સાહિત્ય પલ્લવ – ભાગ ૩/આપણા સાહિત્યનું વિહંગાવલોકન

From Ekatra Foundation
Revision as of 13:32, 19 April 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
આપણા સાહિત્યનું વિહંગાવલોકન

પ્રાચીન કાળ

આપણી ભાષાનું આયુષ્ય હજી પૂરું હજાર વરસનું પણ થયું નથી છતાં તેનું ખેડાણ એટલા બધા – અને કેટલાક તો બહુ ઊંચી કોટિના એવા — લેખકોને હાથે થયું છે કે આઠ દસ પૃષ્ઠમાં તેની રૂપરેખા આંકવી મુશ્કેલ છે. છતાં ભાષા અને સાહિત્યના વિકાસનો કાંઈક ખ્યાલ આવે એ રીતે આપણે પાછલા કેટલાક સૈકાઓ પર ઊડતી નજર કરીએ. હિંદમાં સંસ્કારી વર્ગ જ્યારે સંસ્કૃત બોલતો ત્યારે સામાન્ય જનસમાજ પ્રાકૃત ભાષામાં વ્યવહાર ચલાવતો. આમ સંસ્કૃત અને પ્રાકૃત બંને જોડાજોડ વપરાતી. જેમ સિક્કા વપરાશથી ઘસાય છે તેવું જ કાંઈક શબ્દોનું પણ લાગે છે. તેમાં ફેરફાર થયા જ કરે છે. લોકોની બોલચાલની ભાષા પ્રાકૃતમાં ફેરફાર૧[1] થતા ગયા અને કાળે કરીને તેમાંથી એવી એક ભાષા બની જેને વિદ્વાનોએ અપભ્રંશ (બગડેલી-અશુદ્ધ ભાષા) તરીકે ઓળખાવી. આ અપભ્રંશનો જે એક પ્રકાર આપણા પ્રદેશમાં વપરાશમાં હતો તે ગૌંર્જર અપભ્રંશ. એમાંથી ધીમે ધીમે ગુજરાતી ભાષા બંધાવા પામી. આપણે અત્યારે બોલીએ છીએ તે રૂપ તો ગુજરાતીને હજી હમણાં ત્રણ ચાર સદીથી જ મળ્યું છે. નરસિંહમીરાંનાં ભજન આપણને બરોબર અત્યારની ભાષામાં મળે છે તે ઉપરથી એમ ન માનવું કે ઠેઠ તેમના સમયથી ભાષાનું રૂપ એવું હતું. તે ભજનો લોકોના કંઠમાં વસેલાં હોઈ પેઢીએ પેઢીએ તેમાં ફેરફાર થતા ગયેલા. નરસિંહનાં કાવ્યો તેના સમયની જ ભાષામાં આપવામાં આવે તે આપણને સમજવ મુશ્કેલ પડે.

પ્રેમ-શૌર્યનો પ્રવાહ

અત્યારનું રૂપ આપણી ભાષા પામી ત્યાં સુધીના વિકાસનો કડીબંધ ઇતિહાસ આપવાનું આ સ્થાન નથી. પણ અપભ્રંશના થોડાક દુહા વાનગીરૂપે અહીં ઉતારીએ છીએ જેથી આપણી ભાષાની જનનીનો અને તે ભાષા બોલનાર પૂર્વજોની ઊંચી ભાવનાઓનો કાંઈક પરિચય મળે :

પુતેં જાએં કવણુ ગુણ અવગુણ કવણુ મુએણ,
જા બપ્પીકી ભુંહડી ચંપિજ્જઈ અવરેણ?
(દીકરા જનમ્યે કોણ ગુણ, અવગુણ કોણ મર્યાંથી,
જો બાપૂકી ભૂંઈ તે ચાંપી જાય બીજાથી?)
ભલ્લા હુઆ જુ મારિયા, બહિણિ, મહારા કન્તુ;
લજ્જે જંતુ વયસિઅહુ, જઈ ભગ્ગા ઘરુ એન્તુ.
(ભલું થયું હે બહેન, જે રણ મુજ કંથ મરાયો,
હું લાજત સખીમાં, ઘરે ભાગી હોત જો આવ્યો.)
અમ્હે થોવા, રિઉ બહુઅ, કાયર એમ્વ ભણન્તિ;
મુદ્ધિ નિહાલ હિ ગયણયલુ કઈ જણ જોણ્હ કરન્તિ.
(ઘોડા અમે ને રિપુ ઘણા, કાયર એમ ભણે;
માથે જો, કે ગગનતલ કોણ ઉજાસ કરે.)
જીવિઉ કાસુ ન વલ્લહઉં, ઘણ ખુણુ કાસુ ન ઈઠ્ઠું?
દોણિ્ણ વિ અવસરનિવડિઆઈ તિણ સમ ગણઈ વિસિઠ્ઠું.
(વહાલું ન કોને જીવવું, ધન કોને નહિ ઇષ્ટ?
અવસર આવ્યે બેયને તૃણ સમ ગણે વિશિષ્ટ )
બાંહ વિછોડવિ જાહિ તુહું હઉં તેવંઈ કો દોસુ,
હિઅયઠ્ઠિઉ જઈ નીસરહિ જાણઉ મુંજ સરોસુ.
(બાંહ વછોડી જાય તું એમાં તે શો દોષ?
રદયામાંથી નીસરે તો જાણું, મુંજ, સરોષ.)
વાયસુ ઉડ્ડાવન્તિઅએ પિઉ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય, અદ્ધા ફુટ્ટ તડત્તિ.
(ઉડાડતી હતી કાગ ત્યાં સહસા દીઠો નાથ,
અર્ધ બલૈયાં પડી ગયાં, તડડડ ફૂટ્યાં આધ.
વિરહથી કાયા એટલી બધી દુર્બળ હતી કે નમીને કાંકરો
લેવા જતાં હાથનાં અર્ધાં બલૈયા નીચે સરી પડ્યાં, ત્યાં
એકાએક પતિદર્શન થતાં તેના આનંદથી એટલી બધી પ્રફુલ્લતા
અનુભવી કે રહી ગયેલાં અર્ધાં નાનાં પડવાથી તૂટી ગયાં.)

