ગુજરાતી નારીસંપદા : કવિતા/દાનવની સભા

Revision as of 02:01, 22 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દાનવની સભા

વર્ષા દાસ

પુરુષોની સભામાં
એક દાનવે ઊભા થઈને આંગળી ચીંધી
સભાની એક માત્ર અમલા મહિલા તરફ.

ક્રોધથી કચકચાવ્યા દાંત
આંખોમાંથી વરસી આગ
છોડ્યાં ઢગલાબંધ વિષબાણ.

સ્થિર શાંત જળાશયમાં
પથ્થરોની ભરમાર,
પણ આશ્ચર્ય!
પાણી થરથર્યું સુધ્ધાં નહીં!

દાનવ વસ્ત્રહરણ કર્યે જતો હતો,
સતનું તેજ અમલાને ઢાંક્યે જતું હતું.
પુરુષો માથાં નમાવીને બેઠા હતા.
એ માથામાં સત્યનો સાથ દેવાની ક્ષમતા નહોતી.

શેતાનનો પ્રતિકાર કરવાની ઇચ્છા પણ નહોતી.
કારણ?
કારણ કે દાનવના હાથમાં ધનની પોટલી હતી
ને પુરુષોના હાથમાં ભિક્ષાપાત્ર.
કાલે ન કરે નારાયણ
જો દાનવની પોટલી ચોરાઈ જાય તો?

જમીનમાં માથાં દાટીને બેઠેલા ભિખારીઓ
શું માથાં ઊંચકી શકશે?
કે પછી લાંબા સમયથી
ઝૂકેલા રહેવાથી
કદાચ એ બધા ભૂલી જ ગયાં છે
કે એમને ધડ પર એક માથુંયે છે!

***