એક ધોતિયું ને એક ચાદર ખોવાયેલાં માલૂમ પડ્યાં. ભદ્રંભદ્ર કહે ‘લાભ અને અલાભ પર ધીર પુરુષે સમદૃષ્ટિ રાખવી જોઈએ, આપણા વેદધર્મનું રક્ષણ કરવામાં તન ગુમાવું છું, મન ગુમાવ્યું છે અને ધન ગુમાવવાને તૈયાર છું. હજી તો મહાભારત પ્રસંગ આવવાના છે. માટે અંબારામ, શોક કરવો નહિ, પણ મિત્રના શોકમાં ભાગ લઈ તે ઓછો કરવો એ કર્તવ્ય છે. તારી ચાદર માટે હું શોક મૂકી દઉં છું, અને મારા ધોતિયા માટે તું શોક મૂકી દે.’ મને આ વહેંચણીમાં પૂરી સમજણ પડી નહિ, પણ ભદ્રંભદ્રના મુખની ગંભીરતા જોઈ મેં વધારે પૂછ્યું નહિ. પેલો શાસ્ત્રની વાતો કરનાર અમારી પાસે આવી બેઠો. તે ભદ્રંભદ્રને કહે કે, ‘મહારાજ આપ શાસ્ત્ર ભણેલા છો તેથી એક ખુલાસો પૂછવાનો છે. બ્રાહ્મણથી શિંગોડાં ખવાય કે નહિ?’ ભદ્રંભદ્રે કહ્યું. ‘કેમ ન ખવાય! ફરાળમાં શિંગોડાનો લોટ વપરાય છે ને?’ તે ઉતારુએ કહ્યું, ‘તે તો ખરું, પણ, અમારા ગામમાં એક શાસ્ત્રી આવ્યા હતા તે કહેતા હતા કે શાસ્ત્રમાં શિંગોડાં ખાવાની ના લખી છે. કેમકે તેનો આકાર શંકુ જેવો છે, અને તેથી તેમાં બ્રહ્માજીનો વાસ છે; કારણ કે અસલ બ્રહ્માંડરૂપી ઈંડું શિંગોડાં જેવું શંકુ આકારનું હતું.’ શાસ્ત્રનું આ મોટું અને ઉપયોગી તત્ત્વ સાંભળી ભદ્રંભદ્રના મુખ ઉપર ગંભીરતા પ્રસરી રહી. તેમની આંખોના ચળકાટથી તેમને કોઈ ચમત્કારી નવું જ્ઞાન પ્રાપ્ત થયાનું ભાન થતું હોય એમ જણાયું. તેમણે ઉત્સુકતાથી પૂછ્યું, ‘પછી તે શાસ્ત્રીએ શું કહ્યું?’ તે ઉતારુ કહે કે, ‘શાસ્ત્રી મહારાજે આખા ગામને દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરાવી ગોદાનના સંકલ્પ કરાવી તેના નિશ્ચય દીઠ દરેક પાસેથી રૂપિયો રૂપિયો લઈ સર્વને પાપમાંથી મુક્ત કર્યાં.’ ભદ્રંભદ્રના મુખ પર સ્વદેશહિતેચ્છુ હર્ષ જણાઈ આવ્યો. તેમની પરોપકાર વૃત્તિ તત્પર થઈ રહી. કપાળે આંગળી મૂકી એક ક્ષણ સ્થિર દૃષ્ટિએ વિચાર કરી તેમણે પોટલીમાંથી એક નોટબુક કાઢી. તેમાં “શ” નામના મથાળાવાળા પાના પર લખી લીધું કે, “શિંગોડાં – અભક્ષ્ય—આખા હિંદુસ્તાનને અને શિંગોડાં ખાનાર મૃત્યુ પામેલા પૂર્વજોને પ્રાયશ્ચિત્તની આવશ્યકતા — શંકા - પક્ષ-સિદ્ધાન્ત – શાસ્ત્રાર્થ.” પેલા ઉતારુને કહ્યું કે, આ વિશે વધારે વિચાર કરી પંડિતોના મત પુછાવી અને બનશે તો વિદ્વાનોની સભા કરી નિર્ણય પ્રસિદ્ધ કરાવીશું એટલે તમારા ગામમાં ખબર પડશે. સ્ટેશન આવ્યું એટલે બીજી ગાડીમાં જઈને બેઠા. પછી મને ભદ્રંભદ્ર કહે, ‘આ શિંગોડાનો પ્રશ્ન બહુ અગત્યનો છે; આખા દેશના કલ્યાણનો આધાર આ પશ્નના નિર્ણય પર છે. જે માણસના મનમાં સ્વદેશાભિમાનને અંશ પણ હોય તેનાથી આની અવગણના થાય તેમ નથી. જો આ વાત ખરી ઠરશે તો શિંગોડાંનિષેધક સભાઓ સ્થાપવી પડશે. શ્રી કાશી સુધી એ વાત લઈ જવી પડશે. વારુ અંબારામ! શિંગોડાં શબ્દની વ્યુત્પત્તિ શી છે?’ ‘મને ખબર નથી.’ ‘એ પણ શોધી કાઢવું પડશે. કદાચ કાલની સભામાં આ વાત મૂકવી પડશે. મારે વિચાર કરી રાખવો જોઈએ. મારાથી હમણાં ભાષણ નહિ આપી શકાય.’ એમને ગંભીર વિચારમાં પડેલા જોઈ હું બારી બહાર જોવા લાગ્યો. તારના થાંભલા હું બહુ રસથી ગણતો હતો એવામાં ભદ્રંભદ્રની પાઘડી એકાએક મારા પગ પર પડી. જોઉં છું તો તેમની આંખો બંધ હતી, નાકમાંથી ધ્વનિ નીકળતો હતો, અને ઘીના ઘાડવાવાળું ત્રાજવું સામે કાટલાં મૂકતાં ઊંચું નીચું થાય તેમ તેમનું ડોકું હાલતું હતું. મને એમણે એક વખત કહ્યું હતું કે, ‘હું નેત્ર બંધ કરી ધૂણતો હોઉં ત્યારે મને ઊંઘતો ન સમજવો. એ તો એક જાતની સમાધિ છે. એક બાવા પાસેથી હું શીખ્યો છું.’ તેથી તેમાં ભંગાણ પાડવું મને ઠીક ન લાગ્યું. વખતે શિંગોડાંના પ્રશ્ન માટે આ જરૂરનું હોય તેથી મેં પાઘડી મૂકી છાંડી.

સ્વાધ્યાય

૧. હાસ્યના જે જે પ્રસંગો તમને આમાં માલૂમ પડ્યા હોય તે નોંધો.
૨. ‘આગગાડીના અનુભવો ‘માંથી ભદ્રંભદ્રના વ્યક્તિત્વ વિષે તમારા મન પર જે છાપ પડી હોય તે આલેખો.
૩. આવા હાસ્યરસથી ભરેલા પ્રસંગો તમે ગુજરાતી કે અન્ય કોઈ ભાષામાં વાંચ્યા હોય તો જણાવો.
૪. આમાં જે પ્રસંગો વર્ણવ્યા છે તેમાં અતિશયોક્તિનો અંશ તમને મળે છે?