પ્રેમ અને શૌર્યથી ઊછળતી પ્રજાએ આપણને ગુજરાતી ભાષા આપી છે. એ હકીકત પ્રત્યેક ગુજરાતી બાળકે જીવનમાં વણી રાખવી જોઈએ. ધીરે ધીરે ભાષા, શ્રી. મુનશીનો શબ્દ વાપરીએ તો, ‘ગુજરાતીતા’ પામતી ગઈ. આ ગુજરાતીના સેંકડો કવિઓ થયા છે. તેમાં જૈન કવિઓ૧[2] પાંચસો-સાતસો જેટલા છે અને દયારામ સુધીના જૈનેતર૨ [3] (જૈન સિવાયના) કવિઓ અઢીસો લગભગ છે. આપણે કવિઓ કરતાં કવિતાના પ્રવાહોનો પરિચય કરીએ. ઉપર અપભ્રંશના દુહા આપ્યા છે તેમાં તરવરતા પ્રેમ અને શૌર્યનાં કાવ્યોનો પ્રવાહ તે પ્રથમ ધ્યાન ખેંચે છે. અસાઈ તે ‘જિમ વનિ ભૂલી હરણાલી’ એવી ‘હંસાવલી’ની કથા ગાઈ છે, અને મોડાસાના મુસલમાન કવિ અબ્દુર રહેમાને ‘સંદેશકરાસ’માં વિરહિણીનો સંદેશ ગૂંથ્યો છે. ઇડરનો શ્રીધર વ્યાસ શૌર્યઊછળતો ‘રણમલ્લ છંદ’ બુલંદ સ્વરે લલકારે છે. આ બધા કવિઓ તે આપણા ‘આદિકવિ’ ગણાતા નરસિંહની પહેલાંના છે એ લક્ષમાં રાખવાનું છે. આ પ્રવાહ પાછળથી પણ ચાલુ રહ્યો છે. પદ્મનાભનું ઐતિહાસિક ‘કાન્હડદે પ્રબંધ’ આપણી ભાષાના ઇતિહાસની દૃષ્ટિએ પણ ઘણું કીમતી છે. પ્રેમ વિષયક કાવ્યોનો પ્રવાહ પણ પાછળની ‘રૂપસુંદર કથા’ જેવી કૃતિઓમાં ચાલુ દેખાય છે. પણ ધીમે ધીમે ભક્તિ અને આખ્યાનોના પ્રવાહ વધતા ગયા અને પ્રજા પરવશ થતી ગઈ તેમ એ લુપ્ત થઈ ગયો અને છેવટે ગઈ સદીમાં નર્મદે એને પુનર્જીવિત કર્યો.

ભક્તિનો પ્રવાહ

ઈ.સ.ના દસમાથી તેરમા સૈકા સુધી આખા દેશમાં ભક્તિનું પ્રચંડ મોજું ફરી વળ્યું. છેલ્લા કેટલાક સૈકાઓમાં દેશ પર અનેક વિદેશી પ્રજાઓએ હુમલા કર્યા હતા. તેની સામે પોતાની સંસ્કૃતિ ટકાવી રાખવાનો ભક્તિ એ સૌથી મોટો ઇલાજ હતો. વૈષ્ણવ ધર્મ ભક્તિનો પ્રચાર દેશભરમાં કર્યો. લોકોએ પોતીકી સંસ્કૃતિનું ભાવભર્યા સરળ સુંદર ભજનો વડે સંરક્ષણ કર્યું. આ ભક્તિસાહિત્ય સામાન્ય જનસમાજને પણ પોતાના રસમાં તાણી જાય એવું હતું, અને યોગ્ય રીતે તે “વૈષ્ણવ વેદ”ના નામથી ઓળખાયું. ગુજરાતમાં ભક્તિના ગાયકોમાં અગ્રણી નરસૈંયો દિવેટિયો હતો. એને એક વાર ‘ભાભીએ મૂરખ કહી મેહેણું દીધું.’ નરસિંહને એ ‘વચન વાગ્યું’ અને ‘એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.’ શિવે પ્રસન્ન થઈ એને દિવ્યચક્ષુ આપીને કૃષ્ણની રાસલીલા દેખાડી. એ રાસલીલામાં મશાલ લઈને નરસૈંયો ઊભો રહ્યો અને દિવેટ બળી ગયા પછી પોતાનો હાથ બળવા માંડ્યો તેની પણ એણે પરવા કરી નહિ. આ દંતકથા નરસિંહની તલ્લીનતાનો સાચો ખ્યાલ આપે છે. એના જેવાં મસ્ત ભક્તિનાં અને તન્મયતાનાં ગીત ભાગ્યે જ કોઈએ ગાયાં હશે. પોતે રાધા બનીને કૃષ્ણનાં એણે ગોપીભાવે ગીત ગાયાં છે. વાણી અત્યંત સરળ, વેધક અને આરતવાળી છે. કવિતામાં ચિત્રો ઉઠાવવાની કળામાં નરસિંહ અજોડ છે. મીરાંબાઈ રાજપૂતાનાનાં હતાં, પણ દ્વારકાધીશને આશરે આવીને ગુજરાતમાં રહ્યાં હતાં. એમનાં પદો હૃદયની સચ્ચાઈભરી અને મુલાયમ લાગણીના ફુવારા જેવાં છે. ‘મીરાંકે પ્રભુ ગિરધર નાગર’ એ શબ્દો સદીઓથી ગુજરાતમાં બહુ લાડીલા થઈ પડ્યા છે. આપણા સૌથી વધારે સમર્થ એવા કવિ નરસિંહ મહેતાથી આ પ્રવાહ પોષાયો હતો. વળી એની ભક્તિગંગામાં મીરાંની મસ્ત યમુના મળી પછી તો પૂછવું જ શું? આ પ્રવાહમાં આપણા અનેક કવિઓએ પોતપોતાનો યત્કિંચિત્ ફાળો આપ્યો છે. છેક દયારામ સુધી (ઈ.સ. ૧૮૫૨) આ પ્રવાહ ચાલ્યો. અને પછી પણ લુપ્ત થઈ ગયો એમ માનવાને કારણ નથી. માનવ હૃદય છે ત્યાં સુધી એ છેક લુપ્ત થઈ શકશે કે કેમ એ પણ શંકાસ્પદ છે. અર્વાચીન યુગના મહાન કવિ શ્રી. નાનાલાલે પોતાના ઉપનામ માટે ‘પ્રેમ-ભક્તિ’ શબ્દો પસંદ કર્યા હતા અને ‘મારાં નયણાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી’ જેવાં આરજુભર્યાં ભજન પણ ગાયાં છે. શ્રી. મેઘાણી શ્રી. સુંદરજી બેટાઈ અને શ્રી. પ્રહ્લાદ પારેખ આ પ્રવાહના છેલ્લા અત્યારના પ્રતિનિધિ છે.

