ગુજરાતી નારીસંપદા : કવિતા/આ હું અને સાગર
આ હું અને સાગર
પ્રીતિ સેનગુપ્તા
⯐
આ હું, અને સાગર, અને આકાશ - બીજું કૈં નહીં.
મોજાં અને આ રેત ને ખારાશ-બીજું કૈં નહીં.
કાંઠા ઉપર ફરતાં મળે મોતી વળી શાનાં? અરે,
આ તૂટલાં શાં છીપલાં, આ વાસ-બીજું કૈં નહીં,
અક્કેક પળનું આવવું, પાછાં જવું, શું કારણે?
બસ, રાત ને દિવસ અને આ શ્વાસ નહીં બીજું કૈં નહીં.
હોઈ શકે છે દૂરનું-કોઈ ઘણું પોતીકડું,
ને પારકું પણ હોય પાસોપાસ-બીજું કૈં નહીં.
હૈયું ફરી છલકે, વહે, વહેતું રહે પાણી રૂપે,
કૈં પૂર કૈં કાદવ અને લાલાશ બીજું કૈં નહીં.
મિત્રો, ચલો, દિલની કહું વાતો બધી નાનીસૂની,
અટકળ, અને આઘાત ને અવકાશ નહીં બીજું કૈં નહીં.
***