ગુજરાતી નારીસંપદા : કવિતા/ઠાર કરી દો
ઠાર કરી દો
દીના શાહ
⯐
સૌને પોતીકાં માને છે, આ માણસને ઠાર કરી દો,
વ્હાલને માટે એ વલખે છે, આ માણસને ઠાર કરી દો.
ટોળું નીરખે તો ભાગે છે, બસ, એકલતાને ઝંખે છે,
ફૂલ જુએ તો એ મલકે છે, આ માણસને ઠાર કરી દો.
ઘરની બ્હાર જતાં પહેલાં એ ઘરની ભીંતે ખીંટી ઉપર,
પડછાયો ટાંગી નીકળે છે, આ માણસને ઠાર કરી દો.
દુનિયાદારી વ્યવહારોમાં સાવ અજાણ્યો થઈને ફરતો,
કારણ વિના સ્મિત કરે છે, આ માણસને ઠાર કરી દો.
શબ્દો પણ સાદા સીધા ને અલ્પ વિરામો ક્યાંય ન આવે,
સાવ સહેલું એ બોલે છે, આ માણસને ઠાર કરી દો.
‘દીના’ એની ચામડી નીચે માણસ નામના અવશેષો છે,
એના મનમાં શું સમજે છે! આ માણસને ઠાર કરી દો.
***