પૌરાણિક પ્રવાહ

પુરાણોમાંથી વારતાઓ ઉપાડીને રસિક રીતે લોકો આગળ તે રજૂ કરવી અને તેમને આનંદ સાથે બોધ આપવો એ ઉચ્ચ આશયથી આપણા અનેક કવિઓએ આખ્યાનો રચ્યાં છે અને એ તે તે કવિના સમયમાં અત્યંત લોકપ્રિય થયાં હોવાનો પાકો સંભવ છે. ગુજરાતમાં માણભટ્ટો આવાં આખ્યાનો ગામોગામ અને શેરીએ શેરીએ લલકારતા. આ સંસ્થા હવે મૃતપ્રાય છે. મોટાં શહેરોમાં આજે ક્યાંક ખૂણેખાંચરે બદલાયેલા જમાનાને અનુકૂળ થવા મથનાર માણભટ્ટો હારમોનિયમની સાથે સૂર ખેંચતા નજરે પડે છે. પણ જ્યારે ઊંચા પ્રકારનાં કાવ્યોની આ જ માણભટ્ટો ગામોગામ પરબો બેસાડતા હશે તે સમયની કલ્પના કરવા જેવી છે. ભાલણ, નાકર, વિષ્ણુદાસ, ભાઉ, વૈકુંઠ, વિશ્વનાથ જાની, એમ આખ્યાનકારોની લંગાર ચાલી આવે છે. એકએકને ટપી જાય એવા એ કવિઓ છે. ત્યાં આખ્યાનકાર-શિરોમણિ આવે છે મહાકવિ પ્રેમાનંદ. નરસિંહે સુદામાચરિતથી આ આખ્યાનપદ્ધતિની શરૂઆત કરી હતી. ભાલણે બે નળાખ્યાન લખ્યાં. નાકર, વિષ્ણુદાસ, ભાઉ અને વૈકુંઠે મહાભારતમાંથી પદ્યાનુવાદ આપ્યા. નાકરના નળાખ્યાનમાંથી ખુદ પ્રેમાનંદ જેવાએ પણ કેટલીક વસ્તુઓ અપનાવી, એવી એની સર્જકતા છે. વિશ્વનાથે નરસિંહ મહેતાનું ચરિત્ર ગાયું. પ્રેમાનંદે નળાખ્યાન, સુદામાચરિત અને કુંવરબાઈનું મામેરું એ ત્રણ આખ્યાન પહેલાંના કવિઓએ ગાયેલાં છતાં ફરી ગાયાં. પણ એના હાથમાં એ અમર કૃતિઓ બનવા પામી. એણે એ સિવાય ઘણું લખ્યું છે, જેમાં દશમ સ્કંધ એ પ્રૌઢાવસ્થાની કૃતિ હોઈ રસજમાવટની દૃષ્ટિએ ખાસ નોંધપાત્ર છે. પ્રેમાનંદની ભાષા સરળ, સંસ્કારી અને રસવાહી છે. પાત્રાલેખનની અને પ્રકૃતિવર્ણનની એની શક્તિ અત્યંત ઉચ્ચ કોટિની છે. ગમે તે રસની જમાવટ એ કુશળતાથી કરી શકે છે. એની રચનાઓમાં પૌરાણિક પાત્રો પૌરાણિકતા છોડીને ગુજરાતીતા ધારણ કરે છે. એનાં કાવ્યોમાં ગુજરાતનું જીવન ધબકતું દેખાય છે. એની જે કોઈ ખોડ હોય તો તે હાસ્યરસ જમાવતી વખતે કોઈ કોઈ વાર એ હલકી ભૂમિકાએ ઊતરી આવે છે એ છે. પણ કદાચ તે એને પોતાના શ્રોતૃવર્ગનું રંજન કરવા માટે કરવું પડ્યું હોય. એની પહેલાં કે પછી એટલી સફળતાથી કોઈએ આખ્યાન લખ્યાં નથી. મામેરું, સુદામાચરિત અને નળાખ્યાન આપણું સાહિત્યની ઉત્તમોત્તમ કૃતિઓમાંની છે અને કોઈ પણ ભાષારસિકે તેનો રસાસ્વાદ લીધા વગર રહેવું જોઈએ નહિ. આખ્યાનોનો પ્રવાહ પછીથી મંદ પડી ગયો. દયારામે અજામિલાખ્યાન લખ્યું પણ તેમાં બહુ કસ નથી. દલપતરામના વેનચરિત્રને નવી ઢબનું આખ્યાન ગણી શકાય.

