ગુજરાતી નારીસંપદા : કવિતા/કોરો કાગળ
Jump to navigation
Jump to search
કોરો કાગળ
લતા હિરાણી
⯐
સાવ કોરો કાગળ જોઇએ મારે
ને એમાં મારું સ્થાન
મારી દિશા
હું જ નક્કી કરું
લીટીઓ દોરી આપે કોઇ
મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
મારા શબ્દોને
કોઇ કહે એમ ખસવાનું
એટલું જ ઉતરવાનું કે ચડવાનું
મને મંજુર નથી
એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
એક એક અક્ષર નોખો
એક એક માનવી અનોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી
હું એટલે
મારામાં વહેતું ઝરણું
મારામાં ઉગતું તરણું
ને એમાંથી પ્રગટતા શબ્દો...
***