ગુજરાતી નારીસંપદા : કવિતા/તું સાગર છે

Revision as of 01:58, 22 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તું સાગર છે

દક્ષા વ્યાસ

તું સાગર છે.
સમુદ્ર, જલનિધિ, રત્નાકર...
એક પછી એક નામ સ્મરું છું;
તમામ પુરુષવાચક
તારું વિશાળ વક્ષઃ સ્થલ અવશાત્ આમંત્રે છે મને
લહેરાતી અનંત રોમાવલિઓ
લાગણીઓના ઝલમલ પટ પર ઝુલાવે છે મારા અસ્તિત્વને.
મારી જાણ બહાર હું
તારી સાવ સન્મુખ.
ક્યારે....
કઈ પળે...
ન જાને...
ઊછળી ઊછળીને
વળ ખાઈ ખાઈને
તારાં ધસમસતાં મોજાં પખાળે છે મારાં ચરણને
ક્ષણે ક્ષણે વધતો જતો વેગ
વિચલિત કરી દે છે મનને.
પગ તળેની રેતી સરકતી જાય છે
અવશ બનીને ધકેલાતી જાઉં છું
ખળ ખળ વહેતાં જળની સાથે સાથે....
જાણું છું, તું સાગર છે.
પુરુષ છે.
આવેગપૂર્વક તાણી જાય છે
તે પાછી કિનારે ફેંકવા જ.
ને છતાં....

***