કથાઓનો પ્રવાહ

ધાર્મિકતાનો પ્રચાર કરવાનો જેનો મુખ્ય હેતુ ન હોય એવી રંજનપ્રધાન કથાઓ આપવાની પદ્ધતિ જૂના સમયથી પ્રચલિત હતી. આપણું જૂનું સાહિત્ય માત્ર ધાર્મિકતાનું છે એ માન્યતા હવે ક્યારની ખોટી ઠરી ચૂકી છે. ભાલણે બાણની કાદંબરીનો પદ્યાનુવાદ આપ્યો હતો. અને તે આપણા સાહિત્યની એક ઉત્તમ સિદ્ધિ છે. સદયવત્સકથા અને બીજી સામાજિક વાર્તાઓ પણ કવિઓએ આપી હતી. પ્રેમાનંદ સુધીના સમયમાં પૌરાણિક આખ્યાનોની પદ્ધતિનો કસ એટલો બધો કાઢવામાં આવ્યો હતો કે પ્રતિભાવાળા કવિએ નવો માર્ગ જ લેવો રહે. આ કાર્ય શામળને માથે આવી પડ્યું. તેણે અનેક સામાજિક અને ચમત્કારિક વાર્તાઓ લઈ સરળ સંસ્કારી અને ધોધમાર પદ્યમાં એ રજૂ કરી. માતર તાલુકાના સિંહુજ ગામના રખીદાસ નામના પાટીદારે ગમાન બારોટને ખાસ મોકલી અમદાવાદ ગોમતીપુરથી એને પોતાને ત્યાં બોલાવી મંગાવ્યો અને તેની પદ્ય-કથાઓથી ખુશ થઈ પસાયતું કાઢી આપ્યું. આ રીતે પછાત વર્ગમાં શામળે કવિતાની સરિતા રેલાવી તેમને મનરંજન સાથે ‘છપ્પા’ઓ દ્વારા સદ્બોધ આપ્યો. આ પ્રવાહ શામળ પછી લુપ્ત થઈ ગયો. દલપતનર્મદથી વળી પદ્યમાં કથા કહેવાનો ચાલ શરૂ થયો છે. નવા કવિઓ પણ ખંડકાવ્યો, કથાકાવ્યો વગેરે લખે છે.

વૈરાગ્યનો પ્રવાહ

વૈરાગ્યની છાંટ નરસિંહમાં કાંઈક હતી, પણ ભક્તિના રંગ આગળ વૈરાગ્યનો ભગવો દેખાતો ન હતો. એ ભગવો તો અખામાં જોવા મળે છે. બનવા જોગ છે કે, ભક્તિપ્રવાહનો અતિરેક થયો હશે અને તેની સામે કંટાળીને અખાએ અકળાટથી કહ્યું હશે ‘રખે અખા તું એવું લવે.’ એણે જ્ઞાનને આગળ કર્યું અને ચોટદાર મર્માળા છપ્પા લખી લોકોની અંધશ્રદ્ધા એણે ખંખેરી. એની વાણી કાંઈક અણઘડ પણ ભારે જોસ્સાવાળી અને કંઠે વસી જાય એવી છે. એનું ખડખડાટ હાસ્ય એ ગુજરાતી સાહિત્યનું મહામૂલું ધન છે. અને જોવાનું તો એ છે કે આ વસ્તુ પ્રેમાનંદના આવતાં પહેલાં આપણને મળી ચૂકી હતી. અખા પછી પ્રેમાનંદ શામળે પોતપોતાના મૌલિક માર્ગો (આખ્યાનો અને કથાઓના) લીધા પછી ગુજરાતી સાહિત્યમાં કંઈક સુકવણા જેવું દેખાય છે. ભોજા ભગતના ‘ચાબખા’ અને ધીરાની ‘કાફીઓ’માં વૈરાગ્યના ઉદ્વારો છે. વચ્ચે ભક્તિનો પ્રવાહ કાળના રેતીથરો તળેથી ડોકિયું કરે છે, વલ્લભ મેવાડો ગુજરાતમાં ધમધોકાર ચાલવા માંડેલી માતા-ભક્તિ આવેશવાળી વાણીમાં ગાય છે. રાજે, મીઠો, રત્નો, રઘુનાથદાસ, થોભણ, પ્રીતમ વગેરે અનેક કવિઓ કૃષ્ણનાં ગીત ગાઈ ભક્તિના પ્રવાહને આગળ ધપાવે છે. એવે સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ પ્રેમાનંદ-સખી, દેવાનંદ, નિષ્કુળાનંદ વગેરે ભક્તિ અને વૈરાગ્ય એ બંને પ્રવાહોને પુષ્ટ કરે છે. છેલ્લે આવે છે દયારામ. તે ભક્તિપ્રવાહને ઘડીભર જીવંત કરી મૂકે છે અને આપણને રસનીગળતી ‘ગરબી’ઓ આપે છે. મૃદુતા, સરળતા અને ઘરગથ્થુપણામાં એની ભાષા અજોડ છે. અહીં એક બે વાત તરફ ખાસ લક્ષ ખેંચવાની જરૂર જણાય છે. પ્રથમ તો એ કે, શામળથી દયારામ સુધીના અનેક નાના મોટા કવિઓ તે ઉવેખવા જેવા નથી. એક નરભાનો જ દાખલો લો. એનું ‘નાણું આપે નરભો રે’ એ કેવું લાક્ષણિક કાવ્ય છે! બીજું, પારસીઓ જે અહીં આઠમી સદીમાં આવીને વસ્યા તેમનામાંથી પણ કેટલાકે પોતાના ધર્મગ્રંથોના ગદ્ય અને પદ્ય અનુવાદ કર્યા છે એ ભૂલવું જોઈએ નહિ. જૈનોની વાતમાં તો વિગતે આપણે અહીં ઊતરી શક્યા જ નથી. પરંતુ તેમણે પણ ભક્તિનું, આખ્યાનનું અને કથાનું અઢળક સાહિત્ય પોતાના ધર્મને લોકપ્રિય બનાવવા માટે રચ્યું છે. દયારામ પૂર્વે આપણી પાસે ધાર્મિકતાનું જ સાહિત્ય હતું, સંસ્કૃત છંદોમાં રચાયેલી કવિતા ન હતી, ગદ્યનું અસ્તિત્વ ન હતું, એવા જે ભ્રમો સાહિત્યમાં ચાલતા હતા તે હવે ખોટા ઠર્યા છે તે તરફ ધ્યાન ખેંચવું જરૂરી ગણીએ છીએ.

અર્વાચીન કાળ

આમ અનેક નાના મોટા પ્રવાહોથી પુષ્ટ થતી આપણી સાહિત્યગંગા જેમ જેમ આપણા યુગની નજીક આવતી જાય છે તેમ તેમ એના પ્રવાહમાં બીજાં અનેક નાનાં મોટાં વહેણા ભળતાં નજરે પડે છે. એવા એક પ્રવાહમાં અતિ સમર્થ — બ્રહ્મપુત્રા જેવો – જે સહેજે આપણી નજરે પડે છે તે ઓગણીસમી સદીથી આપણા પ્રજાકીય અને સામાજિક જીવનમાં જે મોટા મોટા ફેરફારો થઈ રહ્યા છે તેને આભારી છે. એ ફેરફારમાં અંગ્રેજી રાજ્યની સંસ્થાપના, યંત્રોનો વિસ્તાર, પરિણામે ભૌગોલિક મર્યાદાઓનો લોપ, નવી નવી અને વિશાળ ક્ષિતિજોના ઉઘાડ, વિદ્યાપીઠોની સ્થાપના, તેને પરિણામે અંગ્રેજી સાહિત્ય અને અંગ્રેજી સાહિત્ય દ્વારા વિશ્વસાહિત્યનો પરિચય, સંસ્કૃત અને ફારસીને અભ્યાસક્રમમાં બીજી ભાષા તરીકે સ્થાન મળતાં એ ભાષાઓની સાહિત્ય-સમૃદ્ધિની વધુ વિશાળ સમૂહમાં વ્યાપક બનેલી અસર—આ બધાંને પરિણામે જાણે બ્રહ્મપુત્રાના મિલન પછી વધુ વિશાળ બની ગંગા જેમ અનેક ધારે વિહરે છે તેમ આપણું સાહિત્ય પણ અનેક ધારે વહેવા મંડ્યું. એ ધારાઓની બે મુખ્ય શાખા અને અસંખ્ય ઉપશાખાઓ આપણે જોઈ શકીએ છીએ. મુખ્ય શાખાઓ તે ગદ્ય અને પદ્ય. ગદ્યની શાખાઓમાં નવલકથા (તેની વળી સામાજિક, રાજકીય, ધાર્મિક એવી એવી અનેક ઉપશાખા,) નવલિકા, નાટક, નાટિકા, નિબંધ (તેની પણ વિવેચનાત્મક, ચિન્તનાત્મક, વર્ણનાત્મક, હાસ્યપ્રધાન, સ્વૈરવિહારી — એવી એવી અનેક ઉપ-શાખા) — એવી અનેક શાખા ઉપ-શાખાનો સમાસ થાય છે; અને પદ્ય-પ્રવાહની ઉપ-શાખાઓમાં તેના બહિરંગ અને અંતરંગ પ્રમાણે પ્રવર્તતાં જુદાં જુદાં અનેક સ્વરૂપો આવે છે. જેમકે બહિરંગ પરત્વે ગેય અને પાઠ્ય એવા ભેદો. તેમાંય પાછા પેટા વિભાગો; જેવા કે ગેયમાં રાસ, ગરબા, ગરબી, ભજન, ગીત વગેરે. અને પાઠ્યમાં સૉનેટ, ખંડકાવ્ય, કથાકાવ્ય વગેરે. અંતરંગ પરત્વે પણ પાછી અનેક ઉપ-શાખાઓ – જેમકે પ્રકૃતિ કાવ્ય, ભક્તિ કાવ્ય, રાષ્ટ્રપ્રેમનાં કાવ્ય, પ્રણય કાવ્ય, વિરહ કાવ્ય, સામાજિક કાવ્ય, મૃત્યુવિષયક કાવ્ય — આવા આવા અસંખ્ય પેટા વિભાગો પાડી શકાય. ગદ્ય અને પદ્યના આ જુદા જુદા અનેક પ્રવાહો અને તેમનાં અસંખ્ય વહેણોના શક્ય તેટલા નમૂનાઓ સાહિત્યપલ્લવ’ના ત્રણે ભાગમાં મળીને આપ્યા છે. આ બધા પ્રવાહોએ હજુ પૂરો એક સૈકો જોયો નથી. અને એ દૃષ્ટિએ આપણને એ તદ્દન પરિચિત જેવા છે. એનો ઉદય કેવી રીતે થયો એનો ઇતિહાસ જાણવા જેવો છે.

ગદ્ય-પ્રવાહ

જૂના પ્રવાહના વિહંગાવલોકનમાં આપણે પદ્યના જ પ્રવાહો ચર્ચ્યા છે, એ જોતાં આજના આપણા એક નાનકડા વિદ્યાર્થીને પણ શંકા થવા સંભવ છે કે, ‘શું જૂના વખતમાં પદ્ય જ હતું કે માત્ર પદ્યના પ્રવાહો જ વર્ણવ્યા છે?’ એ શંકા નાખી દેવા જેવી તો નથી જ. અગાઉ ગદ્ય ન હતું એવું તો નહોતું જ તે તો આપણે ઉપર જોયું; પણ એક સાહિત્ય પ્રકાર તરીકે ગદ્યરૂપ વ્યાપક બની શક્યું ન હતું. છેલ્લા પોણોસો વર્ષમાં એ અતિ વ્યાપક બન્યું તે મુદ્રણકળાને આભારી છે. એ જેવા જેવું છે કે દુનિયાભરમાં સાહિત્યનાં એ બે અંગો — ગદ્ય અને પદ્યમાંથી સૌથી પહેલું પદ્ય ખેડાયેલું છે. ગદ્ય તો દરેક દેશમાં સાહિત્યના એક વાહન તરીકે બહુ મોડું આવ્યું. એનું મુખ્ય કારણ એ કે મુદ્રણકળાની શોધ પહેલાં સ્મરણશક્તિ ઉપર ઘણો આધાર રાખવો પડતો – અને એ દૃષ્ટિએ પદ્ય ઝટ મોઢે ચડે એવું હોય છે. વળી પદ્યમાં બહુ ટૂંકાણમાં પણ કહી શકાય છે. આ બધાં કારણોને લઈને ગદ્ય પહેલાં પદ્ય ખેડાયું. પણ આજે તો હવે બંને પ્રકારો સારી રીતે ખેડાય છે. અર્વાચીન ગદ્ય નર્મદથી શરૂ થતું લેખાય છે - જોકે દલપતરામે પણ એ પ્રકાર ખેડેલો છે, પણ એ બન્ને સમકાલીન હોઈ અને નર્મદે ગદ્યનો ધોધ વહાવ્યો હોઈ અર્વાચીન ગુજરાતી ગદ્યના જનક તરીકે નર્મદ લેખાયો છે. એનો મુખ્ય ફાળો નિબંધોને લગતો છે. ગદ્યનાં ખાસ સર્જનાત્મક અંગો – જેવાં કે નવલકથા, નવલિકા વગેરે એક વાર ગદ્યનો સાહિત્યના એક વાહન તરીકે વ્યાપક ઉપયોગ થવા માંડ્યો કે તરત ખીલી ઊઠ્યાં. એમાં ‘કરણઘેલો’ મહત્ત્વની જગ્યા રોકે છે. એ આપણી પહેલી નવલકથા. એ પછી તો નવલકથાઓનો પણ જાણે કે ધોધ ફાટ્યો છે – પણ જેમાં ગુજરાત હોય, ગુજરાતનું જીવન ધબકતું હોય, જેને જોઈને દુનિયાભરના લોકો પણ ગુજરાત શું છે તે સહેજે સમજી શકે એવી નવલકથા તો એક ‘સરસ્વતીચંદ્ર’ જ છે. ગુજરાત વિષે — ગુજરાતના જીવન વિષે આપણા અનેક લેખકોએ લખ્યું છે. મુનશીનાં મધ્યકાલીન ગુજરાતનાં ચિત્રો પ્રાણવાન છે – આમ છતાં વાસ્તવિક ગુજરાતના વ્યક્તિત્વનું કલાત્મક આલેખન તો ગોવર્ધનરામે જ કર્યું છે. ‘સરસ્વતીચંદ્ર’ને આપણે વિશ્વસાહિત્યનો દરબાર ભરાયો હોય તો વિના સંકોચે આપણા પ્રતિનિધિ તરીકે મોકલી શકીએ. મુનશી, રમણલાલ દેસાઈ, મેઘાણી, ધૂમકેતુ આદિની કૃતિઓ પણ આપણી નવલકથાના ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન ભોગવે છે. પણ હજુ એ ક્ષેત્રમાં ઘણું ખેડાણ બાકી છે. સૂક્ષ્મ મનોવિશ્લેષણ જે આ પ્રકારના સાહિત્યનું એક અતિ મહત્ત્વનું અંગ છે તેનાં હૃદયંગમ આલેખનો હજુ આપણી નવલકથાઓમાં નહિ જેવાં છે. એમ છતાં અત્યાર સુધીના આપણા પ્રયત્નોએ એવા સૂક્ષ્મમનોવિશ્લેષણને યોગ્ય વાહન મળી શકે એવી રીતે આપણી ભાષાને ખેડીને તૈયાર કરી છે. એ આજ સુધી લખાયેલી આપણી અનેક નવલકથાઓની જેવી તેવી સંસિદ્ધિ નથી. નવલિકા આમ તો નવો પ્રકાર લેખાય છે — બાકી એ છે તો પ્રાચીનમાં પ્રાચીન. આજે એની જે નવીનતા લેખાય છે તે તેના કલાતત્ત્વને અંગે. વાર્તા કહેવાની એ કળા આપણા આ યુગની આગવી સંસિદ્ધિ છે. ઘટના અને આયોજનના સુંદર તાણાવાણાવાળી એ કથાકારીગરી ધૂમકેતુ, દ્વિરેફ આદિથી માંડી પન્નાલાલ સુધીના આપણા અનેક લેખકોની કૃતિઓમાં જોઈ શકાશે. એ ક્ષેત્ર પણ હજુ તદ્દન નવું જ છે. હજુ તો એના પર હળ જ ફર્યું છે. વર્ષાનાં ઝાપટાં આવે અને એ ભર્યું ભર્યું બની રહે એવો યુગ તો હવે ચાલ્યો આવે છે – પણ એ યુગને આવવાની સુગમતા જેણે કરી આપી તેની સેવા જેવી તેવી નથી. આવું જ એકાંકી નાટકો માટે પણ છે. લાંબાં નાટકો આપણે ત્યાં પ્રમાણમાં ઓછાં લખાયાં છે. આપણા નવા યુગની શરૂઆતના આપણા કેટલાક સાક્ષરોએ સંસ્કૃત નાટકની ઢબનાં નાટકો લખ્યાં – જેમાં ‘રાઈનો પર્વત’ અને ‘કાન્તા’ માનભર્યું સ્થાન ભોગવે છે – પણ એ ક્ષેત્ર હજુ નહિ જેવું ખેડાયું છે. એનું એક કારણ એ છે કે, આપણા સાહિત્ય અને રંગભૂમિ વચ્ચે જોઈએ તેવો મેળ નથી રહી શક્યો. અને આજે તો રંગભૂમિ ઉપર જાણે કે પનોતી બેઠી હોય એવી એની સ્થિતિ છે. એટલે જ્યાં સુધી એ સ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી ચંદ્રવદન જેવા આપણા ઉત્સાહી અને શક્તિશાળી નાટ્યકારના અથાગ... પ્રયત્ન છતાં સાહિત્યપ્રકાર તરીકે નાટકનો વિકાસ થવો બહુ સંભવિત નથી દેખાતો. નિબંધની બાબતમાં નાટક જેવું નથી. ત્યાં આનંદશંકર ધ્રુવ, ગાંધીજી, કાલેલકર આદિ આપણા અનેક પ્રતિભાસંપન્ન પુરુષો અને આપણાં અનેક દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રૈમાસિક આદિ સામયિકોએ જાણે મોટો જુવાળ આણ્યો છે. એના હળવા પ્રકારો પણ જ્યોતીન્દ્ર, ધનસુખલાલ, પાઠક આદિએ સારી રીતે ખેડ્યા છે. પણ એ દિશામાં હજુ અનેક શક્યતાઓ રહેલી છે. અને નિબંધમાત્રનાં હજુ અનેક નવાં નવાં અંગો આપણું સાહિત્ય ખીલવી. શકશે એવી સ્પષ્ટ નિશાનીઓ આજે આપણે જોઈ શકીએ છીએ.

પદ્યપ્રવાહ

પદ્યમાં પણ અનેક પ્રયોગો થયા છે. શરૂઆતના બધા પ્રયોગો અંગ્રેજી સાહિત્યની અસર હેઠળ થયા હતા, અને એ અસર વ્યાપક રીતે સૌથી વધુ પ્રમાણમાં નરસિંહરાવમાં જોઈ શકાય છે; એટલે સાહિત્યના ઇતિહાસમાં પ્રાચીનોમાં અન્તિમ દલપતરામ લેખાય છે, અને અર્વાચીનોમાં આદિ નર્મદ લેખાય છે, છતાં કેવળ કાવ્યગુણની દૃષ્ટિએ નક્કી કરવાનું હોય તો અર્વાચીનોમાં આદિ નરસિંહરાવ લેખાવા જોઈએ. એમનાથી શરૂ થયેલો કાવ્યપ્રવાહ એક બાજુ અંગ્રેજી સાહિત્ય અને બીજી બાજુ સંસ્કૃત તથા ફારસી ને આપણા જૂના ગુજરાતી સાહિત્યમાંથી પ્રેરણા પામી ધીમે ધીમે સમૃદ્ધ બનવા માંડ્યો. એ પ્રવાહમાં એક બાજુએ આપણે બાલાશંકર કંથારિયા, મણિલાલ દ્વિવેદી, કલાપી જેવા સૂફી અસરવાળા કવિઓની છાલકો જોઈએ છીએ; તો બીજી બાજુ કાન્ત જેવાને સંસ્કૃતના વાણીવૈભવ અને ભાવસૌકર્યની ઊર્મિઓ જગાડતા જોઈએ છીએ; તો ત્રીજી બાજુ નાનાલાલ જેવાને સંસ્કૃત, ફારસી, અંગ્રેજી, જૂની ગુજરાતી અને આપણાં લોકગીતોની ઉત્તમોત્તમ કાવ્યશ્રીના અમૃતઘૂંટ પી પી આપણી સાહિત્યગંગામાં શરદનાં નીતર્યાં નીરની છટા ઉતારતા આપણે જોઈએ છીએ. આ બધા પ્રવાહો આમ ખૂબ સુંદર છે, પણ તે બધાનું પ્રભવસ્થાન સ્થળ અને કાળની દૃષ્ટિએ આપણા પ્રજાજીવનથી ઘણું દૂર સાહિત્યના જ જગતમાં છે. એ બધા પ્રવાહોથી કંઈક જુદો જ પ્રવાહ આપણે બળવંતરાયનામાં જોઈએ છીએ. એમણે કવિતાને વાસ્તવિક જગત ઉપર ઉતારવા પ્રયત્ન કર્યો; તેના ઊર્મિતત્ત્વમાં વિચારની માત્રાને વધારી દીધી—અને પરિણામે વિચારપ્રધાન કવિતાનો એક પ્રવાહ પણ આપણાં સાહિત્ય-વહેણમાં દેખાવા લાગ્યો. એ પ્રવાહ પૂરેપૂરો સ્પષ્ટ બન્યો ૧૯૧૭માં જ્યારે ‘ભણકાર ધારા પહેલી’ની પહેલી આવૃત્તિ બહાર પડી. ત્યાર બાદ ત્રણેક વર્ષમાં જ આપણું પ્રજાજીવન એક મોટા ઝંઝાવાતથી હાલી ઊઠ્યું. એ ઝંઝાવાત હતો ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિઓનો, અસહકારનો. એનાથી આપણી સાહિત્ય-સૃષ્ટિનાં નીર ખૂબ ડહોળાયાં. એ સ્થિતિ દશેક વર્ષ રહી. એમાં લોકગીતો તરફ આપણી નજર નવા યુગે આપેલી સ્વદેશી ભાવનાના ઘેનમાં વધુ જોરથી ગઈ — અને આપણને મેઘાણીની અનેકવિધ પ્રવૃત્તિનો લાભ મળ્યો. ખબરદારે એ યુગની પ્રેરણાનાં રાષ્ટ્રગીતોનું ગુંજન આપ્યું. પણ નીર ડહોળાયેલાં જ રહ્યાં. વિચાર ઘૂંટાતા જ ગયા, અને આપણા કવિઓની નજર વધુ ને વધુ વેધક બનતી ગઈ. એમાં વળી સમાજવાદનાં વિચાર-વહેણો આવી ભળ્યાં. પરિણામે ૧૯૩૦ પછી એક નવો જ પ્રવાહ વહેવા માંડતો આપણે જોઈએ છીએ. સુન્દરમ્ આદિએ પુષ્ટ કરેલો એ પ્રવાહ બહિરંગ પરત્વે બળવન્તરાયે વહાવેલા પ્રવાહને અનુસરે છે – તેમ જ નાનાલાલ, કાન્ત આદિમાંથી ચિરંતન તત્ત્વોનો પણ સ્વીકાર કરે છે – પણ એ બધાથી એ જુદો પડે છે એના પ્રભવસ્થાનની બાબતમાં – એના પ્રેરણાના કેન્દ્રની બાબતમાં. એ કેન્દ્ર છે આપણા દેશની સામાન્ય જનતા, તેમના રોજના વ્યવહારો, તેમની વેદના, તેમના ઉત્સવો ને તેમના કલહો, તેમની આશા અને તેમની નિરાશા. આ પ્રવાહ ક્યાં જશે, એ કેમ વહેશે વગેરે સંબંધી આજે કંઈ પણ આગાહી કરવી એ વધુ પડતું છે; પણ એટલું તો કહી શકાય કે એ પ્રવાહે ગુજરાતનાં જીવનને કેટલેક અંશે આર્દ્ર કર્યું. છે. એ આર્દ્રતા શામાં પરિણમશે એ તો કેવળ ભવિષ્ય જ કહી શકે. આમ જૂના પ્રેમ-શૌર્યના પ્રવાહને આપણે ફરીથી જુદી રંગ-લહેરે વહેતો જોઈએ છીએ. એ આખા પ્રવાહનું દર્શન મનોહારી છે. એ જોતાં આપણું હૃદય ભક્તિ અને ઉમળકાથી છલકાઈ રહે છે — અને નાનકડું એવું આપણું આ ગુજરાત એની સંસ્કારસમૃદ્ધિમાં હિન્દના બીજા ભાગો કરતાં કોઈ રીતેય પાછળ નથી એ વિચારે આનંદ થાય છે. એ આપણું ગુજરાત અને એ આપણી ગુર્જરગિરા વધુ ને વધુ સમૃદ્ધ બને ને નર્મદની ઘોષણા સદાય આપણા ઉરેઉરમાં પડઘો પાડી રહો કે જય જય ગરવી ગુજરાત!


  1. ૧. સંસ્કૃતમાં ફેરફાર ન થયા કેમકે કાળજીપૂર્વક તેનું વ્યાકરણ રચીને તેને સંસ્કૃત (સુધરેલી, સંસ્કારવાળી) બનાવવામાં આવી હતી. તેમાંથી તે ચસકી શકે એમ ન હતું. જ્યારે અભણ લોકની બોલચાલમાં તો પરિવર્તન થયે જ ગયાં.
  2. ૧. જૈન કવિઓની હકીક્ત ‘જૈન ગુર્જર કવિઓ’માં શ્રી. મોહનલાલ દલીચંદ શાહે વિગતે આપી છે. ‘આનંદકાવ્યમહોદધિ’માં તે કવિઓની કૃતિઓ સંગ્રહાઈ છે.
  3. ૨. શ્રી કેશવરામ કા. શાસ્ત્રીએ ‘કવિચરિત’ના ભાગોમાં જૈનેતર કવિઓનો પરિચય કરાવ્યો છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

***